ઈશ્વર - ચિંતનની ક્ષણે - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ઈશ્વર - ચિંતનની ક્ષણે - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


ઈશ્વર કહે છે, તોરા મન દર્પણ કહેલાય! મન એક અલૌકિક શક્તિનો સ્ત્રોત છે! એતો જેનું મન તંદુરસ્ત હોય એ જ જાણે ! 


હે ઈશ્વર.

           આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગણેશ વિસર્જન ધૂમધામથી સંપન્ન થયું, સ્થાપન વખતે કહ્યું હતું એમ વિવેકનુ વિસર્જન કરવાનું નથી. બસ હવે શ્રાદ્ધ અને પછી નવરાત્રી દિવાળી! દીવાળી ની વાત આવે એટલે જાતભાતના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પારંપરિક પકવાન દેખાય! પણ શરીરને જે રીતે વૃદ્ધિ માટે આહારની જરૂર પડે, બસ એ જ રીતે મન પૃષ્ઠ કરવા માટે પણ આહારની જરૂર પડે છે. સાહસ, સંયમ, સંતોષ, અને સંસ્કાર, આ બધા જ મનના આહાર છે. એટલે કે મનની તંદુરસ્તી માટે આવાં ગુણથી મનને પૃષ્ઠ કરી શકાય છે. ઈશ્વર રચિત આ શરીર રચનામાં 11 ઇન્દ્રિય બતાવાઈ છે, એમાં 10 બાહ્ય અને 11 ની મન એ અદ્રશ્ય ઈન્દ્રિય છે. મન એ તરંગિત અવસ્થા બતાવે છે, જેમ કે સામાન્ય રીતે પોતાના વ્યવહારોની અસર શરીરને થાય છે, જ્યારે મન એ પોતાના ઉપરાંત અન્ય વ્યવહારથી પણ ચલિત થતું જોવા મળે છે, અને હંમેશા તેની ચંચળતાને કારણે માનવી સતત તેને શાંત કરવા મથતો હોય છે. ભારતીય મનીષી એટલે કે ઋષિઓએ મન વિષે ખૂબ અધ્યાયન કરી અને તેની તંદુરસ્તી માટેના પ્રયોગ રૂપે યોગ બતાવાયો છે. મન તંદુરસ્ત હોય તો અંતઃકરણ ચતુષ્કોણના ચારે ખૂણા સમ રહી શકે છે, એટલે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચારે ખૂણાની સમતા માટે પણ મનનું તંદુરસ્ત હોવું બહુ જરૂરી છે. પરંતુ માનવીય મન મમતાની એક ધરી પર એકધારું ચાલતું હોય છે, ક્યારેક તેને વ્યક્તિની મમતા થાય છે, તો ક્યારેક વસ્તુની, અને પછી આખી જિંદગી એ મેળવવા માટે તેની આસપાસ ભમે રાખે છે, અને એટલે જ કવિઓએ મનને પંખી કહ્યું છે, મનને ભ્રમર કહ્યો છે, મનને માર્કટ કહ્યું છે, અને મનને મોર પણ કહ્યો છે. પરંતુ મૂળ વાત મન જો સ્વસ્થ હોય તો એ માનવીમાં એક અજ્ઞાત શક્તિની પૂર્તિ કરે છે, અને આજે આપણે તરાને કી તર્જ જીવન કા અર્કમાં એક ફિલ્મી ગીત પર મન વિશે ચિંતન કરીશું.


  આ ગીત ઈશ્વર અને પ્રાણી એટલે કે માનવી વચ્ચેના સંવાદરૂપે ગવાયેલું છે.


તોરા મન દર્પણ કહેલાય,

ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાયે,

તોરા મન દર્પણ કહેલાય.


મન હી દેવતા મન હી ઈશ્વર,

મન સે બડા ન કોય,

મન ઉજીયારા જબ જબ ફૈલે,

જગ ઉજીયારા હોય,

ઈસ ઉજલે દર્પણ પે પ્રાણી ધૂલ ન જમને પાયે,

તોરા મન દર્પણ કહેલાય.


