મહાકાલને સ્મશાનના અધિપતિ માનવામા આવે છે - શિવાલયનો મહિમા ભાગ-૪ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

મહાકાલને સ્મશાનના અધિપતિ માનવામા આવે છે - શિવાલયનો મહિમા ભાગ-૪

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક શિવાલયનો મહિમા


     મહાકાલને સ્મશાનના અધિપતિ માનવામા આવે છે, જેથી શબની ભસ્મ તેમના શ્રૃંગારનુ કામ કરે છે. ઉપરાંત એક માન્યતા છે, કે મહાકાલને ચઢાવેલ ભસ્મને આરોગવાથી તમામ રોગોમાંથી મુક્તિ મળે છે.


    ધીમી ગતિએ શ્રાવણ આગળ ચાલી રહ્યો છે અને લોકો પણ બધી વ્યથા ભૂલી અને શિવને આરાધવા શિવાલયોમાં જવા લાગ્યાં છે. મંદિરોમાં ખૂબ જ ભીડ થાય છે, એકંદરે આ ભાવ એટલે કે શ્રાવણમાં જ ક્યાંક નુકસાન કરતા પણ સાબિત થઇ શકે છે. પરંતુ ભોળો ભગવાન એવું ન કરે, એવી ઈચ્છા રાખીએ. ભાવનગર શહેરની માત્ર વાત કરીએ તો, અહીં ઘણા બધા શિવાલયો આવેલા છે. ભીડભંજન મહાદેવ, બારસી મહાદેવ, બિલેશ્વર, નારેશ્વર, જશ્વનાથ, ભવનાથ, થાપનાથ અને શહેરની શોભા વધારનાર તખ્તેશ્વર તો ખરું જ. આસપાસના વિસ્તારો અને નાના-નાના ગામ પંથકોમાં પણ ઘણા બધા શિવાલયો છે, અને દરેકનો કોઈને કોઈ મહિમા પણ છે. એટલે એ રીતે જોઈએ તો સૌરાષ્ટ્ર પંથક શિવાલયથી ભરપુર છે, અને લોકોના મનમાં એની પ્રત્યે અનન્ય ભાવ પણ છે. આપણે પણ જુદાજુદા શિવાલય વિષે જાણીએ છીએ. આપણે બાર જ્યોતિર્લિંગમાંના ત્રીજા ક્રમે આવતાં, જ્યોતિર્લીંગ એટલે કે ઉજ્જૈનના મહાકાલ વિશે વાત કરીશું.


    ભારતનાં નકશાનું હ્રદય એવી ઉજ્જૈન નગરીમાં એટલે કે હાલના મધ્યપ્રદેશની રાજધાનીમાં મહાદેવનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ બિરાજમાન છે, અને તે કાળના કાળ મહાકાળનાં નામે એટલે કે, મહાકાલેશ્વરનાં નામે પ્રસિદ્ધ છે. આ નગરી જે પહેલાના સમયમાં અવંતિકા એટલે કે વિક્રમાદિત્યની રાજધાની હતી. આ ઉપરાંત આ નગરીના ઘણા નામ છે. જેમ કે

અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું, મહાકાલનાં મંદિર સિવાય પણ ઉજ્જૈન સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસનું નામ આ પ્રદેશ સાથે જોડાયેલું હોવાથી પ્રખ્યાત છે. મહાકવિ કાલિદાસે પોતાના જીવનના પચાસ વરસ આ જગ્યા પર પસાર કર્યા હતાં.

