શિવાલયનો મહિમા - કેદારનાથ મહાદેવ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 11 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા - કેદારનાથ મહાદેવ

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


હિન્દુ ધર્મના પ્રણેતા એવા ભગવાન આદિદેવ શંકરા ચાર્ય દ્વારા કેદારનાથ મંદિરનું નિર્માણ થયું એવી એક લોકવાયકા છે.

 

  શ્રાવણ પૂરો થવા આવ્યો પરંતુ શિવાલય તો હજી ઘણા છે કોઈ માણસ સ્થાનનું મહત્વ હોય તો કોઈમાં શિવલિંગનો ઇતિહાસ હોય તો કોઈમાં જે તે વ્યક્તિ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હોય તેનું મહત્વ હોય હિમાલયના કેદાર દ્રુમ પર્વત પર સ્થિત એવા કેદારનાથનો ઈતિહાસ અને શિવલિંગ બંને અન્ય કથા કરતા તદ્દન જુદા છે, અને હિન્દુ ધર્મના મુખ્ય ચાર તીર્થ ધામ પૈકીનું એક તીર્થ કેદારનાથ પણ ગણવામાં આવે છે, તો આજે આપણે કેદારનાથ વિશે વાત કરીશું.


      બારે બાર જ્યોતિર્લિંગમાં કેદારનાથનો જ્યોતિર્લિંગ સર્વોત્તમ ઊંચાઈ પર આવેલું છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાં સમુદ્રતળથી ૩૫૮૧ મીટરની સર્વાધિક ઊંચાઈએ આવેલું જ્યોર્તિલિંગ એટલે કેદારનાથ.હિમાલયની રુદ્ર હિમાલય પર્વતમાળામાં ચૌખમ્બા ગ્લેશિયર પાસે આવેલા કેદારનાથને કેદારેશ્વર અથવા કેદારાંચલ તરીકે પણ ઓળખવામાં આવે છે . યમુનોત્રી , ગંગોત્રી ,બદરીનાથ અને કેદારનાથની પ્રખ્યાત ચારધામ યાત્રા પૈકીનું એક એવું કેદારનાથ શ્રદ્ધાળુઓની દૃઢ આસ્થાનું પ્રતીક છે . કેદારનાથમાં શિવજીનું સ્વરૂપ ત્રિકોણાકાર અથવા બળદની ખુંધના આકારનું છે , જે અન્ય ૧૧ જ્યોર્તિલિંગો કરતાં તદ્દન જુદું જ છે. કેદારનાથનું મંદિર ચારે બાજુ પર્વતની વચ્ચે આવેલું છે, એટલે કે કેદારનાથ ધામ દરેક બાજુએથી પહાડો ઘેરાયેલું છે. એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે.

મંદાકીની,મધુગંગા ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી.  આમ અહીં પાંચ નદીઓનો પણ સંગમ થાય છે. ચૌરીબારી હિમનદનાના કુંડમાંથી નીકળતી મંદાકીની અલકનંદા આજે પણ છે ચૌખમ્બા ગ્લેશિયરમાંથી નીકળતી મંદાકિની નદી , બરફાચ્છાદિત પહાડો , કડકડતી ઠંડી , સુસવાટા મારતા ઠંડા પવનો , ધીમો વરસાદ અથવા બરફના ઝીણા કરા , સૂર્યનારાયણની ખૂબ જ ઓછી હાજરી અને સતત વાદળોથી ઢંકાયેલા રહેતા આકાશ વચ્ચે વસેલા શિવજીનું સ્થળ એટલે કેદારનાથ . દ્વાદશ જ્યોર્તિલિંગોની યાત્રામાં કેદારનાથની યાત્રાને એટલે જ અઘરી યાત્રા કહેવામાં આવે છે . શિવજીએ ગંગાજીનું અવતરણ સર્વપ્રથમ મંદાકિની સ્વરૂપે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે . 


