શંકર કાઢે જીવનમાંથી કંકર - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

શંકર કાઢે જીવનમાંથી કંકર - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શંકર કાઢે જીવનમાંથી કંકર ! 


શંકર ભક્તિની પરાકાષ્ઠાએ મળે છે કેવળ કલ્યાણ, અને ભગવાન અર્ધ નારેશ્વરની કૃપાથી જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.


      શ્રાવણ માસ પૂર્ણ થયો, અને આપણે શંકર ભક્તિની પરાકાષ્ઠાનો અનુભવ કર્યો છે કે નહીં!.શંકર કાઢે જીવનમાંથી કંકર! એટલે જીવનમાંથી શૂળ ઓછું થયું હોય તો સમજવું કે કંઈક સાચું ને સારું થયું છે.મારે આ વખતે આ અમાસ એ એક વિશેષ સુયોગ થયો, ઘરના મોભી દાદા ની તબિયત કથળતા પૂજ્ય બાપુ ખબર પુછવા આવ્યા, એટલે સાક્ષાત શંકર પધાર્યા! વિશ્વ આખામાં જ્યાં દુર્ઘટના ઘટે ત્યાં એની કરુણા પહોંચે છે. એમનું સીધું સાદું એક જ સૂત્ર છે કે સત્ય પ્રેમ અને કરુણાના ભાવ એ જ ઈશ્વર છે! અને સ્વીકાર વગર સુધારો શક્ય નથી. પણ આપણે રહ્યા સંસારી, એટલે સામાન્ય રીતે આપણે જે કંઈ કરતા હોઈએ, પછી તે વ્યવહાર હોય, કે પછી ધર્મ હોય, કે આધ્યાત્મક હોય, અંતિમ નીપજ તો શાંતિ જ હોવી જોઈએ, અને જો એ મળે તો આપણું કાર્ય પૂર્ણ થયું, અથવા તો ઈશ્વરે સ્વીકાર્યું એવો ભાવ થાય. પરંતુ સાંપ્રત સમાજમાં શાંતિ દુર્લભ છે, એ સત્ય હકીકતને ઝુટલાવી શકાય તેમ નથી. પરિવારો અશાંત છે, અને એને કારણે સમાજ અશાંત છે. સમાજ અશાંત છે, એને કારણે દેશ અશાંત છે, અને લગભગ બધાં જ દેશની આ પરિસ્થિતિ હોવાથી, વિશ્વ આખું આજે અશાંત છે. શાંત અને અશાંત એ માત્ર વિરોધી શબ્દ નથી, એટલે કે તત્વતઃ વિરુદ્ધાભાસ તો બતાવે છે. પરંતુ એક આસમાનમાં છે, અને એક પાતાળમાં, એટલી દુરી હોય, એમ જીવન આખું સમાપ્ત થઈ જાય, પણ શાંતિ મળતી નથી. કોઈ ગમે તેટલો દાવો કરે કે શાંતિ મેળવી લીધી, પણ કોઈનું કડવું એક વેણ સાંભળે, ત્યાં ઉપરથી નીચે સુધી સમસમી જાય, અને તરત જ સામેવાળાને એકની બદલે ચાર સંભળાવી દે, એટલે સમજવું કે શાંતિની માત્ર વ્યાખ્યા જ થઈ શકે,અથવા આડંબર થાય. પણ ઈશ્વર શાંતાકાર છે, કે જે ભુજંગ પર શયન કરવા છતાં શાંત છે, કારણકે એની પ્રત્યેક ચેષ્ઠામાં ક્યાંય ઉપદ્રવ કે ઉદ્વેગ દેખાતો નથી. શ્રાવણ માસ અંતર્ગત લખાતાં શિવ વિશેના વિશિષ્ટ ચિંતનથી ઘણા બધા પ્રતિભાવો રોજ પ્રાપ્ત થાય છે, એમાં હમણાં એક વિચિત્ર નિવેદન પણ આવ્યું, કે શંકર એ તમો ગુણની અતિશયોક્તિ છે, અને શિવ અને શંકર બંનેમાં બહુ મોટો તફાવત છે. લખનારની પોતાની માનસિકતા હોય પોતાના અનુભવ હોય, એટલે જે તે વ્યક્તિ ગમે તે લખી શકે. પરંતુ ભગવાન શંકર ત્રિગુણાતિત છે, એ અકાટ્ય સત્ય છે, પણ એથી વધુ કહીએ તો એને આપણા સત્વ, રજસ, કે તમો ગુણથી પણ ફેર પડતો નથી, એટલો તે ભોળો છે. એથી જ તે દાનવોનાં તપથી પણ પ્રસન્ન થતાં એ વાત આપણે પુરાણો પરથી જોઈ શકીએ છીએ. પૂજ્ય બાપુ ના શબ્દો મુજ્બ કોઈ પણ વ્રત અનુષ્ઠાન નો ઉપક્રમ, ઉપશ્રુતિ, અનુસંધાન, અને ઉપસંહાર આ રીતે જોઈએ તો આપણા ચિંતનનો આજે ઉપસંહાર કરવાનો દિવસ છે. એટલે કે ભગવાન શંકર વિશે આપણે ઘણી બધી વાતો કરી, અને ઘણું બધું સાતત્ય કેળવી એ તત્વને એકદમ નજીકથી પ્રતીત કરવાની તક આપણે મેળવી. સદગુરુ કૃપાના તટ પર બેસી રોજ નવો વિરડો, અને રોજ નવા જળ પ્રાપ્ત કર્યા, હવે એ જળ ચાખવાનો દિવસ છે.ત્યારે શંકર જીવનમાંથી કાઢે કંકર એટલે કે જીવનનું જે શૂળ છે એને ઓછું કરવું હશે તો ભલે શ્રાવણ પત્યો પણ ભોળા ભાવે શંકર ને જ પોકારવો પડશે.


