Pages

શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2023

છેક લંકાથી કૈલાશ રોજ રાવણ શિવની સાક્ષાત્ પૂજા કરવા આવતો!

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


છેક લંકાથી કૈલાશ રોજ રાવણ શિવની સાક્ષાત્ પૂજા કરવા આવતો! આથી તેણે એક દિવસ પૂજા કે તપથી શિવજીને લંકા આવવા માટે મનાવી લીધા


હે મહાદેવ.

      આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.  સારી કે ખરાબ લગભગ સૌની એકધારી જિંદગી જાય છે, ના એમાં ક્યાંય રસ છે કે ના પ્રેમ લગભગ બધે જ ફક્ત વહેવારનાં ઢાંચા‌ છે. દેખીતો વાટકી વહેવાર જ સૌનું જીવન બની ગયું છે, પણ હકીકતમાં અસ્તિત્વમાં ઘટતી દરેક ઘટના મંગલ જ વરસાવી રહી છે, એ સત્યને જો સ્વીકારીએ તો કદાચ ઘટતી ઘટના શુભ તરફ સંકેત કરી રહી છે, એવું આશ્વાસન લઈને આગળ વધી શકાય. ક્યારેક ડર ભય ને કારણે પણ સારા કાર્ય થતા હોય તો કરી લેવા, અને આત્માનિરીક્ષણના પરિણામે મળેલા નવનીત જેવા જ્ઞાનથી સુંદર જીવનનુ આયોજન પણ કરી શકાય. બસ આવું જ આજના સમાજ નું કંઈક આત્મનિવેદન નીકળી શકે. શ્રાવણમાં સત્ય પ્રેમ અને કરુણામય ભર્યું જીવન જીવવા કટિબદ્ધ થયો છે. ભક્તિની પરાકાષ્ઠા સુધી જઈ, અને પરમ પ્રેમને પામવાની ઝંખના પણ સેવી રહ્યો છે. આ શ્રાવણે ભગવાન ભોળા શંકરને ચરણે નત મસ્તક થઈ, અને તેને આરાધી રહ્યો છે. આપણે પણ રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, પહેલાં નવ શ્લોકનુ ગાન ને ભાવાર્થ આપણે કરી ચૂક્યા છીએ હવે આગળ..


શિવ તાંડવ સ્તોત્ર.


અગર્વસર્વમંગલા કલાકદમ્‍બમંજરી-

રસપ્રવાહ માધુરી વિજૃંભણા મધુવ્રતમ્‌ .

સ્‍મરાંતકં પુરાતકં ભાવંતકં મખાંતકં

ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે 10


***કલ્‍યાણમય, નાશ ન થનાર બધી જ કળાઓંની કળીયોંથી વહેતાં રસની મધુરતાનો આસ્‍વાદન કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્‍મ કરનાર, ત્રિપુરાસુર, વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્‍વંસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.


જયત્‍વદભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગમસ્‍ફુર-

દ્ધગદ્ધગદ્વિ નિર્ગમત્‍કરાલ ભાલ હવ્‍યવાટ્‍-

ધિમિદ્ધિમિદ્ધિમિ નન્‍મૃદંગતુંગમંગલ-

ધ્‍વનિક્રમપ્રવર્તિત પ્રચણ્‍ડ તાણ્‍ડવઃ શિવઃ 11


***અત્‍યંત શીઘ્ર વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુંફાડા છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ઉધા ધ્‍વનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્‍યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે.


દૃષદ્વિચિત્રતલ્‍પયોર્ભુજંગ મૌક્‍તિકમસ્રજો-

ર્ગરિષ્ઠરત્‍નલોષ્ટયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ .

તૃણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેન્‍દ્રયોઃ

સમં પ્રવર્તયન્‍મનઃ કદા સદાશિવં ભજે 12


***જોરદાર કઠણ પત્‍થર સમા છતાં કોમળ અને વિચિત્ર શય્‍યામાં સર્પ અને મોતિયોંની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્‍નોંમાં, શત્રુ અને મિત્રમાં, તિનકે અને કમલ લોચન નિયોંમાં, પ્રજા અને મહારાજાધિકરાજા ઓંના સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.


