શિવાલયનો મહિમા :- ગોપનાથ મહાદેવ મંદિર - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 12 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા :- ગોપનાથ મહાદેવ મંદિર

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- શિવાલયનો મહિમા


આ મંદિરમાં નરસિંહને રાધા ક્રિષ્નાના મહારાસના દર્શન થયા હતાં, અને એને કારણે આ મંદિરનું નામ ગોપીનાથ પડ્યું હશે.

  

   ભોળાનાથ મહાદેવ શંભુનો મહિનો એટલે કે શ્રાવણ માસ આવતાં જ સૌ ભક્તોની શિવાલયમાં ભીડ જોવા મળે છે, અને વિવિધ દર્શન તથા દિપમાળાના દર્શન કરવા લોકો ઉમટી પડે છે. આમ તો આખું વર્ષ શિવની આરાધના થાય છે, એમાં કોઈ પણ પ્રકારનો બાદ નથી. પરંતુ શ્રાવણ અને શંકર બંને એકબીજાના પૂરક હોવાથી, શ્રાવણમાં પૂજન-અર્ચનનુ વિશેષ મહત્વ હોય છે. ભોળાનાથ મહાદેવ પોતે સંસારી હોવાથી તેની સાથે આમ પણ સંસારી ભક્તોનો બહુ ગાઢ સંબંધ છે. ભારતમાં સૌથી વધુ માત્રામાં મંદિરો ધરાવતા દેવ તરીકે મહાદેવના શિવાલય અને હનુમાનજીના મંદિરો આવે. શ્રાવણિયા સોમવારે તો વિવિધ દર્શનનો પણ હોય છે, શિવલિંગનાં શણગાર અને ઘીના કમળથી મંદિરને સુશોભિત કરવામાં આવે છે. જુદા જુદા ફૂલોથી શિવલિંગ પાસે રંગોળી પણ રચવામાં આવે છે. કોઈ જગ્યાએ ફૂલથી ઓમ નમઃ શિવાય લખાય છે, તો કોઈ જગ્યાએ ત્રિશૂલ, ડમરૂ, અને સર્પ,અને મૃગચર્મના આકારો બનાવવામાં આવે છે. આમ શિવાલયની શોભા શ્રાવણે અનેરી હોય છે, અને આમ વિરક્ત ભાવના શિવ શંકરને સંસારી પોતાની જેવા સમજી રીઝવવા પ્રયત્ન કરે છે. પણ હમણાં જ એક ગૃપમાં શંકર વિશે લખવાનું હતું તો મેહુલભાઈ એ લખ્યું હતું કે શંકરે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો પછી એને એની પ્રિયાને પ્રેમ કરવામાં કે એને આનંદિત રાખવામાં માટે જે કરવું પડે એ તેણે કર્યું એમાં એને કોઈ છોછ નથી એટલે કે એ સહજ છે! બિલકુલ આપણી જેવા જ અને કદાચ એટલે જ આપણને એ સૌથી પ્રિય છે. શિવ શંકરની વાત તો અનેરી છે પણ આપણે તો એનો ઉપયોગ કરવામાં પણ પાછાં પડીએ એમ નથી. તો આજે આપણે આવા અનન્ય ગુણો ધરાવતા ભગવાન શંકરના ગોપનાથનાં અતિ પ્રાચીન એવા ગોપીનાથ શિવાલય વિશે વાત કરીશું.


    ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાની પાસે 22 કિ.મીના અંતરે દરિયાકાંઠે ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે, કહેવાય છે કે આ મંદિર આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં બન્યું હતું. ગોપનાથ મહાદેવનું મૂળ નામ આમ તો ગોપીનાથ મહાદેવ છે, અને આ મહાદેવ ના મંદિર સાથે ઘણી દંત કથા જોડાયેલી છે. કોઈ સ્પષ્ટ ઇતિહાસ તેમાં જોવા મળતો નથી.


   આ મંદિરમાં નરસિંહ મહેતાની મૂર્તિ પણ છે અને કહેવાય છે કે નરસિંહ મહેતા એ ગૃહ ત્યાગ કર્યો ત્યારે, તેઓ તળાજાથી પગપાળા આ મંદિરે આવ્યા હતાં, અને સાત દિવસ સુધી તેમણે ઈષ્ટ દેવ હાટકેશ્વર હોવાથી અહીં શંકર ભગવાનની કઠોર તપશ્ચર્યા કરી હતી. એને પરિણામે ભગવાન શંકર પ્રસન્ન થયા હતાં, અને તેમને રાધા કૃષ્ણના રાસ લીલા નાં દર્શન કરાવ્યા હતાં, અને આ મંદિરમાં એટલે જ રાધા કૃષ્ણની મૂર્તિ પણ છે, અને એને કારણે આ મંદિરનું નામ ગોપીનાથ પડ્યું હશે. નરસિંહ મહેતાએ ભક્તિ વૈરાગ્યના ઘણા પદ અને કવિતાની પણ આ સ્થાને રચના કરી હતી. ઈશ્વર સાક્ષાત્કારનો અને કૃષ્ણની રાસલીલા ના તેના જીવનના મહત્વના પ્રસંગો આ ભૂમિ પર પુરા થયા હતા અને તેથી આજે પણ એ ભૂમિમાં અદભુત શાંતિ મળે છે.


