Pages

રવિવાર, 17 સપ્ટેમ્બર, 2023

ગણેશ ચતુર્થી - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- પ્રાસંગિક


ગણેશ વિસર્જન એ મારી સમજ બહારની વાત છે, ગણેશ એટલે વિવેક ! તો શું વિવેકનું વિસર્જન??વિવેક કોઈ ૮થી ૧૦ દિવસનો પ્રયોગ નથી.


   સમય સમયનું કામ કરી રહ્યો છે, ધીરે ધીરે દરિયામાં ભરતી ઓટ આવે એ રીતે હળવા સબળા સુખ ને દુઃખના મોજા આવે છે, અને જાય છે! પણ આ જ તો દરેકનાં જીવનની સચ્ચાઈ છે. શ્રાવણ પૂરો થયો અને હવે ગણેશ પૂજા ના દિવસો‌ શરૂ થશે. ભારતીય સમાજમાં લોકો અન્યની સરખામણીએ ઉત્સવપ્રિય વધુ છે! અને એટલે જ શહેરમાં ઠેકઠેકાણે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. પરંતુ હવે આપણને આનાથી વધુ પ્રદુષણ પોષાય એમ નથી, એટલે દરેકે દરેક જણાં એ ગણેશ વિસર્જન કરવાથી પાણી પ્રદુષિત નથી થતું ને એ ખાસ યાદ રાખવુ! મૂળ મહારાષ્ટ્રિયન તહેવાર હોવા છતાં ગુજરાત ભરમાં ગણેશની સ્થાપના થાય છે! એટલાં ગણપતિ દાદા સૌનાં પ્યારાં છે.

     

      ભગવાન ગણેશ એ શંકર અને પાર્વતીનાં પુત્ર છે તેની સાથે તેના જન્મનો ઈતિહાસ પણ જોડાયેલા છે, બાળ સહજ ગણેશથી નાનપણમાં જે ભૂલ થઇ હતી, તેને કારણે તેમણે પોતાનું મસ્તક ગુમાવ્યું, અને ભગવાન શંકરે પાછળથી તેના ધડ પર હાથીનું મસ્તક રાખતા ગણપતિ નો આવો દેખાવ, કે આ સ્વરૂપ આપણને મળ્યું. આ વાત હિંદુ સનાતન ધર્મમાં સૌ કોઈ જાણે છે.પરંતુ આપણે વાત આજે એ કરવાની છે, કે ગણેશજીને વિઘ્નહર્તા શું કામ કહેવામાં આવે છે??. શ્રી ગણેશાય નમઃ નો નિત્ય પાઠ કરનારા માટે, શાસ્ત્રમાં કહ્યું છે કે આ શ્લોકનું પાઠ કરનાર ના ઘરમાં વિવેક નું સામ્રાજ્ય રહેશે, અને અષ્ટ સિદ્ધિ નવ નિધિ એટલે, કે ગણેશની પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ નો કાયમ તેના ઘરમાં વાસ થશે. ગણેશ એ વિવેક ના દેવ છે. તેનું પૂજન-અર્ચન કરવાથી વ્યક્તિમાં વિવેક આવે છે, અને વિવેક ને કારણે જ તેની સમજ પરિપક્વ થાય છે, અને સારા નરસાનો ભેદ પારખવાની એક દ્રષ્ટિ મળે છે, જેને આપણે જાગૃતિ કહી. વ્યક્તિ પોતે પોતાના નીજી વર્તુળ થી શરૂઆત કરીએ, તો વાણી વર્તન અને વ્યવહારમાં વિવેક બુદ્ધિ થી જીવે તો, લગભગ મોટાભાગના વિઘ્નો અટકી જાય છે, અને નિયતિ અનુસાર જો કોઈ વિધ્ન લખાયું હોય, તો એ વિધ્ન સમયે ધીરજ રાખી અને જીવે છે. બુદ્ધિમા વિવેક હશે તો જ આગળની યાત્રા નિર્વિધ્ન થાય છે, એ વાત પણ એટલી જ સત્ય છે. ટૂંકમાં કહીએ તો પરિસ્થિતિને સ્વીકારી લેવાની, સહજતા ગણેશ ના નિત્ય સ્મરણ થી આવે છે. 


