સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
રામચરિત માનસની મહાકાલનાં મંદિરમાં ગવાયેલી ગુરૂ શિષ્યનાં સંબંધનો ઉદઘોષ કરે છે આ શિવ સ્તુતિ.
હે મહાદેવ.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સતત એકધારી જિંદગીમાં કંઈક ખૂટતું લાગી રહ્યું છે, ન જાણે કોઈ આવશે અને જિંદગી સવારી જશે એની રાહ સૌ તાકી રહ્યા છે. જોઈએ તેવી મસ્તી આવતી નથી આજકાલ એવી લગભગ બધાની ફરિયાદ છે.આમ કરીએ તો સારું લાગશે, તેમ કરીએ તો સારું લાગશે, આ ખાઈ લઉં! આ પહેરી લઉં! ફલાણી જગ્યાએ ફરી આવું, એવા લાખ અખતરાં પૂરા કર્યા, પણ ક્યાંય શાંતિ નો ભેટો થતો નથી, અને એ ખુશી લાંબી ટકતી નથી. ખબર તો લગભગ બધાને છે, કે કેમ જીવવું જોઈએ, પણ પહેલ કોઈ કરતું નથી.કોઈ એકલદોકલ જો સાચું જીવવાની કોશિશ કરે, તો બીજા અન્ય તેને કેમ પછાડવો તેની જ વેતરણમાં હોય છે. જીવનધોરણ જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ ગુણ-અવગુણની દ્રષ્ટિએ નીચું ઊતરતું જાય છે, અને મૂલ્યાંકન કરીએ તો સમાજ દળદળમાં ખૂપતો જતો હોય એવું લાગે છે.જે કોઈ ખૂપેલું હોય તેને બહાર કાઢવામાં બીજો પણ ખૂપે આવુ નિરંતર ચાલ્યા કરે છે. સિક્કાની બે બાજુ હોય, તેમ દરેક વસ્તુને બે બાજુ હોય છે, અને ત્રીજું એ બંનેનું મૂલ્યાંકન. આમ ત્રણ દ્રષ્ટિ દરેક સાથે જોડાયેલી હોય છે, તો આ શ્રાવણને એ રીતે શંકર દ્રષ્ટિથી અનુભવીએ.
હે ઉમાપતિ મહાદેવ, આજે સમસ્ત જગત જ્યારે અંધકારમાં ગર્ત થતું દેખાય છે, ત્યારે સૌને એક આપનું શરણ યાદ આવ્યું છે. શિવલિંગ પર, દૂધ નો અભિષેક થાય, બિલિપત્ર, કેવડો ચંદન, ધતુરો, વગેરે થી પૂજન થાય. સામાન્ય રીતે આ શાસ્ત્ર વિધિથી આ રીતે પૂજન થાય તેને આપણે રુદ્રી કે રુદ્રાભિષેક એવું નામ આપીએ છીએ, અને આપણે સૌ જાણીએ છીએ કે રુદ્રાભિષેક નો બહુ મોટું મહત્વ છે, વેદ થી શરૂ કરીને દરેક શાસ્ત્રોમાં રુદ્રાભિષેકનો ઉલ્લેખ છે.જેણે કોઈએ શિવ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું છે, તેણે આ રુદ્રાભિષેક વિશે અથવા રુદ્રીના પાઠ નો પ્રયોગ અવશ્ય કર્યો છે. તો આજે આપણે તુલસીકૃત રામાયણમાં રુદ્રાષ્ટક નામે રચાયેલાં એક રુદ્રીના આઠ શ્લોકનું અષ્ટક રચાયું છે,જેનો પાઠ કાગ ભૂષંડી ના ગુરુએ પોતાના શિષ્ય ને મહાકાલ દ્વારા અપાયેલા શાપ માંથી મુક્ત કરવા માટે એનું ગાયન કર્યું હતું, તો આજે આપણે પણ તેનું ગૌરવ કરી એનો ભાવાર્થ સમજીશું. રુદ્રાષ્ટકના આઠ શ્લોક છે એટલે ત્રણ, ત્રણ, અને બે એ રીતે તેનું વિભાજન કરેલ છે.
રૂદ્રાષ્ટક.
નમામિ સમીશાન નિર્વાણ રુપં,
વિભુ વયાપકં બ્રહ્મ વેદસવરુપં,
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં,
ચિદાકાશ મહાકાશવાશં ભજેહં.
***હે મોક્ષ સ્વરૂપ, વિભુ વ્યાપક, ઈશાન દિશાના ઈશ્વર,તથા સૌના સ્વામી શિવજી હું તમને નમસ્કાર કરું છું. નિજ સ્વરૂપમાં સ્થિત સર્વ પ્રકારની માયાથી રહિત ગુણ અવગુણથી રહીત, આકાશ જેનું અનાવરણ એટલે કે વસ્ત્ર છે, તેવા અથવા તો આખા આકાશ પર જે આચ્છાદિત છે, તેવા શિવ શંકર કે દિગંબર ધારી ને હું ભજું છું.
નિરાકારઓમકારમૂલં તુરીયં,
ગિરાગ્યાન ગોતીતમીશં ગીરીશં,
કરાલં મહાકાલ કાલ કૃપાલં,
ગુણાગાર સંસારપારં નતોડહં.
