સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- સમાજ દર્શન
"આ બેલ મુઝે માર " જેવી કેનેડાની હાલત થઈ ગઈ છે. કારણકે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે પૂરા 68 હજાર કરોડ રૂપિયા કેનેડા સરકારને મળે છે.
હાલના સમયમાં ચર્ચાનો મુખ્ય કોઈ વિષય હોય તો એ છે ભારત કેનેડા વિવાદ! હમણાં જ ત્યાંના વડાપ્રધાન જસ્ટિન ટુડો એ ત્યાંની સંસદમાં નિવેદન આપ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે, અને એમના આ નિવેદનથી સંબંધોમાં તિરાડ પડી ગઈ. એમણે ત્યાંના રાજદૂતને હાંકી કાઢયાં, અને ભારતે પણ અહીંથી એનાં રાજદૂતને હાંકી કાઢી મુહતોડ જવાબ આપ્યો. આ ઉપરાંત વિઝા પ્રોસેસ પણ બંધ કરી દીધી. આમ જુવો તો "આ બેલ મુઝે માર " જેવી કેનેડા ની હાલત થઈ ગઈ છે. કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે પૂરા 68 હજાર કરોડ રૂપિયા કેનેડા સરકારને મળે છે, જે હવે નહીં મળે. ઘણીવાર વિચાર આવે કે આટલા અધધધ નાણાં બીજા દેશને આપી અને આપણે એનું અર્થ તંત્ર મજબૂત કરીએ છીએ, જોકે શિક્ષણ સિવાય પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારત અધધધ રુપિયા નાખે છે, પણ આજે આપણે એ વિશે વાત નથી કરવી.
ટૂંકમાં ભારત આજે પુરા વિશ્વમાં જુદી જુદી રીતે પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે, વૈજ્ઞાનિક સફળતામાં તો તે આગળ ચાલે જ છે. પરંતુ દુનિયાના બધા જ દેશોની નજર ભારત પર અમુક કારણોસર ટકી રહી છે, અને એમાંના ત્રણ ચાર મુદ્દા ખરેખર બહુ દુર્લભ છે. પ્રથમ તો વિશ્વભરમાં ભારત પાસે સૌથી વધુ યુવા ધન છે, અને જો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ભારત મહાસત્તા પર બહુ ઝડપથી આવી શકે. બીજું અન્ય દેશની સરખામણીમાં ભારત બુદ્ધિ પ્રતિભાનો ઉંચો અંક ધરાવતો દેશ છે, અને એટલે જ અત્યારે વિશ્વમાં અન્ય જગ્યાએ વસેલા ભારતીયો ત્યાના નાગરિકોની આડે આવે છે એવો એક વિખવાદ પણ શરૂ થયો છે અને ક્યાંક ક્યાંક તો ભારતીય વિરોધી ઝુંબેશ પણ ચાલે છે.ઉપર જોયું તેમ તાજેતરમાં જ કેનેડામાં ભારતીયો ઉપર વગર કારણે હુમલાઓ થયા, ત્યાંની સરકાર આની માટે જવાબદાર છે, અને એ બધા કારણોમાં આપણે જવું નથી. પરંતુ મૂળ વાત ભારતીયની બુદ્ધિ પ્રતિભાને કારણે એ લોકો બહુ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે, એ હવે સૌ કોઈને નજરે ચડી ગયું છે.આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના મૂળિયા બહુ મજબૂત છે, અને એમાં ઉછરેલા યુવાનો સંબંધોની ગરિમા અન્ય દેશ કરતા વધુ જાળવી શકે છે, અને એને કારણે પારિવારિક સંબંધો ટકી રહે છે. ભારતમાં કુટુંબ કે પરિવાર પ્રથાને કારણે શારીરિક અને માનસિક તંદુરસ્તી અન્ય દેશની સરખામણીમાં વધુ છે, અને એને કારણે પરિવાર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ બહાર આવે છે. સેવાનો એક અમુલ્ય સંસ્કાર પણ અહીં હજી સુધી જોવા મળે છે, અને સમાજનું દાયિત્વ પણ પ્રમાણમાં સ્વીકારે છે, જેનો દાખલો આપણને કોરોના કાળનો ઈતિહાસ જોતાં સમજાઈ જશે. આ એક સામાન્ય સર્વે છે, અને દરેકનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય એટલે, કોઈને ખોટું પણ લાગે. વિખવાદ વિવાદ તો દરેક જગ્યાએ હોય, પણ અંતે સંબંધની જીત થતી હોય, એવું આપણે ત્યાં બને છે.
