Pages

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

શ્વાન- હરેશ ભટ્ટ

----------------------

લેખક -- હરેશ ભટ્ટ


     આપણે જેને સામાન્ય ભાષામાં કુતરો કહીએ છીએ, જોકે માનવી ઘણા માનવીને "કુતરો" ગાળ તરીકે સંબોધે છે. એટલે શ્વાન કહેવું યોગ્ય કહેવાય કારણ કે ભલે એ કુતરો છે પણ એના એટલા બધા જમા પાસા છે કે એને શ્વાન કહેવું એ માનવાચક કહી શકાય, એના જેવો રક્ષક નહિ, વફાદારીમાં એનો જોટો જડે. એના જેવી વફાદારી તો કોઈ માનવમાં પણ ના હોઈ શકે , જોકે આપણા માનવીઓમાં એવું છે કે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિની સંપૂર્ણ વફાદારી કે એના અંતર્ગત તરફદારી કરતો હોય તો લોકો એને ચમચો કહે. માર્મિક વિચાર કરીએ તો શ્વાન ની પ્રજાતિમાં એવું બનતું હશે કે કોઈ શ્વાન વફાદારીમાં ચાલાકીઓ કરતો હશે તો એને અન્ય શ્વાન "સાલો સાવ માણસ છે" એવું કહેતા હશે. આપ સૌએ જોયું હશે કે જેટલા "ચોપગા" પ્રાણી હશે એ લાલચુ નહિ હોય , તમે કોઈ એવા પ્રાણી જેમકે ગાય,બિલાડી, કે શ્વાન ને તમારા આંગણે એક વાર ખાવાનું આપો ભલે એક ગાયને એક રોટલી આપો , શ્વાનને રોટલી કે બિસ્કીટ આપો કે બિલાડીને દૂધ આપો. એ જે સમયે જે આપો એ , એ જ સમયે બીજા દિવસે આવશે ભલે એ ઘડિયાળ નહિ હોય એની પાસે પણ સમયમાં આઘુપાછું નહિ થાય , એ આવે એ જ સમયે એક રોટલી તો એક રોટલી એ ખાઈ જતું રહેશે, નહિ આપો ત્યાં સુધી નહિ જાય અને જો બે ત્રણ દિવસ હડધૂત કરો પછી ક્યારેય નહિ આવે. એ લોકો પણ સ્વમાની અને લાગણીશીલ હોય છે. તમે સાચવો એને એ તમને સુરક્ષામાં સાચવશે. ખેર જો આ વિષય પર લખવા બેસીએ તો આખો લેખ લખાય પણ આપણે તો અત્યારે વાત કરવાની છે શ્વાનની.


