Pages

શનિવાર, 2 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા ભાગ- ૧૨

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


વૈશ્યની પ્રાર્થનાથી ભગવાન શંકર તત્ક્ષણ એ કારાગારમાં એક ઊંચા સ્થાનમાં એક ચમકતાં સિંહાસન પર સ્થિત જયોતિર્લિંગનાં રૂપમાં પ્રગટ થયાં.


  વિશ્વ આખામાં આત્મ શાંતિ અને આત્મ કલ્યાણની વાત માત્રને માત્ર આપણા દેશ ભારત માં કરવામાં આવે છે અને કદાચ સનાતન ધર્મના મૂળ અડ્યા છે એવાં બૌદ્ધ ધર્મ ને અનુસરતા દેશમાં પણ આવી વાત કરવામાં આવી છે.  પરંતુ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, અને તેને કારણે અહીં ઘણા ધર્મો પ્રચલિત છે. ભારતનું એક રાજ્ય એવું આપણું ગુજરાત ધર્મની બાબતમાં મોખરે છે, અને એમાં પણ અહીં શંકરનાં ઘણા શિવાલયો આવેલા છે. કોઈ પર્વત ઉપર હોય, તો કોઈ નદીની મધ્યમાં હોય, કોઈ સમુદ્રમાં હોય, તો કોઈ જંગલમાં પણ હોય. પરંતુ ભક્ત ભગવાનને ભજવા ત્યાં સુધી પહોંચી જ જાય છે, અને તેની આસ્થા પ્રમાણે તે તેનું પૂજન-અર્ચન કરે છે. હિન્દુ ધર્મમાં શિવ શંકરને મુખ્ય ત્રિદેવમાંના એક માનવામાં આવે છે. મહાદેવનાં અસંખ્ય નામ પણ છે, મોટે ભાગે તેના દેખાવ, અને તેના ગુણ પરથી તેના નામ રાખવામાં આવે છે. ભગવાન શંકરનું મુખ્ય ઘરેણું સર્પ માનવામાં આવે છે, તેનાં ગળામાં અને કટિ ભાગ પર પણ સર્પ જોવા મળે છે. એટલે ભગવાન શંકરનું એક નામ નાગેશ્વર પણ છે, અને જેને ગુજરાતના બીજા જ્યોતિર્લિંગ તરીકે સ્થાન મળ્યું છે, તેવા નાગેશ્વરનાં મંદિર વિશે આપણે આજે વાત કરીશું.


    ગુજરાતનાં શિવ મંદિરોની વાત કરતાં હોઈએ, તો ગુજરાતના નાગેશ્વર જયોતિર્લિંગને કેમ કરી ભૂલાય !! નાગેશ્વર મંદિર એક પ્રસિદ્ધ મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. એ દ્વારકાના સીમ ક્ષેત્રમાં સ્થિત છે, જે ભગવાન શિવજીનાં બાર જયોતિર્લિંગોમાનું એક છે. હિંદુ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ નાગોના ઈશ્વર થાય છે. ભગવાન નાગેશ્વરનાં પૂજન અર્ચનથી વિષ આદિથી બચાવનો સાંકેતિક અર્થ પણ છે, રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશ કહેવામાં આવ્યાં છે. ભગવાન શિવનું આ પ્રસિદ્ધ જયોતિર્લિંગ ગુજરાત પ્રાંતમાં દ્વારકા પુરીથી લગભગ ૧૭ માઈલની દૂરી પર સ્થિત છે. આ પવિત્ર જયોતિર્લિંગનાં દર્શનનો શાસ્ત્રોમાં મોટો મહિમા બતાવવામાં આવ્યો છે, કહેવામાં આવ્યું છે કે આ નાગેશ્વરનું મંદિર પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, અને શ્રદ્ધાપૂર્વક એમની ઉત્પત્તિ અને મહાત્મયની કથા જે કોઈ સાંભળશે એ બધાં પાપોમાંથી છુટકારો પામીને સમસ્ત સુખોનો ભોગ કરતાં કરતાં અંતમાં ભગવાન શિવનાં પરમ પવિત્ર દિવ્ય ધામને પ્રાપ્ત કરશે.

