સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક- શિવાલયનો મહિમા
ભગવાન કૃષ્ણ દ્વારા અહીં પુત્રપ્રાપ્તિ માટે પ્રથમ પૂજા કરવામાં આવી હતી,એ બતાવે છે સ્વયં કૃષ્ણ એટલે કે વિષ્ણુ અવતાર પણ શિવની આરાધના કરે છે.
આમ તો ભગવાન સાથે ભક્તિથી જીવ જેટલો જોડાયેલો રહે એટલું એનું જીવન વધારે સુંદર અને સરળ રહે. પરંતુ આપણે રહ્યા ભોગી અને સંસારી જીવ એટલે કાયમ તો શુદ્ધ ભક્તિ જેવું થતું નથી, પણ ઋતુ અનુસાર શ્રાવણમાં વાતાવરણમાં ભેજ રહેતો હોય, બહાર પણ કાદવ કીચડ ને કારણે જતું પ્રેરિત વાયરસનો ખતરો હોયને થોડું શિસ્ત માં જીવાય એટલે એક મહિનો ભગવાન ભોળાનાથ શંભુને આરાધવાનો આપણે ત્યાં એક મહિમા છે, અને ભેજવાળા વાતાવરણમાં શારીરિક તંદુરસ્તી તેમજ માનસિક તંદુરસ્તી બની રહે, એટલે સનાતની પરંપરામાં આખો મહિનો વ્રત ઉપવાસ એકટાણા કરીને પાળવામાં આવે છે. પણ શ્રાવણે ભગવાન શંકરની આરાધનાનું વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે, એ વાત ને નકારી શકાય નહીં. શિવાલયમાં વિવિધ પ્રકારના રુદ્રી મહારુદ્રીના પૂજન-અર્ચન પણ થતા હોય છે. પરંતુ ભગવાન ભોળો નાથ ભાવનો ભૂખ્યો છે, અને જીવ અને શિવનો એક અનન્ય નાતો આ રીતે એટલે જ સદા જોડાયેલો રહે છે. ભગવાન શંકર સાથે ઘણી વસ્તુ જોડાયેલી છે એક તો શંકરની મૂર્તિ કરતાં તેનું લિંગ વધારે પૂજાય છે, અને આખા ભારતમાં સૌથી વધુ શિવાલય ગુજરાતમાં આવેલા છે. જુદા જુદા નામ અને જુદા જુદા સ્થાનનો પણ અનેરો મહિમા છે. ભગવાન શંકર સાથે ડમરું ત્રિશુલ સર્પ, મૃગચર્મ મુંડ માળ,અને બિલિપત્ર આ બધા જોડાયેલા છે,અને તેનાં વગર ભગવાન શંકર અધૂરા છે. ભગવાન શંકર સંસારી હોવાથી તેને પરિવાર પણ છે, અને તેની અર્ધાંગિની એટલે મા જગતજનની જગદંબા આદ્યશક્તિ પાર્વતી, પુત્ર ગણેશ, કાર્તિકેય, નંદી, અને શ્રીગી ભૃગી બે મુખ્ય ગણ આ તેનો પરિવાર છે, અને કાયમ તેની સાથે રહેવા વાળો છે. નેતી નેતીનો એ જ્યાં અંત આવે, પરંતુ ભગવાન શંકરના ગુણો અનંત છે, અને તે સર્જન કરે કે સંહાર ભક્તનું તેમાં કલ્યાણ જ હોય છે. બીલીપત્ર નું વૃક્ષ સામાન્યથી અતિ ગાઢ એમ જોવા મળે છે અને મુખ્યત્વે તેના પર્ણની સંખ્યા એક સાથે ત્રણ જોડાયેલા હોય છે, એટલે કે ત્રિપર્ણ નું જૂથ ધરાવે છે, ભક્ત શિવલિંગ પર બિલીપત્ર ચઢાવી અને પોતાના ત્રણ ગુણ અને ત્રણેય કાળ મહાદેવને અર્પણ કરી નિશ્ચિત થાય છે. તો આજે આપણે બિલેશ્વર અથવા બિલનાથ મહાદેવ ની વાત કરીશું.
બિલનાથ મહાદેવનું મંદિર ગુજરાત રાજ્ય નાં પોરબંદરથી 30 કિમીના અંતરે, બિલેશ્વર ગામમાં આવેલું એક હિન્દુ મંદિર છે. બિલેશ્વર નદીના કિનારે આવેલું, આ પ્રદેશનું સૌથી પ્રાચીન મંદિર છે, અને પોરબંદર નજીક જોવાલાયક અગ્રણી મંદિરોમાંનું એક છે,અને બીલનાથ મહાદેવ મંદિર તરીકે પણ તે ઓળખાય છે, બિલેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. પડોશી રાજ્યો અને ગામોના રબારીઓ આ મહાદેવમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે, અને મંદિરમાં અનેક વ્રત કરવામાં આવે છે. અહીં ઘીના અનેક દીવા પ્રજ્વલિત રહે છે. આમાંથી એક દીવો પોરબંદરના રાણાના ખર્ચે રાખવામાં આવ્યો હતો. લોકવાયકાઓ અનુસાર, એકવાર ઓરંગઝેબની સેનાએ ગામ પર કબજો કર્યો, અને શિવલિંગ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ નંદી, ભગવાન શિવના આકાશી વાહને તેને તોડતા અટકાવ્યા.