       કારણ કે શ્રાવણ મહિનો પૂરો થતાં શિવભક્તોમાં ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું હશે, એકધારા 30 દિવસથી જે ભક્તિ ભાવ મનમાં ઉમડતો હતો, વ્રત ઉપવાસ બંધ કરી શકાય પણ ભાવને  એકાએક બંધ કેમ કરી શકાય! શ્રાવણ ભલે પૂરો થયો, પરંતુ આ ભક્તિભાવના ની ધારાને અવિરત વાહાવવાની છે, અથવા તો જીવમાં આવેલા શિવ તત્વને આરાધીને એ ભાવમાં સતત તલ્લીન રહેવાનું છે. આપણે એકધારા ૩૦ દિવસ થી ભારતભરના શિવાલયો નો ઇતિહાસ જોયો, સાથે સાથે આપણે જોયું કે દેવ તરીકે અવતાર લઈને આવેલાં, રામ અને કૃષ્ણ એ પણ શિવને આરાધ્યા હતાં, ટૂંકમાં જ્યારે જ્યારે કાળનું સંકટ આવ્યું, ત્યારે સૌ કોઈએ મહાકાળ નો દરવાજો ખખડાવ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે આધુનિકતાની આંધળી દોડ અને આપણું નૈતિકતાનું ચૂકવું, આ બન્ને વસ્તુ ને કારણે આ કોરોના કાળનું સંકટ આપણને નડી ગયું છે. કુદરત કોપિત થઈ છે, પરંતુ એ આપણા જ કારણે થયું છે. વધતે ઓછે અંશે દરેક માં ક્યાંક ને ક્યાંક કોઈક બદી પ્રવર્તી રહી છે. કોઈ ખોટું બોલી રહ્યા છે, તો કોઈ ખોટું કરી રહ્યાં છે, તો કોઈ ખોટું વિચારી રહ્યાં છે, અને એને પરિણામે કોરોના કાળ જળોની જેમ ચીટક્યો છે, કે જવાનું નામ લેતો નથી. પરંતુ કાળનું સંકટ મહાકાળ સિવાય કોઈ નિવારી શકે તેમ નથી, અને આ કારણે જ આપણે આ ભક્તિભાવ ને ઓછો થવા દેવાનો નથી. મન મંદિરમાં આત્મલિંગ સ્વરૂપે જે શિવ બિરાજમાન છે, તેની નિત્ય આરાધના કરી અને આ ભાવ જવલંત રાખવાનો છે, તો જ આ કાળ ને લગતી સમસ્યા આપણાથી દૂર રહેશે. વિશ્વમાં અત્યારે ઘણા દેશોમાં શિવ અને શક્તિને જીવ દ્વારા સદીઓથી ઈશ્વર સ્વરૂપે સ્વીકારાયેલા છે. એટલે આ ભાદરવો ઉતરતા શક્તિના દિવસો આવશે, અને આમ પણ શિવ અને શક્તિ બંને એકાકાર પણ છે, શિવનાં અર્ધનારેશ્વર સ્વરૂપની પણ આપણને પ્રાપ્તિ થયેલી છે.