સુખી કાલીયા દુઃખ કે કાંટે,

મન સબકા આધાર,

મનસે કોઈ બાત છૂપે ના મન કે નૈન હજાર,

જગ સે ચાહે ભાગલે,મગર મન સે ભાગ ન પાયે

તોરા મન દર્પણ કહેલાય.


તન કી દોલત ઢલતી છાયા મનકા ધન અનમોલ,

તન કે કારણ મન કે ધન કો મત માટી મેં રોંદ,

તોરા મન દર્પણ કહેલાય.


   1965ના બનેલી કાજલ નામની ફિલ્મનું આ ગીત છે સંગીતકાર રવિ અને આશા ભોંસલે ના અવાજમાં ગવાયેલું આ ગીતના શબ્દો સાહિર લ્યુધ્યાનવી સાહેબના છે.


    મનની ચંચળતાથી કંટાળી ને આખરે માનવી ઈશ્વર પાસે જાય છે, ત્યારે ઈશ્વર તેને પોતાની શક્તિનો આધાર એવા મન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને તેને સ્વસ્થ બનાવવાની વાત કરે છે. ખૂબ જ સુંદર શબ્દો દ્વારા આ રચના થઈ છે અને માનવીય મનની શક્તિ નો નિર્દેશ કરે છે. આમ જુઓ તો જિંદગી સારી છે કે ખરાબ છે તેનો સંપૂર્ણ આધાર મન પર છે. આપણું મન જો પૃષ્ઠ હશે, એટલે કે તંદુરસ્ત હશે તો એ અન્યની ખુશી જોઈને ઈર્ષા નહીં કરે, અને તો એને પોતાના જીવનથી સંતોષ થશે, અને જીવન વિશે ઓછી ફરિયાદ થશે. એટલે જીવન નો મુખ્ય આધાર મન અને તેનું તંદુરસ્ત હોવું એ બહુ જરૂરી છે. અમુક પ્રકારનું જ્ઞાન આપણા મનની તંદુરસ્તી વધારે છે, અને તેથી જ શરીર તંદુરસ્ત હોય કે, ન હોય પણ દ્રઢ મનોબળવાળા માનવી ઘણીવાર બાજી જીતી જતા દેખાય છે. ઉંમરના અમુક મુકામે બહુ સ્વાભાવિક રીતેજ શારીરિક તંદુરસ્તી એટલી ન હોય, પણ દ્રઢ મનોબળ ને કારણે તેમજ સંયમ, સંતોષ, સંસ્કાર, આ બધા જ તેની પૃષ્ટિ કરતા પરિબળોથી કે ગુણથી તે ઘણીવાર વિકેટમાં વિકટ પરિસ્થિતિમાં પણ રહી શકતા હોય છે, તો ઘણી વાર કેન્સર કે ટ્યૂમર જેવી ગંભીર બીમારી મા પણ હસતા રહી અને ફરિયાદ વગરનું જીવન જીવતા જોવા મળે છે. તેની આ અદૃશ્ય શક્તિને કારણે તે રોગને માત આપતા પણ આપણે જોઈ શકીએ છીએ.


  આપણું મન નબળું છે, માટે જ આપણે બીજાના જીવનમાં ડોકિયું કરીએ છીએ, અને એટલે જ આધુનિક જીવનપદ્ધતિ ને નામે આપણે અન્યની સંસ્કૃતિ અપનાવતા થઇ ગયા છીએ. કારણ કે આપણી સંસ્કૃતિથી આપણને હવે સંતોષ નથી, અથવા તો જીવન ભોગ વિલાસની વૃત્તિ તરફ ફંટાઈ જવાથી, આપણી સંસ્કૃતિનાં મૂળિયા હચમચી ગયા છે. જો સંસ્કૃતિ રુપી આ ધરોહર ભસ્મીભૂત ન થાય, એવું ઈચ્છતા હોઈએ તો દરેકે દરેક જણા એ, પોતાના મનની તંદુરસ્તી વિશે પણ વિચારવું પડશે, તેમાં આસપાસના જીવનથી આપણું મન વિકારિત થાય એવી વાત પર સંયમથી તેને વારવું પડશે, માત્ર શિક્ષણ પર નહીં, પરંતુ સંસ્કાર પર પણ ભાર મૂકવો પડશે. મન એક જ ભાષા જાણે છે, અને એ છે આચરણની. એટલે આપણા આચરણમાં સાત્વિકતાનું પ્રમાણ વધે તેવા પ્રયત્નો કરી, અને મનની તંદુરસ્તી બરકરાર રાખીએ, આ ઉપરાંત મન ને રંજન એટલે કે તેને આનંદમાં રાખવું પણ બહુ જરૂરી છે, એટલે મનોરંજન મળી રહે તેવા પણ પ્રયત્નો કરવાં, જેથી કરીને તે અન્યના જીવન સાથે પોતાની સરખામણી ન કરે.


