સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક- પ્રાસંગિક
શ્રાદ્ધપક્ષમાં શું માત્ર શ્રાદ્ધ કરવાથી પિતૃઋણ અદા થઈ જાય છે?? કે પછી જીવતા જ ઈશ્વર જેમ શ્રદ્ધાથી જતન કરવું જરૂરી છે?
શ્રાવણ જતાં ભાદરવો શરૂ થયો,ગણેશ વિસર્જન પણ પૂર્ણ થયું,બસ આ રીતે ભારતીય ઋષિમુનિઓએ માનવીનું જીવન ધર્મ પરાયણ રહે એ માટે દર મહિને કોઈને કોઈ તિથિ વાર પ્રમાણે તેનું મહત્વ દર્શાવવી સમાજને અનુશાસનમાં રાખવાનું ખુબ સુંદર કામ કર્યું છે. આમ તો આજે ભાદરવી પૂનમ છે, અને આ દિવસે અંબાજી ખાતે બહુ મોટાં મેળાનું આયોજન કરવામાં આવે છે, અને લાખો લોકો પોતાની આસ્થા માતા ને ચરણે રાખવા પગપાળા આ યાત્રા કરે છે. આજથી શ્રાદ્ધ શરું થાય છે, એટલે આપણા પિતૃઓના ચરણોમાં શ્રાદ્ધ રુપે શ્રદ્ધા સુમન સમર્પિત કરવા એ વિશે જોઈએ. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષના, એટલે કે અજવાળિયાના 15 દિવસ દેવોના ગણાય છે, અને બાકીના કૃષ્ણ પક્ષના એટલે કે અંધારીયા ના 15 દિવસ પિતૃના ગણવામાં આવે છે. આપણે ગણેશનો ઉત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવ્યો, અને પ્રકૃતિને નુકશાન ન થાય એ રીતે વિસર્જન પણ કર્યું. શાસ્ત્રોમાં કહ્યા મુજબ માનવી પર ત્રણ પ્રકારના ઋણ હોય છે, દેવ ઋણ, આચાર્ય ઋણ, અને પિતૃ ઋણ, જે તેને પોતાના જીવન દરમિયાન એમની તરફના ભાવથી ઉતારવાનું હોય છે. દેવદેવીને લઈને તો આપણે ત્યાં કેટલા એ ઉત્સવો ઉજવાય છે, અને એ સમય દરમિયાન આપણે પૂજા પાઠ, યજ્ઞ, દાન, ઈત્યાદી કરી દેવ ઋણ ઉતારવાની કોશિશ કરતા હોઈએ છીએ. આચાર્ય ઋણ પણ ગુરુપૂર્ણિમા જેવા દિવસે ગુરુદક્ષિણા આપીને કે પછી અન્ય રીતે ઉતારવાની કોશિશ કરતા હોઈએ છીએ. પિતૃઓના તર્પણ માટે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના 16 દિવસ મુકરર કરવામાં આવ્યા છે, અને તેને આપણે ત્યાં શ્રાદ્ધ કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે શ્રાદ્ધ પક્ષમાં શું માત્ર શ્રાદ્ધ કરવાથી પિતૃ ઋણ અદા થઈ જાય છે?? કે પછી જીવતા જ ઈશ્વર જેમ શ્રદ્ધાથી જતન કરવું જરૂરી છે?? આમ તો જીવતા હોય ત્યારે તેમને સંતોષ રહે, એ રીતનું જીવન જીવવું જોઈએ, જેથી કરીને પિતૃઓની સદગતિ થાય. પરંતુ ભાદરવા મહિનાના આ કૃષ્ણ પક્ષના 15 દિવસ દરમિયાન તેમની મૃત્યુતિથી પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે, તો એમની સદગતિ થાય છે. એવી એક વાત આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે.