  

     દરેક જ્યોતિર્લિંગ પાછળ એક પૌરાણિક કથા હોય છે તેમ નાગેશ્વરનાં જ્યોતિર્લિંગ પાછળ પણ એક પૌરાણિક કથા છે, અને એ મુજબ આ જયોતિર્લિંગના પ્રમાણિત પુરાણોમાં આ કથા વર્ણવેલી છે. દ્વારકા નજીક દારુક નામની સીમ આગળ,દારુક નામની નદી પણ હતી, અને ત્યાં એક રાક્ષસ રહેતો હતો, રાક્ષસનું નામ દારુક હતું, એટલે જ કદાચ સીમ અને નદીનું નામ પણ દારુક પડ્યું હોય. તેને માતા પાર્વતીનું વરદાન હતું. એટલે તે કોઇનાથી પણ મરતો ન્હોતો, અને જે કોઈ નદી પાર કરવા આવે તેને લૂંટી અને મારી નાખતો હતો. સુપ્રિય નામનો એક બહુ જ મોટો ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો. એ ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો !! એ નિરંતર એમની આરાધના,પૂજન, અને ધ્યાનમાં તલ્લીન રહેતો હતો.પોતાનાં બધાં કાર્યો એ ભગવાન શિવને અર્પિત કરીને કરતો હતો. મન , વચન , કર્મથી એ પૂર્ણત : શિવાર્ચનમાં જ તલ્લીન રહેતો હતો.એમની આ શિવ ભક્તિથી દારુક નામનો રાક્ષસ બહુજ કૃદ્ધ રહેતો હતો, એને ભગવાનની આ પૂજા કોઈ પણ પ્રકારે સારી નહોતી લાગતી હતી. એ નિરંતર એ વાતનો જ પ્રયત્ન કર્યા કરતો હતો કે એ સુપ્રિયની પૂજા અર્ચનામાં વિઘ્ન પડે !! એકવાર સુપ્રિય નૌકા પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યો હતો, એ દુષ્ટ રાક્ષસ દારુકે આ ઉપયુક્ત અવસર જોઇને નૌકા પર આક્રમણ કરી દીધું . એણે નૌકામાં સવાર બધાં યાત્રીઓને પકડીને પોતાની રાજધાનીમાં લઈ જઈને કેદ કરી લીધાં. સુપ્રિય કારાગારમાં પણ પોતાનાં નિત્યનિયમ અનુસાર ભગવાન શિવની પૂજા આરાધના કરવાં લાગ્યાં !! અહિયા બંદી યાત્રીઓને પણ એ શિવ ભક્તિની પ્રેરણા આપવાં લાગ્યો. દારુકે જ્યારે પોતાનાં સેવકો પાસેથી સુપ્રિયનાં વિષયમાં સમાચાર સાંભળ્યા ત્યારે અત્યંત ક્રોધીત થઈને કારાગારમાં આવી પહોંચ્યો. સુપ્રિય એ સમયે ભગવાન શિવનાં ચરણોમાં ધ્યાન લગાવીને બંને આંખો બંધ કરીને બેઠો હતો,એ રાક્ષસે એની આ મુદ્રા જોઈ અત્યંત ભીષણ સ્વરમાં એને દાંટતાં કહ્યું ” અરે દુષ્ટ વૈશ્ય !! તું આંખો બંધ કરીને અહીંયા કયો ઉપદ્રવ અને ષડયંત્ર કરવાની વાતો વિચારી રહ્યો છે ? ” એનાં આ કહેવા પર પણ ધર્માત્મા શિવ ભક્ત સુપ્રિયની સમાધિ ભંગ ન જ થઈ, હવે તો એ દારુક રાક્ષસ ક્રોધથી એકદમ પાગલ થઇ ઉઠયો! એને તત્કાલ પોતાનાં અનુચરોને સુપ્રિય તથા અન્ય બધાં જ બંદીઓને મારી નાંખવાનો આદેશ આપ્યો, સુપ્રિય એનાં આ આદેશથી જરા પણ વિચલિત અને ભયભીત ન થયો, એ એકાગ્ર મનથી પોતાની અને અન્ય બંદીઓની મુક્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો, અને એને પૂર્ણ વિશ્વાસ હતો, કે મારાં આરાધ્ય ભગવાન શિવજી આ વિપત્તિમાંથી મને અવશ્ય છુટકારો અપાવશે! એની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકર તત્ક્ષણ એ કારાગારમાં એક ઊંચા સ્થાનમાં એક ચમકતાં સિંહાસન પર સ્થિત જયોતિર્લિંગનાં રૂપમાં પ્રગટ થયાં. એમણે આ પ્રકારે સુપ્રિયને દર્શન આપીને એને પોતાનું પાશુપત - અસ્ત્ર પણ પ્રદાન કર્યું, આ અસ્ત્રથી રાક્ષસ દારુક તથા એનાં સહાયકોનો વધ કરીને સુપ્રિય શિવધામ ચાલ્યા ગયાં ! ભાગવાન શિવનાં આદેશાનુસાર જ આ જયોતિર્લિંગનું નામ નાગેશ્વર પડયું છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત પ્રાંતના દ્વારકાપુરીથી લગભગ રપ કિલોમીટરની દૂરી પર આવેલું છે.આ સ્થાન ગોમતી દ્વારકાથી બેટ દ્વારકા જતાં રસ્તામાં પડે છે,આની અતિરિક્ત નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે. મતાંતરથી પણ આ લિંગોને પણ કેટલાંક લોકો “ નાગેશ્વર જયોતિર્લિંગ ” કહે છે . એમાંથી એક નાગેશ્વર જયોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે,જયારે બીજું ઉત્તરાખંડનાં અલ્મોડામાં યોગેષ અથવા જાગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે.યદ્યપિ શિવ પુરાણ અનુસાર સમુદ્રના કિનારા દ્વારકા પૂરીની પાસે સ્થિત શિવલિંગ જ જયોતિર્લિંગનાં રૂપમાં પ્રમાણિત થાય છે !! ભોલેનાથનાં નિર્દેશાનુસાર જ આ શિવલિંગનું નામ “ નાગેશ્વર જયોતિર્લિંગ ” પડયું છે ! “ 


