સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
ગણેશ ઉત્સવ દરમિયાન ઈકો ફ્રેન્ડલી મૂર્તિને જ વિસર્જન સમયે દરિયા કે નદીમાં વિસર્જીત કરવી, અને એ રીતે આપણે પ્રકૃતિની રક્ષા કરવી,
શ્રાવણ પૂરો થતાં કેવડા ત્રીજના પતિવ્રતા વ્રતથી ભાદરવાનાં વ્રત અને તહેવારની શરૂઆત થઈ ગઈ છે, આજે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ આયો રે રિદ્ધિ સિદ્ધિ લાયો રે..ગણપતિ બાપા મોરિયા રે બાપા મોરિયા રે એવા નારા સાથે ઠેર ઠેર ગણિત સ્થાપના થશે. તો જૈનોનો પવિત્ર પર્યુષણનો તહેવાર પણ ઉજવાશે, એ જ રીતે હિન્દુ સંસ્કૃતિ ઋષિની સંસ્કૃતિ હોવાથી આપણે ત્યાં ભાદરવા સુદ પાંચમને દિવસે ઋષિ પાંચમ ઉજવવામાં આવે છે. અષાઢ અગિયારસથી આપણે ત્યાં વિશ્વના પાલન કર્તા દેવ વિષ્ણુ શયનમાં જાય છે, એવી એક માન્યતા છે, અને આ સાડા ચાર મહિના દરેકે સ્વયં સંચાલિત રહેવાનું હોવાથી, વધુ અનુસાશનની જરૂર હોય છે, તેથી આવાં વ્રત પ્રેરિત ધાર્મિક તહેવારો આ સમય દરમિયાન ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દરેક તહેવાર પોતાની રીતે, એક મૌલિક તત્વચિંતન પણ દર્શાવે છે. એટલે કે કેવડા ત્રીજ હોય તો હૃદયમાં સાત્વિક શ્રદ્ધાનું સ્થાપન થવું, અને પતિ પરમેશ્વર ની ભાવના રાખવી એટલે કે એને સર્વોપરી સ્થાન આપવું! એનાથી વધુ હિત ક્યાંય નથી એટલું સમજવું. ગણેશ ચતુર્થી હોય એટલે ગણેશ રૂપે બુદ્ધિમાં વિવેક પ્રસ્થાપિત કરવો, અને અહંકાર ને એક કોર મૂકી સૌ સાથે મિતભાષી વ્યવહાર રાખવો. મિચ્છામી દુકડમ ના દિવસે આખા વર્ષ દરમિયાન થયેલી ભૂલચૂકની માફી માંગવી અને કોરી પાટી કરી સંબંધોના અંદરો અંદરના મેલને ધોઈ નાખવો, આશા અપેક્ષા થી ઉપર ઉઠી જવું, અને ઋષિ પાંચમ એટલે ઋષિની જેવું લોક કલ્યાણ મય સાદગી ભર્યું જીવન જીવવું, જેનાથી જીવનમાં શાંતિ અને આનંદ આવે. તો આવા બધા સૂક્ષ્મ ચિંતન કરાવનારા તહેવારોમાં આપણે સ્થૂળ રૂપે તો તહેવાર ઉજવીશું, કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં હળીમળીને તહેવાર ઉજવવાની એક પરંપરા છે. પરંતુ વ્યક્તિગત રીતે આપણે આ તહેવારોથી આપણા ચરિત્રને આવી રીતે ચોખ્ખું કરવાની પણ ઈમાનદારીથી એક કોશિશ કરીશું.
ભગવાન ગણેશ ને દરેક પૂજામાં પ્રથમ સ્થાન મળ્યું છે, અને શરીર આપણી કરતાં સાવ જુદું હોવા છતાં આપણને એ બહુ ગમે છે, કારણકે આપણને તેની આકૃતિમાં કોઈ વિકૃતિ દેખાતી નથી. જોકે એક સત્ય એ પણ છે કે માત્ર શંકર સુવન તરીકે જ ગણપતિ નથી ગણપતિ તો આદિ અનાદી છે, અને વેદમાં એનો ઉલ્લેખ પણ મળે છે. જેમ બાળ હનુમાનની અમુક વાતો પ્રસિદ્ધ પામી છે, એ જ રીતે ગણેશજી ની પણ અમુક વાતો શાસ્ત્રોક્ત છે અને જે ખરેખર આપણને બોધ આપે છે.
એકવાર આખો શંકર પરિવાર કૈલાસમાં હર્ષોલ્લાસ કરતો હતો અને બંને પુત્રો ના વિવાહની વાત ચાલતી હતી. શંકર ભગવાને કહ્યું કે તમારાં બેય માંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરી ને પહેલા આવશે એની સાથે રિદ્ધિ સિદ્ધિ નાં લગ્ન કરીશું. આ સાંભળીને કાર્તિકેય સ્વામી પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. જ્યારે ગણપતિ એ વિચાર્યું કે પોતાનું વાહન તો ઉંદર છે અને એની ઝડપે તો હું આખી જિંદગી કુંવારો રહીશ! આથી એણે શાસ્ત્રનો માર્ગ અપનાવ્યો અને પોતાના માતા પિતાને બાજોઠે બેસાડીને ગણપતિ એ સાત વાર પ્રદક્ષિણા કરી અને કહ્યું કે પિતાજી હું આપની શરત પ્રમાણે પહેલો આવી ગયો એટલે હવે રિદ્ધિ સિદ્ધિ સાથે મારાં લગ્ન થશે! ભગવાન શંકરે કહ્યું કે હે પુત્ર તારી વાત સાચી છે! આ દુનિયામાં સૌથી વધુ મહત્વનું સ્થાન માતાપિતા નું છે અને જે પુત્ર એને આદર આપે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે, માટે એનાં લગ્ન રિદ્ધિ સિદ્ધિ સાથે થયા. આ ઉપરાંત ગણપતિ વિવેકનાં દેવ છે અને જેનાં મસ્તકમાં વિવેક અંકિત થયો હશે એ ગમે તેટલો શસ્ક્ત હશે પણ એ નાના માં નાના જીવનાં જીવનમાં મહત્વનું સ્થાન ધરાવશે, અને એટલે જ ગણપતિ આટલું મોટું કદ ધરાવતા હોવા છતાં ઉંદર પર સવારી કરે છે. એ કલારસિક પણ છે એમને મૃદંગ બજાવતા દર્શાવવામાં આવ્યા છે.