માનવી જે કંઈ કરે એ શ્રદ્ધાપૂર્વક ન કરે તો એનું કોઈ મહત્વ રહેતું નથી, પછી તે દેવ જન્ય પૂજા પાઠ હોય, કે પિતૃ જન્ય! એટલે સંપૂર્ણપણે શ્રદ્ધા વધારતું પર્વ એટલે શ્રાદ્ધ. આપણે ત્યાં જ પૂર્વ જન્મ અને પુનર્જન્મની બહુ મોટી વાત છે, બીજા ધર્મમાં એ વાતની પુષ્ટિ થતી નથી. એટલે કે પિતૃનું અસ્તિત્વ ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી જોવા મળે છે, અને સૌ પ્રથમ બ્રહ્માજીએ શ્રાદ્ધની વાત કરી હતી. તેમણે પુરાણોમાં કહ્યું છે કે પિંડદાન કરીને, પિતૃનું તર્પણ કરવાથી તેમની સદગતિ થાય છે. મહાભારતના શાંતિ પર્વ નામના અધ્યાયમાં યુધિષ્ઠિર એ પણ પિતામહ ભિષ્મને આ સવાલ કરે છે, કે શ્રાદ્ધની ઉત્પત્તિ કોણે કરી, અને શ્રાદ્ધ શું કામ કરવું જોઈએ? ત્યારે પિતામહ ભીષ્મ પણ આ જ જવાબ આપે છે, અને કહ્યું કે દેવલોકમાં પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. સૌ પ્રથમ શ્રાદ્ધ બ્રહ્માએ પિંડદાન મૂકીને કર્યું હતું, જ્યારે મૃત્યુલોકમાં સૌ પ્રથમ શ્રાદ્ધ નેમી રાજાએ પીંડ દાન મુકીને કર્યું હતું. એટલે શ્રાદ્ધનો ઇતિહાસ માનવીના પૃથ્વી પરના અસ્તિત્વથી જ શરૂ થયેલો છે, અને દેવલોક, તેમજ મૃત્યુલોકમાં તેને અનુસરવામાં આવે છે.
આજે પણ લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાનાં પિતૃઓનું શ્રાદ્ધ કરતા જોવા મળે છે. પૂનમથી શરૂ કરીને અમાસ સુધીના આ 16 દિવસનાં સોળ શ્રાદ્ધમાં આપણે ત્યાં મૃત્યુ તિથી પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે છે, અને જે તે વ્યક્તિના મૃત્યુ પછી ત્રીજા વર્ષમાં શ્રાદ્ધ બેસાડવામાં આવે છે. એટલે કે એમને પિતૃમાં ભેળવવામાં આવે છે, અને એની ખાસ કર્મકાંડીય વિધિ કરવામાં આવે છે. એમ તો પૂનમથી અમાસ સુધીના 16 દિવસમાં આપણાં વડવાઓથી શરૂ કરી ઘણા બધા મૃત્યુ પામેલા હોય, છતાં આપણે ત્યાં શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ પણ સુંદર છે, જેને કારણે આપણે એક જ શ્રાદ્ધ કરવું પડે છે. પતિ પત્ની પણ અંતે તો એક જ હોવાથી એમનું પણ એક જ શ્રાદ્ધ કરવામાં આવે છે, સિવાય કે પત્ની પતિ કરતા પહેલાં અવસાન પામે તો એનું અલગ શ્રાદ્ધ કરવું પડે. એકમનું શ્રાદ્ધ કરવાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલે સંતાન મેળવવાની ચાહ રાખનાર લોકો એ દિવસે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ ન હોવા છતાં એકમનું શ્રાદ્ધ કરે છે. જ્યારે અમાસનું શ્રાદ્ધ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે, એવી પણ એક વાત શાસ્ત્રોમાં કરવામાં આવી છે, એટલે જ એને સર્વ પિતૃઓમાં કહેવામાં આવે છે. એટલે કોઈને વાર તિથી યાદ ન હોય તો પણ એ અમાસનું શ્રાદ્ધ કરી શકે, એવી પણ આપણે ત્યાં એક વાત છે.
