Pages

સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023

સ્વયંપ્રભા એટલે કે પોતાની પ્રભા! પ્રભા એટલે બુદ્ધિનું સાત્વિક સ્વરૂપ,અને સાત્વિક બુદ્ધિથી જ પ્રભુચરણોમાં પ્રીતિનું સ્થાન મળે છે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


સ્વયંપ્રભા એટલે કે પોતાની પ્રભા! પ્રભા એટલે બુદ્ધિનું સાત્વિક સ્વરૂપ,અને સાત્વિક બુદ્ધિથી જ પ્રભુચરણોમાં પ્રીતિનું સ્થાન મળે છે.


હે‌ ઈશ્વર.

         આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! ત્રેતાયુગના રામકામ માટે અથવા તો ભક્તિ રૂપી શક્તિને શોધવામાં જેનો મહત્વનો ફાળો છે, એવાં એક ચરિત્રની ઓળખ વિશે આજે આપણે વાત કરીશું. પરંતુ આજે ભારતીય સમાજના બે ભાગ પડી ગયા છે, એક ભાગ અત્યંત વિકસિત જીવન જીવે છે, અને અમુક અમુક લોકોમાં હજી પણ એની એ જ ઘરેડ જોવા મળે છે. રીત રિવાજો કહો કે પરંપરા! એનાં દ્રઢ વલણને વળગી ને વિકાસ ને અવરોધી રહ્યા છે. એને કારણે શિક્ષિત અને પ્રબુદ્ધ સમાજ જે અશિક્ષિત છે એને તરછોડી રહ્યા છે. શિક્ષિત લોકો પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કમાણી કરે છે, તો અશિક્ષિત લોકો આવા લોકો પાસેથી છીનવી ને કે છેતરપિંડી કરીને કમાણી કરે છે. મહેનત કરીને કમાવું એવો કોન્સેપ્ટ હવે બહુ ઓછો જોવા મળે છે. એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે કે, આજના સમયમાં બુદ્ધિનો બેય રીતે ઉપયોગ કરવા વાળા છે. પણ બુદ્ધિની ઉંચી કક્ષાને આપણે તેને પ્રભા એવું નામ આપ્યું છે,અને આજે આપણે એવાં જ એક ઉજળા ચરિત્રની ચિંતનમાં વાત કરીશું, જેનો ઉલ્લેખ રામાયણમાં કિષ્કિંધા કાંડમાં બહુ થોડીવાર માટે થયો છે, અને એ છે સ્વયંપ્રભા.


   ભોગવિલાસમાં રત થયેલા સુગ્રીવને જ્યારે લક્ષ્મણજી દ્વારા તેનું કર્તવ્ય યાદ કરાવવામાં આવે છે, અને પછી જાંબુવંત, હનુમાન, અંગદ, સુગ્રીવ, અને નલ નીલ જેવા અન્ય વાનરોની ટોળી સીતાજીની શોધમાં નીકળે છે‌. સુગ્રીવ બધાને આદેશ આપે છે કે , વિંધ્યનો ખૂણે ખૂણે તપાસી નાખો, પરંતુ સીતાની તપાસ કર્યા વગર આપણે પાછા ફરવાનું નથી. કેટલાય દિવસો સુધી ગિરિકંદરાઓમાં રખડવા છતાં માતા સીતાનો કોઈ જ પતો મળતો નથી. વાનરો ભૂખ્યા થાક્યા તરસ્યા થઈ હતાશ ગયા છે, અને હવે ક્યાંક તેમની તૃષા તૃપ્ત થાય, તેમની આતરડી ભોજનથી ઠરે, ત્યારે જ આગળનું કાર્ય શક્ય બને. એવે સમયે હનુમાનજી ને એક પર્વતની ગુફા પર પક્ષીઓ મંડરાતા દેખાય છે, અને હનુમાન કહે છે કે નક્કી આ ગુફા આગળ ક્યાંક પાણી હોવું જોઈએ, તો જ આટલા બધા પક્ષીઓ અહીં હોય, અને તપાસ કરતાં સાચું પણ હોય છે. હનુમાનજી એ દેવીને પૂછે છે, હે તપસ્વી નારી, શું આ કોઈ અસુરની માયાજાળ છે? કારણકે મારી સાથેનાં પ્રભુ શ્રીરામના સેવકો અત્યંત ભૂખ્યા તરસ્યા થઈ ગયા છે. એ તપસ્વી નારી હનુમાનજીને આ રીતે ભટકવાનું કારણ પૂછે છે, અને હનુમાનજી તેને કહે છે કે, પિતાનાં વચન માટે વનવાસે નીકળેલા રામ લક્ષ્મણ અને સીતા માંથી સીતા માતાનું કોઈ અપહરણ કરી ગયુ છે, અને અમે બધા તેની શોધમાં નીકળ્યાં છીએ. એ નારી એટલે સ્વયંપ્રભા! એ જણાવે છે કે, સર્વ પ્રથમ તો તમે બધા તમારી ભૂખ તરસને મીટાવો પછી આગળની વાત હું જણાવું. 