        આમ જુઓ તો રાવણનો અવગુણ માત્ર એક અહંકાર અને એનાથી થોડુંક આગળ જઈએ તો અનીતિ, અને એની સામે ગુણ જોઈએ તો અઢળક. એવા રાવણનું પણ ચરિત્ર વર્ણન આપણે ત્રણ દિવસથી કરતાં આવ્યા છીએ, આજે એની શિવ ઉપાસનાની વધુ એક વાત આપણે કરીએ. કૈલાસને હચમચાવી નાખનાર રાવણને જ્યારે સાક્ષાત્ શિવનો પરિચય થાય છે, ત્યારે તે તેને પોતાના ઈષ્ટ તરીકે સ્વીકારી, અને તેની ખૂબ તપશ્ચર્યા કરે છે, અને શિવજીને પ્રસન્ન કરે છે. સદાકાળ ભોળાનાથ રહી ચૂકેલો, એ ભોળો ભગવાન રાક્ષસને પણ વરદાન આપે છે, અને અમૃતકુંભની રચના થાય છે, એ વાત આપણે જોઈ. પરંતુ લંકાથી કૈલાશ રાવણ રોજ શિવની સાક્ષાત્ પૂજા કરવા આવતો, આથી તેણે એક દિવસ પૂજા કે તપ થી શિવજીને લંકા આવવા માટે મનાવી લીધા. શંકર શિવ લિંગ રૂપે કેમ સ્થાપિત થયા, તેની પણ આ એક વાત છે. અગાઉ બે વાતની તે વિશે નોંધ થઈ, એક દક્ષ યજ્ઞમાં  સમાહિત થઈ સતી પોતાનું અસ્તિત્વ પૂર્ણ કરે છે, અને બીજા જન્મમાં હિમાચલ પુત્રી પાર્વતી તરીકે જન્મ લે છે. ત્યાં નારદના કહેવા પ્રમાણે શિવ શંકર ને ફરી પોતાના પતિ તરીકે મેળવવા તે કઠોર તપશ્ચર્યા કરે છે, અને જંગલમાં વેળુનાં એટલે કે રેતી આવા લિંગ જેવા આકાર બનાવી તેનુ પૂજન-અર્ચન કરે છે. તેથી શંકર ને પછીથી આ રીતે શીવલીંગ તરીકે પણ આપણે પૂજતા આવ્યા છીએ. બીજું કારણ હાટકેશ્વર સ્તોત્રમાં આપણે જોયું કે, દક્ષ યજ્ઞમાં સતી જ્યારે યજ્ઞાગ્નિ માં સમાહિત થઈ જાય છે, તે અડધું બળેલું સબ શિવજી પોતાના ખભે નાખી અને આખી દુનિયામાં ક્રોધથી હાહાકાર મચાવે છે, અને ફરતાં ફરતાં તે દક્ષિણ ગુજરાતના સાપુતારા, કે પછી દ્વારકા આસપાસના વિસ્તારમાં આવે છે. અહીં ઋષિ પત્ની અને બ્રાહ્મણ ની પત્ની તેના દિગંબર કલ્યાણકારી સ્વરૂપ થી અંજાઈ જાય છે, અને ઋષિઓ વગર વિચાર્યું તેનું લિંગ છેદન કરી શાપિત કરે છે, જ્યારે બ્રહ્માજી પાતાળમાં સોનાના લિંગની સ્થાપના કરે છે, અને ત્યાં હાટકેશ્વર સ્વરૂપે ભગવાન શંકર બિરાજમાન થાય છે.  ચિત્રગુપ્ત નામનો નાગર તપ કરી તેને ધરા પર લઈ આવે છે, ત્યારથી તે શિવલિંગ રૂપે પૂજાય છે.આજે આપણે આ શિવલિંગ તરીકે પૂજાવા ની વધુ એક વાત કરીએ, જેમાં સ્વયં શંકર આ લીંગ સ્વરૂપમાં સમાય છે.