***નિરાકાર સ્વરૂપ ઓમકાર તુરીયા એટલે કે ત્રણ ગુણથી અતિત, વાણી જ્ઞાન અને ઇન્દ્રિયો માં શ્રેષ્ઠ, વિકરાલ મહાકાલ ના કાલ તમે કૃપાળુ છો, તમારા ગુણો ના નામ છો, તમારા ગુણો નો કોઇ પાર નથી, સંસારથી પણ તમે શ્રેષ્ઠ છો હે પરમેશ્વર હું તમને ભજું છું.
તુષારાદ્રિ સંકાશ ગૌર ગંભીરં,
મનોમૂત કોટી પ્રભા શ્રી શરીરં,
સ્ફુરન્મૌલિ કલ્લોલીની ચારુ ગંગા,
લસદ્ભાલભાલેન્દુ કંઠે ભુજંગા.
*** જે હિમાચલની સમાન ગૌર વર્ણને ગંભીર છે,જેમના શરીરમાં કરોડો કામદેવોની જ્યોતિ ની શોભા છે, જેમના મસ્તક પર સુંદર નદી ગંગા બિરાજમાન છે, જેમના લલાટ પર બાલ ચંદ્ર એટલે કે બીજનો ચન્દ્ર, અને ગળામાં સર્પ સુશોભિત છે.
આપણે બધા જ આ રુદ્રાષ્ટકની પાછળના ઈતિહાસથી લગભગ પરિચિત છીએ. સમાજના અમુક કથાકાર વર્ગનો આપણે અહેસાન માનવો રહ્યો, કે આવી બધી શાસ્ત્રો ગત સ્તુતિ થી તેણે આપણને પરિચિત કરાવ્યા, અને લોક જીભે ચડાવી. એમાં પણ પૂજ્ય મોરારી બાપુની કથા ચાલતી હોય, અને તેના મુખે શંકરની આ સ્તુતિ સાંભળવાનો લ્હાવો અનેરો છે. ગુરુ શિષ્ય ના સંબંધ વિશે તો એનાથી વધુ સ્પષ્ટ, સુંદર, અને શ્રેષ્ઠ કોણ વ્યાખ્યા કરી શકે! સદગુરુ ભાવનું એ પોતે ઉત્તમ ઉદાહરણ છે. શિવ શંકરની લગભગ ઘણી સ્તુતિ સંસ્કૃતમાં છે, અને મોટાભાગની તો ભગવાન શંકરાચાર્યના સ્વ હસ્તે રચિત છે. પરંતુ આ તુલસીદાસ રચિત સ્તુતિ છે. રામાયણમાં આવતા કાગભુષંડી ના પાત્રથી કોણ અજાણ હોય, એ કાગભુષંડી તેની પહેલાં આ મનુષ્ય અવતારમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં જાય છે. ત્યાં આગળ પોતાના ગુરુ ને બેઠેલા જોવા છતાં તે અણ દેખ્યું કરે છે, અને આ દ્રશ્ય જોઈ મહાકાલ ક્રોધાયમાન થઈ, અને તેને કાગડો બનવાનો શાપ આપે છે. તે જોઈ તેમના ગુરુ વ્યથિત થઈ જાય છે, અને મહાકાલ ને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્ર ગાન કરે છે. એટલે ગુરુ શિષ્ય ના સંબંધને દર્શાવતી આ સ્તુતિ એ બતાવે છે, કે ગુરુ અપરાધ થાય તેને સાક્ષાત ઈશ્વર પણ છોડતો નથી. તો બીજી બાજુ ગુરુ પોતાના કોઈપણ શિષ્યને શાપિત થતા જોઈ શકતા નથી, ભલે તેણે તેનો અપરાધ કર્યો હોય છતાં પણ, તે તેની શાપ મુક્તિ માટે ઈશ્વરને આરાધે છે. આ અરસપરસ નો સંબંધ દેખાડતી આ રચના બહુ જ અદભુત છે, અને સંસ્કૃતિની યોગ્ય સંધિ, અને લય, તાલ સાથે જ્યારે કથાઓમાં ગવાતી હોય છે, ત્યારે સાક્ષાત શંકરનું નિરાકાર સ્વરૂપ આપણને અનુભવાય છે. અને ઉજ્જૈનના મહાકાલના મંદિરમાં તે દિવસે સાક્ષાત શંકર પ્રગટ થયા એવી કથા છે. અને એ કાગ સ્વરૂપ કાગડાએ ઋષિ બની, રામાવતારમાં શંકરનો ચેલો બની, અયોધ્યામાં રામ દર્શને તેની સાથે જાય છે. જ્યારે ઉત્તર કાંડમાં ગરુડને અહમ આવતા કાગભૂષંડી ખગ રાજ ને રામ કથા કહી તેના સમસ્ત સંશયનો નાશ કરે છે. તો હે મહાદેવ અમારા જીવન વિશેના તેમજ શિવત્વથી દૂર રાખનારા તમામ સંશયોનો નાશ કરવા અને આ સમાજના પુનઃસ્થાપન માટે આપની કૃપા કરુણાની બહુ જ જરૂર છે માટે હે શિવ શંકર આપ અમારી મદદે આવો.
જીવનનું કોઈ પણ સંકટ કે સમસ્યા એટલી મોટી હોતી નથી, પણ મનુષ્યની બુદ્ધિ અથવા તેનો સ્વભાવ તેને અતિ મોટી બનાવી, અને જીવનને એક ફરિયાદ બનાવી દે છે. તો બધાના જીવનમાં આજે જ્યારે આ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભરાવાની ઘડી આવી છે, તો તે તકનો ઉપયોગ કરી શંકર ને પૂરી શ્રદ્ધાથી આરાધી ને સૌ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે, એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.