    નાગેશ્વર નો આ જ્યોતિર્લિંગ કેટલાય વર્ષો સુધી નાનકડી એવી ડેરીના સ્વરૂપમાં જ હતું, પરંતુ ભજન સમ્રાટ ગુલશન કુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનો સંકલ્પ કર્યો, અને 1996ની સાલમાં તેણે આ મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય આરંભ કર્યું. આ દરમિયાન તેની હત્યા થઈ જતા બાકીના મંદિરના નિર્માણનું કાર્ય તેના પરિવારજનોએ પૂર્ણ કર્યું, અને 2002ની સાલમાં આપણને અત્યારે દેખાય છે તે જ્યોતિર્લિંગનું મંદિર અસ્તિત્વમાં આવ્યું, અંદાજે 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ આ મંદિર પાછળ થયો, જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રસ્ટ માંથી આપવામાં આવ્યો. મંદિરમાં ગુલશન કુમાર દ્વારા આ મંદિરનો જીણોદ્ધાર થયો છે, એવી તકતી તથા ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીં 125 ફૂટ લાંબી અને 25 ફૂટ પહોળી પ્રતિમા મુકવામાં આવી છે જે આ મંદિરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે, અને લગભગ બે કિલોમીટર દૂરથી પણ આ પ્રતિમાના દર્શન થાય છે. મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરો, એટલે સામે લાલ કલરનુ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર દેખાય છે. મંદિરના શિવલિંગ પર ચાંદીનું એક આવરણ છે, અને તેની પર એક જ નાગ મુદ્રા સ્થિત છે, જ્યારે શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિ આવેલી છે. દરેક મંદિરમાં હોય છે તેમ આ મંદિરના ગર્ભગૃહમાં જવા માટેના પણ ખાસ નિયમો છે, અને એ અનુસાર અહીં ધોતી પહેર્યા વગર આ મંદિરમાં પ્રવેશ મળતો નથી, અને શંકર ને ફક્ત ગંગાજળનો અભિષેક થાય છે, જે મંદિર તરફથી નિશુલ્ક રૂપે મળે છે.આ ઉપરાંત મંદિર તરફથી નાનામાં નાનો માણસ પણ તેનું પૂજન કરી શકે એ માટે 105 રૂપિયાથી શરૂ કરીને 2101 સુધી પૂજાપો ઉપલબ્ધ થાય છે, જેના દ્વારા આપણે જ્યોતિર્લિંગના શિવલિંગની પૂજન વિધિ કરી શકીએ છીએ. તો ગુજરાતીઓને પ્રિય એવા નાગેશ્વર મંદિરનો આ ઇતિહાસ છે. 


    ભગવાન શંકરાચાર્ય કે જે પોતે શંકરાવતાર કહેવાય છે, એમણે આપણને માનસિક પૂજા આપી છે, અને એના દ્વારા આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં ભગવાન શંકરનું માનસિક પૂજન કરી અને જ્યોતિર્લિંગમાં દર્શન કરીએ છીએ તેવો ભાવ લાવવાથી, પણ ભગવાન પ્રસન્ન થાય છે, તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


       લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.