Pages

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

જીવન વૃતાંત - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- જીવન વૃતાંત


હેપ્પી બર્થડે ટુ મી! એક સામાન્ય ગૃહિણીની જીવનગાથા કે યશગાથા! પણ અહમ નથી માતાપિતાનું ગૌરવ છે. 


     આજે કોઈ શબ્દ કે વિષય પર ચિંતન નથી પણ નિયમિત રીતે આવતા ચિંતનનો સ્ત્રોત અને એ નારી શક્તિની યશગાથા વિશે થોડી વાત કરીશું. આમ તો ખુદ વિશે લખવું એટલે અહમ્ લાગે, પણ આજનો સમય પોતાનું મૂલ્ય કરાવનાર નો છે એટલે સહજ. આમ પણ સદગુરુ કૃપા અને વસુધૈવ કુટુમ્બની ભાવનાથી લખાતાં ચિંતનને કારણે આજે ખૂબ મોટો પરિવાર બની ગયો છે, વિદેશમાં પણ એનાં નિયમિત ચાહકો છે. એટલે બહુ સ્વાભાવિક રીતે જ થયું કે મૂળિયા ક્યાં અડે છે એ સૌ જાણે. આમ તો કોઇ સંઘર્ષ જીવનમાં આવ્યો નથી, અથવા તો એ સંઘર્ષ છે એ રીતે જોયું નથી. માટે જીવન વૃતાંત નામ આપી શકું. 


    નામ છે ફાલ્ગુની વસાવડા, બહુ ટૂંકા ગાળામાં એક સામાન્ય ગૃહિણીનું નામ થોડુક ચર્ચાતુ થયુ છે, અને એ પણ એની લેખની માટે. આમ જુવો તો ખાસ કોઈ એવી લાયકાત પણ નથી, અને કોઈ ડીગ્રી પણ નથી. છતાં સદગુરુ ચરણોમાં શરણાગતિ હોવાથી, એમની કૃપા થતાં જીવનમાં કંઈક વિશેષ કર્મ કરવું, એવો એક નિર્ધાર કરીને જીવન જીવવાનું શરૂ કર્યું, અને એ જીવનનાં લેખાંજોખાં અહીં રજૂ કરી રહી છું. આશા છે આપ સૌને એમાંથી કંઈક જાણવા મળશે, અથવા ભારતીય નારી ધારે તો શું કરી શકે! એ વાત સમજાશે.


     1968ની સાલનાં સપ્ટેમ્બર મહિનાની 26 તારીખે અને આસો સુદ સાતમની રાત્રિએ બરોબર બાર કલાકે નાગર ગૃહસ્થ તનસુખ ભાઈ વોરા અને શ્વેતલત્તા બેન વોરાને ઘરે અમદાવાદ ખાતે એક દિકરીનો જન્મ થયો, અને તેનું નામ ફાલ્ગુની રાખવામાં આવ્યું,જે નામ પ્રમાણેના નક્ષત્ર જેમ તેજસ્વી અને દેખાવે પણ એકદમ સુંદર અને હોશિયાર, તેમજ મમ્મી પપ્પાની તેમજ કુટુંબની લાડકી.આમ પણ વોરા કુટુંબમાં દિકરી ઓછી હતી, એટલે બધાએ ખૂબ લાડ લડાવ્યા. જેને બે ભાઈ અને એક મોટી બહેન પણ છે, અને બધા જ મમ્મી પપ્પાના સંસ્કારને ઉજાગર કરનાર છે. દીકરીઓ માટે આજથી 55 પહેલાનો યુગ ઘણો જુદો હતો. પરંતુ નાગરનાં ઘરે જન્મ થયો હોવાથી, દીકરી હોવા છતાં અમુક છૂટ જન્મથી જ મળી હતી, અને પૂર્વજન્મના સંસ્કાર કહો કે મા-બાપના સંસ્કાર એને કારણે સામાજિક દૂષણ પ્રત્યે પહેલેથી જ મનમાં એક ગુસ્સો હતો, અને એમાં પણ સમાજમાં થતાં દિકરા દિકરીના ભેદભાવ વિષે ખાસ. બાલમંદિર અમદાવાદમાં, પ્રાથમિક શિક્ષણ સુરેન્દ્રનગર,તેમજ ભાવનગર, અને માધ્યમિક શિક્ષણ ભાવનગર તેમજ કોલેજ પણ ભાવનગર. આમ તો બીએસસીની ડીગ્રી ધરાવે છે,પણ કાર્યક્ષેત્ર તરીકે ગૃહિણી જ બનવાનું પસંદ કર્યું.