   બાદમાં સ્વયં પ્રભા જણાવે છે કે આ સ્થાન દાનવના શિરોમણી એવા વિશ્વકર્મા માયાસુરની સંપત્તિ છે. માયાસુર અહીં આગળ રહેતો હતો, ત્યારે તેને હેમા નામની અપ્સરા સાથે સંયોગ થયો, અને પછી પ્રેમ થઈ ગયો, અને તે એનાથી અંત્યંત મોહિત થઈ ગયો. એ બંને જણા અહીં રહેતા હતાં, એ વાતની જાણ ઇન્દ્રને થતાં, ઇન્દ્ર એ ક્રોધિત થઈ અને માયાસુરનો વધ કરી નાખ્યો, ત્યારથી હેમા આ સ્થાનની માલિક છે, અને હેમા મારી અત્યંત નજીકની સહેલી હોવાથી એણે મને અહીં તપ કરવા માટેની રજા આપી છે. વાનર અધિનાયક હનુમાનજી પૂછે છે હે દેવી! હવે અમે સીતાની શોધ કરવા ક્યાં જઈએ, એ જ મને સમજાતું નથી! ત્યારે સ્વયં પ્રભા કહે છે કે મારી શક્તિ મુજબ હું આપને મદદ કરી શકું. આપ સર્વે આંખ બંધ કરી, અને બેસી જાવ. બધા જ વાનરોએ તપસ્વી સ્વયં પ્રભાનાં કહેવા અનુસાર કર્યું, અને આંખ ખોલી ત્યારે એ લોકો સમુદ્ર કિનારે હતાં. તપસ્વી દેવી સ્વયં પ્રભા એ રામની સ્તુતિ કરી અને રામચરણમાં પહોંચી ગયા. પ્રભુ શ્રી રામ એ તેને અનુપાયની ભક્તિ એટલે કે અચળ ભક્તિનું વરદાન આપ્યું,અને તે જન્મોજન્મ ઋષિ મુનીઓ જ્યાં જવાં ચાહે‌ છે,એ બદ્રિકાશ્રમમાં સ્થાન પામ્યા. અમુક રામાયણમાં તો સ્વયં પ્રભા એવા નામનો પણ ઉલ્લેખ નથી, તે નારી! કે તપસ્વી નારી! એમ કહી સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.


   તો તપસ્વી દેવી સ્વયં પ્રભા રામ કાર્યમાં મદદગાર સાબિત થઈ અને તે વાનરોને સીતાની શોધ માટે સમુદ્ર સુધી એટલે કે સાચા માર્ગ સુધી લઈ ગઈ, અને પ્રભુ ચરણોમાં નિત્ય નિવાસનુ સ્થાન પામી. સ્વયં પ્રભા એટલે કે પોતાની પ્રભા,અને પ્રભા એટલે બુદ્ધિનું સાત્વિક સ્વરૂપ, એ રીતે જોઈએ તો પોતાની સાત્વિક બુદ્ધિ સિવાય પ્રભુચરણોમાં પ્રીતિનું સ્થાન પામી શકાતું નથી. અને બુદ્ધિ ને સાત્વિક સ્વરૂપ સુધી લઈ જવા માટે જ તપ કરવાનું હોય છે, સંયમ રાખવાનો હોય છે, પરોપકારના બે ચાર કામ કરવાના હોય છે, ભોગ પ્રત્યેથી મન હટાવી અને ભગવાનનું નામ સ્મરણ કરવાનું હોય છે! અને એ ગુફાના એશ્વર્ય કે સૌંદર્યની વાત કરીએ તો પોતાની બુદ્ધિ સાત્વિક થાય ત્યારે જ તેને ઈશ્વરના એશ્વર્યના દર્શન થતાં હોય છે, અને બધું સુંદર સુંદર લાગતું હોય છે, એટલે કે સૌંદર્યની તેની પરિભાષા બદલાઈ જાય છે. તો ભક્ત, ભગવાન, અને ભક્તિ આ એક એવો ત્રિકોણ છે કે, જેમાં કોઈને પોતાનું નિશ્ચિત અસ્તિત્વ નથી, બધા જ જ્યારે એકમેકમાં તલ્લીન થાય, એકાકાર થાય ત્યારે જ પરમ વિશ્રામની ઘટના ઘટે છે.

