Pages

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

શિવાલયનો મહિમા ભાગ- ૯ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક શિવાલયનો મહિમા


ભીમા નદીને કિનારે આવેલું આ મંદિર શહેરી જીવનથી દૂર, સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહેવાય છે


   આ વખતે શ્રાશણ લગભગ કોરો રહ્યો પણ શ્રાવણના દિવસો ટપ ટપ કરતા ચાલ્યા ગયાં, અને સુદનું પખવાડિયું પૂરું થવામાં છે. સાંપ્રત સમયમાં લોકોને ઇન્સ્ટન્ટ પરિણામો મેળવવા હોય છે, એટલે દરેક વાતને બીજા ની કરણી સાથે જોડીને ઠેર ઠેર ભગવાનની માયાની વાત છે, એવાં નિવેદનો થાય છે. ટૂંકમાં ક્યાંક સારું તો ક્યાંક ખરાબ આ બધો આપણી દ્રષ્ટિ નો ભ્રમ છે! મર્મ સમજી જાય એને તો હરક્ષણ શુભ મંગલની વર્ષા અનુભવાય, જોકે આ લખવા જેટલું સહેલું નથી, ખેર છોડો..આમ તો શિવને આરાધવા માટે કોઈ ખાસ માસ મહિનો કે, વાર હોતો નથી, તેને તો ગમે ત્યારે ભોળા હ્રદયથી આરાધી શકાય છે. પરંતુ શ્રાવણમાં ભજવાનો એક વિશેષ મહિમા હોવાથી આપણને એવું લાગે. હાથમાં કળશ અને પૂજાપાનો છાબ લઈને મંદિર તરફ જતાં પગલા હવે થોડા જ સમયમાં બંધ થઈ જશે, શિવાલયોમાં નિત્યનાં દર્શનાર્થીઓ સીવાયની ભીડ ઓછી થઈ જશે. આવા જ એક ઓછી ભીડમાં રહેનારા શિવલિંગ કે, જે જ્યોતિર્લિંગ છે, તેને વિશે આજે આપણે વાત કરવાના છીએ, અને તે છે બાર જ્યોતિર્લિંગમાં જેનું છઠ્ઠુ સ્થાન છે એવા ભીમાશંકર વિષે ચાલો જાણીએ.


     ભીમાશંકર મંદિર ભારતના પશ્ચિમ રાજ્ય મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે. મહારાષ્ટ્રમાં આવેલાં અન્ય જ્યોતિર્લિંગ સ્થળો પણ છે, નાસિક નજીક ત્ર્યંબકેશ્વર, અને ઔરંગાબાદના ઈલોરા નજીક ઘૃષ્ણેશ્વર.


   ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે, તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલોમાં ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિની પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.


    ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે. આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે. જંગલોની અવિરત હારમાળા, પર્વતના શિખરો, ભીમા નદીના પાણીનો ગણગણાટ આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે.


  આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.


  દરેક જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી કોઈને કોઈ પુરાણ પ્રસિદ્ધ આ વાત હોય છે તેમ આ જ્યોતિર્લિંગ સાથે પણ એક ત્રેતા યુગ સાથે જોડાયેલી વાત જાણવા મળે છે.


    શાસ્ત્રોમાં મળતાં વર્ણન મુજબ દેવોના અનુરોધથી ભગવાન શિવે ભીમાશંકરના રૂપે સહ્યાદ્રી પર્વતમાળા ઉપર નિવાસ કર્યો હતો. શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગનું વર્ણન મળે છે. જે મુજબ પ્રાચીનકાળમાં ભીમા નામનો એક રાક્ષસ હતો. ભીમા કુંભકર્ણનો પુત્ર હતો. ભીમાનો જન્મ તેના પિતાના મૃત્યુ પછી થયો હતો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને પિતાના વધની કથા કહી, જેથી તે ભગવાન રામને પોતાના પિતાની હત્યાના દોષી માની બદલો લેવાનું નક્કી કર્યું હતું.


  ભીમા એ તપ દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કરી સૌથી શક્તિશાળી બનવાનું વરદાન માગી લીધું. જે બાદ તેણે દેવ લોક અને પૃથ્વી લોકમાં હાહાકાર મચાવ્યો. તેણે જુદા જુદા પ્રદેશો જીતતા આસામના કામરુપ પ્રદેશ પર પણ કબ્જો કર્યો અને તેના રાજાને પકડીને પોતાની જેલમાં નાખી દીધા. રાજા સુદિક્ષણ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે જેલમાં જ માટીથી શિવલિંગ બનાવી પૂજા કરવાનું શરું કરતાં રાક્ષસ ભીમ ક્રોધાયમાન થયો, અને તેણે પોતાના ખડગથી શિવલિંગ પર વાર કરવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ ચારેતરફ દિવ્ય તેજ ફેલાઈ ગયું અને લિંગમાંથી સ્વયં શિવ પ્રગટ થયા.


        રાક્ષસ ભીમા અને શંકર વચ્ચે તુમૂલ યુદ્ધ થયું, અને ભગવાન શિવે ભીમાને શક્તિહીન કરી મારી નાખ્યો. ભીમા રાક્ષસના અત્યાચારથી મુક્ત થયેલા દેવાતો એ શિવજીને પ્રાર્થના કરી કે તેઓ કાયમ માટે અહીં જ વાસ કરે, અને પ્રસન્ન ભગવાન શિવે લિંગ સ્વરુપે પોતાનું સ્વરુપ પ્રસ્થાપિત કર્યું. ત્યારથી આ સ્થળનું નામ ભીમાશંકર અને જ્યોતિર્લિંગનું નામ પણ ભીમા શંકર પડી ગયું છે. અહીં મંદિર પ્રાંગણમાં જ દેવી પાર્વતીનું મંદિર અને મોક્ષ કુંડ, સર્વતીર્થ કુંડ, જ્ઞાન કુંડ અને કુષારણ્ય કુંડ આવેલા છે. જેમાં કુષારણ્ય કુંડ ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ માનવામાં આવે છે.


