Pages

મંગળવાર, 22 ઑગસ્ટ, 2023

શિવાલયનો મહિમા ભગ - ૫ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શિવાલયનો મહિમા


નામ છે એનો નાશ છે, માટે શરીર નાશ થાય એ પહેલાં તું કોઈ સારું કામ કર! એવી મસ્તરામ બાપાની પ્રેરણાથી ભાવનગરને તખ્તેશ્વરની અમુલ્ય ભેટ મળી. 

 

       હિન્દુ સંસ્કૃતિમાં અમુક વાર તહેવાર કે મહિનામાં તીર્થો નામ દર્શન નો મહિમા પણ ખૂબ જ છે અને લોકો પૂર્ણ શ્રદ્ધાથી તીર્થમાં ભગવાનના દર્શન કરે છે નદી કે સમુદ્ર હોય તો સ્નાન કરે છે, અને અને આ રીતે પોતાના પાપ ધોવાઈ જતા હોય એવી પણ એક માન્યતા રહેલી છે. પરંતુ પ્રકૃતિનું સંતુલન બગડી ગયું છે, અને લોકો પોતાની રોજિંદી જિંદગીમાં નીતિ કે સત્ય સ્વરૂપે ઈશ્વરને એટલો યાદ રાખી શકતા નથી, અને એને કારણે કેટલી એ દુર્ઘટનાઓ કે કુદરતી કોપનો માનવી ભોગ બનતો હોય છે. આવી જ એક ઘટના ગંગોત્રી જતી ભાવનગરના તીર્થયાત્રાની બસ ખાઈમાં પડી જતા થઈ, અને કેટલાય યાત્રીઓ માર્યા ગયા. એ તમામ આત્માને ઈશ્વર ચીર શાંતિ આપે એવી એક પ્રાર્થના,અને એમના સ્વજનો ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. તીર્થ નું ચોક્કસ મહત્વ છે, પરંતુ ઈશ્વર તો ઈશ્વર છે એનું ગમે ત્યાં દર્શન કરવાથી કે ભજવાથી એ આપણને ભક્તિથી ભરે છે.



       શ્રાવણનો મહિનો આવે અને લોકોમાં ભક્તિભાવ ન આવે એવું બને નહીં! કેટલા લોકો શ્રાવણના ઉપવાસ કરતા હોય, એકટાણા કરતા હોય, સોમવાર રહેતા હોય! આ બધું જ એક પરમ આસ્થાથી શ્રાવણ સાથે સદીઓથી જોડાયેલું છે, અને એનું કારણ માત્ર એટલું જ છે કે શિવ શંકર કહો કે અજન્મા આશુતોષ કહો કે ભોળો ભંડારી કહો એ લોકોની ભાવના માત્રથી રીજી જાય છે, અને એટલે જ ગુજરાતમાં ઠેરઠેર શંકરના મંદિરો આવેલા છે. સીધી સાદી શિવલિંગની સ્થાપના અને સીધી સાદી પૂજા ન કોઈ કર્મકાંડની જરૂરત, કે ન કોઇ મોંઘા મોંઘા દ્રવ્યોથી તેની પૂજન વિધિ, એક કસલી દૂધ અને એક કસલી પાણીથી જે પ્રસન્ન થાય એવો જો કોઈ દેવ હોય તો કદાચ મહાદેવ એક જ દેવ છે, અને એટલે જ તેને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ બધા શિવાલય એવો આવ્યા છે, અને એમાં પણ ભાવેણા નગરી માં તો ભાવનુ જ પ્રાધાન્ય છે, એટલે અહીં પણ ઘણા શિવાલયો છે. આજે આપણે ભાવનગર શહેરની મધ્યમાં આવેલા અને શહેરની શોભા સમાન તખ્તેશ્વર મહાદેવ વિશે વાત કરીશું.


    આમ તો તખ્તેશ્વર મહાદેવ વિશે સૌ કોઈ જાણતું હશે કારણ કે એ પણ ઘણું પ્રાચીન છે, એટલે કે ૧૨૫ વર્ષ પૂરા થવા આવ્યાં. ૧૮૯૩ની સાલમાં મહારાજાધિરાજ તખ્તસિંહજી એ આ શિવલિંગની સ્થાપના કરી હતી. શહેરની બરાબર મધ્યમાં ટેકરી ઉપર ખૂબ જ ઊંચી પ્લીંથ લઈને બનાવાયેલું સફેદ આરસ પહાણનું મંદિર, સોનાનું થાળું અને ચાંદીના બારણા ધરાવે છે. 22 આરસપહાણના સ્તંભ પર ઊભેલું આ મંદીર એ નગરની શોભા છે, તેની આસપાસ બનાવેલો આરસનો ચોક અને તેની પાળી પર બેસીને દૂર દૂર સુધી વિસ્તરેલું ભાવનગર શહેરનો નજારો જોવાનો એક લહાવો જ અનેરો છે.આ ઉપરાંત અહીંથી જો આંખ સારી હોય તો દૂર એવો ખંભાતનો દરિયો પણ દેખાય છે.


     આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે એટલે કે તેનો ઇતિહાસ. એકવાર ભાવનગરના નેક નામદાર રાજા તખ્તસિંહજી ને પોતાના રાજ્યની યાત્રાએ નીકળ્યાં હતાં, અને ઘોડા પર જતા હતાં ત્યાં, બોટાદ નજીક એક સંત મહાત્માને ધ્રૂજતાં જોયાં, તેમણે નીચે ઉતરી અને તેને શાલ ઓઢાડી, એ સંત મહાત્મા એ તરત જ ફૂંક મારી અને શાલ ઉડાડી અને તેને બાળી નાખી, આ જોતાં જ મહારાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી. આ તો કોઈ ઉચ્ચકોટીના સંત મહાત્મા છે, અને તેમને દંડવત્ પ્રણામ કરતાં મહારાજાએ પૂછ્યું કે, હે,મ મહાત્મા! મારે લાયક કોઈ કામ હોય તો જણાવો. એ સંત મહાત્મા એટલે મસ્તરામ બાપા હતાં, અને તેમણે રાજાને કહ્યું તે રાજન તું બારસે પાદરનો ધણી છે, પરંતુ આ શરીરના નાશ સાથે તારું નામ પણ નાશ પામશે, કારણ કે નામ છે એનો નાશ છે. માટે તારું નામ નાશ થાય એ પહેલા તું એવું કોઈ કામ કર, કે જેનાથી યુગો યુગો સુધી લોકો તને યાદ કરે, મંદિર બંધાવ, નિશાળ બંધાવ, હોસ્પિટલ બંધાવ કે જેમાં લોકોની મદદ થાય, માત્ર એ જ હેતુ હોય. રાજા એ મંદિર બંધાવવાનો સંકલ્પ કર્યો. રાજા તો યાત્રાએથી પાછા આવ્યાં, અને એને સાધુ મહાત્માની વાત યાદ હતી.એકવાર રાજાને સ્વપ્નમાં સ્વયં મહાદેવ ભગવાન શંકરે આવીને કહ્યું હે રાજન, નર્મદા કિનારેથી મારુ શિવલિંગ મંગાવી અને મારી સ્થાપના કર. રાજાને પેલા સંત ફકીરની વાત યાદ આવી, અને તેમણે તખ્તેશ્વર મહાદેવની સ્થાપના કરી આ ઉપરાંત એ સમયગાળા દરમિયાન જ તખ્તસિંહજી હોસ્પિટલ અને એક ધર્મશાળા પણ બનાવ્યાં, અને આજે પણ આપણે શ્રદ્ધાપૂર્વક એ નામદાર રાજવી વંશજ ને યાદ કરીએ છીએ કે, જેમણે પ્રજાના હિત માટે થઈને આવા કેટલાય કામ કર્યા અને ભાવનગરની શોભા વધારી. આ મંદિર અત્યારે સરકાર હસ્તક છે અને આ મંદિરની સેવા પૂજા કરનારા સુરેશ ગીરી અને રાજેશગીરી જણાવે છે કે તખ્તેશ્વર મંદિર ને ૧૨૮ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં કાળની અનેક થપાટો ખાઇને પણ તે આજે અડીખમ ઉભું છે, એ તેની મજબૂતી અને બાંધકામની વિશિષ્ટતા બતાવે છે. કઈ કેટલાય ધરતીકંપ આવ્યા પણ આ મંદિર જેમ હતું તેમનું તેમ જ છે. આ મંદિર સાથે કેટલાય લોકોની આસ્થા જોડાયેલી છે, અને સૌના મનગમતા પર્યટક સ્થળ તરીકે પણ તખ્તેશ્વર નામ જાણીતું છે.


     આમ જુઓ તો મંદિરના ઈતિહાસમાં એવી કોઇ મોટી વાત નથી, પણ વાત છે ક્ષત્રિયનાં સંસ્કારની કે જે સાધુ મહાત્મા સંત ફકીરનાં બોલ પર પોતાનું રાજ્ય પણ અર્પણ કરી દેતા હતાં. આવાજ ગોહિલવાડના રજવાડાઓના રાજાથી ભાવેણાની ધરતીનો ઇતિહાસ ભર્યો પડ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આઝાદી પછી એકત્રીકરણની ક્રિયા કરી રહ્યા હતાં, ત્યારે ભાવનગરના નામદાર કૃષ્ણ સિંહજી ગોહિલ એ પોતાનું રજવાડું રાજ્યને પહેલા સુપ્રત કર્યું હતું, તો આ છે આપણી ભારતીય સંસ્કારીતા કે સંસ્કૃતિ, જેના મુખ્ય ચાર સ્તંભ છે. માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃ આ ચાર સ્તંભ પર ચાલતી આપણી ભારતીય અસ્મિતાને જો આપણે પાછી લાવી શકીશું, તો કાળરૂપી આવતા સંકટ ઝડપથી દૂર થશે. તો ચાલો આપણે આ શ્રાવણે મહાદેવને એ રીતે આરાધીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે હર હર ભોલે.


       લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.