આપણી પરિવાર પ્રથા અન્યની સરખામણીમાં વધુ મજબૂત છે, પરંતુ ઉપર કહ્યું તેમ છેલ્લા ચાર પાંચ દાયકામાં તેનું સ્તર નીચું ઊતર્યું છે, અને એના પણ કારણો છે. હમણાં હમણાં એકાદ ગ્રુપમાં બે વિડિયો એવા જોયા કે જે કંઈક અંશે આ સત્યને પુરવાર કરે છે, એક તો કાજલ હિન્દુસ્તાનીનો હતો, કે જે પોતાની તેજાબી વાણી માટે પ્રખ્યાત છે. રાજસ્થાનના સિરોહી ગામમાં પિતાની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી દીધેલી આ સ્ત્રીના મૂળિયા રાષ્ટ્રીય સેવા સંઘ સાથે જોડાયેલા છે, અને એને કારણે એના મનમાં હિંદુત્વવાદી વિચારધારા વહે છે. પરંતુ ગુજરાતના જામનગર ખાતે જ્વલંત શિંગાળા સાથે તેના લગ્ન થયા બાદ એ પરિવારમાં મસ્ત હતી. એના કહેવા પ્રમાણે દિલ્હીની યુનિવર્સિટીમાં "હિન્દુ તેરા કટકે હોંગે" એવા નારા લાગ્યા અને એને થયું કે દેશ તૂટી રહ્યો છે મારે કંઈક કરવું જોઈએ. એણે પોતાની વિચારધારા સોશિયલ મીડિયા પર લખવાનું શરૂ કર્યું, પછી તો પોતાની તેજાબી વાણીથી અમેરીકા સહિત ઘણા દેશોમાં પ્રવચનો પણ કર્યા.
એ વિડિયોની શરૂઆતમાં તો એણે દેશને વિધર્મીઓ દ્વારા તોડવામાં આવી રહ્યો છે, અને આપણા સમાજની બેન દીકરીઓ આ તરફ દુર્લક્ષ સેવે છે, એને સચેત કરી. પરંતુ બીજું એક કારણ કહ્યું જે થોડી ઘણે અંશે સાચું પણ છે, એણે કહ્યું કે આપણા મનોરંજનના માધ્યમ તરીકે સ્વીકારાયેલા ટેલિવિઝનમાં દેખાડાતી એકતા કપૂરની સિરિયલોમાં પરિવાર પ્રથાને એટલી હદે નીચે લઈ જવામાં આવે છે કે, જે ખરેખર નિંદનીય છે. પરંતુ આપણે તેને ઉત્સુકતાથી જોઈએ છીએ, તેનો ટીઆરપી વધારીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક વારંવાર જોવાથી આપણે પણ આવું અનુકરણ કરીએ છીએ. પરિવારના મુખિયા ને પોતાની પત્ની સિવાય ત્રણ ચાર આડા સંબંધો હોય, અને બહુ સ્વાભાવિક રીતે જ એ આડા સંબંધમાં સ્ત્રી પણ આવે જ કે, જે પોતે પણ કોઈની પત્ની છે, મા છે, અને છતાં આવું કંઈ કરતા અચકાતી નથી. એના ભૂતકાળમાં એને અન્યાય થયો એવો વિદ્રોહ પરણ્યાના 15 વર્ષ પછી એકા એક ફાટી નીકળે, અને એમાંથી આવા બધા સંબંધો વકરે! શું ખરેખર ભારતીય મહિલા આટલી નીચે સ્તરે ગઈ છે!; એણે તો બહુ ગંદા શબ્દોનો ઉપયોગ કર્યો, આપણી મર્યાદા છે. પરંતુ વાત વિચારવા જેવી અવશ્ય છે, કારણ કે આપણે જે જોઈએ છીએ એ જ આપણે ક્યાંક ને ક્યાંક અનુસરતા હોઈએ છીએ! તો મનોરંજનને નામે પીરસાતું જે કોઈ કન્ટેન હોય એમાં આપણી સંસ્કૃતિ અને ચરિત્રની શુદ્ધતા હોવી બહુ જરૂરી છે. આ ઉપરાંત દરેક સિરિયલોમાં સ્ત્રીઓ હવે એક હાથમાં દારૂનો ગ્લાસ અને બીજા હાથમાં સિગરેટ લઈને ફરતી જોવા મળે છે! શું ખરેખર આ આપણું કલ્ચર છે! અને માત્ર દારૂ કે સિગરેટ પીવી એ હાનિકારક છે, એટલું લખી દેવાથી આપણી જવાબદારી પૂરી થાય છે? આ બધું કાજલ હિન્દુસ્તાની એ કહ્યું ન્હોતું આ આપણે વિચારવા જેવા પ્રશ્નો છે.