     ગોપાલ ભાઈ અને રાધા બહેન બહુ જ સુંદર યુગલ હતું, બંને પ્રેમાળ અને હસમુખા , હમેશા એ જ્યાં હોય ત્યાં સાથે જ હોય, લોકો એમના દાખલા આપે કે યુગલ હોય તો આવું હોય, આમ સહજીવન જીવાય, કેટલો પ્રેમ કેવી સમજુતી , એક બીજા વગર ખાય પણ નહિ જમવાનું કે નાસ્તો કે પછી ચ્હા સાથે જ લે. ગોપાલ ભાઈ નોકરીએ જાય એ પહેલા સાથે જમે અને સાંજે આવે ત્યારે પહેલા સાથે ચ્હા પીએ પછી મોડા સાથે જ જમે , આ યુગલને લગ્નના આઠ વરસ પછી દીકરો જન્મ્યો. એક તો ઘણા વર્ષે સંતાન થયું અને એય દીકરો એટલે કેવી હાશ થાય ? એ લોકોને એક વાત ની ખાતરી થાય કે ઘરડે ઘડપણ લાકડી બનશે, ટેકો બનશે. દેવનો દીધેલ હતો એટલે નામ જ દેવ રાખ્યું. એને નાનપણ થી જ કોઈ વાતે ઓછું ના આવવા દે. ગોપાલભાઈને સરકારી નોકરી હતી. એટલે સમયસર જવાનું અને સાંજે છ વાગે તો ઘેર હોય. દેવને રમાડે બહાર ફરવા લઇ જાય , જેમ જેમ મોટો થવા માંડ્યો એમ એની ઈચ્છાઓ બદલાવા અને વધવા માંડી અને ગોપાલભાઈ એને જરૂરી બધું જ આપે યોગ્ય ના હોય તો સમજાવે શરૂઆતમાં માની જતો પણ જેમ મોટો થવા માંડ્યો એમ દલીલ કરવા માંડ્યો એટલે ગોપાલભાઈની ભૂલ એ કે નમતું જોખવા માંડ્યા. રાધા બહેન પણ કહેતા કે શુંકામ ના પાડો છો? આપણે ક્યાં તકલીફ છે એકનો એક તો છે. ગોપાલભાઈ ક-મને કરતા રહ્યા. આમ કરતા કરતા એ મોટો થયો ભણવામાં હોશીયાર તો હતો જ એને બહાર રખડવાનું કે એવું નહિ વહેલો ઘરમાં આવી જાય અને એના રૂમમાં ભણતો કે વાંચતો હોય. એ જેમ જેમ મોટો થવા માંડ્યો એમ દલીલો કરવા માંડ્યો. માં બાપને સલાહો આપવા માંડ્યો , ટોકવા માંડ્યો. ગોપાલ - રાધા સમસમી જતા પણ શું કરે? દેવ ઘણું ઊંચું ભણ્યો એના ભણતર પાછળના ખર્ચામાં ગોપાલ ભાઈએ કોઈ કસર રાખી નહિ. દેવને બહુ જ મોટી કંપનીમાં ઉંચી પોસ્ટ પર ઉંચા પગારની નોકરી મળી. એ પછી એને વિચાર આવ્યો કે મોટું ઘર હોવું જોઈએ કારણ મારૂં જે સ્ટેટસ છે એ મુજબ મને મળવા કોઈ ઘેર આવે અથવા મિત્રોને હું ઘેર બોલાવું તો આ ફટીચર જુના ઘરમાં મારું ખરાબ દેખાય. આ વિચાર કરી એણે પિતાજીને વાત કરી કે આ નાનું ટેનામેન્ટ કાઢી નાખીએ અને મોટો ફ્લેટ લઈએ ક્યાંક સારી જગ્યાએ ત્યારે પિતાજી અને બીજાએ કહ્યું કે આને જ રીનોવેટ કરાવાય બંગલા જેવો થઇ જાય તો એ કહે કે આ એરિયા કેવો પછાત છે કોઈ પોશ વિસ્તારમાં રહેવું જોઈએ આ વિસ્તારમાં ગમે તેટલો મોટો બંગલો કરો ના મેળ પડે. અંતે દેવની જીદ સામે નમવું પડ્યું ગોપાલ ભાઈએ ભારે હૈયે ટેનામેન્ટ વેંચ્યુ અને દેવે ત્રણ BHK નો ફ્લેટ લીધો એ પોતાના નામે . પૈસા બાપના, નામ એનું. પછી એના લગ્ન થયા આમ તો પ્રેમ લગ્ન કહેવાય કારણ સાથે કામ કરતી જ છોકરી હતી એના જ લેવલની સારા ઘરની અને સંસ્કારી હતી.

     દેવ નો ફ્લેટ છેવાડાના બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતો એટલે આગળ પાછળ અને બાજુમાં માં જગ્યા મળે , ગોપાલદાસ અને રાધા ને પણ જગ્યા ગમી ઘરની આગળ દેવે વાડ કરી હતી એટલે ત્યાં અંદર ગોપાલ અને રાધાએ છોડ વાવ્યા એક જ આશાથી કે આ મોટા થાય એટલે છાંયડો મળે. મનમાં ખટકો તો હતો જ કે દીકરાને આમ જ છોડની જેમ પ્રેમથી ઉછેરી મોટો કર્યો હતો એ જ આશાથી કે મોટો થઇ જીવન સંદ્યાએ છાંયડો આપશે પણ એ આશા ફળીભૂત થાય એવા કોઈ અણસાર દેખાતા નહોતા. દેવે માં બાપને એક રૂમ આપી દીધો હતો અને સુચના હતી કે બીજા રૂમોમાં આંટા નહિ મારવાના તમારા રૂમમાં જ પડી રહેવાનું. એ લોકો પોતાના રૂમમાં જ હોય અને સાંજના સમયે ફળીયામાં બેસે નહીતો તો સાંજે મંદિરે બેસે. હવે તો દેવ ની જેમ એમની પુત્રવધુ નિશા પણ સામે બોલવા માંડી હતી, રાધાને મન થાય તો શાક સમારી રાખે કે એવું કાંઈક કામ કરી રાખે પણ નિશા ગમે તેમ બોલે "કોણે કહ્યું હતું આ કરવાનુ, છાના માના પડ્યા રહોને , બે ટાઈમ રોટલા મળી જાય છેને એનાથી ખુશ રહો. એટલે ગોપાલ અને રાધા તો કાંઈ બોલે નહિ.


