આજના સમયમાં ઈશ્વરને પ્રસન્ન કરવા ભારેખમ શબ્દોની જરૂર પડતી નથી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

આજના સમયમાં ઈશ્વરને પ્રસન્ન કરવા ભારેખમ શબ્દોની જરૂર પડતી નથી

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચાલો પ્રાર્થના કરીએ

મિત્રો- શુભ સવાર


આજના સમયમાં ઈશ્વરને પ્રસન્ન કરવા ભારેખમ શબ્દોની જરૂર પડતી નથી. સીધીસાદી પ્રાર્થના પણ પરિણામદાયી છે. 


હે ઈશ્વર.

      આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનો દિવસ એટલે અનંત ચૌદસ, અને એ દિવસે પ્યારી મમ્મીનો જન્મ દિવસ, એ ચરણોમાં કોટી કોટી વંદન,આમ તો સર્જન વિસર્જન તો સૃષ્ટિની અનેરી ખાસિયત છે, એનો બહુ લાંબો હરખ શોક ન હોય, એવા સહજ અને પ્રથમ જ્ઞાનની એ જનેતા રહી. બીજું ગઈકાલે એક અંગત સ્વજન એ વિદાય લીધી, મૃત્યુ એ કોઈ સજા નથી, પણ છતાં વસાવડાની ડેલી એ પુત્રવધૂ બની પગ મૂક્યો ત્યારે બધાએ દિકરી તરીકે જ જોઈ અને પિતા તુલ્ય પ્રેમ આપનારા એ વડીલના "ફાલ્ગુની" નામના સ્નેહ ભર્યા અવાજનાં ભણકારા વાગશે. આમ પણ આજે ગુરુવાર પ્રાર્થનાનો દિવસ ! એટલે ઈશ્વર એમનાં આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે. પ્રાર્થના એ એક એવો ઘંટ છે કે જેનાથી ઈશ્વર પણ એ તરફ જોવા વિવશ થાય છે, અને ભક્ત પણ ઈશ્વર તરફ જુવે છે. કોઈપણ જગ્યાએ ક્યાંક પ્રાર્થના ગવાતી હોય એટલે કે કોઈ સ્કૂલ કે એની નજીક આપણે રહેતા હોઈએ, તો જ્યારે પણ પ્રાર્થના ગવાય ત્યારે આપણું મન તે તરફ ખેંચાય જ છે, અને અનાયસ એ ઉદગાર આપણા મોઢામાંથી નીકળી જાય છે. એ બતાવે છે કે પ્રાર્થના એ સૌના હૃદયને પવિત્ર કરનારુ ઝરણું છે. આમ તો બીજે ક્યાંય ઈશ્વરને શોધવા ની જરૂર જ ક્યાં છે! સૃષ્ટિ તરફ જરાક નજર કરીએ તો સમગ્ર સૃષ્ટિ એ એક મંદિરમાં વસતા દેવથી પણ વિશેષ લાગે છે. અથવા તો મૌન મૂર્તિ કરતા આ જીવંત મૂર્તિઓનું મંદિર વધુ રૂપાળું લાગે છે, એમ કહી શકાય. મારી તમારી કે પછી સંસારમાં દરેક વ્યક્તિઓની વ્યથા એ એકમાત્ર પ્રાર્થનાથી જ દૂર થઈ શકે એમ છે, અને આપણને કોઈ પણ પ્રકારના અભાવો હોવાનું કારણ પણ આપણે પોતે જ છીએ, નહીં તો આ સૃષ્ટિમાં શું નથી!! દિવસ-રાત સતત થાક્યા વગર ઊડાઊડ કરતો પવન, દિવસ-રાત જોયા વગર વહેતું પાણી, સૂર્ય ચંદ્ર નિયત સમયે રોજ થાક્યા વગર પ્રકાશે છે, અને આ પુષ્પવાટિકામાં ફુલ ઉગે છે,રસાળ ફળ પ્રાપ્ત થાય છે, વિશાળ સાગર જેવું આકાશ ન જાણે કેટલાય ગ્રહોને સમાવીને સ્થિર શાંત રહી, આપણી પર છત્ર બનીને કાયમ રહે છે.આ ધરા આપણા જેવા નિષ્ઠુરનો ભાર વર્ષો વર્ષથી સહન કરતી હોવા છતાં પણ ઉહકારો પણ કરતી નથી. આ બધું શું ઈશ્વર નથી! આ બધું જ અંતે તો આપણું પોષણ કરનારા મૂળભૂત પંચમહાભૂત ઈશ્વર તત્વ છે, અને આ સૃષ્ટિ જ એક મહિમાવંત મંદિર છે. મહાપુરુષો એ ક્યારેક આ મંદિરની વ્યાખ્યા પણ કરી છે. કવિઓએ પણ જગત, સૃષ્ટિ, પૃથ્વી, પ્રકૃતિ, પર ખૂબ રચનાઓ લખી છે, અને દરેકે દરેક જણ આ પ્રત્યેક દેવ એટલે કે પંચ પ્રાણતત્વને જ ઈશ્વર સમજવા એવો નિર્દેશ કરે છે. આવી જ એક પ્રાર્થના આપણે સૌએ નિશાળમાં ભણતા ત્યારે કરી હતી અને આજે પણ તે ઘણી સ્કૂલોમાં બોલાવાય છે.આપ સૌની તો મને ખબર નથી, પરંતુ મને તો આ રોજ નવી નવી પ્રાર્થનાઓનું ગાન કરી, અને તેને વિષે લખીને બાળપણની સ્મૃતિઓ વિંટળાઈ વળી છે. અમારા આચાર્ય દિનુ બેન સિનોરનો, કડક છતાં પેમાળ સ્વર મારા કાનોમાં ગુંજે છે. મૂળ પારસી ખાનદાની અને એકદમ ઉચ્ચ ભારતીય સંસ્કારની ગરિમા ધરાવતા હતા.તેમણે જ પ્રાર્થનાનો સાચો અર્થ એ સમયે શીખવ્યો હતો,કે પરીક્ષામાં પાસ થવા પ્રાર્થનાનો સહારો લેવાનો નથી, ત્યાં પુરુષાર્થની જરૂર પડે,ને બુદ્ધિ ચાતુર્ય એ ગુણ નથી, ગુણ તો સૌની સાથેના પ્રેમાળ વ્યવહારથી આવે, કોઈની મદદ કરવાથી આવે,થોડુંક જતું કરવાથી આવે,માફ કરી દેવાથી આવે, વગેરે વગેરે. તો આપણે આજે આવી જ સૃષ્ટિ સહજ સર્જનહારના મંગલ મંદિરની વાત કરીશું.



 મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે 

પળ પળ તારા દર્શન થાયે દેખે દેખનહારા રે ----મંદિર 


નહીં પુજારી નહીં કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે 

નીલ ગગન માં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે --મંદિર 


વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે 

મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરા રે ---મંદિર 


    કવિ શ્રી જયંતીલાલ આચાર્યનો જન્મ મહેસાણામાં થયો હતો અને તેમનું વતન અમદાવાદ છે, નવજીવન સેવા ટ્રસ્ટના તે સંસ્થાપક હતા, અને અમદાવાદની સુપ્રસિદ્ધ ગુજરાતી વિદ્યાલય,તથા શ્રેયાંશ શાળાના ગુજરાતીના તે શિક્ષક હતા આટલા મોટા ગજાના સાહિત્યકાર હોવા છતાં પણ, તેમને નામે એક પણ પુસ્તક નથી. તેમણે ઘણા બધા પુસ્તકો પર ટીપ્પણી લખી છે, અને વિવેચન કર્યું છે. તેમણે અનુવાદ પણ ઘણા બધા પુસ્તકો નું કર્યું છે, આ રચના સિવાય પણ તેમની એક સુપ્રસિદ્ધ રચના અંતરના અંતરમાં બિરાજતા એ દેવ, જે લગભગ બધાએ સાંભળી જ હશે.


    ચરિત્ર નિર્માણની રચનામાં ગુજરાતના સંત કવિઓ અને બાઉલ પંથને નામે બે ધારા ધરાવતા પુસ્તકોની રચના કરી, જેમાં એકમાં સ્વયં ઉચ્ચ કોટિના કવિની રચના ને બીજામાં નિરક્ષર લોકકવિ કબીર, ગંગા સતી,સંત રૈદાસ ભોજલરામ વગેરેના અનુયાયીઓની સંતવાણી કે ભજનનુ સંકલન કર્યું.

ગદ્યમાં શ્રી. શારદાદેવી, ઠાકુરદાની વાતો, મર્મી સંતોનું દર્શન વગેરેના ચરિત્ર લેખન કર્યું.