બીજો વિડીયો હતો તથ્ય પટેલના એકસીડન્ટનો. જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે એ ગાડીમાં ત્રણ યુવતીઓ પણ હતી, અને ન્યૂઝ ચેનલની પત્રકાર દ્વારા આપણી આજકાલની આ યુવતીઓ પર પ્રશ્નોનો પ્રહાર થયો હતો. કે ગામડા ગામથી પોતાના માબાપ મજૂરી કરીને શું આ કારણે તમને ભણવા મોકલે છે? તમારી સ્વતંત્રતા પર કોઈ રોકટોક નથી, પરંતુ આવું બેબાક વર્તન કરતાં પહેલા શું તમને એ ઓશિયાળા મોઢા દેખાતા નથી? અમદાવાદ શહેરની હોસ્ટેલોમાં અને એમાં પણ ખાસ કરીને લેડી હોસ્ટેલમાં દારૂ અને સિગરેટ બંને સાવ કોમન થઈ ગયું છે. ગુજરાતમાં દારૂબંધીને તો જાણે સૌ કોઈ ભૂલી જ ગયા છે, અને આરામથી ગમે તેટલી માત્રામાં જોઈતો હોય, એટલો દારૂ અને ડ્રગ્સ બંને ત્યાં આગળ ઉપલબ્ધ થાય છે, અને આ બધું કંઈ નવું નથી, સૌ કોઈ જાણે છે. મોટાભાગના તો ઘરમાં જ રાખતા હોય છે. પણ આપણે એમાં જવું નથી આપણે એ પત્રકારની વાત ને સમર્થન આપવું પડે, કારણ કે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરીને માતા-પિતા પોતાના સંતાનોનું ભવિષ્ય સુધરે એ માટે થઈને એને બહાર હોસ્ટેલમાં ભણવા મૂકતા હોય છે એક યુવતીનો અંદાજે સાવ સામાન્ય પીજી વગેરેનો ખર્ચ અત્યારે 20 થી 25 હજારનો છે, તો આટલી રકમ ઘણા માતા પિતાને પરવડતી પણ નથી, છતાં એ મજૂરી કરી કરીને પોતાની દીકરીનું ભવિષ્ય સુધારવા માંગે છે. એને ક્યાંક સીએ બનાવવા માંગે છે, કોઈને ડોક્ટર, કોઈને એન્જિનિયર, તો કોઈને સાઇન્ટિસ્ટ, બનાવી એને પણ આ મજૂરી વાળી જિંદગી માંથી એક ખુશહાલ જિંદગી આપવાનું એમનું સ્વપ્ન હોય છે, અને એટલે જ તે ઋતુ પ્રમાણે ટાઢ, તડકો, અને વરસાદ, બધું સહન કરી આકરી મહેનત પણ કરતા હોય છે! શું આ બધું જ એ યુવતીઓ શહેરમાં આવતા જ ભૂલી જાય છે? અને તથ્ય જેવા આવા યુવાનોને પડખે ચડી ડ્રગ્સ અને દારૂ જેવા પોતાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખતા વ્યસનો તરફ ઢળી જાય છે, અને ભણવાનું તો સાવ ભૂલી જ જાય છે. નો ડાઉટ !બધા આવા નથી હોતા, પરંતુ માત્રા ભેદે હોય છે તો ખરા જ!: આ બધું જ આપણી સમાજ વ્યવસ્થા ને તોડનારું છે, અને ખાસ કરીને પરિવાર પ્રથા કે જે આપણી આંતરિક શક્તિનું એક બહુ મોટું માધ્યમ છે, એને તોડનાર છે. તો આ બધાથી બચીએ, અને ભારતને મહાસત્તા તરીકે સ્થાપિત કરવા માટે આપણી સંસ્કૃતિ જ આપણને કામ આવશે, આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ આપણી સંસ્કૃતિ જ આપણને મદદગાર થશે, એ બધું જ યાદ રાખીને આવા હલકા મનોરંજન કે અન્ય શહેરી વાત કે વ્યસનને અનુસરવાનું બંધ કરીએ. જય હિન્દ.
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.