ઉત્સવો એ આપણી સંસ્કૃતિ ની બહુ મોટી પરંપરા છે,અને એકધારી થકવી દેતી જીંદગીમાં એ જરૂરી પણ છે. પરંતુ કોઈ પણ તહેવાર કે ઉત્સવ એ પ્રાકૃતિક પ્રદૂષણ વધારતા નથી ને ? એ પણ વિચારવું પડશે, કારણ કે પ્રદૂષણ ની તીવ્રતા ઘટાડવા માટે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને દરેક તહેવારો હવે ઉજવવા જોઈએ! એવી પણ એક નમ્ર અપીલ ને ધ્યાનમાં રાખીશું. એટલે કે ગણેશની મૂર્તિનું આપણે ત્યાં વિસર્જન થતું હોય છે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય તો જ એને દરિયા કે અન્ય પાણીમાં પધરાવીશું, અને એ રીતે આપણે પ્રકૃતિની રક્ષા કરીશું, એટલે કે પ્રદૂષણ વધતું અટકાવીશું. હાલ વિશ્વ આખામાં ઉદ્યોગ ને કારણે દરેક ક્ષેત્રમાં એટલું બધું પ્રદૂષણ પ્રકૃતિમાં છોડવામાં આવે છે,કે આગળ જતાં એ આપણું જ નુકશાન કર્તા છે,એમ સમજીને પ્રકૃતિનું રક્ષણ કરવું. સામૂહિક ઉજવણી થતી હોવાથી જ્યાં આગળ ભીડ હોય ત્યાં આગળ ગુંડા તત્વથી સાવધાન રહેવું, ચોરી ચકારી ન થાય તેની સાવધાની રાખવી, અને ધક્કામૂકીથી કોઈને ઈજા ન થાય એનું પણ ધ્યાન રાખવું. આ ઉપરાંત આ સંધિકાળ દરમિયાન કેટલીય પ્રકારના વાયરસ વાતાવરણમાં ફેલાયેલા હોય છે, તો બહાર જઈએ ત્યારે માસ્ક અવશ્ય પહેરવું,અને આવ્યાં પછી હાથ પણ ધોવા, અને એ રીતે આપણી જાતને પ્રોટેક્ટ કરીશું.
સામૂહિક રીતે ઉજવાતા આવા કોઈ ઉત્સવનો મુખ્ય હેતુ અંદરો અંદર ભાઈચારો વધે એ હોય છે, તો આપણે એ હેતુ પાર પડે એ રીતે તહેવારો ઉજવવાં જોઈએ. ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, પરંતુ વિવેકનું પાલન ન થાય તો ભગવાન ગણેશ પ્રસન્ન કઈ રીતે થઈ શકે? એ વિચારીને અદંરોઅંદર ગાલી ગલોચ ન કરવાં, દરેકના માન સન્માનને મહત્વ આપવું, તેમજ આપણી મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે એમ ઉત્સવ મનાવવો. એટલે કે માત્ર નાચગાન કે ફોટા પાડવા એટલું નહીં, પણ ખરા હ્રદયથી સ્તુતિ સ્તવન કરી ગણેશોત્સવ ઉજવાવવો જોઈએ. આ ઉપરાંત તહેવાર પૂરતાં જ મનમેળ અને પછી વેર એ નીતિ હવે ત્યાગવી પડશે વસુધૈવ કુટુંબકમ ની ભાવના હ્રદયમાં રહે, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું દરેકનાં જીવનની મુખ્ય ઉપલબ્ધિ બને. તો જ અસ્તિત્વ મંગલનુ ગાન રોજ ગાશે! અને આપણાં પર નિત્ય શુભની વર્ષા કરશે.
ભારત એ આજે વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ વિકાસ સાધ્યો છે, અને વિશ્વમાં એક ઉચ્ચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ વિશ્વના અન્ય દેશોએ શોધેલી ટેકનોલોજી ના ઉપયોગ માટે, આજે ભારત અવ્વલ નંબરે આવે છે. તો કોઈપણ ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરતા પહેલાં, એટલે કે વાપરતા પહેલા આપણે એ આપણી માટે અનુકૂળ છે કે નહીં? એ વિચારી,કે એટલો વિવેક દાખવી, અને એનો ઉપયોગ કરીશું. ઉપયોગની માત્રા કેટલી રાખવી, એનો પણ વિવેક રાખીશું, તો જ આપણે ખરાં અર્થમાં ગણેશની પૂજા કરી કહેવાશે, અને તો રિદ્ધિ સિદ્ધિ તથા શુભ લાભ સહિત સપરિવાર એ આપણાં ઘરે આવશે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.