Pages

રવિવાર, 10 સપ્ટેમ્બર, 2023

શિવત્ત્વ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- પ્રાસંગિક


કૈલાસ પતિ મહાદેવ સનાતન સંસ્કૃતિના મૂળ સંસ્થાપક છે! એ અકાટ્ય સત્ય છે! 


   કળિયુગ પૂરેપૂરો વિલસી રહ્યો છે અને લોક માનસમાં એનાં પ્રત્યાઘાત પણ જોવા મળે છે, એમાં પણ ખાસ કરીને અમારો ધર્મ શ્રેષ્ઠ કે મહાન છે, એવાં કારણોસર વિખવાદ અને વિવાદ તેમજ આક્ષેપ થાય છે, ત્યારે એકવાત સૌએ‌ ગાંઠ બાંધવી પડે કે સતયુગના ભગવાન શિવ શંકર એટલે કે કૈલાસ પતિ મહાદેવ સનાતન સંસ્કૃતિના મૂળ સંસ્થાપક છે! અને એટલે જ સનાતન ધર્મ સંસ્કૃતિના મુળિયા એટલી આસાનીથી નીકળી શકે એમ નથી. ત્રેતાયુગના પ્રણેતા પ્રભુ શ્રી રામ એ સત્ય એજ ઈશ્વર! એ પ્રતિપાદિત કરતું ચરિત્ર જીવીને આપણી સામે રાખ્યું! એ જ રીતે દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ એ પ્રેમ એ જ ઈશ્વર એ પ્રતિપાદિત કર્યું અને ચારે યુગમાં કલ્યાણ એ જ ઈશ્વર એટલે કે માનવતા એ જ પરમ ધર્મ એ સૂત્ર ભગવાન શિવ શંકર એ આપણને આપ્યું છે. આપણી સંસ્કૃતિમા જીવન ઉચ્ચતમ શિખર સુધી પહોંચી શકે એ માટે કેટકેટલા ગ્રંથો છે, અને આજે એ ગ્રંથો થકી વિશ્વ આખું માનસિક સ્ટ્રેસ માટે ઉપાયો શોધી રહ્યું છે પરિણામ આવી રહ્યા છે ત્યારે વળી, એ બધાને ગમે તેમ કહી અમારો ધર્મ અને અમારા ભગવાન મહાન એવી વાતો કરનારા ડરી રહ્યા છે! ગભરાઈ રહ્યા છે! અને હકીકતમાં તો આવી વાત કરી પોતાને જ મૂર્ખ સાબિત કરી રહ્યા છે. પણ છોડો આપણે તો આપણાં ધર્મ ના સંસ્થાપક વિશે થોડું વધુ જાણીએ. 

     

