Pages

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

જાગને જાદવાથી શરૂ કરીને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


જાગને જાદવાથી શરૂ કરીને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આજની ઘડી તે રળિયામણી, વૈષ્ણવજન તો તેને રે કહીએ જેવા ભક્તિ વધારતા પદની રચના કરનાર નરસિંહ મહેતા પણ નાગર છે


હે મહાદેવ.

          આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.  આપણે હમણાં નાગરોનુ સ્તોત્ર એટલે હાટકેશ્વર સ્તોત્ર પર ચિંતન કરી રહ્યા છીએ. નાગર એટલે શહેરી અને શિક્ષિત એવો પણ એક અર્થ કરી શકાય. જોકે શિક્ષિત ના અભિમાન ને કારણે જ ક્યાંક ઉલ્ટા પાસાં પડી રહ્યા છે, અને એ રીતે સાંપ્રત સમય થોડો વધુ કઠિન છે. દરેકને કોઈ ને કોઈ રૂપે સમસ્યા છે, ત્યારે સમસ્યા રાજકીય હોય સામાજિક હોય, સાંસારિક હોય કે વ્યક્તિગત હોય પણ જે વ્યક્તિ જાગી ગયો હોય એને બહુ તકલીફ પડતી નથી. દુનિયામાં ઘટતી રોજબરોજની ઘટનાઓ જોઈને, વાંચી ને એવું હવે લાગી રહ્યું છે, કે જાગવું જ પડશે, હવે તો સર્વે જાગવું પડશે! અને જાગૃતિ એ હંમેશા જીવનમાં પરિવર્તન લાવનાર હોય છે. દેશ કાળ પ્રમાણે ઘણી બધી વસ્તુઓમાં પરિવર્તન શક્ય પણ છે, અને રોજ રોજ થતું જોવા પણ મળે છે. ક્યારેક સારી દિશામાં એટલે ઉર્ધ્વ ગતિ તો ક્યારેક ફેશનને નામે પતન એટલે અધો તરફ પણ ગતિ કરાવે છે. યોગનો પ્રચાર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે, અને એના સારા પરિણામ પણ મળી રહ્યા છે, અને લોકો શારીરિક તંદુરસ્તી પ્રમાણમાં ઘણી પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ આકાંક્ષા અને મહત્વાકાંક્ષા નામે આજકાલ લોકો સ્ટ્રેસ એટલે કે માનસિક તનાવનો શિકાર બની રહ્યા છે, અને મનોરોગીની સંખ્યા વધતી જાય છે, તો આ ક્ષેત્રે જાગૃતિ જરૂરી છે, અને આત્મચિંતન પણ કરવું ઘટે. રોજની પોતાની દિનચર્યા ઉપર એક વાર નજર નાખવી, અને સારા ખરાબ વ્યવાર પ્રત્યે સુધારો લાવવા, લખવા માટે ડાયરી બનાવવી. એવો કંઈક ફેરફાર કરી શકાય. તો બુદ્ધ પુરુષો અને સિદ્ધ પુરુષો જેવા સમાજના ઉચ્ચ ચરિત્રોના કહેવા પ્રમાણે ભગવત ચરિત્રનું ગાન કરવું, સ્વાધ્યાય કરવો, કે કોઈ સારા લેખક વગેરેનું વાંચન કરવું, જેનાથી માનસિક શાંતિમાં ઘણો વધારો થઇ શકે.આપણે અત્યારે જે હાટકેશ્વર સ્તોત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો સૌને જગાડનાર પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, પણ એક નાગર ગૃહસ્થ હતાં.


હાટકેશ્વર સ્તોત્ર.


महेश पाहि मां मुदा गिरीश पाहि मां सदा भवार्णवे निमज्जतो त्वमेव मेऽसि तारकः । करावलम्बनं झटित्यहोधुना प्रदीयतां नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।७ ।।


હે શાંકર , મારું પ્રેમથી રક્ષણ કરો . હે શંકર , મારુ હંમેશા રક્ષણ કરો . સંસારરૂપી સાગરમાં ડૂબતા એવા મારી નાવ ને આપ જ બચાવનાર છો . હમણાં આવી તરત જ આપના હાથનો ટેકો આપો,હે નાટકેશ્વર -નૃત્યના સ્વામી શંકરને હું નમું છું તથા હાટકેશ્વર - સોનાના સ્વામીને હું ભજું છું . 


सुरासुरेश्वरं रमापतीश्वरं महेश्वरम् । घराधरेश्वरेश्वरं शिवं निधीश्वरेश्वरं, प्रचंडचंडीकेश्वरं विनीतनन्दिकेश्वरं 

नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्।।८ ।।


હું પર્વતના સ્વામી હિમાલયના પણ અધિપતિ , કુબેરના ઈશ્વર , દેવો અને દાનવોના ઈશ્વર , વિષણુના અધિપતિ મહેશ્વર , ઘણી મહાન એવી ચંડિકાના સ્વામી , નમ્ર નંદિના અધિપતિ એવા નાટકે શ્વર — નૃત્યના સ્વામીને નમન કરું છું અને હાટકેશ્વર - સોનાના સ્વામી શંકરને હું ભજું છું . 