     દેવને કુતરા પાળવાનો શોખ એને એમ હતું કે નીચેનું ઘર છે અને ફળિયું છે એટલે કુતરો હોય તો સારું એટલે થોડા સમય પછી દેવને એક જગ્યાએથી સારી જાતના શ્વાનની પ્રજાતિનું એક ગલુડિયું મળ્યું એ લઇ આવ્યો એ શ્વાનની જવાબદારી આવી ગોપાલ પર દેવે કહ્યું કે આનું ધ્યાન તમારે રાખવાનું. ગોપાલે એ સહર્ષ સ્વીકારી લીધું ગોપાલ અને રાધાએ એ સાંજથી જ એક વાટકામાં દૂધ અને રોટલી નાખીને આપ્યા અને એણે ખાધું ગોપાલ એને સવારે અને સાંજે ફરવા લઇ જાય પછી એ ફળિયામાં જ હોય ગોપાલ રાધાની પાસે જ એને ખાવાનું આપવાનો સમય ચોક્કસ રાખેલો સવારે ફરીને આવે એટલે દૂધ આપવાનું પછી અગિયાર વાગે રોટલો દૂધ કે રોટલો દૂધ અને એ જ રીતે સાંજે ફરીને આવે એટલે રાત્રે દૂધ રોટલો ચોળીને આપાવનું , એનું નામ જ શ્વાન રાખેલું એને બોલાવવા ગોપાલ કે રાધા શ્વાન એમ બુમ પાડે એટલે એ હાજર. આ પ્રાણીની એક મોટામાં મોટો ખૂબી એ કે માલિકને ખુબ વફાદાર હોય એના માટે માલિક એટલે જે એને પ્રેમ આપે, પંપાળે ખાવાનું આપે એનું બધું સાચવે એ એના માલિક આ શ્વાન ની નજર ગોપાલદાસ અને રાધા પર સતત હોય કોઈ વ્યક્તિ જો આ બેની નજીક જાય તો ભસીને એના ઉપર તૂટી પડે એક વાર ગોપાલની થેલી દેવની પત્ની નિશા એ લીધી એ સાથે શ્વાન કુદ્યો અને ભસતા ભસતા થેલી પાછી ખેંચી લીધી, એવી જ રીતે એક વાર કોઈક બોલા ચાલીમાં નિશાએ રાધાને ધક્કો માર્યો ત્યારે તો શ્વાને કુદી બટકું ભર્યું જોકે એમાં સાડી ફાટી નિશા ને કંઈ થયું નહિ પણ એ રાતે એણે દેવને કહ્યું તો દેવ લાકડી લઇ ફરી વળ્યો ત્યારે ગોપાલ વચ્ચે પડ્યો શ્વાનની આડે ઉભો રહી ગયો. અને એને પંપાળવા માંડ્યો અને કહ્યું "આ મારા માટે તારાથી પણ વિશેષ છે એ અમારું જીવની જેમ દયાન રાખે છે માટે એને કાંઈ કરવાનું નહિ" એમ કહી એ શ્વાનને પંપાળવા માંડ્યો અને નાના બાળકને કહેતો હોય એમ બોલ્યો "સાવ જડ છે મારા શ્વાનને કેવો માર્યો , આમ મરાય? હવે નહિ મારે હો હું બેઠો છું" શ્વાન રાત્રે સુવે પણ ગોપાલ રાધાના રૂમની બહાર જ અને એ લોકો ફળિયામાં સુતા કે બેઠા હોય તો ત્યાં હોય,એમની સાથે પડછાયા ની જેમ હોય.