વિક્રમાદિત્યના સમયનાં અહીં ઘણા બધા શિલ્પ અને સ્થાપત્ય મળી આવે છે. જે જે તે સમયના ભારતના એશ્વર્યનો પરિચય કરાવે છે. મંદિરના પટાંગણમાં કોઈ એક પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ કરવામાં આવ્યું તો તેનાથી જુના જમાનાની દિવાલ જેવા અવશેષો મળી આવ્યાં, અને પુરાતત્વ વિભાગના કહેવા અનુસાર આ બાંધકામ પુરા 1000 વર્ષ પૂર્વેનું છે. જે બતાવે છે કે અહીં યુગ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ ધરાવતા કોઈનું રાજ્ય હશે. શિપ્રા નદીના કિનારે આવેલું મહાકાલનું મંદિર ઘણા બધા રહસ્યો સાથે સંકળાયેલું છે અને આ ઉપરાંત તેની સાથે એક તેના હોવા વિશેની દંતકથા પણ મળી આવે છે. આ ઉપરાંત મહાકાલની સાથોસાથ કાલભૈરવનુ મંદિર પણ અહીં આવેલું છે, અને ભારતમાં એકમાત્ર શિવાલય એવું છે, જેમાં ભગવાન દક્ષિણાભિમુખ બેઠા છે, આથી તેને દક્ષિણામૂર્તિ પણ કહેવામાં આવે છે. આમ જુઓ તો આપણે ત્યાં મોટેભાગે ઈશાન ખૂણો અથવા તો પૂર્વ તરફ મુખ કરીને મૂર્તિને રાખવામાં આવે છે. એટલે તંત્રની. વામ માર્ગીય સાધના માટે કાલ અને મહાકાલની ઉપાસના કરવા અહીં ઘણા અઘોરીઓ ને તાંત્રિકો આવે છે. આ મંદિરનું ખાસ આકર્ષણ ભસ્મ આરતીનું છે, ત્યાં વહેલી સવારે એટલે કે લગભગ ચાર વાગે મહાદેવના લિંગને ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવે છે, પહેલા તો તાજી ચિતા પરથી ભસ્મ લઈ અને તેનું લેપન કરવામાં આવતું હતું, પરંતુ હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, શમી,પીપળો, પલાશ, વડ,અમલતાસ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે, જે બિલકુલ શિવપુરાણમાં ઉલ્લેખ થયાં મુજબ છે. જોકે અઘોરીઓની માંગણી છે કે મહાકાલની ભસ્મ આરતી પહેલાની જેમ જ તાજા મડદાની રાખમાંથી થાય. આ આરતી સમયે વાતાવરણ એક અલગ જ પ્રકારના ધાર્મિક આવૃત્તિ મય બની જાય છે.પરંતુ મહાકાલની આરતી સમયે એક અગત્યના નિયમનુ પાલન અચૂકપણે કરવાનુ થાય છે.મહાકાલની આરતી દરમિયાન સ્ત્રીઓએ ફરજિયાત સાડીમાં જ પ્રવેશ આપવામાં આવે છે, અને ઘૂંઘટ રાખવો પડે છે, કારણ કે આ સમયે ભગવાન નિરાકાર રૂપમાં હોય છે, તેથી સ્ત્રીઓને મહાકાલની આરતીના દર્શનની મનાઈ છે. તેમજ પુજારીને પણ સિલાઈ વિનાના માત્ર એક જ વસ્ત્ર ધારણ કરી પૂજા કરવાની હોય છે.મહાકાલને સ્મશાનના અધિપતિ માનવામા આવે છે, જેથી શબની ભસ્મ તેમના શ્રૃંગારનુ કામ કરે છે. એવી પણ એક માન્યતા છે, કે મહાકાલને ચઢાવેલ ભસ્મને આરોગવાથી તમામ રોગો માંથી મુક્તિ મળે છે. અહીંયાં સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં અહીંયા ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બીરજૂ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે.


  વિક્રમાદિત્યના સમયમાં આપણું હિંદુ ઓનું કૅલેન્ડર નક્કી થયું હોવાથી ઇ.સ. વિક્રમ સંવત એવું કહેવામાં આવે છે. આ ઉપરાંત ઉજ્જૈન અને મહાકાલ નું મંદિર શિપ્રા નદીના કિનારે આવેલું છે,ક્ષીપ્રા નો એક અર્થ ધીમો વેગ પણ કરવામાં આવે છે, અને તેથી અહીં દર દસ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દેશ-વિદેશથી ઘણા ભક્તો ઉમટી પડે છે અને શિવ શંકર ના ગણ જેવા અઘોરીઓ પણ કુંભ મેળાનું મુખ્ય આકર્ષણ છે.


આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમા વિભાજિત છે. તેના પ્રથમ ઉપરી ભાગે નાગ ચંદ્રેશ્વર, મધ્યસ્થે ઓંકારેશ્વર અને છેલ્લે નીચે મહાકાળેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. આ સાથે અહિયાં ભગવાન ભોલાનાથ સાથે માતા ઉમા, ગણપતી તેમજ કાર્તિકેયના પણ દર્શન થાય છે.મંદિરમાં એક કુંડ પણ આવેલુ છે અને તેમા સ્નાન કરવાથી પાપો ધોવાઇ છે તેવી માન્યતા પણ છે.મહાકાલ ના મંદિરમાં કાલભૈરવ, મંગલ મંદિર, કે જેની સાથે મંગલં ગ્રહ ની ઉત્પત્તિ ની કથા જોડાયેલી છે, અને બીજા પણ ઘણા મંદિર આવેલા છે. મહાકાલ નાં મંદિર સાથે એક દંત કથા જોડાયેલી છે જે તેનું પ્રમાણ માનવામાં આવે છે.


    પૌરાણિક માન્યતા અનુસાર કહેવાય છે કે દૂષણ નામનો એક રાક્ષસ બધાને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો અને લોકોએ મહાકાલને પ્રાર્થના કરી કે હે મહાકાલ અમને આ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરો, અને લોકોની રક્ષા અર્થે મહાકાલ એટલે કે ભગવાન આશુતોષ પ્રગટ થયા, અને દૂષણનો ખાત્મો કરી અને પરત જઇ રહ્યા હતાં, ત્યારે ઉજ્જૈન વાસીઓએ તેમને અહીં જ રોકાઇ જવા આગ્રહ કર્યો, અને ભગવાન શિવલિંગમાં સ્વયં જ્યોતિ સ્વરૂપે સમાઈ ગયાં, ત્યારથી આ મંદિર મહાકાલનાં ના નામે પ્રખ્યાત છે, અને ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક ઉત્તમ મંદિર છે.આ ઉપરાંત મંદિરમાં સાંજની આરતી સમયે શિખર પર ઘણાં પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે, અને આરતી પૂરી થયાં, પછી ચૂપચાપ ક્યાંક ચાલ્યા જાય છે, એ પક્ષી કોણ છે? ક્યાંથી આવે છે? ને શું કામ આવે છે? એ રહસ્ય હજી સુધી શોધાયું નથી, ઉજ્જૈનમાં કોઈ મહાન વ્યક્તિ કે નેતાઓ રાત્રી રોકાણ કરતા નથી, આ પણ એક રહસ્ય છે. કહેવાય છે કે મહાકાલના મંદિરના દ્વાર પાસેથી વરઘોડો કાઢવાની મનાઈ છે, કારણકે ભગવાન પોતે જ રાજા છે, અને અન્ય કોઈ ઘોડે સવારી કરે તો એ તેનું અપમાન કહેવાય, આથી અહીં આ પ્રકારનો પ્રતિબંધ છે.


   આમ ઉજ્જૈનના મહાકાલ મંદિર દ્વાપરયુગમાં એટલે કે પાંચમી કે છઠ્ઠી સદીમાં આશરે બાંધવામાં આવ્યું હતું, ત્યારબાદ મરાઠા વશંજ પણ આ મંદિરના ઈતિહાસ સાથે જોડાયેલા છે, કહેવાય છે કે સિંધિયાના દિવાન રામચંદ્ર શેનવી દ્વારા અઢીસો વર્ષ પૂર્વે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.  ઉજ્જૈન નગરીના ઇતિહાસ સાથે ભગવાન શ્રી કૃષ્ણનું નામ પણ સંકળાયેલું છે તેમના ગુરુ સાંદીપનિ ઋષિ નો આશ્રમ અહીં આવેલો હતો. ઉજ્જૈન નગરી અને મહાકાળ નો મંદિર એ સમયમાં પણ બધાને પ્રિય અને પ્રસિદ્ધ હતું, અને આજે પણ તે બધાને પ્રિય છે. તો આપણે પણ કાળના કાળ એવા મહાકાળીને પ્રાર્થના કરીએ કે આ કોરોના નામના રાક્ષસથી આપણું રક્ષણ કરે અને, ઉજ્જૈન વાસીઓએ રોકી દીધા તો જેમ ત્યાં રોકાઇ ગયા તેમ કાયમ આપણો સહારો બની એ આપણે સાથે રહે, તો ભાવથી બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


      લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...