हाटकेशस्य भक्त्या यो हाटकेशाष्टकं पठेत् । हाटकेशप्रसादेन हाटकेशत्वमाप्नुयात्।।


જે માણસ શંકરની ભક્તિવડે હાટકેશાષ્ટકમનું પઠન કરશે તે શંકરની કૃપા વડે શંકરનો અંશ ( શંકરપણું ) મેળવશે . 


    આખા સ્તોત્રમાં ભગવાન શંકરના ગુણ અને રૂપની વાત છે, કે હે શંકર તમે આવા છો, આવા છો, માટે હું તમને ભજું છું. પરંતુ અંતમાં જે કહ્યું છે, તેમાં એવું સ્પષ્ટ કહ્યું છે કે આ સ્તોત્ર ગાન કરનાર શંકરપણા ને પ્રાપ્ત કરશે, એટલે કે શંકરનો અંશ બનશે. શંકરનો અશં બનવું એટલે કે નાગર બનવું, ઝેર પીવા છતાં જે ઝેરી નથી, એવા લોકો. જે લોકો સમાજની હોય કે પરિવારની હોય, પણ સમસ્યાઓ રૂપી વીષ પી લીધા છતાં પણ જે પ્રસન્ન રહે તે નાગર. આપણે ગઈકાલે જોયું તેમ વિવિધ કલાઓમાં પ્રવીણતા એ નાગરનું આગવું લક્ષણ છે  જે 6 પ્રકારના" ભગ" ની ભાગવતમાં વાત આવે છે, એ છએ પ્રકારના "ભગ"નું વરદાન નાગર ને છે. મુખ્યત્વે નાગરના ઘરમાં ઇષ્ટદેવ હાટકેશ્વર અને મા અંબાની પૂજા, ભક્તિ, આરાધના વગેરે રહ્યા. ઇતિહાસ સાક્ષી છે કે ગ્રીસથી આવેલા આ નાગરો ભારતમાં ઘણી બધી જગ્યાએ વસ્યા છે, પરંતુ ગુજરાતનો જે એ જમાનામાં વિકાસ એટલે કે નગરની બાંધણીથી લઈને સામાજિક ઉન્નતીની વાત હોય તો તેની પાછળનું કારણ ક્યાંક કોઈ ને કોઈ નાગર રહ્યો છે.


       જાગૃતિ માટે આદિકવિ નરસિંહ મહેતાના નામે પ્રસિદ્ધિ પામનાર એ નરસૈયો ઇ.સ. 1409 આસપાસ કાઠિયાવાડમાં તળાજા ખાતે કૃષ્ણ દાસ અને દયા કુંવરના ઘરે જન્મ થયો. નરસિંહ મહેતા પાંચ વર્ષના હતાં ,ત્યાં માતા પિતાનું અવસાન થયું અને દાદી એ તેમનો ઉછેર કર્યો. તેઓ લગભગ ૮ વર્ષ સુધી બોલી શકયા નહીં. મુખ્યત્વે નાગરોના ઘરમાં શિવની પૂજા હતી, પણ નરસિંહ મહેતાના દાદી એ વૈષ્ણવ પંથી એટલે કે કૃષ્ણની ભક્તિ કરનારા હતા, અને એટલે જ કદાચ નરસિંહ નાનપણથી કૃષ્ણ ઉપાસક બન્યા. તેમને તળાજા ખાતેના ગોપનાથના મંદિરમાં ભગવાન શંકરનો સાક્ષાત્કાર પણ થયો હતો. તેમની દાદીએ એક સંતને નરસિંહ બોલી નથી શકતો, એ દુવિધા કહી, ત્યારે એ સંત એ તેના કાનમાં રાધે ગોવિંદ નામનો મંત્ર ફૂંક્યો, અને ત્યારથી નરસિંહ બોલવા લાગ્યા. વ્યવસાય અર્થે જુનાગઢ આવેલા નરસિંહના પરિવારમાં તેમના મોટાભાઈ બંસીધર, અને તેમની ભાભી સાથે તેઓ રહેતા,પછી માણેક બાઈ સાથે તેમનું લગ્ન થયું. શરૂઆતમાં બધું ઠીકઠાક ચાલ્યું, અંતે ભાઈને એવું લાગ્યું કે આ પતિ-પત્નીનું ભરણપોષણ પોતાને કરવું પડે છે, અને તેથી તેમણે ન કહેવાનાં વેણ કહ્યા અને નરસિંહ મહેતા અને માણેક બાઈ બન્ને પોતાનો અલગ ગૃહસ્થ આશ્રમ શરૂ કર્યો. તેમને બે સંતાનો થયા શામળશા અને કુંવર બાઈ, તે બંનેના પણ લગ્ન થયા. કાળ ક્રમે પત્ની અને પુત્રનું પણ અવસાન થયું. તે સમયના નાગર સમાજ એ નરસિંહ મહેતાને બહુ જ સતાવ્યા. કૃષ્ણ ભક્તિ કરનાર નરસિંહ મહેતા ને દરેક કસોટીમાંથી સાક્ષાત કૃષ્ણ એ આવી તેમને ઉગાર્યા. પિતાનુ શ્રાદ્ધ,કુંવરબાઈનું મામેરું,શામળનાં વિવાહ, તે સમયના જુનાગઢના રાજા એ કરેલી કારાવાસની સજા આ બધા પ્રસંગો એ હરિ સાક્ષાત આવી મદદ કરી હતી, અને આજે પણ તેની પર આખ્યાનો થાય છે.


