સદગુરુ કૃપા હી કેવલમ
શીર્ષક- શિવાલયનો મહિમા
સુરભી નામની ગાય ઘોઘાથી સમુદ્રમાં તરીને ભંડારિયાના ડુંગરોમાં રાફડા પર પોતાના દૂધનો અભિષેક કરવા માટે જતી હતી
આ વખતે શ્રાવણના સરવડા લગભગ ક્યાંય વરસી રહ્યાં નથી, અને ગરમી પણ જાણે ભાદરવો તપતો હોય એવી છે, અને અંદર બહારની તપ્ત ધરાને ઠારવા લોકો જુદી જુદી રીતે શ્રાવણે શંકરને આરાધિ રહ્યા છે. સમાજમાં એકબાજુ ઈશ્વર છે એવી દ્ર્ઢ માન્યતા ધરાવતા લોકો છે, તો બીજીબાજુ આ બધી ભ્રામક્તા છે, અને ઈશ્વર જેવું કંઈ હોતું નથી, એવું કહેવા વાળાં છે. પણ છતાં રોજીંદા જીવનમાં નહીં તો આ રીતે મહિનો માસ હોય ત્યારે તો ઘણા ઈશ્વર ભક્ત ફૂટી નીકળે છે, જેને આપણે ત્યાં તક સાધુ ની ઉપમા આપવામાં આવે છે. પણ એકંદરે શ્રાવણીય અનુષ્ઠાન ને કારણે લોકોની ઈશ્વર પ્રત્યેની આશાને આસ્થા વધી રહી છે,કે વરસાદ આવશે!! પણ મેઘ તાળી દઈ રહ્યો છે. આપણે ત્યાં મોટેભાગે શ્રાવણમાં જ વરસાદ વધુ થતો હોય છે એટલે શંકરની ભક્તિ જેટલી વધુ કરીશું, એટલી કુદરત મહેર કરશે, એવો પણ ભાવ બધાનો રહ્યો છે, કારણકે ખેતીલાયક વરસાદ તો હજી થયો જ નથી, શરૂઆત નો વરસાદ તો ઉલટાનું બધું ખેદાનમેદાન કરી ગયો. શિવાલયોમાં શ્રાવણમાં દિપાવલીના તહેવાર જેમ રોશની અને શણગાર કરવાની પણ આપણે ત્યાં પ્રથા છે. આ ઉપરાંત તીર્થસ્થાનોના શિવાલયમાં દર્શનનો લાભ પણ ભક્તો લેતા હોય છે. શ્રાવણિયા સોમવારે સોમનાથના દર્શન કરવાં, ત્રિવેણીમાં સ્નાન કરવું, કે પછી દરિયામાં સ્નાન કરવું, એવી આપણી જૂની પરંપરા પણ છે. એટલે ઘણા બધા શિવાલય નદી કિનારે તો દરિયાકિનારે પણ જોવા મળે છે. સોમનાથનું જ્યોતિર્લિંગ પણ દરિયાકિનારે છે ગોપનાથનું પણ દરિયાકિનારે છે. પરંતુ પર્વતોની વચ્ચે પણ શિવાલયો આવેલા છે, અને ઘણી જગ્યાએ તો કુદરતી નજારો એ રીતે જોવા મળે છે કે સ્વયં પર્વત શિવલિંગ હોય એવું દેખાય, અને એમાં પાછું ઝરણું પડતું હોય, એટલે જાણે અસ્તિત્વ તેનો અભિષેક થતો હોય, તો એવું જ લાગે. ભાવનગરથી 26 કિલોમીટરના અંતરે આવેલી ભંડારિયાની ગિરિમાળાઓમાં આવેલું માળનાથ મહાદેવનું મંદિર પણ આવું જ એક અદ્ભુત સૌંદર્ય ધરાવે છે, અને તેની બાજુમાં જ ત્રંબકનો ધોધ પણ આવેલો છે તો આજે આપણે એના વિશે વાત કરીશું.
