સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક- શિવાલયનો મહિમા
શરીર અને આત્મા આમ બે ભાગમાં વહેંચાયેલું મધ્યપ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર અને મમલેશ્વરનું જયોર્તિલિંગ
માનવ ગજબનું પ્રાણી છે એમ કહી શકાય કારણ કે શ્રાવણ નવરાત્રી જેવા મહિનામાં મંદિરોમાં જોઈએ તો એટલી ભીડ જોવા મળે કે, આપણને એમ થઈ જાય કે વાહ માનવીમાં ધર્મની ભાવના કેટલી તીવ્ર છે અને તે સાચે જ હવે સુધરી ગયો છે.બસ એ જ રીતે શ્રાવણ ભક્તિની ગતિથી આગળ વધી રહ્યો છે, અને લોકમાનસમાં શિવ આરાધનાની તીવ્રતાના પડઘા તીવ્ર પણે સંભળાઈ રહ્યા છે. સૌ કોઈ પોતાની નિષ્ઠા મુજબ શિવ શંકરને ભજવાની કોશિશ કરી રહ્યા છે. દૂર-દૂર તીર્થમાં આવેલ આ શિવાલયમાં દર્શન કરવા જવાનો પણ શ્રાવણમાં એક અનોખો મહિમા છે, પરંતુ કાળક્રમે બહુ દૂર સુધી દરેક જણા જઈ શકતા નથી, તો એ સ્વરૂપની મૂર્તિ કે છબીનું ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન કરીને પણ આપણે એ અહોભાવ પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈપણ શિવલિંગ હોય, અને એમાં પણ જો સ્વયંભૂ હોય તો કંઈ ને કંઈ દંતકથા તો હોય જ,અને એ પણ કલ્યાણના દેવ સાથે જોડાયેલી હોય તો એમાં સૌને રસ પડે. આપણે આજ સુધીમાં ત્રણ જ્યોતિર્લીંગ વિશે વાત કરી, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચોથા જ્યોતિર્લીંગ એટલે કે ઓમકારેશ્વરની ઓમકારેશ્વર એ ભારતના હૃદય સમાન મધ્યપ્રદેશમાં આવેલું જ્યોતિર્લિંગ છે, એ રીતે ભારતના મધ્યપ્રદેશ ને બે જ્યોતિર્લિંગ મળ્યા છે. ઉજ્જૈનનું મહાકાલ જ્યોતિર્લિંગ પણ મધ્યપ્રદેશ સ્થિત છે, જ્યારે ઓમકારેશ્વર અને મમલેશ્વર પણ મધ્યપ્રદેશમાં આવેલા છે. તો આવો આપણે આજે એ અપરંપાર શક્તિ પ્રદાન કરનારા જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ.
ઓમકારેશ્વર શિવને સમર્પિત અને ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક મંદિર છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર જ ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર ઓમકારના ભગવાન અને અમરેશ્વર અમર દેવોના ભગવાન પણ દ્વાદશ જ્યોતિર્લિંગના શ્લોક અનુસાર, મમલેશ્વર પણ જ્યોતિર્લિંગ છે, જે નર્મદા નદીની પેલે પાર અવેલું છે.
ઓમકારેશ્વર મમલેશ્વર એમ બે શિવલિંગ આ જ્યોતિર્લિંગ મંદિર ધરાવે છે, અને ઓમકારેશ્વર આત્મા છે, તો મમલેશ્વર એ શરીર છે, અને જ્યાં સુધી મમલેશ્વરના દર્શન કરવામાં ન આવે, ત્યાં સુધી ઓમકારેશ્વરની યાત્રા અધૂરી ગણાય છે, આ મંદિર સાથે ત્રણ દંત કથા જોડાયેલી છે.
