Pages

ગુરુવાર, 17 ઑગસ્ટ, 2023

શિવાલયનો મહિમા - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય:-  ફાલ્ગુની વસાવડા

શીર્ષક:- શિવાલયનો મહિમા


અતિ પ્રાચીન એવા સોમનાથ મંદિરનો કેટલીય વાર વિનાશ થયો અને ત્યારબાદ ફરી પાછું ઊભું થયું, આ બતાવે છે કે સત્યનો ક્યારેય પરાજય થતો નથી.


     આજે શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને શ્રાવણ મહિનો ખાસ કરીને ભગવાન શંકરની આરાધનાનો મહિનો કહેવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ ફરમાવતા હોવાથી લોકો શંકરની આરાધના કરે છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ સર્વ પ્રથમ ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગના દર્શન કરવા આવે છે. પરંતુ ગુજરાતના સોમનાથ મંદિરની એવી ઘણી બધી જાણીતી બાબતો છે જેના વિષે ઘણા ઓછા ભક્તો જાણે છે.આમ તો સમગ્ર ભારતમાં ઘણા બધા શિવાલયો આવેલા છે. પરંતુ ગુજરાતમાં સુપ્રસિદ્ધ સોમનાથનું મંદિર આવેલું છે, અને તે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે માનવામાં આવે છે. ઘણા બધા શિવલિંગ સ્વયંભૂ હોય છે, કોઈ ની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હોય છે, તો કોઈમાં સ્વયં પ્રગટ થાય છે અને તેની દિવ્ય જ્યોત સ્વરૂપે તે એમાં કાયમ વિરાજમાન છે. તો આવા એક જ્યોતિર્લીંગ એટલે કે ભગવાન સોમનાથ મહાદેવની આજે આપણે વાત કરીશું.


      જ્યોતિર્લિંગ તરીકે જાણીતા અને ગુજરાતનાં ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ પ્રદેશમાં સ્થિત એવા સોમનાથ મંદિરનો ઇતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે, અને તે અત્યંત પ્રાચીન શિવલિંગ છે. બહુ મોટો દરિયા કિનારો ધરાવતો સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં બિરાજમાન આ સોમનાથ મહાદેવ ઉત્તમ સ્થાપત્યનો નમૂનો પણ છે, વિશાળ પટાંગણ ધરાવતું મંદિર ઐતિહાસિક કલાકારી ધરાવે છે.આટલી મોટી ઊંચાઈ અને પહોળાઈ ધરાવતો શિવલિંગ લગભગ બીજે ક્યાંય જોવા મળતું નથી.


      સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. ૭૨૫ની સાલમાં સિંધના અારબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલ્કતની લુંટ કરી હતી. લુંટ કર્યા પછી, મંદિરના અસંખ્ય યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. ૧૦૨૬ -૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી મંદિર તોડી પાડ્યું.


    આમ અતિ પ્રાચીન એવા સોમનાથ મંદિર કેટલીય વાર વિનાશ થયો અને ત્યારબાદ ફરી પાછું ઊભું થયું આ બતાવે છે કે સત્યનો ક્યારેય પરાજય થતો નથી સ્કંદ પુરાણ શિવ પુરાણ શ્રીમદ ભાગવત અને ઋગ્વેદમાં સોમનાથના મંદિર વિશે નો ઉલ્લેખ છે. આ મંદિર સાથે મુખ્ય એક કથા જોડાયેલી છે. દક્ષ પ્રજાપતિની 28 પુત્રીઓ સાથે ભગવાન ચંદ્ર એટલે કે સોમના લગ્ન થયાં અને તે એમાંથી ફક્ત એક રાણી એટલે કે રોહિણી સાથે જ સમય વ્યતીત કરતા હોવાથી બાકીની પુત્રીઓ પિતાના ઘરે જઈ ફરિયાદ કરે છે અને દક્ષ પ્રજાપતિ ચંદ્ર ને શ્રાપ આપે છે કે તારો ક્ષય થશે રોહિણી અને ચંદ્રદેવ ખૂબ જ આકરી તપસ્યા કરે છે, અને ભગવાન શંકર પ્રસન્ન થઈ અને ૧૫ દિવસનો ક્ષય અને પંદર દિવસ ચડતી એ રીતે ચંદ્રને વરદાન આપે છે ભગવાન સોમ એટલે કે ચંદ્રમા પ્રસન્ન થઈ અને સોનાનાં લિંગની સ્થાપના કરે છે, ત્યારબાદ ત્રેતાયુગમાં રાવણ ચાંદીના શિવલિંગની આ જગ્યાએ સ્થાપના કરે છે, અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં લાકડાના શિવલિંગની સ્થાપના કરે છે, ત્યારબાદ આ અત્યાર નું શિવલિંગ અસ્તિત્વમાં આવ્યું છે.

  

      ઈતિહાસવિદોના જણાવ્યા મુજબ સોમનાથ પાસે પ્રાચીન સમયમાં કપિલા, હીરણ અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો સંગમ થતો હતો. એવું માનવામાં આવે છે કે એક શ્રાપને કારણે પોતાની ચમક ગુમાવી દેનાર ચંદ્ર દેવતાએ અહીં સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાનું રૂપ પાછુ મેળવ્યું હતું.


