નંદી - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 11 સપ્ટેમ્બર, 2023

નંદી - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


 નંદી એટલે ધર્મ! એની વ્યાખ્યા કરવામાં આવે તો, જેનાં આચરણથી પોતાનું અને સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.


હે મહાદેવ.

     આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.સંજોગ શબ્દનો કેટલો મહિમા છે એ તો જ્યારે સંજોગ આવે ત્યારે ખબર પડે. સંજોગ સારા પણ હોય અને ખરાબ પણ હોય. સંજોગ એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો પરિસ્થિતિ, પરિસ્થિતિવશ માણસ ઘણી વાર મજબૂર થઈને પણ ન કરવાનાં કાર્ય કરતો હોય છે. પણ અસ્તિત્વનો કુંભ મંગલ તાથી છલકાય છે, જે થાય તે બધું સારા માટે, સમય ક્યારેય એકસરખો રહેતો નથી, કે પછી દુઃખ પછી સુખ આવે છે, રાત પછી દિવસ આવે આવી ન જાણે કેટલી કહેવતો લોક માનસમાં અંકિત છે, અને દરેકે તેનો પોતપોતાની સમજ પ્રમાણે અનુભવ પણ કર્યો હશે. એટલે ટૂંકમાં કહીએ તો જે થાય છે, તે બધું સારા માટે જ થાય છે. એવો એક સકારાત્મક અભિગમ લઈ અને વધુ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે, આપણે આ શ્રાવણિય અનુષ્ઠાન શરૂ કર્યું છે.શિવ મહિમ્ન સ્તોત્ર હવે આગળ..


"*શિવ મહિમ્ન સ્તોત્ર.**


ક્રિયા દક્ષો દક્ષ: ક્રતુપતિરધીશસ્તનુભૃતાં

ઋષીણામાર્ત્વિજય શરણદ ! સદસ્યા સુરગણા: |

ઋતુભ્રંષસ્ત્વત્ત: ઋતુફલવિધનવ્યસનિને |

ધ્રૂવં કર્તુ: શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: || 21 ||


અર્થ : હે શરણે આવનારને શરણ આપનારા યજ્ઞાદિ તત્કર્મો કરવામાં કુશળ, દશનામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા. ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનાર હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા. આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞકર્તા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી, તમે એ યજ્ઞને ફળ રહિત કરી દીધો હતો, એ યોગ્ય જ હતું. યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ, તો એ યજ્ઞકર્તા માટે વિનાશ રૂપ ન નિવડે.


પ્રજાનાથં નાથ ! પ્રસભભિમકં સ્વાં દુહિતરં

ગતં રોહિદભૂતાં રિરમયિષુમૃષ્યસ્ય વપુષા |

ઘનુષ્પ્રાણેયતિં દિવમપિ સપત્રાકૃતમમું

ત્રસતં તેડધાપિ ત્યકાત ન મૃગવ્યાધાદાભસ: || 22 ||


અર્થ : પ્રજાનાથ ઈશ્વર ! પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ, કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું. ત્યારે બ્રહ્માએ મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હઠ લીધી, એવામાં આપે જોયું કે, આ અધર્મ થાય છે, માટે તેને ખચીત દંડ દેવો જોઈએ. તેથી આપે વ્યાઘ નામક આર્દ્રાનક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું. આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પૂંઠ મૂકતું નથી.


સ્વલાવણ્યાજ્ઞસાધ્ર તદ્યંનુષમહાય તૃણવત્

પુર: પ્લુષ્ઠં દષ્ટવા પુરમથન ! પુષ્પાયુધમપિ |

યદિ સ્ત્રૈણ દેવી યમનિરત ! દેહાર્ઘઘટના

દવૈતિ ત્વામદ્ધા બત વરદ ! મુગ્ધા યુકતય: || 23 ||


અર્થ : ત્રિપુરારિ ! દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી તે જ પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ. તેણે ભિલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા, ત્યાં તેમને મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે વ્યર્થ નિવડ્યા. દેવોએ ધાર્યું કે, યજ્ઞ વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહિ. તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પરણે, એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યો હતો. કામદેવના પ્રભાવથી એકેએક બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો. આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુ:ખથી ઉગારવાને માટે તમે અર્ઘાંગના પદ આપ્યું હતું. આ તમારું કાર્ય જેઓ મૂઢ છે, તેઓ જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે.


સ્મશોષ્વા ક્રીડા સ્મરહર પિશાચા: સહચરા

શ્ચિતાભસ્માલેપ: સ્ત્રગપિ નૂકરોટીપરિકર: |

અમંગલ્ય શિલં તવ ભવતુ ન મૈવમખિલં

તથાડપિ સ્મર્તૃણાં વરદ ! પરમં મંગલમસિ || 24 ||


અર્થ : હે કામ વિનાશન, સ્મશાન ભૂમિમાં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત-પ્રેતોની સાથે નાચવું, કૂદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી, આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે. છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે, તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે.