માન્યતા અનુસાર પ્રથમ દંતકથામાં જણાવ્યા અનુસાર એ કથા વિંઘ્ય પર્વત વિષેની છે. એક સમયે બ્રહ્માજીના પુત્ર નારદ મુનિ અખંડ વિશ્વ ભ્રમણ માટે નીકળ્યા હતાં, તેઓ ફરતાં ફરતાં વિંધ્ય પર્વતની મુલાકાતે આવ્યા. વિંધ્ય પર્વતે તેનું ભાવભીનું સ્વાગત કર્યું, અને મુનિને રોકાઈ જવા અનુરોધ કર્યો, આ ઉપરાંત પોતાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે આમ તો મારે ત્યાં કોઈ વાતની કમી નથી, નારદ મુનિ વિંધ્યનું અભિમાન પામી ગયાં, અને તેમણે પોતાની તીવ્ર વાણીમાં વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી,અને કહ્યું કે તેનું શિખર તો સ્વર્ગ જેટલું ઉંચુ છે, અને આમ કહી પોતે એ સ્થળ છોડી ચાલ્યા ગયા. આને કારણે વિંધ્યને મેરુની ઈર્ષ્યા ઉપજી અને તેણે મેરુ કરતા મોટા બનવાનો નિર્ણય કર્યો. મેરુ કરતાં મોટા બનવા વિંધ્ય એ શિવજીની ઉપાસના શરૂ કરી. વિંધ્યે શિવના પાર્થિવ લિંગ અને ઓમકારેશ્વરની લગાતાર છ મહિના સુધી પૂજા કરી, અને કઠોર તપસ્યા કરી,આથી શિવ પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. વિંધ્ય પર્વત જે જગ્યા પર કઠોર તપશ્ચર્યા કરી ત્યાં ઓમકારેશ્વરનું મંદિર આવેલું છે. આટલો જૂનો ઈતિહાસ ધરાવતું મંદિર હોવાથી એ પુરાણ પ્રસિદ્ધ મંદિર તરીકે પણ ઓળખાય છે. સર્વ દેવો અને ઋષિ મુનિઓની વિનંતિથી શિવ એ લિંગના બે ભાગ કર્યાં. એક ભાગ ઓમકારેશ્વર કહેવાયો, અને બીજો ભાગ મમલેશ્વર કે અમરેશ્વર કહેવાયો. ભગવાન શિવ એ વિંધ્યને વધવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તોના માર્ગમાં આડો નહિં આવે. વિંધ્યે વધવાનું ચાલું કર્યું પણ પોતાનું વચન પાળ્યું નહીં. તેણે સૂર્ય અને ચંદ્રનો માર્ગ પણ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયાં. અગસ્ત્ય મુનિ તેમના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યાં અને તેને મનાવી લીધો કે, જ્યાં સુધી તેઓ અને તેમના પત્ની પાછાં નહીં ફરે ત્યં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછાં ફર્યાં જ નહીં, અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમના પત્ની શ્રી શૈલમમાં સ્થાયી થયાં, જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને ત્યાં પણ દ્વાદશ જ્યોતિર્લિગમાંનુ એક જ્યોતિર્લિંગ છે.
બીજી એક દંતકથા રાજા મંધાતને સંબંધિત છે. ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ કુળના રાજા મંધાતએ ભગવાન શિવની ઉપાસના કરીને તેમને અહીં જ્યોતિર્લિઁગ સ્વરૂપે પ્રગટ થવા મનાવ્યાં હતાં. અમુક વિદ્વાનો માને છે કે મંધાત રાજાના પુત્રો અંબરિશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરીને શિવને પ્રસન્ન કરાયાં હતાં. આને કારણે તે પર્વતનુઁ નામ મકંધાત પર્વત પડ્યું છે, અને શંકર ભગવાન બંને ને પ્રસન્ન થયા હોવાથી શિવલિંગ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે.
ત્રીજી અને અંતિમ દંતકથા મુજબ એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો હતો. દેવો માટે આ ખૂબ જ શરમ જનક વાત હતી. આથી તેમણે ભગવાન શિવની આરાધના કે તપશ્ચર્યા કરી. તેમની આરાધના ના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યાં હતાં.