ભાવનગર શહેરથી ૨૬ કિમી દુર ભંડારિયા સ્થિત ખોખરાની ગિરિમાળામાં પ્રાકૃતિક સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે.ચારે તરફ લીલી ચાદર પથરાયેલી જોવા મળે છે .આ પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે માળનાથ મહાદેવનું મંદિર.જે મંદિરે પહોચતા પહેલા લોકોને રમણીય અને લીલી ચાદર ઓઢેલા પહાડો પરના રસ્તા પરથી પસાર થવું પડે છે .આ મંદિરે પહોચતા પહેલા પહાડો અને રસ્તા પર પૌરાણિક વાવ પ્રાચીન પશુઓના અવેડા તેમજ ગિરિમાળા પર વીજળી ઉત્પાદન કરતી પવનચક્કીઓ નજરે પડે છે. આ ભંડારિયાની ગિરિમાળા પર ૨૦ જેટલી મહાકાય પવનચક્કીઓ પણ આવેલી છે, જે નજારો પણ દ્રશ્યને રમણીય બનાવે છે .માળનાથ મહાદેવનું મંદિર એક ટેકરી પર સ્થિત છે, એટલેકે ફરતે મોટા પહાડો અને વચ્ચે નાની ટેકરી પર બિરાજતા માળનાથ મહાદેવનો નજારો આલ્હાદક છે, માળનાથ પર્વતની ટેકરી પર આવેલું હોવાથી, અહીં દર્શન કરનાર લોકો કેદારનાથમાં દર્શન કરતાં હોય તેઓ એક અનુભવ પણ કરે છે.
આ માળનાથ મંદિરની સ્થાપના આજથી ૬૫૦ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી .ઈ.સ.૧૩૫૪ માં એક વણિક પરિવારે આ મહાદેવની સ્થાપના કરી હતી, અને તેની લોકવાયકા અને ઇતિહાસ પણ એટલો રમણીય છે. માળનાથ મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પ્રાચીન સમયમાં ઘોઘા નજીકના પીરમબેટ ટાપુ પર રહેતા એક વણિક શેઠ જે ખુબજ ધાર્મિક હતા. તેઓ ગૌમાતા પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવતા હતાં, અને તેઓ પોતાની પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગૌમાતાઓ રાખતા હતાં ,અને આ ગાયોનું દૂધ ઘી બ્રાહ્મણને આપતા હતા.આ બધી ગાયોમાં એક વિશેષ ગાય હતી, તે ગાયનું નામ સુરભી હતું .આ ગાય માટીના રાફડા ઉપર દુધ આપતી હોવાની વાત છે જે બાદ ખ્યાલ આવતા ત્યા માળનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી.
લોકવાયકા મુજબ કહેવાય છે કે આ સુરભી નામની ગાય ઘોઘાથી સમુદ્રમાં તરીને ભંડારિયાના ડુંગરોમાં ચરવા માટે જતી હતી.આ ગાય રોજ ઘેર આવીને દૂધ આપતી નહિ .જેથી આ વણિક શેઠ તેના ગોવાળને ખીજાતા અને કહેતા કે તું ગાયને દોહી લે છે, જેથી ગાય અહી દૂધ આપતી નથી.જયારે આ બાબતનો ઠપકો રોજ ગોવાળે ને શેઠ તરફથી મળવા લાગ્યો, એટલે એણે કહ્યું કે હું ગાયને દોહી નથી લેતો પરંતુ હું તેની તપાસ કરી અને આપને જરૂર જણાવીશ.જેથી આ ગોવાળ અન્ય ગાયોને મૂકીને આ સુરભી ગાયની પાછળ તપાસમાં નીકળ્યો, અને એક દિવસ ગોવાળ પોતે ગાયનું પૂછડું પકડીને દરિયામાં તરીને ગાયની પાછળ ગયો, અને જોયું તો આ ગાય ભંડારિયાના ડુંગરોમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધની ધારાથી અભિષેક કરતી જોવા મળી જેથી ગોવાળે પરત ફરીને આ સમગ્ર બાબતની જાણ વણિક શેઠને કરી .