આપણે ત્યાં શ્રાદ્ધ દરમિયાન કાગવાસ નાખવાની પણ એક પ્રથા છે. કાગડાનું આયુષ્ય 200 વર્ષનું આંકવામાં આવ્યું છે, એટલે કે કાગડાએ આપણા પિતૃઓને જોયા જ હોય, એ રીતે તેને શ્રદ્ધાથી કાગવાસ નાખવામાં આવે છે. આ ઉપરાંત ભાદરવા મહિનામાં જ કાગડી બચ્ચાને જન્મ આપતી હોવાથી, એ રીતે પક્ષીનો વંશવેલો વધે અને એ પ્રજાતિ જીવીત રહે એવું પણ આની પાછળ એક કારણ છે. કાગડાની ચરકમાંથી પીપળો અને વડ જેવા વૃક્ષો ઉત્પન્ન થતા હોય છે, અને પીપળો વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મુક્ત કરતું વૃક્ષ હોવાથી, એ રીતે પણ એ લાભદાયી છે. આ ઉપરાંત પીપળામાં પિતૃઓનો વાસ છે, એવી એક માન્યતા હોવાથી, પીપળે પાણી રેડવાની આપણે ત્યાં પ્રથા છે, અને એને કારણે પણ પીપળાના વૃક્ષ નો વધુને વધુ ઉછેર થાય, અને વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન ભળતો રહે, એ તેનું મુખ્ય કારણ છે. શ્રાદ્ધમાં ગૌગ્રાસની પણ આપણે ત્યાં પરંપરા છે. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાથી, આ રીતે આપણા પિતૃ તર્પણ નિમિત્તે દેવતાઓને પ્રસન્ન કરવાની એક ચેષ્ટા પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગાયના મળમૂત્રથી શરૂ કરીને દૂધ અને દૂધની બનાવટો વગેરેથી આપણે નિરોગી રહી શકીએ છીએ. ભાદરવા મહિનામાં આંકરા તડકા પડતા હોવાથી ગાયુંને ઘાસ વગેરે મળી રહેતું નથી, અને તેથી ગૌ વંશની રક્ષાનું આ વ્રત શ્રાદ્ધ ને દિવસે ગાયને થાળી જમાડવી,એ વાત આ રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડવામાં આવે છે.
શ્રાદ્ધમાં આપણે ત્યાં દૂધપાક અને ખીર વગેરે વ્યંજનો બનાવવામાં આવે છે. સંધિ કાળના આ સમયગાળા દરમિયાન, માનવીય શરીરમાં પિત્તજન્ય રોગોનો વિકાર થવાની પૂર્ણપણે શક્યતા રહેલી છે, અને દૂધ એ પિત્ત માટે સૌથી ઉત્તમ ઔષધી હોવાથી, આ રીતે ભાદરવા પૂનમથી શરૂ કરી શરદપૂર્ણિમા સુધી દૂધનું સેવન કરવાથી, એ આરોગ્ય માટે લાભદાયક બને છે. દૂધપાક કે ખીરમાં સાકર કે ખાંડ ઉમેરવામાં આવે છે અને ગળ્યા પદાર્થો આમ પણ માનવીની માનસિક નબળાઈ હોય છે. મીઠાઈ વગેરે ખાવાથી મન પણ પ્રફુલિત રહે છે, એટલે આ રીતે માનવી પોતાનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
શ્રાદ્ધ ને દિવસે આપણે ત્યાં બ્રહ્મ ભોજન નું પણ મહત્વ છે, પહેલાં આપણે ત્યાં બ્રાહ્મણો કર્મકાંડ સિવાય આર્થિક ઉપાર્જન માટે કોઈ વ્યવસાય કરતા નહીં, એટલે આ રીતે તેમનો જીવન નિર્વાહ ચાલતો રહે, એ માટે થઈને બ્રહ્મ ભોજન કરાવી દાન દક્ષિણા આપવાનો પણ એક મહિમા છે. તો આપણે સૌ પણ આપણી સંસ્કૃતિ પ્રત્યે વધુને વધુ શ્રદ્ધા રાખી આપણા પિતૃના ચરણોમાં શ્રદ્ધા સુમન રાખી આ શ્રાદ્ધ પર્વની ઉજવણી કરીશું, અને પિતૃ ઋણ ઉતારવાની આ રીતે મળતી તક ને અનુસરીને આપણી સંસ્કૃતિ ને સદા જીવંત રાખીએ અને, એમનાં જીવતા જ આપણે આપણાં હ્રદયમાં માતા પિતા તેમજ વડીલો માટે માન સન્માન અને આદરની લાગણી સદા અકબંધ રાખીએ, એટલે એમને પિતૃ યોનીમાં જવું જ ન પડે, અને એકદમ સંતોષથી જીવે અને જાય! સનાતન ધર્મની જય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.