   મૂળ આ મંદિર એનાથી પણ પુરાણું હોવાના અવશેષો પણ મળે છે, એટલે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન ગોપનાથ ગામમાં આ શિવલિંગની સ્થાપના કરી હતી, એવી પણ એક લોકવાયકા મળે છે.


   તો બીજી એક લોકવાયકા મુજબ ગોપનાથ ગામની ગાયોનું ધણ ચરવા જાય અને પાછી આવે ત્યારે દૂધ વગરની થઈ જતી, એક દિવસ ગૌપાલકોએ આ ગાય નો પીછો કર્યો અને બધી જગ્યાએ એક ટેકરા ઉપર ઉભી રહી, અને પોતાના આંચળમાંથી  જાણે આ ટેકરા પર અભિષેક કરતી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું, અને તે ટેકરા માંથી ગોપનાથનું આ શિવલિંગ બહાર આવ્યું,એ પૂરાતન સંસ્કૃતિ ક્યારેક અહીં હશે એવું સિદ્ધ કરે છે.


    પરંતુ મુખ્ય આધાર તરીકે ગોપનાથ મહાદેવની સ્થાપના પાછળની દંતકથા છે કે, ઇ.સ. સોળમા સૈકામાં રાજપીપળાના ગોહિલ રાજા ગોપલસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી.અહીં ઊંચાં ઊંચાં તાડનાં વૃક્ષો હતાં. એમ પણ કહેવાય  છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું પણ થતું હતું.


    ગોપનાથ મહાદેવમાં શિવલિંગની સાથે સાથે રાધા કૃષ્ણ મંદિર, ગાયત્રી માતા, મહાકાળી માતા તથા નૃસિંહ ભગવાનનાં મંદિરો પણ આવેલાં છે. શ્રાવણ માસ દરમિયાન અહીં આવતા ભક્તજનો માટે પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.


   શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે, જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે. ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશાં સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને  સ્થાનિક લોકો ‘ધોળી ધજાના દેવ’ તરીકે પણ ઓળખે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધ જીત્યા પછી યુધિષ્ઠિરના મનમાં સગા વાલા ની હત્યા નો ભાર રહેતો હતો આથી તેમણે પોતાનું આ કલંક ધોવા માટે કૃષ્ણ પાસે યાચના કરી અને ભગવાન શ્રી કૃષ્ણે તેને કહ્યું કે સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું નિષ્કલંક મહાદેવ ના દર્શન કરી અને ત્યાં ઉપચાર વિધિથી પૂજન કરવામાં આવે તો આ કલંક દુર થશે પાંડવો પોતાનું કલંક દુર થયું કે નહીં એ જાણવા માટે શ્રીકૃષ્ણએ તેને કાળી ધજા આપી હતી,અને કહ્યું હતું કે આ ધજા ધોળી થાય એટલે સમજવું કે કલંક ધોવાયું ગયું છે, એટલે શક્ય છે કે નિષ્કલંક માં કલંક ધોવાયા પછી પાછા ફરતી વખતે ગોપનાથમાં શિવલિંગ નું સ્થાપન કરી ધોળી ધજા ફરકાવી હોય.


    ગોપનાથ પ્રવાસીઓનું તો પસંદગીનું સ્થળ છે જ, પરંતુ આધ્યાત્મિક વૃત્તિ ધરાવતા લોકો માટે તથા શિવ ભક્તો માટે ગોપનાથ ભક્તિ અર્ઘ્ય અર્પણ કરવાનું પહેલું ઠેકાણું છે. વળી, અહીં શિલ્પ સ્થાપત્યથી માંડીને સાંસ્કૃતિક અવશેષોનો ખજાનો પણ જોવા મળે છે.


   ગોપનાથ પોતાના ઐતિહાસિક મંદિર ઉપરાંત સમુદ્રના બીચ માટે પણ ખૂબ જ જાણીતું છે. અહીંનો બીચ ખૂબ જ રમણીય છે, અને અહીં થી ૧૦ કિલોમીટરના અંતરે ઝાંઝમેર, મધુવન, મેથળા નાં સુંદર બીચ આવેલા છે. ભાવનગર થી ગોપનાથ જવા માટે થઈને સરળતાથી સાધનો પણ ઉપલબ્ધ થાય છે. સ્થળ ગમે તે હોય પણ ઈશ્વર તો કણકણમાં બિરાજમાન છે, એવું પણ ઘણા કહેશે. પરંતુ સ્થળ રમણીય હોય તો ઈશ્વરત્વનો અનુભવ ઝડપથી થાય છે, એ હિસાબે આપણે તીર્થસ્થાનોમાં દર્શન કરવા નું પસંદ કરતા હોઈએ છીએ. તો આ શ્રાવણે આપણે આ રીતે અનન્ય ઇતિહાસ ધરાવતા શિવાલયો નો મહિમા જાણી અને શ્રાવણની ઉજવણી કરીશું. બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...