વિશ્વમાં મહિલાઓનું ઘણું યોગદાન છે. પોતાના દમ પર નવો ચીલો ચિતરનાર તથા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી પ્રતિભાથી વિશેષ છાપ છોડનાર મહિલાઓના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને મૂલવવા માટે વિશ્વભરમાં દર વર્ષે ૮ માર્ચનો દિવસ ' વિશ્વ મહિલા દિન ' તરીકે ઉજવાય છે. વિશ્વ મહિલા દિનના આ પાવન અવસર પર આજે એક એવાં સ્ત્રીરત્નને યાદ કરવા છે કે, જેમણે માનવ સેવાની ધૂણી ધખાવીને અનોખું તેજ પ્રાપ્ત કર્યું છે. તે કર્મયોગી મહિલા એટલે શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ.
ઇન્દુબેન માનવસમાજ અને અબોલ જીવોની સેવા તો કરે જ છે, પણ સાથે સાથે પોતાના પ્રજાપતિ સમાજ માટે પણ ઉમદા કર્યો કરી રહ્યાં છે. તેમણે મૂર્ધન્ય સાહિત્યકારશ્રી ઉમાશંકર જોશીનાં બામણા ગામની નજીક અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલાં પુનાસણ ગામે કુદરતી સૌંદર્યનાં સાનિધ્યમાં પોતાનાં દમ પર 'શ્રવણ સુખધામ પંચવટી' નામની માનવસેવાની ઝળહળતી જ્યોતિ સમાન એક સંસ્થા asસ્થાપી છે. આજ સંસ્થાના મંચ પરથી તેઓ અનેક સેવાકાર્યો ખુલ્લાં મૂકી રહ્યાં છે. જેમાં અબોલ જીવોની સેવા માટેનું ' વિહંગનો વિસામો ' અભિયાન ખૂબ જાણીતું છે. તેમણે અંતરિયાળ વિસ્તારની આદિવાસી મહિલાઓમાં માસિક પેડનું નિઃશુલ્ક વિતરણ કરીને મહિલાઓને માસિકધર્મ અંગે જાગૃત કરી, જેથી તેઓ આજે તે વિસ્તારમાં 'પેડ વુમન' તરીકે વિખ્યાત છે. તેમણે સ્વખર્ચે પ્રજાપતિ સમાજની ૧૦ દીકરીઓના લગ્નનાં માંડવા રોપ્યા અને તેમનું કન્યાદાન કર્યું. આવા તો અનેક કાર્યો ઇન્દુબેન પ્રજાપતિના નામે લખાયેલાં છે.
ઇન્દુબેન પ્રજાપતિ પોતાના કુંભાર સમાજની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. સમાજના યુવાનોને પોતાની અને સમાજની પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવા માટે તેમણે ''કુંભાર રત્ન' એવોર્ડની સ્થાપના કરી. તારીખ ૧ જૂન, ૨૦૨૨ના રોજ બીમાર હોવા છતાં તેમણે શ્રવણ સુખધામ પંચવટી સંસ્થાના પવિત્ર મંચ પરથી ' કુંભાર રત્ન' એવોર્ડ ખુલ્લો મૂક્યો અને સમાજના કલાકારો, ગાયકો, લેખકો, કવિઓ, સમાજસેવકો, રમતવીરો અને સંતોને કુંભાર રત્ન થી સન્માનિત કરી તેમને પોતાનાં ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. પોતે નામ કમાવા અને સમાચારોમાં ચમકવા માટે તો અનેક લોકો આગળ આવીને મદદ કરતાં હોય છે, પરંતુ ઇન્દુબેન પ્રજાપતિએ 'કુંભાર રત્ન' એવોર્ડ એવા સમયે શરૂ કર્યો જ્યારે તેઓ હોસ્પિટલની પથારીએ હતાં. કુંભાર રત્ન સમગ્ર વિશ્વના કુંભાર - પ્રજાપતિ સમાજ માટે એક નવી પહેલ છે, જે શ્રવણ સુખધામ સંસ્થા અને તેના સંચાલક શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિએ શરૂ કરી છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યોમાં સૌપ્રથમ વખત આ એવોર્ડની શરૂઆત ઇન્દુબેન પ્રજાપતિ એ કરી છે.
'કુંભાર રત્ન' એ ફક્ત એવોર્ડ માત્ર નથી. 'કુંભાર રત્ન' એ સમાજના નવલોહીયાઓને પોતાના કાર્યક્ષેત્રમાં સતત આગળ વધવા માટે પ્રેરિત કરતી પ્રેરણા છે. સમાજના યુવાનોને સતત પ્રયત્નશીલ રાખતું જોમ છે. સમાજના યુવાનોને તેમની કાર્યસિદ્ધિ બદલ બિરદાવતું સન્માન છે. 'કુંભાર રત્ન' મેળવેલો પ્રજાપતિ સમાજનો યુવાન તેને મળેલા સન્માનની મર્યાદા જાળવીને સમાજનું નામ અને પ્રતિષ્ઠાને વધુ ને વધુ ઉજ્જવળ કરવા સતત મથતો રહે છે.
આ ફક્ત એક ચાકડાનું પ્રતિક નથી, પણ ખરાં અર્થમાં સમાજને સતત પ્રગતિશીલ રાખતું ચક્ર છે, સમાજના યુવાનોની નસોમાં ભરવામાં આવતો જોશ છે. નિરુત્સાહી થયેલાં યુવાનો માટે પૂરતાં પ્રમાણમાં પ્રોત્સાહન પૂરો પાડતો ઑક્સિજન છે. યુવાનોને પોતાના માર્ગ ટકી રહેવા માટે મક્કમ બનાવતો પ્રાણવાયુ છે. આ ખરેખર તો કોઈ એક સમાજ માટે નહિ, પણ દરેક સમાજ માટે પ્રેરણસ્રોત છે. પ્રજાપતિ સમાજના નારીરત્ન ઇન્દુબેન પ્રજાપતિ પોતે એક પ્રેરણામૂર્તિ છે. તેમણે આ પહેલ દ્વારા સમાજને ઉમદા પ્રેરણા પૂરી પાડી છે. સમાજના સાચા રત્નોને શોધીને ચમક પ્રદાન કરીને સમાજમાં નવો પ્રકાશ ફેલાવનારા શ્રવણ સુખધામ પંચવટી સંસ્થાના સંચાલક શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિને હૃદયથી વંદન છે...
લેખક :- પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.