Pages

શનિવાર, 2 સપ્ટેમ્બર, 2023

ચિંતનની ક્ષણે - અહંકાર જ્યારે નાબૂદ થાય, ત્યારે રામનો જન્મ થાય છે

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


સાચો વિજય તો ગીતામાં ઇન્દ્રિયો પર સંયમને બતાવાયો છે.રાવણ સ્વરૂપનું એક પૃથક્કરણ કરતા તે અહંકાર સ્વરૂપ છે, તો એ અહંકાર જ્યારે નાબૂદ થાય, ત્યારે રામ જન્મ થાય.



હે મહાદેવ.

        આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રદ્ધા, આસ્થા, એ તો ફક્ત શાસ્ત્રમાં કે છોકરીના નામ તરીકે જ જાણે હોય તેમ લાગે છે, અને ક્યાંક તેના નામે આડંબર તો ક્યારેક ધર્મની નહીં પણ અંધશ્રદ્ધાની ભાવના. માનવી ધીરે ધીરે વસ્તુ વિનિમય કરતાં કરતાં ભાવનાઓનો વ્યવહાર કરતો થઈ ગયો છે.આ વાત સાર્વજનિક છે, બાકી અપવાદ દરેકમાં હોય તે રીતે સમાજમાં 20 30 ટકા લોકો સાત્વિક ભાવના વાળા પણ હોય છે, અને તેને કારણે જ સમાજમાં થોડો ઘણો સાચો વિકાસ થઈ રહ્યો છે. અટલ વિશ્વાસ એ શંકર, અને સાત્વિકી શ્રદ્ધા એટલે પાર્વતી એવું કહેવાયું છે. એટલે જો સત્યમાં વિશ્વાસ, અને ધર્મમાં શ્રદ્ધા હોય તો શિવ પાર્વતી બંનેનો નિત્ય નિવાસ આ દેહ દેવળમાં જ આપણે કરી શકીએ, પરંતુ આ નાનું એવું આચરણ આપણાથી શક્ય થતું નથી. મનોમંથનને અંતે એના પણ કંઈ કારણો નીકળ્યા છે, પરંતુ કે કારણોમાં અત્યારે ગયા વગર, મુખ્ય કારણ તેનું અહંકાર રહ્યું છે, તે પ્રતિપાદિત થઈ ચૂક્યું છે, કે જીવ કેટકેટલા સત્યોને જાણતો હોવા છતાં, હંમેશા શિવ થઈને જગતમાં ફરે છે, અને મુસીબતો સામેથી વ્હોરી લેતો હોય છે. અડધુ જીવન તો આમ જ ચાલ્યું જાય છે, અને અંત સમયે જ્યારે સમજાય, ત્યારે સરકતી રેતની ઘડીની જેમ એટલો સમય તો ક્યાંય પૂરો થઈ જાય છે.


 યુગોયુગોથી પ્રાર્થનાના અનુસંધાને દેવતા મહાદેવ સાથે જોડાયેલા રહેતા,જાત જાતની સ્તુતિ અને પ્રશંસાથી તે હંમેશા શિવને રીઝવવાનો પ્રયત્ન કરતા. તેવી જ રીતે દાનવ એટલે કે રાક્ષસો પણ યુગો પહેલા શિવ શંકરને આરાધી ને મનોચ્છીત વરદાન પ્રાપ્ત કરતા. અને કળિયુગમાં માનવ પણ પૂજન, અર્ચન, પ્રાર્થના, વગેરે કરી ને શ્રાવણમાં શિવ શંકરને રીઝાવે છે. કોઈ અભિષેક કરે, કોઈ મંત્ર જાપ કરે, કોઈ સ્તુતિ સ્તોત્રનું ગાન કરે, તો કોઈ ત્રિગુણ ત્રિકાળનું બિલ્વ ચડાવી શરણાગત બને. ત્રેતાયુગમાં રાવણ પણ ભગવાન શંકરની આરાધના કરતો હતો, અને તેના પ્રમાણ સ્વરૂપ શિવ તાંડવ સ્તોત્રની રચના તેણે કરી. આપણે પણ તે સ્તોત્રના શ્લોકોનું ગાન અને ભાવાર્થ અહીં ગાયું હવે આગળ.


કદા નિલિંપનિર્ઝરી નિકુજકોટરે વસન્‌

વિમુક્‍તદુર્મતિઃ સદા શિરઃસ્‍થમંજલિં વહન્‌ .

વિમુક્‍તલોલલોચનો લલામભાલલગ્નકઃ

શિવેતિ મંત્રમુચ્‍ચરન્‌ કદા સુખી ભવામ્‍યહમ્‌ 13


ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્‍કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતાં ચંચલ નેત્રોંવાળી લલનાઓંમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્‍તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્‍ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ.