     રાવણ પોતાના તપ થી ભગવાન શંકરને કૈલાસ છોડી લંકામાં વસવા માટે મનાવી ચૂકે છે, અને શિવજી તેને પોતાનું આ સ્વયંભૂ સ્વરૂપ હાથમાં પકડાવી કહે છે કે તું આ લિંગને જો જમીન પર નહીં મુકે ત્યાં સુધી હું તારી સાથે ચાલું છું. પરંતુ જ્યાં આગળ તું આ લિંગને જમીન પર મૂકી દઇશ, પછી હું તારી સાથે આગળ નહીં આવી શકું, અને ત્યાં જ મારી સ્થાપના થશે. રાવણ તે વાત સાથે સંમત થઈ, શિવજીના અંશ સ્વરૂપે સ્વયંભૂ એ શિવલિંગ ને લઈને નીકળે છે, લંકા સુધી પગપાળા જવાની પણ શરત હતી. એટલે તે ચાલતો ચાલતો જાય છે, અને રસ્તામાં નાછૂટકે અત્યંત થાકી જતા લંકાથી થોડે દુર, તે લિંગ ને જમીન પર રાખી આરામ કરે છે, અને ત્યાં આગળ શિવલિંગની સ્થાપના થઈ જાય છે. પછી રાવણ રોજ ત્યાં આગળ આવી, અને સડસોપ્ચાર વિધિથી શંકરના લિંગની પૂજા કરે છે. તેની પૂજનવિધિ બહુ જ લાંબી હોય છે, અને તેમાં શંકરના લીંગને 100 કમળથી, પૂજા કરવી તે તેનો મહત્વનો નિયમ હોય છે. એક દિવસ આ સો કમળમાંથી એક કમળ પૂજા સમયે ઓછું થઈ જાય છે, ત્યારે તે કંઈ પણ વિચાર્યા વગર પોતાના હાથે જ, તલવારથી મસ્તક કાપી અને એક કમળ ની જગ્યાએ આ મસ્તક રાખી અને શિવની આરાધના પૂરી કરે છે. ત્યારથી એ શિવલિંગ કમલેશ્વર ના નામે અતિ પ્રસિદ્ધ બન્યું. અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે, આમ તે પોતાની શિવ ભક્તિ ને પુરવાર કરે છે. સુસંસ્કૃત સ્તોત્રના ગાન કરવા એ રાવણ જેટલું સરસ કોઈ કરી શક્યું નહીં, અને આજે આ વાતને આશરે ૯૦૦૦ વર્ષ થઈ ગયા હોવા છતાં, પણ શિવ ભક્તિની વાત આવે ત્યારે આપણે રાવણ ને યાદ કર્યા વગર રહી શકતા નથી.


     9000 વર્ષ પહેલા બલી અને આ રીતની મસ્તક ભગવાનને ચરણે ધરવું એ બધું, દેશકાળ પ્રમાણે યોગ્ય હશે કે નહીં તે વાતની ચર્ચામાં આપણે ઉતરવું નથી. પરંતુ મસ્તકની અંદર અહંકાર રહેલો હોય છે, એટલે સીધો સાદો અર્થ કરીએ તો શિવ શંકરને ભજવા હોય તો પૂર્ણપણે નત મસ્તક, એટલે કે અહંકારને મૂકી અને તેના શરણે જઈએ, તો તે આપણી દરેક સમસ્યાનું સમાધાન અવશ્ય કરશે, એટલી વાત પાકી છે. રાવણને આપણે રાક્ષસ પણ નથી કહેવો, દેવ પણ નથી કહેવો, અને માનવ તો કહેવો જ નથી, છતાં તેની આ ભક્તિ પરથી આપણે કંઈક પાઠ કે શીખ તો અવશ્ય લઈ શકીએ એ હેતુથી રાવણ ચરિત્રને અહીં વર્ણવામાં આવે છે. સંસારના દરેકે દરેક જીવમાં કોઈને કોઈ, સ્વભાવગત ત્રૂટી રહેલી જ હોય છે. દેવ, દાનવ, માનવ, એવી શ્રેણી પોતાની રીતે નક્કી કરી, અને આ શ્રાવણે આપણે દરેક શિવને આરાધીએ અને જન્મોજન્મ તેના ચરણોમાં સ્થાન પામી કાળથી દૂર રહીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી , હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.