સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક - શિવાલયનો મહિમા
પરમ ઉપાસક સિદ્ધરાજ જયસિંહે બનાવેલ મંદિરમાં શિવજીએ પ્રથમ વાસ કર્યો,આ મંદિરના દર્શનથી ૧૨ જ્યોતિર્લિંગનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
જીંદગીના અમુક સત્ય ને સ્વીકારી ને ચાલવામાં આવે તો લગભગ બહુ વાંધો નથી આવતો! એક વિધિના વિધાન ને ટાળી શકાતું નથી, અને સમયની એકધારી ગતિને રોકી શકાતી નથી. જીવનના આ બે મહત્વના સત્ય છે, એ હરક્ષણ પ્રતિપાદિત થઈ રહ્યું છે, પણ જાણવા છતાં આપણે સહજતાથી સ્વીકારી શકતાં નથી એને પરિણામે જીવનની સમસ્યા વધુ સતાવે છે. દર વખત જેમ આ વખતે પણ શ્રાવણ ના દિવસો ખૂટવાની કગાર પર આગળ વધી રહ્યા છે અને શંકર શિવાલય છોડી વળી પાછા કૈલાસ પહોંચી જશે, એ વિચારે ગમગીની છવાઈ જાય છે. પરંતુ અત્યારે તો શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યાં છે, લોકો પોતાની શ્રદ્ધા જુદી જુદી રીતે જતાવી રહ્યાં છે. શંકરને મન સૌ કોઈ સરખા જ, પરંતુ રાય આવે તે એની રીતે આરાધના કરે, અને રંક ફક્ત ત્રણ પાનવાળું બીલીપત્ર ચઢાવે, તો પણ બંને તેની નજરમાં સરખાં જ છે. આપણી વ્યક્તિને અવિચળ રાખનારા ભોલેનાથ મહાદેવનું જ્યાં બેઠાં હોઈએ ત્યાં આગળ સ્મરણ કરવાથી થી તે પ્રસન્ન થાય છે, અને આપણા ભવભવની આશાને પૂરી કરે છે. ગુજરાત પંથકમાં અને એમાં પણ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં તો ખૂબ જ શિવાલય આવેલા છે. પરંતુ મહેસાણા જિલ્લો પ્રમાણમાં સુકો કહી શકાય, છતાં ત્યાં આગળ બાર જ્યોતિર્લીંગના દર્શન કર્યા હોય, તેટલું પુણ્ય આપનાર મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના આસોડા ગામ નજીક જશમલ નાથજી નું શિવાલય આવેલું છે, એને વિષે આજે આપણે વાત કરીશું.
ઉત્તર ગુજરાતમાં પૌરાણિક મંદિરો અને સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક સ્થાનક હોય તો તે છે વિજાપુર તાલુકાના આસોડા ગામનું 1200 વર્ષથી પણ પ્રાચીન જશમલ નાથજી મહાદેવનું શિવ પંચાયત મંદિર. આ પ્રાચીન મંદિરના દર્શનથી 12 જયોર્તિલિંગનું પુણ્ય મળતું હોવાની માન્યતા છે. અહીં દેવાધિદેવ મહાદેવ અન્ય ચાર દેવો સાથે બિરાજમાન છે. તેથી તેને શિવ પંચાયત મંદિર પણ કહેવાય છે .
ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિરો અને રમણીય કલાકૃતિઓની મંત્રમુગ્ધ શૈલી સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં અનેક શિલ્પ કલાના બેનમુન પૌરાણિક મંદિરો આવેલા છે, જેની ભવ્યતા દેશની આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો છે . જેમાં ઉત્તર ગુજરાતમાં રાણકી વાવ , મોઢેરાનું સૂર્ય મંદિર અને ઐતિહાસિક નગરી વડનગરની સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. બસ આવુ જ એક 1200 વર્ષ પ્રાચીન સોલંકી કાળનું શિવ મંદિર એટલે વિજાપુર તાલુકાના આસોડા ગામનું જશમલ નાથજી મંદિર , રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રોનું કંડારકામ આ શિવાલય વિજાપુર તાલુકાના કુકરવાડા પાસે આસોડા ગામમાં આવેલું છે, અને ત્યાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે. આ મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહએ બંધાવ્યું હતું . તદ્દન મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આબેહૂબ કોતરણી આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. અહીં મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રો કંડારાયેલા છે, અને સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્ર આધીન મંદિરનું સુંદર નિર્માણ કરાયું છે. અહીં પથ્થરની કોતરણી સાથેના મંદિરમાં બિરાજમાન ભગવાન શિવજી અદભુત અને અલૌકિક છે, જેને જશમલ નાથજી મહાદેવ તરીકે ભક્તો પુકારે છે .
આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે . પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અહી મંદિરમાં શ્રવણ માસની અમાસનાં દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે . પ્રથમ સોમવારે મંદિરના પ્રાંગણમાં ભાતીગળ મેળો ભરાય છે. આ પૌરાણિક મંદિરમાં સિદ્ધરાજ જયસિંહ વખતથી શ્રાવણ માસના અમાસના દિવસે 1008 કમળ પૂજા થાય છે . ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કમળ પૂજા કરવામાં આવે છે , તે યજ્ઞ જોવાલાયક હોય છે .
પાટણના રાજપૂત રાજા સિધરાજ સોલંકીના રાજ્ય શાસન કાળમાં તે ધર્મપ્રેમી રાજા હોવાને લઇ ધર્મની ધજા , તેના રાજ્યમાં ફરકે તે માટે પથ્થરો ઉપર કોતરણીવાળા અદભુત શિવ મંદિરો બંધાવ્યા હતા . લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજને શ્રાવણ માસના પ્રથમ રાત્રિના સમયે ભગવાન શિવનું સ્વપ્ન આવેલું અને શિવજીએ તેમને કહ્યું કે મારું સ્વયંભૂ શિવલિંગ ૨૫ માઈલ દૂર છે, અને પછી ત્યાં એક મંદિરનું નિર્માણ કરવાનું આયોજન શરૂ કરાયું. જેને લઈ રાજાએ કહેલા અંતર પ્રમાણે હાલના આસોડા ગામે શિવ મંદિર બનાવવાની તૈયારીઓ કરીને શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું. પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ ત્યારે શિવજીએ ફરીથી બીજા દિવસે સપનામાં આવી કહ્યું કે, મારી જગ્યાએ તે મંદિર બનાવ્યું નથી. તેમ કહેતાં રાજા મંત્રી મંડળ સાથે તપાસ કરતા અંતરમાં ફેરફાર જણાયો હતો. પણ તે સમયે મંદિર બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી , રાજાએ ફરી આદેશ કર્યો કે આ મંદિર છોડી દો, અને અન્ય માપ પ્રમાણે બનાવો તેવું કહેતા આ ગામનું નામ “ આસોડા ” ગામ નામ પડ્યું. ત્યારબાદ બાજુના ગામ સોખડામાં પણ ભગવાન શિવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું .
પોતાના પરમ ભક્ત અને ઉપાસક એવા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આસોડામાં બનાવેલ મંદિરમાં શિવજીએ પ્રથમ વાસ કર્યો, અને કહ્યું કે અહીં આસોડામાં આવેલા શિવમંદિરમાં મારી આરાધના, એટલે કે શિવની આરાધના ત્રણ દિવસ સુધી કરે , તેને સિદ્ધિ પ્રાપ્ત થશે, તેવી લોકવાયકા પણ છે. અહીં બનાવવામાં આવેલા 1200 વર્ષ પૌરાણીક મંદિરમાં પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો છે, જે અહીંથી સીધો પાટણ નીકળતો હોવાની માન્યતા છે. કાળક્રમે આ મંદિર જીર્ણ થતા ગાયકવાડ સરકારે જીણોદ્ધાર કરાવ્યો હતો . અને આ મંદિરની પૂજા કરવા માટે તપોધન બ્રાહ્મણને સેવા આપવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ માટે ગામના દરેક સમાજ હાલમાં સહભાગી રહ્યો છે . અત્યારે મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ નીચે છે.
શિવાલય ગમે ત્યાં હોય પણ પરંતુ તેની સાથે કોઇ ને કોઇ દંતકથા જોડાયેલી છે, એ બતાવે છે કે સદીઓથી જીવ શિવની આરાધના કરે છે, અને ભગવાન શંકર તેને સમયે આવી મદદ કરે છે. રાજા જેવા રાજાને પણ શિવના આદેશને માનવો પડે છે, કારણ કે તે દેવાધિદેવ મહાદેવ સ્વભાવે અત્યંત ભોળા છે. પરંતુ મહાદેવ સર્જન અને સંહારના બંનેના અધિષ્ઠાતા દેવ છે, એટલે પળવારમાં જ્યાં હરીભરી સૃષ્ટિ હોય ત્યાં જળનું નિર્માણ કરી શકે છે, એટલે કે સ્થળ ત્યાં જળ,ને જળ ત્યાં સ્થળ કરી શકે તે જ મહાદેવ છે. આપણે તો તેની ભૃકુટિ વિલાસ માત્રથી કંપી જઈએ, એવા તુચ્છ અને પામર જીવ છીએ. સંસારી અને અતિ ભોગી એવા જીવ માટે તો માત્ર ને માત્ર તેનું સ્મરણ રહે એ જ જરૂરી છે.તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ,હર હર મહાદેવ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.