    અર્થ સરે અને વૈદ વેરી જેવી સ્વાર્થી વૃત્તિનાં પરિણામે આપણી આજે આ દુર્દશા થઈ છે, એ સ્વીકારવાનો સમય આવી ગયો છે. ભક્તિ એટલે પરમ પ્રેમ એવું પણ કહી શકાય, માનવી બહુ ચતુર પ્રાણી છે, ઈશ્વર ની મૂર્તિ કે ઈશ્વરની સભી ને ખૂબ બધા ભોગ ધરાવશે જાણે છે કે આ કંઈ જ લેવાનો નથી પરંતુ અન્યમાં ઈશ્વર ની ઝાંખી ન થાય ત્યાં સુધી આ બધું નકામું છે. અન્યોન્યના સંબંધમાં જ્યારે સ્વાર્થની વૃત્તિ મટી, અને પરમાર્થનો ભાવ આવે ત્યારે સમજવું કે, આપણાં દ્વારા થતી ભક્તિ સાચી છે. અન્યમાં દોષ જોવાની આપણી ખરાબ ટેવને કારણે આપણે પોતાના દોષ જોઈ શકતા નથી, અને એને પરિણામે જાતને સુધારવાનો મોકો મળવા છતાં સુધરી શકતા નથી. સમયનું ચક્ર અવિરત ગતિએ ચાલે છે, અને અનુભવની એરણે કેટકેટલી સમસ્યાઓમાંથી આપણે આજ સુધી પસાર થયાં, દર વખતે એમ થાય કે હવે આવું નહીં કરું, પરંતુ ભોગ પ્રત્યે લાલાયિત બુદ્ધિને કારણે પગ લપસી જાય છે.તો સમય રહેતા આ બધી જ ભૂલો ને સુધારી લઈએ, અને જ્યાં ચાલ્યા જવાનો કોઈ ડર ન રહે, એવું ધન કમાઈએ. આપણા પૂર્વજો ધનને હાથનો મેલ કહી ગયા છે, એ વાત યાદ રાખીએ, કોરોનાની સેકન્ડ વેવ વખતે, આપણે સૌ એ જોયું કે કરોડો રૂપિયા એમનેમ પડ્યા રહ્યાં, અને ટ્રીટમેન્ટ ના અભાવે કે, પછી ફેફસાંને શારીરિક વધુ પડતું નુકસાન થઈ જવાથી, ઘણા કરોડપતિ વ્યક્તિઓ મરણને શરણ થયા. સમયે જે કામ નાં આવે એવું ધન શું કામનું? જ્ઞાનીઓ જ્ઞાન નો ભંડારો કરે, ધની હોય એ ધન નો ભંડારો કરે, અને શ્રમજીવીઓ તેમાં સેવા આપી પોતાનું યોગદાન નોંધાવે. ટૂંકમાં દરેક વર્ગના લોકો પોતાનાથી થતું કાર્ય કરી અને આ સમયમાં સૌની સાથે ઊભા રહે તો આ સમય પણ વીતી જશે.


  મન મંદિરમાં બિરાજમાન દેવ એટલે કે આત્મલિંગની પારદર્શકતા બની રહે, તેવું જીવન જીવવું એ આજના સમયની સૌથી મોટી માંગ છે, અને તેની માટે થઈને શ્રાવણનો આ ભાવ હજી પણ બરકરાર રહે, એ બહુ જ જરૂરી છે. આપણા આહાર વિહાર વિચારમાં સાદગી અપનાવી અને જરૂરિયાતો પર સંયમ કેળવીએ જેથી કરીને હજી પણ અઘરો કે કપરો સમય આવે તો આપણે આપણા અસ્તિત્વને બચાવી શકીએ. આ ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, એ માટે થઈને પણ ભોગ વૃત્તિ પર સંયમ કેળવીએ. કળિયુગ એ દલદલની પોચી અને ચીકણી જમીન જેવું છે એકવાર તેમાં લપસી ને પડીએ તો પછી બહાર નીકળી શકાતું નથી. પરંતુ અવતાર ચરિત્ર અને આજ સુધીના બુદ્ધ પુરુષો તથા સિદ્ધ પુરુષોના જીવનચરિત્રો માંથી શીખ ગ્રહણ કરીને લપસી જતી જાતને બચાવીએ.


   તો એકધારી 30 દિવસથી આ રીતે ચાલતી કલમથી આપ સૌને સંતોષ થયો હશે, તેમજ જે તે સ્તુતિ સ્તોત્ર કે સ્થાન કે શંકરના શિવાલય વિષે આપણે વાત કરી હશે, તે બિલકુલ સાચી માહિતી મુજબનું છે. તો એના ઉપયોગ થકી આપણે ભગવાન ભોળાનાથ શંકર પ્રત્યે વધુ ને વધુ આદર અને અહોભાવ વ્યક્ત કરી શકીએ, એ માત્ર અને માત્ર એક હેતુ સાથે જ આ લેખ લખાયા છે, શંકર ભક્તિની પરાકાષ્ઠા એ કલ્યાણ અને શક્તિ તેમજ સોના જીવનમા શાંતિ આવે એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


      

      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


 


    બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...