     શ્રાવણના અંતિમ તબક્કામાં આપણે પહોંચી ગયા છીએ ! જોકે આ વખતે વરસાદ શ્રાવણમાં એ સરવડા એ ઉક્તિ ખોટી પાડી! પણ આખો શ્રાવણ લગભગ બધાંએ શિવ શંકર વિશે જ વાત કરી છે, એટલે જેવું શંકરનું નામ આવે એટલે એ સ્વરૂપ, સૌ કોઈની આંખો સામે આવી જાય. મૃગચર્મ પર પદ્માસન લગાવી બેઠાં હોય,એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં ડમરું હોય, જટામાંથી ગંગધાર વ્હેતી હોય, માથે બીજનો ચંદ્ર ચમકતો હોય,ભાલમા ત્રીજુ નેત્ર હોય,ઝેરી સર્પના ઘરેણાં બનાવી પહેર્યા હોય, આખાં શરીરે ભસ્મનું લેપન કર્યું હોય,અને આ વૈરાગી સ્વરુપ સૌ કોઈને તેની ભક્તિ કરવા આકર્ષે. ભાગ્યે જ કોઇ દેવ એવો હશે જે  સ્મશાનમાં પણ રહી શકે, ન તેને રહેવા મહેલની આવશ્યકતા, કે ન તેને પહેરવા ઝરકશી જામાં,કે પીળા પિતાંબર કે રત્નમાળાની જરુરત હોય. કૈલાસમાં જટા બાંધી, દિગાંબર રહેવું એ જ તેની નિરામયી ઓળખાણ! છતાં તેને આરાધે તેનો બેડો પાર કરે, ધન ઐશ્વર્યનાં ઢગલા કરે. કુબેર તેને દરવાજે ચોંકી કરે, એવી એની લાયકાત છે. રાય રંક કે દેવ દાનવ ને માનવનાં ભેદ વગર સૌ કોઈની ઉપાસનાથી પ્રસન્ન થાય, ભેદભાવ વગર બધાને વરદાન પણ આપે, અને સમસ્ત જગતનું કલ્યાણ કરવા ત્રીજી આંખ ખોલી પ્રલય પણ કરે. સમુદ્ર મંથનનાં સમયે  નીકળેલું કાલકૂટ વિષ પણ જગતના કલ્યાણ માટે પોતે પી જાય. રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈને વિષ્ણુએ ગંગાને પૃથ્વી પર જવા આદેશ આપ્યો, અને એ શક્તિશાળી ગંગાને પોતાની જટામાં સમાવી લીધી, અને શક્તિ સામર્થ્યનો પરિચય કરાવ્યો. ક્ષય રોગથી પીડાતા ચંદ્રને પોતાના ભાલનુ ઘરેણું બનાવી કાયમ ઈજ્જતનું સ્થાન આપ્યું, લોક નિંદાનાં ઝેર ને હાથ, કાન, ને ગળા ઉપર જ રાખવાં, અંતરમાં પ્રવેશવા દેવા નહીં, એવો સંદેશો આપવા સર્પનો શણગાર કર્યો. સંસારી હોવાથી ભોગ એ વિનાશનું કારણ પણ બની શકે છે, એ જ્ઞાન મળતું રહે, અથવા જાગૃતિ આવે એટલે સ્મશાનમાં પણ નિવાસ કર્યો. સમાધિ માંથી જાગૃત થયાં, કે તરત જ કામ દેવને ભસ્મ કર્યા, એટલે કે કામ ભાવ બહુ ખતરનાક છે,જો કાબુમાં રહે તેમ ન હોય તો એને કાબુમાં કરવા શિવ મંત્ર મદદ કરી શકે. પરંતુ આ બધી જ ઉપલબ્ધિ કરતા સૌથી મોટી ઉપલબ્ધિ તેની કલ્યાણ છે. શિવ ને શિવ કહેવડાવવા પણ કલ્યાણની આવશ્યકતા છે. શિવ શંકરને અન્ય દેવથી જુદા પાડનાર કોઈ તત્ત્વ હોય તો તે એકમાત્ર કલ્યાણ છે. સ્વાર્થી દેવતાઓ સ્વર્ગ ઉપર તાડકાસુરનો ભય વધતાં, શંકર વિવાહ માટે તુરંત રાજી થઈ ગયાં, અને તેની સમાધિ ભંગ કરવા માટે કામદેવને પણ ભસ્મ કરાવ્યો. એટલે કે સ્વાર્થ સામે પણ કલ્યાણનો ભાવ રાખી શકે તે જ શિવ છે. શિવ એટલે કલ્યાણ ને કલ્યાણ‌ એટલે જ શિવ એવું કહી શકાય.