     કેદારનાથ અંગેની પૌરાણિક કથા અનુસાર જોઈએ તો, કેદારનાથ જ્યોર્તિલિંગ અંગે બે મુખ્ય કથાઓ પ્રચલિત છે . પ્રથમ કથા દ્વાપરયુગની શરૂઆતમાં થયેલા મહાભારતની છે . મહાભારતના યુદ્ધમાં કૌરવો સામે વિજય મેળવ્યા બાદ પાંડવોને લાગ્યું કે આ યુદ્ધમાં પોતાનાથી બ્રહ્મહત્યા , ગૌહત્યા થઈ છે અને પાંડવોએ જ પોતાનાં ભાઈ - ભાંડુઓને હણ્યાં છે . આમ , પોતાનાથી મોટું પાપ થઈ ગયું હોવાનું માનતા પાંડવો મહર્ષિ વેદવ્યાસ પાસે જઈને પોતાની સમસ્યા જણાવે છે . મહર્ષિ વેદવ્યાસ આ પાપના પ્રાયશ્ચિત માટે પાંડવોને હિમાલયમાં ભગવાન શિવના દર્શને જવાનું કહે છે . વ્યાસજીની સલાહ માનીને પાંચ પાંડવો અને દ્રૌપદી હિમાલયમાં શિવજીનાં દર્શનાર્થે નીકળી પડે છે .બીજી તરફ ભગવાન શિવજી પાંડવોની કસોટી કરતાં હોય તેમ દર્શન આપતા નથી . પાંડવો ફરતાં ફરતાં ગુપ્તકાશી પાસે આવે છે . આ સ્થળે સહદેવ અને નકુલને એક વિચિત્ર પ્રકારનો બળદ નજરે ચડે છે . આથી તેને પકડવા તેની પાછળ દોડે છે . પાંડવો બળદ રૂપે રહેલાં શિવજીને ઓળખી લે છે . આથી શિવજી ભૂગર્ભમાં જતા રહે છે , પરંતુ પાંડવોમાં ભીમ તેમની પીઠની ખૂંધને પકડી પાડે છે . કથા એવી છે કે બળદની પીઠની ખૂધનો ભાગ જે સ્થળે દેખાયો તે કેદારનાથ , હાથ દેખાયા તે તુંગનાથ , ચહેરો દેખાયો તે રુદ્રનાથ , પેટનો ભાગ દેખાયો તે મદદ્રમહેશ્વર અને વાળ દેખાયા તે સ્થળ એટલે કલ્પેશ્વર , બળદના સ્વરૂપે રહેલા શિવજી અને ભીમ વચ્ચે જે ખેંચાખેંચ ચાલી , તેમાં બળદના શીર્ષનો ભાગ નેપાળમાંથી નીકળ્યો , જેને આપણે પશુપતિનાથ તરીકે જાણીએ છીએ. 


    ઐતિહાસિક મહત્વ ધરાવતાં કેદારનાથ વિશે બીજા ત્રણ ચાર રહસ્યો પણ જાણવા મળે છે, છ મહિના સુધી મંદિર સંપૂર્ણપણે બંધ રહે છે છતાં દિપક પ્રજ્વલિત રહે છે, બીજુ મંદિરની સ્વચ્છતા પણ એવી ને એવી જ હોય છે, એટલે કે મંદિર જ્યારે બંધ કરવામાં આવે ત્યારે મંદિરનું ગર્ભગૃહ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં છ મહિના પછી પણ જોવા મળે છે. આ ઉપરાંત યુગોના અંતર પ્રમાણે ૧૪મી સદી પછી એક યુગ કે કલ્પ નો એક ગાળો એવો રહ્યો એમાં 400 વર્ષ સુધી આ શિવાલય બરફમાં દટાઈ ગયું હતું, અને ૪૦૦ વર્ષ બાદ ધીરે ધીરે બરફનું ગ્લેશિયર સરી જતા ફરી પાછું શિવાલય એટલે કે કેદારનાથ મંદિર નજરે ચડ્યું.


   આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે હોનારત થઈ હતી, અને આપણે સૌ જાણીએ છીએ કે બધી જ ઇમારતો ધરાશાયી થઇ ગઇ, છતાં આઠમી સદીમાં બનાવેલું આ મંદિર અડીખમ ઊભું હતું, એ આજના આર્કિટેક સામે એક પડકાર છે કે દૈવી શક્તિનો પ્રતાપ છે એ પણ એક સંશોધનનો વિષય બની શકે. હિન્દુ ધર્મના પ્રણેતા એવા ભગવાન આદિદેવ શંકરા ચાર્ય દ્વારા આ મંદિરનું નિર્માણ થયું એવી પણ એક લોકવાયકા છે.


    તાજેતરમાં આવેલા પ્રચંડ પુરના પગલે વિજ્ઞાનીઓ એવી ચેતવણી આપે છે કે પ્રદૂષણને કારણે બર્ફીલા પર્વતો સતત પીગળી રહ્યાં છે,એને કારણે ઉપર પહાડોમાં જળાશયોની માત્રા વધી રહી છે. વાદળો ફાટવાની ઘટના અને ચોમાસા દરમિયાન ભારે વરસાદ વગેરેને લીધે ગાંધી સરોવર તુટી ગયું હતું, અને તેમાંથી ધોધ સ્વરૂપે પાણીનો જથ્થો મંદિર તરફ ધસી આવ્યો હતો.પરતુ એક બહુ મોટી શિલા મંદિરની અડસ સ્વરૂપે આવી જવાથી આ મંદિર બચી ગયું હતું. આગામી સમયમાં પણ આવુ થઇ શકે છે. જો પર્વતોમાંથી મોટી મોટી શીલાઓ કે ભેખડો ધસી પડીને મંદિર પર પડે તો તેને નુકસાન થઇ શકે છે તેથી તેનું એ પ્રમાણે નિર્માણ થવું જોઇએ કે આવનારા સમયમાં આવી કોઇ કુદરતી આપત્તિમાં પણ ટકી રહે.