વિચિત્ર કથન છે, પણ સચ્ચાઈ એમાં જ છુપાયેલી છે, કે ભક્તિ કરતાં કરતાં ભક્ત પોતાના અસ્તિત્વ ને ભૂલી જાય, ભક્તિ તો કેવળ ભાવ જ છે, એ તો ભક્ત થકી જ અસ્તિત્વ ધરાવે છે, અને ભગવાન તો હંમેશા ભક્તનાં હ્રદયમાં નિવાસ કરનારા છે, પૂર્ણ પરમાત્મા હોવાં છતાં એ ભક્તની પુકાર પર પોતાનું બધું ભૂલી દોડી આવે છે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે સ્વયંની પ્રભા એટલે કે બુદ્ધિ સાત્વિક બંને, અને પછી એ સત્કર્મનાં પ્રકલ્પ ને સ્વીકારે કે ભક્તિનાં પ્રકલ્પને સ્વીકારે. બાકી બધું તો ભક્તિને નામે થતો દંભ દેખાડો છે, આજે આનું નામ તો કાલે પેલાનું નામ, અને આમ પોતાના સ્વાર્થ ખાતર શરણું પસંદ કરનારને,અંતે હાથમાં કંઈ આવતું નથી. એટલે ઈશ્વર તત્વ તો એક જ છે, તેને ગમે તે સ્વરૂપે પોકારીએ. પરંતુ નિષ્ઠાનો સવાલ છે, અચળ અને અનુપાયની ભક્તિ માટે એક નિષ્ઠ હોવું બહુ જરૂરી છે, અને રામરાજ્ય કે હિન્દુ રાષ્ટ્રની ઉદ્ભોષણા એટલે જ પરિપૂર્ણ થતી નથી. કારણ કે આપણે ભગવાનને નામે કે ધર્મને નામે પણ અલગ અલગ સંપ્રદાયો કરી અને પોતાના ઈશ્વર જ મહાન, એવી વાતને બઢાવો દઈએ છીએ. લગભગ દરેક ધર્મમાં ઘણા બધા સંપ્રદાયો હોય છે, પણ છતાં એ લોકો એક જૂથ થઈ શકે છે, જ્યારે આપણે નથી થઈ શકતાં, એ આપણા ધર્મ પ્રત્યેની શ્રદ્ધાની નબળાઈ ગણો તો નબળાઈ છે,પણ હકીકત એ જ છે. બુદ્ધિનું સાત્વિક સ્વરૂપ સહજ સ્વીકાર કરતા શીખવે છે, અને ઘણી બધી નાની નાની વાતો સહજ સ્વીકારથી સહજ અને શ્રેષ્ઠ જ્ઞાન તરફ પણ દોરનારી હોય છે, અને એ સહજ જ્ઞાનનો પ્રકાશ જ પ્રભા છે,જેની આભા અત્યંત તેજસ્વી હોય છે,અને એ જ સ્વયં પ્રભા. આપણે સૌ મનોમન આવી સ્થિર અને અચળ ભક્તિ શક્તિની દાત્રી, એવી સ્વયં પ્રભા સુધી બુદ્ધિને દોરી જઈ શકીએ, અને અચળ ભક્તિના વરદાન પ્રાપ્ત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


        લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.