ગોવાળની વાત પરથી વણિક શેઠ ચોકી ઉઠ્યાં હતા, અને આ ગાય રાફડા પર અભિષેકની વાત તેના પરિવારને કરી, આખો પરિવાર આ ગાયની પાછળ નીકળ્યો હતો, અને જ્યાં આ ગાય અભિષેક કરતી હતી તે રાફડાને ડાંગથી ગોવાળને ખોદવા જણાવ્યું હતું.જેથી આ રાફડા માંથી. શિવ બાણ એટલેકે શિવલિંગને પૂજામાં મળેલા જોઈને, આ નગરશેઠે ત્યાં જ તેમની સ્થાપના કરી હતી.જે માળનાથ મહાદેવ તરીકે જાણીતું બન્યું છે .માળનાથ મહાદેવની સ્થાપના બાદ ઈ.સ ૧૯૪૩ ના આસો સુદ-૧૦ એટલેકે વિજ્યદસમીના દિવસે ૧૬ સપ્ટેમબરના રોજ ભાવનગરના મહારાજા નામદાર તખ્તસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ માળનાથના દર્શન કરવાથી શિવભકતો કેદારનાથમાં હોય તેવી લોકો અનુભૂતિ કરે છે અને ધન્યતા અનુભવે છે.
માળનાથ મહાદેવ ખુબજ નયનરમ્ય છે, અને તેની નજીકમાં ત્રંબકનો ધોધ પણ પડે છે. જે દ્રશ્ય ને વધુ આલ્હાદક બનાવે છે,માળનાથ એક અતિ પવિત્ર ધાર્મિક સ્થળ છે.પવિત્ર શ્રાવણ માસમાં અહી ભક્તોની ખુબજ ભીડ જોવા મળે છે.અને શ્રાવણ માસમાં શિવભકતો પાણી- દૂધ, બીલીપત્ર-શેરડીનો રસ-કાળા તલ જેવા વિવિધ દ્રવ્યો વડે શિવજીનું પૂજન અને અભિષેક કરે છે તેમજ અહી સવારમાં થતી દીપમાળનું ખુબજ મહત્વ રહેલું છે. આ દીપમાળમાં ૧૦૮ દીવા પ્રગટાવીને માળનાથ મહાદેવની આરતી કરવામાં આવે છે. આ દીપમાળ આરતીના દર્શન કરવાથી માનવીના સર્વ મનોરથ પૂર્ણ થાય છે
માળનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણમાસમાં શિવપૂજનની સાથે સાથેલઘુરુદ્ર-શિવકથા-મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જયારે શ્રાવણમાસ દરમ્યાન લાખો શ્રદ્ધાળુઓ અહી દર્શન કરી ધન્યતા અનુભવે છે, અને પોતાનું જીવન સુખમય બને તેવી ભોલેનાથ પાસે પ્રાર્થના કરે છે.
આ મંદિરે જવા માટે પોતાના પ્રાઇવેટ વાહન ઉપરાંત એસટી નિગમની બસો, અને સ્કૂટર લઈને પણ લોકો જતા હોય છે. આ ઉપરાંત ભાવનગરથી છોટા હાથી અને છકડામાં બેસીને પણ આ મંદિરના દર્શને જઈ શકાય છે. ભાવનગરથી કોબડી પહોંચી અને ત્યાથી પણ આ મંદિરે જવાનો માર્ગ છે અને, ભંડારિયાથી પણ માર્ગ છે, પરંતુ મોટાભાગના લોકો કોબડી વાળાં માર્ગે જવાનું પસંદ કરતાં પણ જોવા મળે છે. આ ઉપરાંત આ મંદિરની ટેકરીએ પગપાળા દર્શન કરવા જવું પડે છે, પોતાના વાહન તળેટી સુધી જઈ શકે છે. મારગ ગમે તે હોઈ શકે, પરંતુ મંત્ર તો સૌના હૃદયમાં કલ્યાણનો જ હોવો જોઇએ, તો જ શિવને આરાધવાનો કે તેના દર્શનનો આપણને અધિકાર મળે છે, તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.