   કેદારનાથ મંદિરના દર્શન બહુ જ દુર્લભ છે, કેદારનાથનું મંદિર વર્ષમાં છ મહિના ખુલ્લું રહે છે . બાકીના છ મહિના મંદિર બરફથી ઢંકાયેલું રહે છે . દર વર્ષે અખાત્રીજની આસપાસ , મે મહિનામાં મંદિરના કમાડ ખૂલે છે અને ઓક્ટોબર - નવેમ્બરમાં ભાઈબીજના દિવસે મંદિરના કમાડ બંધ થાય છે . મંદિરના કમાડ ખૂલવાની તારીખ કેદારનાથ મંદિરના મુખ્ય પૂજારી અને સહયોગીઓ દ્વારા મહાશિવરાત્રિ પર્વ પર ઉખીમઠમાં નક્કી કરવામાં આવે છે . મે , જૂન તેમ જ સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં યાત્રિકોનો ધસારો જોવા મળે છે . જૂનના બીજા પખવાડિયાથી ઓગસ્ટ સુધીનો સમય સામાન્ય રીતે વરસાદનો હોવાથી યાત્રીઓની સંખ્યા ઓછી હોય છે ભાઈબીજના દિવસે મંદિરના કમાડ બંધ થાય છે અને શિવજીની મૂર્તિને ધામધૂમથી પાલબાનું ઉખીમઠમાં આવેલા ઓમકારેશ્વર મંદિરમાં લાવવામાં છે . શિયાળામાં કેદારનાથજીની પૂજા ઉખીમઠમાં થાય છે .


   દર્શનાર્થીઓ માટે કેદારનાથ મંદિરના દ્વાર સવારે ૬.૦૦ કલાકે ખુલે છે અને બપોરે ૨.૦૦ કલાકે બંધ થાય છે . બપોરે ૩.૦૦ કલાકે મંદિર પુનઃ ખુલે છે અને રાત્રે ૮.૦૦ કલાકે બંધ થાય છે . રાત્રે ૭.૪૫ કલાકે કેદારનાથ મંદિરમાં આરતી થાય છે . દર્શનાર્થીઓ સવારે ૯.૦૦ થી બપોરે ૨.૦૦ કલાક સુધી ગર્ભગૃહમાં પ્રવેશીને પૂજા કરી શકે છે . બપોર પછીના સમયમાં ગર્ભગૃહમાં પ્રવેશી શકાતું નથી . ત્યારબાદ જે ૪.૦૦ કલાકે ભોગ અર્પણ કરવામાં આવે છે . સાંજે ૫.૦૦ કલાકથી મંદિરમાં શૃંગાર દર્શન થાય છે . રક્ષાબંધનના આગલા દિવસે શ્રાવણી અન્નકૂટ મેળો પણ મંદિરમાં યોજાય છે , જેમાં જ્યોર્તિલિંગને રાંધેલા ભાતથી શણગારવામાં આવે છે અને તે ભાતને પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓમાં વહેંચી દેવામાં આવે છે . મંદિર બંધ થવાના અંતિમ દિવસે ભાઈબીજે વિશેષ સમાધિપૂજા કરાવવામાં આવે છે . મંદિરની પૂજાવિધિ કેદારનાથ મંદિરમાં સવારની અને સાંજની એમ બે ભાગમાં જુદા જુદા પ્રકારની પૂજા થાય છે . સવારની પૂજા કુલ આઠ પ્રકારની છે . જેમાં મહાભિષેક પૂજા , રુદ્રાભિષેક પૂજા , લઘુરુદ્રાભિષેક , ષોડશોપચાર , અષ્ટોપચાર , પંચોપચાર આખા દિવસની પૂજા , અનુપ્રાતઃકાલીન પૂજાનો સમાવેશ થાય છે . કેદારનાથ જ્યોર્તિલિંગની વિશેષતા કેદારનાથ જ્યોર્તિલિંગની વિશેષતા એ છે કે તેમાં અન્ય જ્યોર્તિલિંગોમાં હોય છે તેવું શિવલિંગ નથી , પરંતુ તે પિરામિડ આકારનો વિશાળ પથ્થર છે . શ્રદ્ધાળુઓ આ જ્યોર્તિલિંગને ઘી લગાવે છે અને તેને આલિંગન આપે છે . આ ઉપરાંત બિલીપત્ર , જળ અને દૂધ પણ ચડાવવામાં આવે છે . હિમાલયમાં વસેલું કેદારનાથ ચારધામ યાત્રા પૈકી એક  યાત્રાધામ છે . એક એવી પ્રથા છે કે શ્રદ્ધાળુઓ ગંગોત્રીથી ગંગાજળ લઈને કેદારનાથ જ્યોતિર્લિંગ પર તેનો અભિષેક કરે છે.