પોરબંદરની નજીક આવેલા બિલેશ્વર ગામના બિલનાથ મહાદેવ મંદિર પ્રત્યે શિવભકતોને અનેરી શ્રધ્ધા છે. સ્વયંભૂ બિલનાથ મહાદેવ દાદાનું આ મંદિર આશરે ૧૩૦૦ વર્ષથી પણ વધુ જુનું અને પૌરાણિક છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તીના હેતુથી કરેલ હતી. પુત્ર પ્રાપ્તી માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગ પર સવા લાખ કમળ ચડાવી પુજા કરી હતી.
આ સમયે પૂજામાં શુધ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા. માટે અહીં બિલનાથ મહાદેવના શિવલીંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ સાથે બિરાજમાન છે. ઉપરાંતમાં પૂજનવિધી સમયે સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા સમયે ભગવાન શિવ પ્રસન્ન થયાં, અને શ્રી કૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે બીજા પણ અનેક વરદાનો આપ્યા હતાં. આ વરદાનથી ભગવાન શ્રી કૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બિલેશ્વર ગામમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે. ત્યાં અસંખ્ય બિલીપત્રના વૃક્ષો છે, ભકતો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે.
દરેક શિવ મંદિરમાં શિવની સમીપમાં જ નંદી મહારાજ બિરાજમાન હોય છે, જ્યારે અહીં નંદી શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે, અહીં નંદી મહારાજની કથા કંઇક અલગ અને અનોખી છે. એક સમયે મહમ્મદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહિતના શિવાલયો તોડવા નીકળી પડયા હતા. શિવ મંદિરો તોડતા તોડતા અહીં બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવના શિવાલયમાં લશ્કર પહોંચ્યું, ત્યારે ભગવાન શિવે નંદીને આદેશ આપી કહ્યું કે, આ લશ્કરને તું અહીંથી ભગાડી દે, ત્યારે નંદી બિલનાથ મહાદેવ પાસેથી દોડીને મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઇ બેસી જાય છે, ત્યાં બેસી મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર કાઢે છે અને આ ભમરાના ત્રાસથી મહમ્મદ ગઝની અને તેનું લશ્કર આ સ્થાનેથી પરત ભાગી જાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભકતો શ્રી બિલનાથ દાદાના શિવલીંગ પર ગંગાજળ તેમજ દૂધ ચડાવી દાદાને બિલીપત્ર અર્પણ કરે છે. આ સમયે દાદાને અવનવા શણગારો પણ કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન દ્વારા તિલક કરવામાં આવે છે.
આમ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણ દ્વારા અહીં પ્રથમ પૂજા કરવામાં આવી હતી,એ બતાવે છે સ્વયં કૃષ્ણ એટલે કે વિષ્ણુ અવતાર પણ શિવની આરાધના કરે છે, એટલે જ તેને દેવો નાં દેવ મહાદેવ કહેવામાં આવે છે, આમ અજન્મા આશુતોષની ભક્તિમાં લીન થઈ સૌ પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ગર્ભગૃહની અંદરનું લિંગ 'સ્વયંભુ' તરીકે ઓળખાય છે. આર્કિટેક્ચરની ગુજરાતી શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે, આ બહુમાળી મંદિર સ્પાયરને બદલે પિરામિડ આકારમાં બનાવવામાં આવ્યું છે. શિવલિંગ સિવાય, મંદિરમાં દેવી પાર્વતી, દેવી ગંગા અને નંદીની મૂર્તિઓ પણ છે. આ મંદિર ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષ અધિનિયમ 1965 હેઠળ સુરક્ષિત સ્થળ છે.
શિવરાત્રીની રાત્રે અને શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે યોજાતા મેળા દરમિયાન આ સ્થળ પર ભક્તોનો ભારે ધસારો થાય છે.આ મંદિર પોરબંદરથી નજીક આવેલું હોવાથી પોરબંદર સુધી ટ્રેન અથવા બસના માર્ગે પહોંચી અને ત્યાંથી અન્ય વાહન મારફતે બિલનાથ મહાદેવના મંદિરે પહોંચી શકાય છે. ઐતિહાસીક મહત્વ ધરાવતા અને અતિ પ્રાચીન એવા બિલનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુ ભક્તો જાય છે, અને બિલ્વ પત્ર ચડાવી પોતાની તમામ આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થવાની ચેષ્ટા કરે છે અને પૂર્ણ સમર્પણ ભાવ હોય તો આ તમામ સમસ્યાથી મુક્ત થઈ પણ શકે છે. તો આ શ્રાવણ એ બીજું કંઈ નહીં તો શરણાગતિનો ભાવ વધે, એવી શિવ શંકર ના ચરણોમાં પ્રાર્થના કરીએ, અને તેનો સીધોસાદો મંત્ર બોલી, તેનું સ્મરણ કરીએ. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.
લી ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.