       માત્ર 20 વર્ષની ઉમરે લગ્ન થયા,અને ,પ્રેમાળ પતિ સાથે ગૃહસ્થીમાં ડગ માંડી સંસારી બની. બહુ થોડા જ સમયમાં માતા પણ બની, એટલે બહુ સ્વાભાવિક રીતે જ ગગનમાં ઉડતાં પંખીને પાંજરે પુર્યુ હોય એવો ભાવ થયો. દેખીતી રીતે આજે વિચારીએ તો કંઈ નવું ન લાગે, પણ ઉંમરની નાદાનિયત ને કારણે સતત એનું એ જ કાર્ય કંઈક ને ક્યાંક બંધન લાગ્યું! કર્તવ્ય કર્મ પ્રત્યે ક્યારેય ઉદાસી કે નારાજગી રાખી નહીં. સૌની ઈચ્છા ને માન આપવું એવા માતા પિતાના સંસ્કાર હતાં, એટલે આટલાં મોટા પરિવારમાં બધું મૌન રહી જોયે રાખ્યું, ને પૂર્ણ નિષ્ઠા તેમજ પ્રમાણિક પણે સૌને અપનાવ્યા, હળીમળીને પ્રેમ કે લાગણીની નદી બની વહેવાનું પસંદ કર્યું. પણ જીવનમાં પોતાનું મુલ્ય શું ? અસ્તિત્વ એ પોતાની માટે શું કર્મ નિયત કર્યું હશે? કે માત્ર બાળકો ઉછેરવા ને ઘર રસોડું સંભાળવું બસ એટલું જ!! એવો કંઈક અભાવ કે અસંતોષ આ જીવનથી થતો, અને શું કામ એ પણ પકડાતું નહોતું! કારણ ન રુપિયા પૈસાની તંગી હતી, કે ન કોઈ મોજશોખ આડે આવતું હતું, બાળકો પણ દેખાવડા ને અત્યંત બુદ્ધિશાળી, પતિ તો મહાદેવ સમાન ભોળાં,અને પ્રેમ રસિક! વડીલો પણ એમ તો આધુનિક વિચારસરણી ધરાવતા હતાં, એટલે આમ જુવો તો કંઈ જ ખૂટતું નહોતું! છતાં કંઈક કરવું પડશે આ જન્મ ફેરો સફળ બનાવવા. અને શું કરું? શું કરું? ના પ્રશ્ન થકી જ સદગુરુદેવ મળ્યા,ખરેખર 1990નાં જૂન મહિનાની 2/6/1990 તારીખ એટલે એમની પુણ્યતિથિ છે, એનાં બીજા જ દિવસે એટલે કે 3/6/1990ના દિવસ એ પ્રથમવાર માતૃત્વ પ્રાપ્ત કર્યું, પહેલે ખોળે પુત્ર અને પછી બે પુત્રી એમ ત્રણ સંતાનની માતા બની. નાનપણથી જ ગાયત્રી માતા તથા ગાયત્રી મંત્રમાં ખૂબ શ્રદ્ધા હોવાથી 1991ની સાલથી સદગુરુદેવને વાંચ્યા પછી ચૈત્રી ને, આસો નવરાત્રીનાં અનુષ્ઠાનનું આજીવન વ્રત લીધું,બસ એને કારણે જીવનમાં એક સકારાત્મક અનન્ય શક્તિ પ્રાપ્ત થઈ,અને ગુરુદેવની પવિત્ર આભા કાયમ કવચ બની પરિવારનુ રક્ષણ કરતી રહી. મંત્રોચ્ચાર કે, મંત્ર લેખનથી બુદ્ધિ સ્થિત પ્રજ્ઞ થઈ શકે, એવું ગુરુ વચન યાદ રાખી,બને એટલાં મંત્ર જાપ કર્યા, અને બને એટલી મૃદુતા તથા વિનમ્રતાથી સૌ કોઈ સાથે આત્મીયતાથી અને મદદરૂપ થવાની ભાવના રાખી, જીવન જીવાતું રહ્યું. ધ્યાનની ધરા પર અવનવી અનુભૂતિની સંપત્તિ તેમજ મા સરસ્વતીને શારદાનાં આશિષથી કલમમાં બળ આવતાં, આ લેખિકાની સફર શરૂ થઈ.આમ તો 1992ની સાલમાં કર્મનો સિદ્ધાંત એટલે કે 24 વર્ષની ઉંમરે આધ્યાત્મિક લેખની શરૂઆત કરી, પછી તો કેટલુંય લખાયું. વચ્ચે વચ્ચે જીવંત બુદ્ધ પુરુષ તરીકે પુજ્ય મોરારીબાપુને સાંભળ્યા અને સ્વીકાર્યા,તેમજ તેમની પણ કેટલીય કથા સાંભળી. એમાં પણ માનસ નાગર વખતે નરસિંહને વધુ વાંચ્યા ને ગાયાં હોવાથી એની ચેતના એ ભીતર ઘર કર્યું, અને જીવ એ વસુધૈવ કુટુંબ સાથે શુભ મંગલ તરફ પ્રયાણ કર્યું. વ્રજ વનિતા બની શ્યામ સાથે કંઇક ગોઠડી કરી ને, આ સંબંધ પર પુષ્કળ પ્રમાણમાં મૌલિક કાવ્ય રચના ઓ લખી.