   પંચકેદારયાત્રા માનવશરીર પાંચ તત્ત્વોનું બનેલું છે , જેને પંચમહાભૂત કહે છે . ભારતીય વિચારધારામાં ‘ પાંચને વિશિષ્ટ સ્થાન મળેલું છે . કેદારનાથ ક્ષેત્રમાં કેદારનાથ સહિતના કુલ પાંચ વિશિષ્ટ સ્થાનની ગણના વિશ્વના સર્વશ્રેષ્ઠ સૌંદર્ય સ્થળો પૈકીના એક તરીકે થાય છે . આ પાંચ સ્થળોમાં શ્રી કેદારનાથ , મદદ્વમહેશ્વર , તુંગનાથ , રુદ્રનાથ અને કલ્પનાથનો સમાવેશ થાય છે . ઘણા શ્રદ્ધાળુઓ આ પાંચ શિવસ્થાનકોની યાત્રા શ્રદ્ધાપૂર્વક કરે છે , જેને પંચકેદારની યાત્રા કહે છે . કેદારનાથ કેવી રીતે જશો ? અમદાવાદથી કેદારનાથ જવા માટે પહેલાં હરિદ્વાર સુધી પહોંચવું પડે , અમદાવાદથી દરરોજ સવારે ૧૦.૦૦ કલાકે હરિદ્વાર મેલ ઊપડે છે , જે બીજે દિવસે બપોરે ૧૨.૩૦ કલાકે હરિદ્વાર પહોંચાડે છે . હરિદ્વારથી ઋષિકેશનું અંતર ૨૪ કિમીનું છે . શ્રી કેદારનાથ જવા માટે હરિદ્વાર એસટીબસ વહેલી સવારે ઉપડે છે . બસમાં આઠ કલાક જેટલો સમય થાય છે . ઋષિકેશથી શ્રીનગર કે રુદ્રપ્રયાગની જીપ , રુદ્રપ્રયાગથી ગુપ્તકાશી અને ગુપ્તકાશીથી સોનપ્રયાગ જીપ ઉપલબ્ધમાં છ કલાક જેટલો સમય થાય છે . ઋષિકેશથી સોનપ્રયાગ જતાં માર્ગમાં દેવપ્રયાગ , શ્રીનગર , રુદ્રપ્રયાગ , અગત્સ્ય મુનિ , ઉખીમઠ , ગુપ્તકાશી અનેક ફાટા આવે છે . ગંગોત્રીથી કેદારનાથ જવા માટે બે રસ્તાઓ છે , જેમાં વાયા ઘનશ્યાલી થઈને જતાં વાયા શ્રીનગર - રુદ્રપ્રયાગ થઈને જતાં કેદારનાથથી બદરીનાથ જવા માટે બે રસ્તાઓ છે . વળતી યાત્રામાં હરિદ્વારથી દરરોજ ૩.૦૦ કલાકે ઉપડતો હરિદ્વાર મેલ બીજા દિવસે સાંજે ૫.૦૦ કલાકે અમદાવાદ પહોંચાડે છે.

   

     હિન્દુ ધર્મમાં ચારધામની યાત્રાનું ખૂબ મહત્વ છે, અને એ હિસાબે હિન્દુ હોવાને નાતે મેં પણ ચારધામ યાત્રા કરી છે,દરેક તીર્થનું પોતપોતાનું એક મહત્વ હોય છે, પરંતુ કેદારનાથની યાત્રાનો બહુ આલ્હાદક અનુભવ રહ્યો હતો, કારણ ઉંમર ઘણી નાની હતી,અને બરફના એ પહાડમાં લસરી લસરી ઉતરવાની મજા હજી પણ યાદ છે. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે, અને ભગવાન ભોળાનાથ જેવા ભગવાન મળ્યા છે,આ ઉપરાંત ઈષ્ટદેવ હાટકેશ્વર પણ મળ્યા છે, યુગોયુગોથી જીવ તેને જ્યારે યાદ કરે ત્યારે તે તેની મદદે આવે છે, તો આપણે પણ તેના સીધા સાદા મંત્રનું સ્મરણ કરી, તેને યાદ કરી લઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


       લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...