નિલિમ્‍પ નાથનાગરી કદમ્‍બ મૌલમલ્લિકા-

નિગુમ્‍ફનિર્ભક્ષરન્‍મ ધૂષ્‍ણિકામનોહરઃ .

તનોતુ નો મનોમુદં વિનોદિનીંમહનિશં

પરિશ્રય પરં પદં તદંગજત્‍વિષાં ચયઃ 14


દેવાંગનાઓંના માથામાં ગૂઁથેલા પુષ્‍પોંની માળાઓમાંથી ખરતાં સુગંધમય પરાગથી મનોહર, પરમ શોભાના ધામ મહાદેવજીના અંગોંની સુંદરતા પરમાનંદયુક્‍ત અમારા મનની પ્રસન્નતાને હંમેશા વધારે છે.


પ્રચણ્‍ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી

મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્‍પના .

વિમુક્‍ત વામ લોચનો વિવાહકાલિકધ્‍વનિઃ

શિવેતિ મન્‍ત્રભૂષગો જગજ્જયાય જાયતામ્‌ 15


પ્રચંડ બડવાનલની જેમ પાપોંને ભસ્‍મ કરવામાં સ્ત્રી સ્‍વરૂપિણી અણિમાદિક અષ્ટ મહાસિદ્ધિયોં તેમજ ચંચલ નેત્રોંવાળી દેવકન્‍યાઓંથી શિવ વિવાહ સમયમાં ગાન કરવામાં આવેલ મંગલધ્‍વનિ બધા જ મંત્રોંમાં પરમશ્રેષ્ઠ શિવ મંત્રથી પૂરિત, સાંસારિક દુઃખોંને નષ્ટ કરીને વિજય મેળવો.


ઇમં હિ નિત્‍યમેવ મુક્‍તમુક્‍તમોત્તમ સ્‍તવં

પઠન્‍સ્‍મરન્‌ બ્રુવન્નરો વિશુદ્ધમેતિ સંતતમ્‌ .

હરે ગુરૌ સુભક્‍તિમાશુ યાતિ નાંયથા ગતિં

વિમોહનં હિ દેહના સુશંકરસ્‍ય ચિંતનમ 16


આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્‍લોકને નિત્‍ય પ્રતિ મુક્‍તકંઠથી વાંચવાથી કે તેને સાંભલવાથી સંતતિ વગેરેથી પૂર્ણ હરિ અને ગુરુમાં ભક્‍તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.


પૂજાવસાનસમયે દશવક્રત્રગીતં

યઃ શમ્‍ભૂપૂજનમિદં પઠતિ પ્રદોષે .

તસ્‍ય સ્‍થિરાં રથગજેંદ્રતુરંગયુક્‍તાં

લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્‍ભુઃ 17


શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્‍તોત્રનો પ્રદોષનું સમયે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્‍થિર રહે છે. રથ ગજ-ઘોડા બધાથી હંમેશા યુક્‍ત રહે છે.


    રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રનું ગાન આજે પુરું થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે રાવણ અવતારનું એક વધુ કારણ જાણીએ. તુલસીદાસજી રામ જન્મના પાંચ હેતુ બતાવે છે, અને પાંચ એ પરમ વિચિત્ર છે, તેમાં પ્રથમ હેતુ મનુ શતરૂપા, ખૂબ આકરી તપશ્ચર્યા કરી અને પુત્ર રૂપે ઈશ્વરનું વરદાન મેળવેલ છે, અને સમય થતા મનુ શતરૂપા એ દશરથ કૌશલ્યા સ્વરૂપે જન્મે અને રામ જેવા પુત્રને પામે છે. 


   બીજો હેતુ હરિના દ્વારપાળ જય અને વિજય બતાવાયા છે. એકવાર હરિ વિશ્રામમાં હતા, અને ફરતા ફરતા સનત કુમારો હરિના દર્શન ની ઈચ્છા વ્યક્ત કરતા, કોઈપણ ની રજા લીધા વગર અંદર પ્રવેશવા જાય છે, અને જય વિજય નામના એ દ્વારપાળો તેમને અટકાવે છે. ત્યારે સનત કુમારો તેને શાપિત કરે છે, એ જય વિજય એટલે રાવણ અને કુંભકર્ણ.


   ત્રીજું કારણ જલંધરની પત્ની વૃંદા એ બહુ મોટી વિષ્ણુ ભક્ત હોય છે, અને તેના પતિવ્રત ધર્મને કારણે જલંધર ને મારવો અશક્ય બને છે. આથી ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ વૃંદાનું સતીત્વ અભડાવે છે, અને સતી વૃંદા ભગવાનને શ્રાપ આપે છે. 