આ સ્થળ કોઈ હિલ સ્ટેશનના પ્રવાસથી કમ નથી. ભીમાશંકરનાઊ અહીં દેવ દર્શને આવો એટલે તમને કોઈ હીલ સ્ટેશનમાં આવ્યાં હોય તેવો અનુભવ થશે. ભીમા શંકર નજીક સહ્યાદ્રીના પર્વતોમાં બે જાણિતા ફરવા લાયક સ્થળો પણ આવેલ છે. એક દુર્ગ અને બીજું ધાકોબા જે ખૂબ જાણીતા પોઈન્ટ છે. ગાઢ જંગલ અને ચોમેર લીલોતરી ધરાવતો આ ટ્રેક શહેરની ભાગદોડવાળી લાઈફ ભૂલાવી દેશે સાથે જ માનસિક શાંતિ આપશે.


   ચારે તરફ ફેલાયલ જંગલ અને નાનાં નાનાં ઝરણાં થી ભરેલું આ સ્થળ ખૂબ રોમાંચક છે, અને ચોમાસાની સીઝનમાં અહીં ટ્રેકિંગ કરવાનો આનંદ જ અનેરો છે. ચારેકોર લીલી વનરાજીથી છવાયેલા જંગલી રસ્તામાં વચ્ચે નાનાં-નાનાં ઝરણાં આવે, આજુબાજુ માત્ર લીલી ચાદર ઓઢીને પથરાયેલી ધરતી જોવા મળે. તડકાનું તો નામોનિશાન ન હોય. વરસાદ ન હોય તો પણ ચોમાસાની સીઝનમાં અહીંનું વાતાવરણ મોટાભાગે વાદળિયું જ હોય છે. ઠંડી હવા અને કલકલ વહેતા ઝરણા, પંખીઓનો કલકાટ અને વાંદરાઓની દોડાદોડ સિવાય દૂર દૂર સુધી તમારી આસપાસ માણસ નું નામનિશન ન હોય. આ રસ્તે ટ્રેકિંગ કરવાની મજા જ અલગ છે.

રોમાંચ, ભય અને શ્રદ્ધાની લાગણીઓ તમારા રુવાંડા ઉભા કરી દેશે, જોકે તમારે અહીં જવું હોય તો ગ્રુપમાં જવું, અથવા તો કોઈ સ્થાનિક ગાઈડની મદદ લેવી, નહીંતર આડીઅવળી પગદંડીઓ અને ઘનઘોર જંગલ વચ્ચે ચોક્કસ રસ્તો ચૂકી જવાય તેવું છે. તેમજ ટ્રેકિંગ પણ ગ્રુપમાં સાથે જ કરવું તો જંગલની ગીચતા તમારા મનમાંથી રોમાંચ, ભય, પારાવાર આનંદ અને સંતોષની લાગણીઓ એકસાથે ઊભરાવશે. આ લાગણીનો અનુભવ કદાચ ભીમાશંકરની તમારી મુલાકાતની સૌથી સારી યાદગીરી પણ બની રહેશે.


    અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે, પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકરમ મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના બે વિશાળ ઘંટ લઈ લીધાં. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો.


મનમાડની ટેકરીઓમાં ભીમાશંકર પાસે ૧૦૩૪ મીટરની ઈંચાઈ પર અંબા અને અંબાલિકા, ભૂતલિંગ અને ભીમાશંકરની બુદ્ધ શૈલિમાં કાંડરેલી મૂર્તિઓ આવેલી છે. નાના ફડનવીસ દ્વારા બંધાવાયેલ હેમદપંથી માળખામાં આવેલ વિશાળ ઘંટ એ અહીં જોવા લાયક છે. આ સાથે અહીંની આસપાસના હનુમાન તળાવ, ગુપ્ત ભીમાશંકર, ભીમા નદીનું મૂળ, નાગ ફણી, મુંબઈ પોઈન્ટ, સાક્ષી વિનાયક અને અન્ય ઘણાં સ્થળો જોવાલાયક છે. આ સાથે ભીમાશંકર એક સંવર્ધીત લાલ જંગલ ક્ષેત્ર છે, જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ, પ્રાણીઓ, ફૂલો અને વનસ્પતિ જોઈ શકાય છે. જંગલના અંતરિયાળ ક્ષેત્રોમાં "શેકરુ" નામનું વિરલ પ્રાણી જોઈ શકાય છે. જંગલ પ્રેમીઓ માટે અને પર્વતારોહકો માટે અને જાત્રા કરવા નીકળેલા લોકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. આ મંદિર પુનાના લોકોમાં ઘણું પ્રચલિત છે, અને વિશ્વભરમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે.

તો આવા અનન્ય શિવાલયનો ઈતિહાસ ધરાવતી આપણી આ ભારતની ભૂમિ ને કોટી કોટી વંદન કરીએ, અને એ સાથે જ એ શિવ શંકરનાં અહર્નિશ નાદ નું સ્મરણ કરીએ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,અને હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


       લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.