   અનુષ્ઠાનમાં થતી એ અનુભૂતિને શબ્દ વાંચા આપી ચિંતનની ક્ષણે લખવાનું શરૂ કર્યું,એ બધું લગભગ વર્ષમાં બે નવરાત્રી અને શ્રાવણ તેમજ અન્ય દેશભક્તિના તહેવાર હોય દિવાળી, હોળી, રક્ષાબંધન, જન્માષ્ટમી, મકરસંક્રાંતિ,એમ તો જન્મ દિવસ કે લગ્ન દિવસ પછી તો વાર્તાનો દોર શરુ થયો,આમને આમ ડાયરીઓ ભરાતી ગઈ. મારી લેખનીની પ્રથમ વાચક મારી મોટી પુત્રી બની,અને પછી તો એમ તો ઘણા વાચક થયાં, પુત્ર પણ મને ભાષામાં મદદ કરતો,અને અમારા એ.. પણ ખરાં. બધાએ મને લખવા પ્રોત્સાહન પણ આપ્યું‌, આમ સંતાનો માતાના માર્ગદર્શક પણ બન્યા.જીવન સફર આગળને આગળ ચાલતી ગઈ, અને પુત્ર પુત્રીના લગ્ન વિધિ પણ સંપન્ન થઇ, હવે જ ખરો દોર શરૂ થયો, પુત્ર ને પૂત્ર વધૂ ઓસ્ટ્રેલિયા જોબ ને કારણે,તો પુત્રી તો છેક જર્મની, મમતા આમતો દૂષણ નહતી, પણ એમ બધા ચાલ્યા જાય એટલે આકરું તો લાગે જ! જીવન આમ અનેક ગતિવિધિઓ માંથી પસાર થઈ અડધી સદી ઉપર પહોંચ્યું. સંતાનો એ સ્માર્ટફોનની ગીફ્ટ આપી, અને એમાંથી પછી પ્રતિલિપિમાં લખવાનું શરૂ થયું, અને આ વર્તુળ વધતું જ ગયું, અંદરોઅંદર જાન પહેચાન થતાં બધાં એ પોતાના ગૃપમાં સ્થાન આપ્યું, ધીરે ધીરે પછી મૌલિક માંથી અછંદાસ,અને અછંદાસ માંથી છંદમાં પણ લખવાનું શરૂ કર્યું, અને કોરોના કાળ અંતર્ગત જ્યારે બધા નિરાશામાં ઘેરાઈ ગયા હતા, ત્યારે નિત્ય સવારે, બ્રોડ કાસ્ટ ગૃપ, સાહિત્ય ને લગતા લગભગ 75