         એક બાજુ નાગર કુળમાં જન્મ મળ્યો તેનો ખૂબ જ ગર્વ છે, તો બીજી બાજુ આ નાગરો એ જ નરસિંહ મહેતા જેવા ભોળા ભગતને સતાવ્યા, તેનો અત્યંત ખેદ પણ છે. પરંતુ ચતુર બુદ્ધિ તરત સમાધાન પણ શોધે છે, કે જો નાગરોએ નરસિંહને સતાવ્યા ન હોત, તો સમાજને તેનું આટલું શુદ્ધ ચરિત્ર અને આવા સુંદર કાવ્યો, અને પદ પણ ન મળ્યા હોત, માટે આ બધી અવતાર ની લીલાઓ હતી. પરંતુ જે છે તેને સ્વીકાર્યા વગર છૂટકો નથી.


  જાગને જાદવાથી શરૂ કરીને, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, ધ્યાન ધર, ધ્યાન ધર, પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, ભૂતળ ભક્તિ પદારથ મોટું, આજની ઘડી તે રળિયામણી, વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ બધા ભક્તિ વૈરાગ્ય ના પદની રચના કરી. તો નરસિંહ મહેતા એ શૃંગાર રસ કવિ પણ છે, અને તેમણે વ્રજ વનિતાના ભાવમાં પણ અસંખ્ય ઊર્મિ કાવ્યની રચનાઓ કરી છે. પોતે વ્રજ વનિતા બની અને કૃષ્ણ સંગે રસ ક્રીડા કરતા હોય, તેવી પુષ્કળ રચનાઓ આપણને મળે છે. આમ નરસિંહ મહેતાને કારણે સામાન્ય લોકોના મુખમાં પણ વેદ વેદાંત રમતો થયો. તેમણે જે વૈષ્ણવ ના 11 લક્ષણો વર્ણવ્યા છે, તે જેનામાં હોય તે નાગર. તેમણે સમાજમાંથી અછૂતની પ્રથા દૂર કરી, તેઓ હરિજનવાસમાં પણ ભજન કરવા જતા, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ વૈષ્ણવ જન ખુબ જ ગમતો અને તે તેમની નિત્ય પ્રાર્થના માં સામેલ હતું


   વિશ્વનો એક પણ એવો ખૂણો નહીં હોય જ્યાં આજે લોકો નરસિંહ મહેતાને ઓળખતા નહીં હોય. ભીડ પડે ત્યારે ભક્ત ભગવાનને પોકારે, અને તે આવી તેના કાર્ય કરી જાય એવું, નરસિંહ મહેતાના ચરિત્ર પરથી આપણે સાક્ષાત જોઈ, અને અનુભવી શકીએ છીએ. તેમની ભક્તિની પરાકાષ્ઠા પણ ખૂબ જ ઊંચી હતી, પુત્ર અને પત્નીનું દેહાંત થયું, ત્યારે "ભલું થયું ભાંગી જંજાળ" એવું તો નરસિંહ જ ગાઈ શકે. આપણે તો રોદણા રોવા વાળા આપણાથી આવી ભક્તિ કેમ થાય. તો આપણે એ પરમ વૈષ્ણવ નાગરનાં ચરણોમાં કોટી કોટી વંદન કરી શકીએ.


      નરસૈંયો એ મારું પ્રિય પાત્ર છે, રુવાડે રુવાડે જાગૃતિનો અલખ જગાડનાર એ નરસૈયાની ચેતના જીવ સાથે આત્મસાત થઈ ગઈ છે. એનું એક કારણ માનસ નાગરની કથા, જે મોરારી બાપુ ના મુખે જૂનાગઢમાં થઈ હતી તેનું રસપાન કર્યું હતું. તો મૂળભૂત નાગરના દરેક લક્ષણો સમાજનો દરેકે દરેક વ્યક્તિ કેળવે, અને એ રીતે હાટકેશ્વરને ભજીને હાટકનાથ જેવું તેજ અને ક્રાંતિ ભર્યું જીવન પામીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું.  ફરી મળીશું નવા ચિંતન મનન સાથે,તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન જય સીયારામ અને જય હાટકેશ.


    લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.