        શિવાલયમાં આપણે જ્યારે ભોળાનાથ એટલે કે મહાદેવના દર્શનાર્થે જઈએ છીએ, ત્યારે ત્યાં આગળ તેનાં પરિવારમાં, એટલે કે જે મૂર્તિ સ્વરૂપે ત્યાં આગળ જે કોઈ દૃશ્યમાન હોય છે, તેમાં શિવલિંગની બરાબર સામે અને ગર્ભગૃહની બહાર પોઠીયાની એક મૂર્તિ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે તે તેનું વાહન નંદી છે.


      નંદી એ શંકરનું વાહન છે, પોતાના પ્રિય ગણ માનો એક ગણ પણ છે. આમ જુવો તો તે બળદ એટલે આખલાનું એક સ્વરૂપ છે. નંદી એટલે ધર્મ એવો પણ ક્યાંક અર્થ કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ભગવાન શંકર ધર્મની સવારી કરીને આવે છે. પરંતુ ધર્મ વિશે વિશેષ ટીપ્પણી આપણે આજે નહીં કરીએ. કારણકે ધર્મની વ્યાખ્યા દરેકની પોતપોતાની બુદ્ધિની સમજ પ્રમાણે અલગ અલગ હોય છે. પરંતુ એક સાર્વજનિક બોધ રૂપે જો ધર્મની વ્યાખ્યા કરવામાં આવે તો, જેના આચરણથી પોતાનું અને સમાજ પ્રત્યેની શુભની ભાવના સતત બની રહે તેવું ચરણ એટલે ધર્મ.


   પુરાણોમાં નંદીને મંદિર બહાર બેસાડવાનું પણ એક કારણ લખાયેલ છે. ભગવાન ભોળાનાથ એટલે કે શિવ શંકર મોટે ભાગે સમાધિ અવસ્થામાં જ રહેતા હતા, એટલે ગર્ભગૃહ એ તેની સમાધિ અવસ્થામાં બેઠા હોય તે બતાવે છે. અને નંદી ગર્ભ ગૃહની બહાર બેસીને, મંદિરમાં આવતા શિવ ભક્તોની ચકાસણી કરે છે. પછી યોગ્ય હોય તેને જ આગળ જવા દે છે, એટલે કે એમ કહો કે પહેરો દેવા માટે નંદીને બેસાડવામાં આવ્યો છે. પાર્વતી રૂપે જે સ્ત્રી શક્તિ છે, તેના સુધી કોઈ એરોગેરો પહોંચી ન જાય, એટલે તેના રક્ષણ માટે પણ નદીને પહેરો દેવા બેસાડયો છે એવી એક દંતકથા છે.


     શિવ પુરાણોમાં કહેવાયું છે કે નંદી ભગવાન શિવની ખૂબ જ તપશ્ચર્યા કરે છે, અને તેનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શંકર સુયશા નામની એક કન્યા સાથે, તેના લગ્ન કરાવે છે. પરંતુ આગળ તેના ગૃહસ્થાશ્રમ વિશે કોઇ ઉલ્લેખ નથી, તેમજ મંદિરમાં પણ ફક્ત નંદીને સ્થાન છે. પરંતુ સુયશ એટલે સારી અને સાચી પ્રસિદ્ધિ તો જે શંકર સાથે નંદીને ભજશે તે સાચા યશ કીર્તિ ને પણ પામશે એવો અર્થ કરી શકાય.

  

   નંદી એટલે જો બળદ કે આખલો એવો અર્થ કરીએ તો, ભારવાહક અને સખત પરિશ્રમ કરતું પ્રાણી છે. એ રીતે જોઈએ તો જે વ્યક્તિ પોતાના જીવનમાં પરિશ્રમને મહત્વ આપશે, તે શિવ શંકર ની હંમેશા સમીપ રહેશે, તેવો અર્થ પણ આપણે કાઢી શકીએ. ગાય હંમેશા દૂધ આપતી હોય છે, એટલે બળદને લોકો એટલું મહત્વ આપતા નથી. તે સમાજથી થોડે અંશે તરછોડાયેલ છે, તો આવા જે સમાજથી તરછોડાયેલા તત્વો છે, તેને પણ શિવજી સ્વીકારી, અને એક અનન્ય સ્થાન આપે છે, એવી વાત પણ આની સાથે જોડાયેલી છે. બળદ રૂપે તે ખેતરોમાં કામ કરી, અને ખેતી પેદાશ એટલે કે પાક ઉત્પન્ન કરે છે. તે રીતે જોઈએ તો તે એક લોક કલ્યાણનું કાર્ય છે, માટે પોતાના સ્વાર્થ ને જોયા વગર, કલ્યાણની ભાવના જેના મનમાં નિરંતર છે તે શિવની સમીપ રહી શકે એવો પણ બોધ પણ નંદીના પાત્ર પરથી આપણે ગ્રહણ કરી શકીએ.


   તો આ છે શિવ શંકરના પ્રિય એવા ગણ નંદી વિશેની વાત. આપણે બધા આજે નંદીના આ પાત્રમાંથી સારો બોધ ગ્રહણ કરી અને નિત્ય પરિશ્રમ અને પરમ કલ્યાણ માટેનો શિવ સંકલ્પ લઈએ, અને તેના ચરણે બેસીએ.દરેકનુ જીવન આ રીતે જ પૂરું થાય, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


   લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...