વિષય : મુલ્યશિક્ષણ : આજના સમયની જરૂરિયાત
લેખિકા : કૃપા બોરીસાણીયા
શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે આજીવન ચાલતી રહે છે. જાણતા અજાણતા દરેક વ્યક્તિ કંઈકને કંઈક શીખતી હોય છે. અને જીવન નિર્વાહ માટે શીખવું એ એક સહજ અને જરૂરી પ્રક્રિયા છે. જે નિરંતર થતી રહે છે પરંતુ આજે મારે અહીંયા એ શિક્ષણની વાત કરવી છે જે વ્યક્તિને જીવનના મેદાનમાં શ્રેષ્ઠ ખેલાડી બનાવી શકે છે. પરિસ્થિતિને પોતાના મત મુજબ વાળતા શીખી શકે છે અને એવું શિક્ષણ કે જે આજના સમાજમાં જોવા મળતા દુષણોને દૂર કરવાનો એન્ટીરોડ બની શકે છે.
વાત કરું છું મૂલ્ય શિક્ષણની. સૌપ્રથમ મૂલ્ય શિક્ષણ છે શું? શું જરૂરિયાત છે મૂલ્ય શિક્ષણની? સામાન્ય શિક્ષણ એ છે કે જે કોઈ વ્યક્તિ 5 વર્ષથી 25 વર્ષની ઉંમર સુધી મેળવે છે. જે શાળા કોલેજોમાં શીખવવામાં આવે છે. જે આજીવિકા મેળવવા અને આર્થિક રીતે સધ્ધર થવા ઉપયોગી પુસ્તક્યુ શિક્ષણ છે. અને જેની દોડમાં આજે તમામ શાળાઓ અને માતા પિતા લાગી ગયા છે. જેના કારણે આજે વિશ્વમાં યંત્રમાનવ નિર્માણ પામી રહ્યા છે. જે હોશિયાર તો ખૂબ છે પણ તેની આવડત ફક્ત જે મેમરી તેના મગજમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે તેટલી જ છે. જીવનમાં નિર્માણ થતી કઠિન પરિસ્થિતિઓ વખતે તે ગોખણપટ્ટી ચાલતી નથી અને માનસિક તણાવ વધે છે.
બાળક જ્યારથી દોઢથી બે વર્ષનું થાય ત્યારથી જ તેનામાં મૂલ્ય શિક્ષણના સિંચન ની શરૂઆત કરવી પડે. આ સમયગાળામાં મૂલ્ય શિક્ષણ જેવું કે વર્તનને લગતું શિક્ષણ, સારી આદતો વિકસાવવી, બાળકના મનમાં હકારાત્મકતાનો સંચાર કરવો વગેરે બાબત વધારે સરળતાથી રેડી શકાય છે. તેનું કારણ છે તે ઉંમરમાં બાળકની અનુકરણ શક્તિ ખૂબ જ વધારે હોય છે. બાળક અવારનવાર પોતાની આસપાસના વ્યક્તિનું અનુકરણ કરી અભિનય કરતું જોવા મળે છે. તેથી આ સમય દરમિયાન મૂલ્યોને લગતું માતા-પિતાનું વર્તન બાળકમાં આપમેળે સંસ્કારોનું સિંચન કરે છે. અને માતા પિતાની ઘણી સારી બાબતો બાળક આ રીતે શીખી જાય છે.
બાળક થોડું મોટું થતા શાળાએ જવા લાગે ત્યારે તે માતા-પિતા કરતા પણ વધારે શિક્ષક સાથે અટેચ થાય છે. ત્યારે શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાના શિરે મૂલ્ય શિક્ષણ સિંચનની જવાબદારી આવી જાય છે. આ સમયગાળા દરમિયાન બાળક શિક્ષક કહે તે સંપૂર્ણપણે સાચું માની લે છે. આ જ સમય હોય છે જ્યારે બાળકોમાં શાળા દરમિયાન નૈતિક મૂલ્યોનું સિંચન કરવાનું હોય છે.
ત્યારબાદ કિશોરાવસ્થા દરમિયાન બાળકનું કૌતુલ્ય જિજ્ઞાસા વધારે જાગે છે. સારા નરસાની સમજ, આવનારા જીવનની જવાબદારીની સમજ, બાહ્ય સમાજ સાથે તાલમેલ સાધવો વગેરે જેવા સામાજિક મૂલ્યો આ સમયે સારી રીતે પ્રસ્થાપિત થઈ શકે. આ સમયે કોઈ સારા શિક્ષક, મોટા ભાઈ બહેન તથા માતા-પિતા જો મિત્ર બની જાય તો આવા મૂલ્યોનું સિંચન સારી રીતે કરી શકે છે. જે માણસને સામાજિક બનાવે છે. અને જીવનની પરિસ્થિતિઓનો સામનો કરતા શીખવે છે.
આવી રીતે તબક્કાવાર મળેલા મૂલ્ય શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર ઘડતર તથા બાળ ઉછેરનું કાર્ય સારી રીતે કરી શકાય છે. મૂલ્ય શિક્ષણના સિંચનની જવાબદારી દરેક માતા-પિતા તથા શિક્ષકોએ સહર્ષ ઉપાડવી જોઈએ અને સમાજના ઘડતરમાં પોતાનો યોગદાન આપવું જોઈએ.
બાંહેધરી : હું કૃપા બોરીસાણીયા બાંહેધરી આપું છું કે આ રચના મારી સ્વરચિત છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.