    ભાદરવા સુદ ચોથને દિવસે મનાવવામાં આવતી ગણેશ ચતુર્થીનેં દિવસે ગણેશ સ્થાપન કરવામાં આવે છે, અને પછી અનંત ચૌદશ ને દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ 1, 3, 5, 7, 9, એ રીતે ગણેશની સ્થાપના કરતા હોય છે. પરંતુ ગણેશ વિસર્જન એ મારી સમજ બહારની વાત છે, વિવેક કોઈ ૮થી ૧૦ દિવસનો પ્રયોગ નથી. વિવેક જિંદગીભર જ્યારે તમારી સાથે ચાલે, ત્યારે જ તમે જીવનને સરળ અને મધુર બનાવી શકો, એ સત્ય સમજવુ ખુબ જ જરુરી છે. પરંતુ માતાજીની જેમ નવ દિવસ લોકોએ સ્થાપના કરી, અને દશેરાને દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે, એ જ રીતે પૂજા-પાઠ અર્ચા એ બધું મોટે પાયે થતું હોય, તો એ દ્રષ્ટિએ તેનું વિસર્જન કરી શકાય. પરંતુ અંતરમાંથી વિવેક ની વિદાય એ જીવનુ પતન છે, એટલું સમજવું. આપણે બધા જ સંસારી છીએ, અને સંસારિક વ્યવહારોમાં વિવેક બહુ જ જરૂરી છે. કેમ બોલવું! કેમ બેસવું! કેમ ઉઠવું! કેમ વાતચીત કરવી! શું ખાવું! શું ના ખાવું! શું પહેરવું! શું ના પહેરવું! આ બધી જ ક્રિયાઓમાં જો વિવેક જોડાય, તો એ જીવન ખૂબ જ સુંદર દીપી ઉઠે છે. વ્યવહારને મધુર બનાવવા હોય, તો વિવેક હોવો બહુ જ જરૂરી છે, અને વિવેક હોય તો મોટા મોટા વિઘ્નો એટલે કે સમસ્યાઓ હલ થતી દેખાય છે. જીવન છે ત્યાં સમસ્યા છે, અને કોઈ બે વ્યક્તિના વ્યવહાર વચ્ચે સૌથી વધુ આ સત્ય પુરવાર થાય છે. પરિવારમાં અંદરો અંદર રખાતી અપેક્ષા અને થતી ઉપેક્ષા, કે આગ્રહ નિગ્રહ નું કારણ, આ વિવેક અને અવિવેક છે. કોઈ એક વ્યક્તિને સમજાવું જ્યારે કઠિન બની જાય છે, ત્યારે સમાજને સમજાવવું એ કોઈ સહેલી વાત નથી. પરંતુ આપણી બુદ્ધિમાં જો વિવેક રૂપી ગણેશ નું પ્રસ્થાપન કરીએ, તો શરૂઆતમાં પારિવારિક સંબંધોમાં કડવાહટ મટશે, અને આગળ જતા આ વર્તુળ વધતું વધતું જશે, એ વાત સો ટકા સાચી છે. સદગુરુ કૃપા એ જીવનના આ બધા રહસ્યો ધીરે ધીરે ખુલતા જાય છે, અને સમજ માં પણ આવતા જાય છે. ત્યારે ઘણીવાર એવું થાય કે આટલી નાની અમથી વાત જીવ જો પહેલેથી જ સમજી ગયો હોત, તો જીવનમાં ઘણા મહત્વના કાર્ય તેણે કર્યા હોત, અને આજે દેખાતું આ જીવન કદાચ આનાથી વધુ સુંદર પણ હોત. વાત માત્ર દ્રષ્ટિની છે, કે વિવેક ને કારણે દ્રષ્ટિમાં રહેલી મમતા એ સમતામાં ફેરવાઈ જાય છે, અને જીવની મમતા અચાનક ઘટતી દેખાય છે. કાર્યશક્તિ વધતા કાર્ય પણ સુંદર થાય છે, અને લોક સાથેના તેના સંબંધો મજબૂત બને છે. કોઈનું કંઈ સારું કરવાની ખેવના અંતરમાં જાગે છે. અને આ જ રીતે જીવ વસુધૈવ કુટુંબની ભાવના જગાડી, આત્મ દીપ પ્રજ્વલિત કરી લોકમંગલ અને લોક કલ્યાણના કાર્યો માટે નીકળી પડે છે.જીવનમાં અહીં-તહીં ખૂબ જ ભટકી લીધેલા જીવને, નિશ્ચિત દિશા મળતા યાત્રા સરળ બને છે, અને ધ્યેય સુધી પહોંચવામાં આ ગણેશ રૂપે વિવેક મદદ કરે છે. વિવેકબુદ્ધિ આગળ જતાં મેઘા, પ્રભા, અને સ્થિતપ્રજ્ઞ સુધીની યાત્રા કરે છે. જ્યાં સંસારનો કોઈપણ વ્યક્તિ કે પ્રકૃતિ નો કણ કણ તેને પરમ પરમાત્મા સ્વરૂપ દેખાય છે, એટલે પરમ પ્રેમ સ્વરૂપે સાક્ષાત હરિ તેના અંતરમાં વસે છે.