વોટ્સએપ ગૃપો થકી,અને ખાસ કરીને ગુજરાતી મેળો નામના ચૌદ ગૃપ આજે તો આ સાયકલ શૃંખલા ખૂબ લાંબી બની છે, અને આ ઉપરાંત સાત નાના દૈનિક છાપાં ઓમા પણ આ લેખને સ્થાન મળ્યું. સૌના પ્રતિભાવ રૂપે પ્રોત્સાહન અને કલમને બળ મળે છે. આ સફર એકરીતે અઘરી રહી, કારણ કે પપ્પા ને મમ્મીના દેહ વિલયની ઘટના પણ ઘટી, ઉપરાંત સંયુક્ત કુટુંબ હોવાથી વડીલોની બિમારી વગેરે પણ આવે, સંતાનના પ્રશ્નો પણ થયાં.પરતુ એકદંરે આ સફરનો થાક નથી, કે નથી એમાં ઘસડાયા જેવો ભાર લાગતો એ વાત પાકી. ઉપરાંત દરેક દિશામાં ઉજળું અજવાળું જાણે સાક્ષાત સૂર્ય, પછી જ્ઞાનનો હોય, કર્મનો હોય, ધર્મનો હોય,કે ભક્તિનો કે અલૌકિક આનંદનો પણ સદગુરુ સમાન સૂર્યને કારણે જીવન ઝગમગતું થયું એ વાત પાકી.


     પરમ પૂજ્ય સદગુરુનું અભિયાન છે, કે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિને બહુ ઊંચું સ્થાન મળે, એ માટે થઈને ઘરે ઘરે આ રીતે જાગૃતિ આવે, તેમજ પરિવારનું વર્તુળ વધારતાં વધારતાં સૌ સંવેદના પૂર્વક જીવન જીવે, અને સમાજમાં પણ વિજ્ઞાન વિકાસની સાથે સાથે સૌનો માનસિક વિકાસ પણ થાય.આમ જુવોતો આ શબ્દ વર્ષા થઇ તેની પાછળ કંઈ દુઃખના ડુંગરા તૂટી પડ્યાં, કે એવું કંઈ થયું નથી, પરંતુ દરેક સ્ત્રીએ પોતાના અધિકાર માટે જાગૃત થવું પડે, પોતાના વ્યક્તિત્વ કે અસ્તિત્વની ઈચ્છા આખરે શું છે? એ જાણવું પડે, અને કદાચ આ કલમ પણ એટલે જ ચાલે છે. કારણ કે આ રીતે સ્ત્રીઓની માનસિકતા તેમજ માન સન્માન માટે સામાજિક લેખ,વાર્તા, કવિતા લખાય એ જરૂરી છે. સંસારી સંબંધોનું વિશ્લેષણ કરી દરેકનાં જીવન સરળ ને મધુર બનાવવાની એક નમ્ર કોશિશ કરીએ તો, એ રીતે સમાજમાં જાગૃતિ આવે.એટલે કે સમાજ સેવાનું કાર્ય કે જન જાગરણનું કાર્ય આ રીતે સદગરુ ભગવાન કરાવી રહ્યા છે, બાકી જીવની કોઈ મોટી ઉપલબ્ધિ નથી.આજે તો આપ સૌના અંતરના પ્રેમની વૃષ્ટિથી કેટલાય ન્યુઝ પેપરમાં સ્થાન મળ્યું છે. પ્રથમ ચાન્સ આપનાર નમસ્કાર ગુજરાતના તંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલથી શરું થયેલી આ યાત્રા ગાંધીનગર ટુડે,સમય સૌનો, ગુજરાત મેઇલ, વલસાડ કેસરી, એકલવીર, પગદંડી, ગાંધીનગર મેટ્રો,અને ગાંધીનગર જન ફરિયાદ તથા લોકશાહીની કલમે, યુગાંતર, સૌરાષ્ટ્ર પ્રતિબિંબ અને ચેનલ નાઈન નેટવર્ક એમ બધાની જરુરીયાત મુજબ બધા પ્રકારના લેખ,અને બધી પ્રકારની વાર્તા, કચ્છ દસ્તક, જનતા જોગ , ગુજરાત કોમ્યુનિટી ન્યુઝ, આ ઉપરાંત લુહાણા મહાજનના અધ્યક્ષ આનંદ ભાઈનુ સૌજન્ય પણ ખરું.આશા રાખું છું કે આપ સૌને આ એક સાવ સામાન્ય ગૃહિણીની વાત ગમી હશે, છતાં પણ આપનાં અમુલ્ય સમય માટે સદાય સૌની ખૂબ ખૂબ આભારી રહીશ.આપ સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


      


      

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.