  કવિ પોતાની રચનામાં ઈશ્વર દ્વારા કહેવાયેલા શબ્દો રૂપે મનની અદ્વેત અને અજ્ઞાત શક્તિ તરફ ઇશારો કરી કહે છે કે, તારું મન તો દર્પણ છે અને એમાં તારા સારા ખોટા બધા જ કર્મો તને દેખાય છે, પછી તારે મુંઝાવું શું કામ જોઈએ? ખોટું છોડી અને સારું કર્મ કરવું. જો મન ની તંદુરસ્તી બરકરાર હશે તો મન જ દેવતા છે, મન ઈશ્વર છે, આ અલૌકિક શક્તિ જીંદગીમાં અજવાળા કરવા પર્યાપ્ત છે, અને આ શક્તિ જેટલી પ્રબળ હશે એટલે કે જેટલી ફેલાયેલી હશે એટલું જગત ઉજળું લાગશે. એટલે કે પોતાનામાં કે અન્યમાં કમી દેખાશે નહીં, અને આ મન નામના દર્પણમાં મમતા રૂપે ક્યારેય ધૂળ લાગે નહીં, એનું ધ્યાન રાખવું. સુખ-દુઃખના અનુભવોનો આધાર પણ મન જ છે, મનથી કોઈ બાત છુપાયેલી રહેતી નથી, અને તેને હજાર આંખ છે, એટલે કે તે ગમે ત્યાંથી જાણી લે છે.જગતથી આપણે છુપાવી શકીએ છીએ, અને ત્યાંથી આપણે ભાગી પણ શકીએ છીએ, પરંતુ મન આપણી ચોરી તરત પકડી પાડે છે, અને ત્યાંથી આપણે ભાગી શકતા નથી, એટલે કે સાચા ખોટા કર્મો મન તરત પકડી પાડે છે. આગળ કવિ લખે છે કે ઉંમર વધતાં તનની દોલત ઢળી જાય છે, પરંતુ મનની શક્તિ અથવા તો ધન અનમોલ છે. 


   આપણે જોયું તેમ આપણી સારી ખરાબ જિંદગીનો મોટા ભાગનો આધાર મન ઉપર છે. જો આપણું મન તંદુરસ્ત હશે,ને આપણા જીવનનો આજ સુધીનો અસંતોષ હતો, કે પછી દુઃખ સામેની ફરિયાદ હતી, કે સતત જીવન સંઘર્ષમય રહેતું હતું, એ તમામ સમસ્યાઓ મનની તંદુરસ્તી ને કારણે દૂર થશે, અને અડધી સમસ્યા એટલે કે ઈર્ષા, નિંદા, લોભ, લાલચ, અહંકાર, અને તિરસ્કાર જેવા ભાવથી મુક્તિ મળતા જ જીવન જીવવા જેવું લાગશે. જીવનથી સંતોષ થશે, અને સંતોષ નામનો એ પારસમણી જીવનને સુવર્ણ જેવું સુંદર બનાવશે. તો આપણે સૌ આપણી આ હચમચી ગયેલી સંસ્કૃતિના મુળિયા, આપણાં દ્રઢ મનોબળથી વધુ સુદ્દઢ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...