    ચોથું કારણ નારદજી છે, નારદને પોતે કામ પર વિજય પ્રાપ્ત કર્યો છે, એવો અહંકાર આવે છે અને તે શિવજી પાસે જાય છે, કે મેં પણ કામને વશ કર્યો છે. આથી શિવજી તેને વિષ્ણુ ભગવાનને આ વાત કહેવાની ના પાડે છે. પરંતુ નારદજી વિષ્ણુને પણ આ વાત કરે છે, અને ભગવાન તેનો અહંકાર નાબૂદ કરવા વિશ્વ મોહિનીનું રૂપ લે છે. 

   

પાંચમું કારણ રાજા પ્રતાપ ભાનું કરીને પૂર્વમાં એક ખૂબ જ પ્રતાપી રાજા થાય છે, અને તેના સત્યની કિર્તીને દોષિત કરવા માટે એક સડયંત્ર રચાય છે. રાજા પ્રતાપ ભાનું, બ્રહ્મભોજન કરવા માટે બ્રાહ્મણોને આમંત્રણ આપે છે, ત્યારે એ ભોજનમાં માંસાહાર છે, એવી એક આકાશવાણી થાય છે, અને બધા બ્રાહ્મણો રાજા પ્રાતાપ ભાનુંને શ્રાપ આપે છે.


    જય અને વિજય નામના દ્વારપાળો એટલે કે રામ જન્મનું એક કારણ બતાવ્યું છે. તેમા એ દ્વારપાળો સનત કુમારોને રોકે છે, એ તેનો સ્થૂળ અર્થ થયો. પરંતુ દરેક જીવમાં આત્મા સ્વરૂપે એક રામ વસેલો છે, તો એ રામ તત્વને ઉજાગર કરવા માટે આપણા માનસમાં પણ રાવણ અને કુંભકરણ એ બે જય વિજય તરીકે મોજુદ છે. પોતાના પ્રયાસોથી આપણે જે પ્રાપ્ત થાય છે એ જય છે, અને શરણાગત ભાવથી અસ્તિત્વ તરફથી મળતી ભેટ તે વિજય છે. જયના પ્રાપ્ત થવાથી માનસમાં રામજન્મ થતો નથી, પરંતુ કોઈ સિદ્ધ ચરણોમાં શરણાગત ભાવ આવે, તો આપોઆપ જીવનના સમીકરણો બદલાઈ જતા હોય છે, અને જીવ આસાનીથી વિજય પ્રાપ્ત કરે છે. સાચો વિજય તો ઇન્દ્રિયો પર સંયમ એ ગીતામાં બતાવાયો છે.રાવણ સ્વરૂપનું એક પૃથક્કરણ કરતા તે અહંકાર સ્વરૂપ છે, તો એ અહંકાર જ્યારે નાબૂદ થાય, ત્યારે રામ જન્મ,રામ રાજય થાય. અહંકારને જીતવો કે અહંકારને નાબુદ કરવો, એ જીવની હેસિયત બારની વાત છે. આપણે તો જેનાથી આવું સંભવ થયું હોય, તેનાં શ્રીચરણોમાં શરણાગત બની બેસી જઈએ તો આસાનીથી વિજય પ્રાપ્ત થાય છે. 


     રામ અને રાવણ બંને તત્વોને જીવ સદીઓથી ઓળખે છે, અને આપણે આ શ્રાવણના અનુષ્ઠાનમાં રાવણ તત્વને વધુ સ્પષ્ટ કર્યું. અગાઉ પણ લખાયું છે કે અહીં રાવણની આટલી વિસ્તૃત ચર્ચા કરી કે, તેનું મહત્વ બતાવવા કરતા, એ બતાવવા માટે થયું છે, કે આટલો મોટો પંડિત હોવા છતાં તેની દુર્દશાનું કારણ તેનો અહંકાર અને અનીતિ રહ્યા. તો આપણે તો પંડિત પણ નથી, અને મોટેભાગે કાળ આવીને જ્યારે થપાટ મારે ત્યારે આવા બધા જ્ઞાન ઉપલબ્ધ થાય છે,પરંતુ જેવું બધું યથાવત થતું જાય, તેમ પાછું આસાનીથી ભૂલી અને જેમ જીવતાં હતાં, તેમ દરેક જીવવા લાગે છે. પણ આપણે આ શ્રાવણીય ભક્તિની ઘડીને સ્મૃતિમા સતત જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે,તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.