કવિતા કે પદ્ય ને નામે બે પુસ્તકો – ગોરસ, દીવડા,

અનુવાદ – દીવાટાણું રવીન્દ્રનાથનાં કાવ્યો અને મૌલિક, માનવધર્મ, બ્રહ્મચર્ય, સાહિત્ય, મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ, ગીતાની ભૂમિકા અને આપણો ધર્મ, મધ્યયુગની સાધના ધારા

સંપાદન ને નામે અંબુભાઈ પુરાણી અને માણેકલાલ દેસાઈના સ્મૃતિગ્રંથોનું સંપાદન કર્યું. રવિન્દ્રનાથ ટાગોરના જીવનથી તે બહુ જ પ્રભાવિત હતા, અને તે અમુક બાબતોમાં તેમને અનુસરતા પણ હતા.જીવનના ઉતરાર્ધમાં તેઓ અરવિંદ ઘોષની ફિલોસોફી તરફ વળ્યા હતા. આપણું ગુજરાતી સાહિત્ય આવા ઉચ્ચ ગજાના કવિ કે લેખક થી હર્યું ભર્યું છે, અને આપણે તેની માટે સદાય ગર્વ કરવો જોઈએ.આવા મહિમાવંત મહાપુરુષોને સત સત નમન.


      પ્રાચીન કે અર્વાચીન પ્રાર્થના ભજન કે ગીત ના શબ્દો જોઈએ તો આપણેને એમ થાય, કે સમય બદલાય છે એની સાથે સાથે ઘણું બધું બદલાય છે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટેના દરેક યુગમાં અલગ અલગ સાધન બતાવાયા છે. જેમ કે પહેલા વેદ ઉપનિષદની શ્રુતિ કે ઋચા અથવા તો મોટા મોટા સ્તોત્ર અને પછી આદિદેવ શંકરાચાર્ય દ્વારા સ્તુતિ સ્તવન રચાયા! પણ એ બધું અંતે તો ભારેખમ સંસ્કૃતમા. પણ આપણે અત્યાર સુધીની બધી જ પ્રાર્થના ઓ જોઈ, એ તે બધી જ બતાવે છે, કે સાવ સીધા સાદા શબ્દો જેટલી અસર કરે છે, તેટલા ભારેખમ શબ્દોની અસર થતી નથી. આ પૂર્ણ વિશ્વ જ એક મંદિર છે, અને તેનું સર્જન કરનાર જ પરમ કૃપાળુ પરમાત્મા કેટલો સુંદર હશે!! દરેક ક્ષણે તેના દર્શન થાય છે. પણ તેને જોવાની દ્રષ્ટિ જોઈએ,જેની પાસે એવી દ્રષ્ટિ હોય તે જ જોઈ શકે. પ્રત્યક્ષ રીતે અહીં કોઈ જ દેવ નથી કે કોઈ જ પૂજારી નથી, કે આ મંદિરને ક્યાંય તાળું પણ નથી,અને આમ જુઓ તો બધા જ દેવ તુલ્ય છે, અને જે આ મહિમા ને સમજે છે તે એ દેવત્વ અને પ્રણામ કરી અને પૂજારી પણ બની શકે છે. નીલા આકાશમાં ચાંદો અને સૂરજ આ દેવના મહિમા ગાતા પ્રત્યક્ષ પ્રમાણ છે. આ સમગ્ર સૃષ્ટિનું વર્ણન કરતાં ધૈર્યવાન કવિઓ થાક્યા, પણ તારી આ રહસ્યમયી સૃષ્ટિનો તે તાગ પામી શક્યા નથી.જે દેવી-દેવતાની મૂર્તિ ઓ અમે મંદિરમાં રાખીએ છીએ, એ સ્વરૂપને આખા જગતમાં શોધવા માટે સૌ ભમે છે, અને સૌને પ્રશ્નાર્થ છે, કે મંદિરમાં તું ક્યાં છુપાયો!! શોધે બાળ અધીરા રે, અમે તો તારા બાળકો છીએ, તો અમારી દ્રષ્ટિમાં કદાચ મંદિરનું અને દેવનું આ રુપ અમને દેખાય નહીં, તો અમે અધીરા થઇ જઈએ છીએ. તો આપણે સૌ પણ ઈશ્વરના સ્વરૂપને વંદન કરી, અને રૂપાળા વૈશ્વિક મંદિરની મનમાં સ્થાપના કરી, તેમને વંદન કરી આ જગતને કવિએ જેવું આલેખ્યું છે, તેવું નિર્મળ અને સ્વચ્છ બનાવીએ, તેવી એક અનન્ય પ્રાર્થના સાથે, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવી પ્રાર્થના સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.


      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...