    ભારતના પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરવાથી માલૂમ પડ્યું છે કે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેતા યુગમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ કરવામાં આવી હતી. શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય વેદિક શોધ સંસ્થાનના ચેરમેન સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતિજીના જણાવ્યા અનુસાર લગભગ 7,99,25,105 વર્ષ પહેલા આ મંદિર પહેલી વાર બંધાયું હતુ. તેનો રેફરન્સ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાંથી મળે છે. આ મંદિર હજારો વર્ષોથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે.


     1024માં આ મંદિર અફઘાનિસ્તાનના સુલતાન મહોમ્મદ ગઝનીએ નષ્ટ કરી નાંખ્યુ હતુ. મહંમદ ગઝનીએ જ્યારે સોમનાથના મંદિર પર ચડાઈ કરી ત્યારે સોમનાથના મંદિરનો વૈભવ શબ્દોમાં ન વર્ણવી શકાય તેવો હતો, સોના ચાંદી તથા રત્નો જડિત મૂર્તિઓ, અને ૩૦૦ જેટલાં નટ ને નટીઓ ભગવાન શંકર સામે રોજ નૃત્ય કરતાં હતાં, આ ઉપરાંત બીજા પણ બધાં દાસ દાસીઓ હતાં, અને આ એશ્વર્ય થી લલચાઈ ને તેણે તેની પર ચડાઈ કરી હતી. તેણે થાર રણ પરથી આ મંદિર પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ સોલંકી રાજા ભોજ અને અણહિલવાડાના ભીમદેવ 1એ આ મંદિર 1026થી 1042 વચ્ચે ફરી બનાવડાવ્યું હતું. એ સમય મંદિર લાકડાથી બનાવડાવ્યું હતું પરંતુ પાછળથી કુમારપાળ રાજાએ પથ્થરનું મંદિર બનાવડાવ્યું હતુ.


    1296ના વર્ષમાં અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકોએ ફરી સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. ગુજરાના રાજ કરણની હાર થઈ હતી અને તેને દેશ છોડી ભાગી જવાની ફરજ પડી હતી. રાજા મહિપાલ દેવે 1308માં ફરી મંદિર બનાવડાવ્યું હતું અને લિંગનું સ્થાપન તેમના પુત્ર ખેંગારે 1326થી 1351 વચ્ચે કર્યું હતું. જો કે મહેમુદ બેગડાએ તે 1451માં ગુજરાતનો સુલતાન બન્યો ત્યારે આ મંદિર ફરી તોડી નાંખ્યુ હતુ. 1665માં ઔરંગઝેબે ફરી સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. પુણેના પેશ્વા રાજા ભોંસલે, કોલ્હાપુરના છત્રપતિ ભોંસલે અને રાણી અહિલ્યાબાઈ હોલકરે તથા ગ્વાલિયરના શ્રીમંત પાટિલબુવા શિંદેએ સાથે મળીને 1783માં ફરી મંદિર બંધાવ્યું હતુ.


   હાલમાં આપણે જે સોમનાથ મંદિર જોઈ રહ્યા છો તે ચાલુક્ય સ્ટાઈલથી બનાવવામાં આવ્યું છે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ કડિયા સોમપુરાના સલાટોએ સોમનાથ મંદિરનું બાંધકામ કર્યું હતું. મંદિરના શિખરની હાઈટ 15 મીટર જેવી છે અને તેની પર 8.2 મીટર ઊંચી ધજા ફરકે છે.

    સોમનાથ મંદિર એવી જગ્યાએ છે કે ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે છે. દરિયા પરથી ફૂંકાતા પવનોને કારણે ત્યાં હંમેશા ઠંડક રહે છે. તેનું મુખ્ય શિખર 155 ફીટની ઊંચાઈએ છીએ. શિખર પર જે કળશ મૂકવામાં આવ્યો છે તેનું વજન 10 ટન જેટલું છે. અહીંની આરતીમાં ભાગ લેવો એક લહાવો છે. 30 મિનિટ ચાલતી આ આરતી કોઈપણ શિવભક્તને ભાવુક બનાવી દે છે. આ મંદિર પરની ધજાનો દંડ 37 ફીટ લાંબો છે અને દિવસમાં ત્રણ વાર ધજા બદલવામાં આવે છે. હાલમાં જે સોમનાથ મંદિર જુઓ છો તેનું બાંધકામ 1950માં શરૂ કરાયું હતું. ગુજરાતના રજવાડાઓની એકત્રીકરણ ની પ્રક્રિયા કરતાં કરતાં સરદાર વલ્લભભાઈ જૂનાગઢ પહોંચ્યા જૂનાગઢના નવાબ ની ઈચ્છા જુનાગઢને પાકિસ્તાનમાં જોડવાની હતી પરંતુ સરદાર વલ્લભભાઈ એ સ્પષ્ટ પણે ના પાડી અને સોમનાથ મહાદેવ નો જીર્ણોદ્ધાર થશે એવી જાહેરાત કરી. ડો. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠાસ્થાપન સેરેમનીમાં ભાગ લીધો હતો. હિન્દુઓ માટે આ મંદિર આગવુ મહત્વ ધરાવે છે, અને આવનારા સમયમાં પણ લોકો તેને આ જ નિષ્ઠા થી પૂજશે. ભક્તિભાવથી બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય.


     લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.