   ટૂંકમાં કહીએ તો ગણેશ રૂપી વિવેકથી જીવન મંગલમય બને છે, અને અન્યને આપણા જીવનમાંથી પ્રેરણા મળે, એવું જીવી શકાય છે. ઘણીવાર એવું લાગે કે, આ "હા અને ના" બંને વચ્ચે જ જીવન પૂરું થઈ જાય છે, જ્યારે "હા" કહેતા આવડી જાય, ત્યારે જીવનની શરૂઆત થાય છે, અને આ હા કહેતા આપણને ગણેશ રૂપી વિવેક શીખવાડે છે. તો મિત્રો દરેક ઘરમાં તો ગણેશની પ્રતિમાઓનું સ્થાપન કરી, અને નિત્ય તેની પૂજા થઈ શકે તેમ નથી. પરંતુ અંતરમાં જે રીતે આત્મલિંગનું સ્થાપન કરીને, આપણે શ્રાવણની ઉજવણી કરી, તે જ રીતે અંતરમાં આ ગણેશ રૂપી વિવેકની સ્થાપના કરીને, આપણે સૌ આ ગણેશ ઉત્સવ મનાવીએ. જીવનમાં વિવેકનું મહત્વ સમજીએ, તેમજ તેનાથી થતા ફાયદા આપણે આ જીવન રહેતા માણી, અને જીવનને સુંદર બનાવીએ. ઘરની હોય, સમાજની હોય, દેશની હોય, કે પછી વિશ્વની હોય, એ બધી સમસ્યાનું એક માત્ર નિવારણ આ વિવેક છે. તો તે સ્વરૂપે આપણે સૌ તેની સ્થાપના કરી, અને આપણા જીવનની સમસ્યાઓ થી મુક્ત કરી, હર્યુભર્યું બનાવવા નો સંકલ્પ લઈએ.


  " ગણપતિ બાપા મોરિયા"" અગલે બરસ તૂ જલ્દી આ" નો નારો આપણે નથી લગાવવાનો, એની વિદાય જ આપણે નથી કરવાની. અંતરમાં ગણેશ તત્વને સ્થાપિત કરી, અને સૌ કોઈ પોતાના જીવનને હર્યું ભર્યું અને સંવેદનશીલ બનાવી વિધ્નો ને હરતાં શીખી જાય, અને આ વિશ્વ માથી અનીતિ, અદેખાઈ, ઈર્ષા, નિંદા, લોભ દંભ, અહંકાર, વગેરે ગુણો સમાપ્ત થાય, એવી મંગલ પ્રાર્થના તેમજ, સૌને આ ગણેશોત્સવની ખૂબ ખૂબ વધાઈ, જીવનમાં ગણેશ તત્વની સાચી સમાજ સદગુરુ બધાને આપી રહે! જય હિન્દ.


   લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.