     દેવ અને નિશા નો ત્રાસ ગોપાલ રાધા પર બહુ વધી ગયેલો બહુ બોલે, ખખડાવે અને એ સમયે ફળિયામાં બેઠા રાધા ની આંખમાં આંસુ આવી જાય અને બોલાઈ પણ જાય કે પેટે પથરો જન્મ્યો હોય એવું લાગે છે, આપણે એનું શું નથી સાચવ્યું? . શ્વાન આ જુવે અને સમજે એ જ્યાં હોય ત્યાંથી રાધાની પાસે આવે અને પોતાના આગળના પગથી રાધાના બરડા પર જાણે પંપાળતો હોય એમ કરે. ત્યારે ગોપાલ કહે કે " આય લાગણી બતાવે છે અને આપણો છોકરો પત્થર બની ગયો છે.. એક દિવસ આ બંનેને વિચાર આવ્યો કે આપણી બચત છે એમાંથી વૃદ્ધાશ્રમમાં પૈસા ભરી દઈએ એટલે એ લોકો તપાસ કરી આવ્યા અને દેવને કહી દીધું કે અમે બે હવે અહી નહિ રહીએ તમે લોકો શાંતિથી જીવો તોય દેવ કહે "પડ્યા રહો ચુપચાપ , તમને રાખશે કોણ" બે દિવસ પછી વહેલી સવારે ગોપાલ રાધા નીકળી ગયા. દેવ અને નિશા ને તો આમ જાણે ટાઢે પાણીએ ખસ ગઈ એવું થયું , કોઈ તપાસ ના કરી કંઈ જ નહિ પણ શ્વાન ખાતો પીતો બંધ થઇ ગયો, આ કુતરાની ખાસિયત હોય છે જેના હાથે ખાતા હ્પ્ય એના હાથે જ ખાય એટલે દેવ કે નિશા આપે તો સુંઘે પણ નહિ , એ ચુપચાપ ગોપાલ રાધાના રૂમ બહાર પડ્યો રહે, એક વાર તો ના ખાવા માટે શ્વાનને લાકડીએ લાકડીએ માર્યો તોય શ્વાને અવાજ ના કર્યો, એની આંખ જુવો તો ખ્યાલ આવે કે એ કહે છે કે મને બચાવનાર નથી એટલે માર ખાધા સિવાય છૂટકો નથી,


     એ સાથે હવે લોકો પણ વાતો કરવા માંડ્યા હતા કે એકના એક દીકરાએ માં બાપને કાઢી મુક્યા , કોક તો સલાહ પણ અપાતું એટલે આ રોજ રોજનું સાંભળી તપાસ કરી તો જાણવા મળ્યું કે જીવનધારા વૃદ્ધાશ્રમમાં છે એટલે દેવ શ્વાનને લઇ ત્યાં પહોંચ્યો એ અંદર જતો હતો અને શ્વાન કુદીને ભાગ્યો એને તો નાકથી જ દિશા પકડાય કે આ બાજુ છે અને દોડીને ગોપાલ રાધા જે બાંકડ પર બીજા વૃદ્ધો સાથે બેઠા હતા ત્યાં પહોંચ્યો બીજા વડીલો ઉભા થવા જતા હતા ત્યાં ગ્પાલે કહ્યું બેસો કાઈ નહિ કરે એ અમારા પગમાં બેસશે અને એવું જ થયું. એ લોકો લાડ કરવા માંડ્યા પંપાળવા માંડ્યા અને શ્વાન પૂછડી પટપટાવતો બેસી ગયો પાછળ દેવ આવ્યો અને બોલવા માંડ્યો " ચાલો ઘેર , આ બધું સારું લાગે છે? મારા નામના ધજાગરા કરો છો, " પેલા કાંઈ જવાબ આપે એ પહેલા તો શ્વાન ભસવા માંડ્યો જાણે કહેતો હોય કે "તું જા અમે અહીં જ સારા છીએ , હવે તો તું એકલો જા હું અહીં જ રહીશ" ગોપાલને લાગ્યું શ્વાન ઘણા દિવસનો ભૂખ્યો હશે એટલે રાધાને કહી અંદરથી દૂધ રોટલી મગાવી વાટકામાં આપ્યા અને શ્વાને ટેસથી ખાધા , સંચાલકો વચ્ચે પડ્યા અને કહ્યું કે જુઓ ભાઈ આ લોકો ભલે અહીં રહ્યા તમે જાવ એમની બધી વાત મને એમણે કરી છે એ લોકો આ શ્વાનની ચિંતા કરતા હતા ત્યારે મેં કહેલું કે આપણે લઇ આવીએ હવે આ શ્વાન પણ અહીં રહેશે, દેવ વિલા મોઢે પાછો ફર્યો.


     બે જ દિવસમાં શ્વાન બધા વડીલોનો લાડકો થઇ ગયો ખુબ રમે બધાના હાથે ખાય પણ રહે ગોપાલ રાધાની આસપાસ. કુતરા માણસ કરતા સારા થઇ જાય છે અને માણસ માણસ નથી રહેતા આવા લોકો માટે તો કુતરા કહેવું એ કુતરાનું અપમાન છે. શ્વાન સમજે શાનમાં રખેવાળ જાય તો એ પણ સાથે પહોંચે અન્ન જળ ત્યાગી મૃત થઇ સ્મશાનમાં 


બાંહેધરી--હું આ વાર્તા ના લેખક હરેશ ભટ્ટ ખાત્રી આપું છું કે આ મૌલિક રચના મારી પોતાની લખેલી છે, કોઈની નકલ નથી


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.