    પરંતુ અત્યારે આપણે શિવનું શુદ્ધ સ્વરૂપ શું છે એ વિશે વાત કરી રહ્યા છીએ. હિન્દુ ધર્મમાં ઇશ્વરત્વને પામવા માટેના ઘણા માર્ગ છે,અને જેમાં સાકાર અને નિરાકાર બે સ્વરૂપે ઈશ્વરની કલ્પના કરવામાં આવે છે. મોટેભાગે સાકાર સ્વરૂપમાં જે તે દેવ દેવી હોય તેની કાલ્પનિક ચિત્ર કે મૂર્તિ રાખવામાં આવે છે, જેની સામે તે ઉપાસના કે પુજન અર્ચન કરીને ભાવ રાખે છે. પરંતુ નિરાકાર સ્વરૂપમાં તેનાં કોઈ ખાસ ગુણને આરાધવામાં આવે છે, હાલાકી આપણે ત્યાં ઈશ્વર ને નિર્ગુણ પણ કહેવાયા છે, પણ અયોધ્યા વાસી શંકરાચાર્યના મત મુજબ નિર્ગુણ એટલે નિંદા ગુણ રહિત એવો ભાવ રાખી શકાય.આપણે ત્યાં મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ, ને કારણે સૃષ્ટિનું સર્જન થયું, એમ માનવામાં આવે છે, અને એ એના વિશીષ્ટતાનાં ગુણ ને લીધે પ્રખ્યાત છે.જેમકે બ્રહ્મા એ પોતાની સર્જન કળા દ્વારા સૃષ્ટિમાં જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરી, વિષ્ણુ એ પોતાની વિશાળતાથી સૌને સ્વીકાર્યા ,અને તેનું ભરણપોષણ કર્યું. શિવ એ સદા સર્વદા સૌનાં હિતનું વિચારી કલ્યાણનો પંથ સ્વીકાર્યો. જીવનું પરમ કલ્યાણ કરવા એ કોમળ થી કઠિન કૃપા કરે છે. રાવણને વરદાન આપે, અને રામના સેવક બની એ જ રાવણનાં કુળના નાશ માટે પણ પોતે જ જવાબદારી સ્વીકારી એ કાર્ય કરે. એટલે કે મારે કે તારે, પરંતુ આખરે હોય એ જીવના કલ્યાણ માટે જ.એકવાર સમજાય જાય તો શંકર ભોળો લાગે, કોઈ જ આંટીઘૂંટી નહીં! કેવળ ને કેવળ શુદ્ધ સાત્વિક ભાવનો સરવાળો એટલે શિવ કહી શકાય. નંદીને આપણે ત્યાં ધર્મ કહેવામાં આવ્યો છે, એટલે ધર્મના વાહન પર બેસી અને પરમ ધર્મનું કાર્ય કરે તે શિવ! આપણે બધા જ જાણીએ છીએ, કે માત્ર તિલક ટપકાં કરીને તો ધર્મની વાતો જ થાય,પણ આચરણ કરવું હોય તો જે ધર્મ કે સંપ્રદાયને આપણે અનુસરતા હોય, તેના બોધ પ્રમાણે જીવન જીવવું પડે, એ હિસાબે અમે હાટકેશનાં અંશો છીએ, અને અમારા ઇષ્ટદેવનો મૂળ બોધ કલ્યાણ છે,તો અમારે કલ્યાણની ભાવના રાખી જીવન જીવવું જોઈએ. એકવાર એક બોધકથા અમારા વડીલો દ્વારા કહેવામાં આવી હતી, કે પૃથ્વી ને તેની પર વસતી પ્રજાના આચાર દુરાચારનું વજન ન લાગે, અને વારંવાર ઈશ્વરનાં અવતારને જન્મ લેવો ન પડે, માટે સાક્ષાત શિવ દ્વારા નાગરોનુ સર્જન થયું. ક્ષીર સાગરમાં સૂતેલા વિષ્ણુના શેષનાગની જાગૃતિ જેવી જાગૃતિ લઈ તેમણે તેનું સર્જન કર્યું. સમસ્ત વિશ્વમાં જાગૃતિનો બોધ ફેલાવવા માટે નાગરની ઉત્પત્તિ થઈ, અને એ કાર્ય સરળતાથી થાય, એટલે એણે તેમને કલાનાં વરદાન પણ આપ્યા,અને તેથી નાગર ને કોઈ જ્ઞાતિ બંધન નહોતું, એને તો ઈશ્વરનું વરણ કહેવાતું,અને ઈશ્વર સદાય પ્રસન્નતાનો પ્રસાદ વહેંચે છે.તો એ હિસાબે કોઈ પણ પ્રકારના ગર ને સ્પર્શવા દીધાં વગર આ નાગરની કલમેથી આ શ્રાવણિય અનુષ્ઠાન પુરું થશે,અને આપણે સૌ એ ભગવાન શિવને વિવિધ રીતે પણ સાત્વિક ભાવથી આરાધ્યા છે, અને શિવ એટલે કેવળ અને કેવળ કલ્યાણ એ સૂત્ર હ્રદયમાં અંકિત કરી, આપણે આગળની મંઝિલ તય કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મહાદેવને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ, જય હાટકેશ.


      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.