આજે પણ નદીની વચ્ચે ઓમકારેશ્વરનું મંદિર આવેલું છે અને નર્મદા નદીને કિનારે મમલેશ્વરનું મંદિર આવેલું છે દર્શનાર્થે આવેલા લોકો પ્રથમ મમલેશ્વરનાં દર્શન કરી પછી જ નદીની અંદર આવેલા ઓમકારેશ્વરના મંદિરના દર્શને જાય છે. ઓમકારેશ્વરની જળહરી માંથી પર્વતની નીચેથી અદ્રશ્ય રીતે નર્મદાનું પાણી વહેતુ રહે છે, અને ઓમકારેશ્વરના મુળ મુર્તિ લિંગની આસપાસ નર્મદાનું પાણી વહેતુ જોવા મળે છે. જ્યારે પણ આ પાણીના ઉપરના ભાગમાં પરપોટા જોવા મળે છે, ત્યારે લોકો શિવજી પ્રસન્ન થયાં, એવું માનતા હોય છે, અને એવી આસ્થા પણ લોકો રાખતા હોય છે. જ્યોતિર્લિંગના પાછળના ભાગમાં પાર્વતીજીની પથ્થરની મૂર્તિ આવેલી છે, અને તેને ચાંદીના પતરાથી મઢવામાં આવી છે. ગર્ભગૃહમાં અખંડ દીવો પ્રજ્વલિત હોય છે, મૂળ ઓમકારેશ્વરના જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં ૧૩થી ૧૪ માણસો સમાય શકે એટલું નાનું રહ્યું છે.
આ સ્થળ ભારતનાં મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિમી દૂર આવેલું છે. આ સ્થળનો પવિત્ર નદી નર્મદા સાથે સંબંધ છે, નર્મદા નદી ભારતની પવિત્ર નદીઓમાંની એક છે, જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે. નર્મદા એ ભારતની એવી નદી છે, કે જેમાં પર બાંધવામાં આવેલા બંધથી ગુજરાત આખાને મોટે ભાગે પાણી ઉપલબ્ધ થઇ રહી છે, અને થોડા વર્ષો પહેલાની પાણીની અતિ ગંભીર સમસ્યા હલ થઈ શકી છે.
ઓમકારેશ્વર મહાદેવનું મંદિર ટાપુ પર આવેલ હોવાથી, અહીં પહોંચવા માટે આગબોટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બે પુલ દ્વારા પણ અહીં પહોંચી શકાય છે. આજકાલ સમયની મારામારી હોય, ત્યાં આવા તે સ્થાને પહોંચવા માટે હવાઇ માર્ગ પણ ઉપલબ્ધ હોય તો વધુ સારું, તેથી અહીં હવાઈ માર્ગે પહોંચવા ઈંદોર હવાઈ મથક ૯૯ કિમી, ઉજ્જૈન હવાઈ મથક ૧૩૩ કિમી દૂર આવેલું છે, જ્યાંથી બાય રોડ પહોંચી શકાય છે.આ ઉપરાંત રેલ માર્ગે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેની રતલામ ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. પણ તે મુખ્ય લાઈન પર નથી. મુંબઈ અને દીલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે. ઓમકારેશ્વર મધ્ય પ્રદેશના મુખ્ય શહેરો અને ગામડાઓથી રસ્તા માર્ગે જોડાયેલું છે. ખાંડવાથી ઓમકારેશ્વર જતાં રસ્તામાં ડાબી તરફ ગાયક કિશોર કુમારનું સ્મારક જોઈ શકાય છે. મંદિર સાદુ હોય, સ્વયંભૂ હોય, કે જ્યોતિર્લિંગ હોય, પરંતુ ભગવાન શિવ સમગ્ર જગ્યાએ સરખી રીતે ઉપલબ્ધ છે અને ભાવનાની ભૂગોળમાં આપણને અહીં પણ એ જ રીતે અનુભવી શકાય છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે,
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.