Pages

ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2023

જન્માષ્ટમી - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ 

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- જન્માષ્ટમી

મિત્રો- શુભ સવાર


ગોપી સાથેનો અનન્ય સંબંધ અને સોળ હજાર રાણીઓ એ સ્ત્રી દાક્ષિણ્ય છે કોઈ વ્યાભિચારની રમત નથી.

        

આજે જન્માષ્ટમીનો દિવસ છે, ઈષ્ટદેવ હાટકેશ્વર હોવા છતાં, નરસૈયાના વંશજ હોવાને નાતે કૃષ્ણ કામણગારા સાથે પણ એક અનન્ય નાતો જોડાયેલો છે. જન્મો જન્મની પ્રીતથી તેની સંગ જીવ જોડાયેલો છે. આજે આ શ્રાવણિયા અનુષ્ઠાનમાં આપણે પણ આજે કૃષ્ણ જન્મની વાત કરીશું. પ્રિય પાત્ર વિશે વાત કરવાનું હોય એ તકને ઝડપી લેવી એવું વિચારી અને ચિંતનમાં જ એ પ્રસંગ વર્ણવી લઈએ. શિવ મહિમ્ન સ્તોત્રનો આગળનો ભાગ હવે આવતી કાલના આજના ચિંતનમાં આવશે.


      અઢી અક્ષરનો આ પ્રેમ શબ્દ, અને તેની આગળ પણ પરમ લાગે એટલે પરમ પ્રેમ કે અમર પ્રેમની વાત એટલે શ્રી કૃષ્ણનું જીવન વૃતાંત, કૃષ્ણ એટલે પૂર્ણ અવતાર.ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે દ્વાપર યુગમાં તેમનો જન્મ છે તેવા શ્રી કૃષ્ણની લીલા અપરંપાર છે અને આજ સુધી કે લોક માનસે એટલા જ પ્રિય છે. ગોપ ગોપીની અનન્ય પ્રીતની ગાથા એટલે ક્રિષ્ના અવતાર. કૃષ્ણ ચરિત્ર આમ તો અનંત છે, પરંતુ કૃષ્ણ અવતાર ને બુદ્ધિ પ્રમાણે ચાર ચરણમાં વહેંચવામાં આવે છે, 


૧** મથુરાના કારાવાસમાં તેમનો જન્મ,

૨** નંદ-જશોદાને ઘેર ગોકુળમાં તેનો ઉછેર ને

કંસને મારી અને પોતાના જનેતાને મળ્યા.

૩** કૌરવ-પાંડવ વચ્ચેના યુદ્ધમાં મધ્યસ્થી સારથિ બન્યા.

૪**સૌરાષ્ટ્રમાં દ્વારકામાં વસ્યા અને અંતિમ ચરણ ત્યાં લખાયું.


    શ્રાવણ માસની વદ આઠમની મેઘલી રાત્રે કારાવાસમાં કૃષ્ણનો જન્મ છે. દ્વાપર યુગમાં વાસુદેવ અને દેવકીના લગ્ન થાય છે, અને તે બંનેનો રથ હાંકીને દેવકીનો ભાઇ કંસ, એટલે કે ઉગ્રસેનનો પુત્ર જ્યારે રાજ્ય ભણી આવી રહ્યો હતો, ત્યારે આકાશવાણી થાય છે, કે તારી આ બેનના આઠમા પુત્રથી જ તારું મૃત્યુ છે. આકાશવાણી સાંભળી અને કંસ ભયભીત થઇ જાય છે, અને ભગિની પ્રેમ સમાપ્ત થઈ જાય છે. બેન બનેવી બંનેને મથુરાની કારાવાસમાં પુરી દે છે. મૃત્યુનો ડર તેને બહુ જ સતાવે છે, માટે આકાશવાણીમાં આઠમાં સંતાનની વાત હોવા છતાં, પણ તે દરેક બાળકને મારવા કટીબધ્ધ બને છે.વાસુદેવ એટલે શુદ્ધ સત્વનું સ્વરૂપ છે અને દેવકીજી એટલે નિષ્કામ બુદ્ધિ આ બંને નો આઠમું સંતાન એટલે ભગવાન શ્રીકૃષ્ણ. વિષ્ણુએ પૃથ્વી અને અન્ય દેવી-દેવતાઓને એવું વચન આપેલું, કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપા ચાર વધે ત્યારે તે જન્મ લેશે. આમ જુવો તો, ભગવાન વિષ્ણુના 24 અવતારની વાત છે. પરંતુ તેમાં મુખ્ય આઠ અવતાર છે, અને આઠમો આવતાર એટલે શ્રી કૃષ્ણ, તેને પૂર્ણ અવતાર પણ કહેવામાં આવે છે.વાસુદેવ વિચારે છે, કે આ રીતે મારા દરેક પુત્ર મોત ને ઘાટ ઉતરશે તો, આવો વિલાપ દેવકી વાસુદેવ કરતા હતા.


ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. "મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો." અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. "यदा यदा हि धर्मस्य..." આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં! અવતાર ચરિત્ર હોવાથી જ્યારે કારાવાસમાં કૃષ્ણનો જન્મ થાય છે, ત્યારે જેલના ચોકીદાર થી માંડીને બધા જ એ સ્મૃતિ ભુલી જાય છે. વાસુદેવ ટોપલી ની અંદર જન્મેલા તાજા બાળકોને સુવાડી, અને યમુના પાર કરી ગોકુળમાં પોતાના મિત્ર નંદબાવાને ઘેર મૂકી જાય છે.આ રીતે કૃષ્ણનો જન્મ કારાવાસમાં શ્રાવણ મહિનાની વદ આઠમને દિવસે રાત્રે 12:00 વાગ્યે થાય છે.


અને આ દિવસ એટલે વૈષ્ણવ પંથીઓ માટે એક ઉત્સવ બની જાય છે. લોકો તે દિવસે પોતાના ઘરને જ ગોકુળિયું બનાવી સજાવે છે, અને ભગવાનનો જન્મ ધામધૂમથી કરે છે. દરેક લોકો કૃષ્ણ ઉત્સવ મનાવી અને પોતે તે કાળમાં જીવી રહ્યા હોય તેમ જન્મેલા કૃષ્ણ ને એટલે કે લાલજીને ઝૂલામાં ઝુલાવે છે. દૂધ, પંજરી ડ્રાય ફ્રૂટ, અને ફ્રુટ ના પ્રસાદ ઘરે છે, તો બીજે દિવસે ઠાકોરજીને પારણા કરવા માટે અન્નકોટનું પણ આયોજન કરવામાં આવે છે.


       આ રીતે એટલે કે વાસુદેવ ટોપલીમાં લઈને જ્યારે નીકળે છે, ત્યારે આકાશમાં વાદળો ગર્જના કરે છે, અને મુશળધાર વરસાદ શરૂ થાય છે. જમુના નદીમાં પણ પૂર આવે છે, જમુના ના તોફાની નીર ભગવાનના ચરણ પખાળવા માટે એક ઉપર સુધી હિલોળા લેતા હોય છે. આ તોફાન પાર કરી અને વાસુદેવ નિદ્રાધીન અવસ્થામાં યશોદા માના પડખામાં કૃષ્ણને મૂકી અને ચૂપચાપ બહાર નીકળી જાય છે નંદબાવાને ઘેર કોઇ જ વાતની ખોટ ન હતી એક શેર માટીની ખોટ એટલે કે સંતાન ન હતું. નંદ યશોદા સંતાન પ્રાપ્ત કરીને બહુ જ ખુશ થાય છે.

 નંદબાબા ગોકુળ ના મુખિયા હતા, પુષ્કળ ગાયો નુ ધન તેની પાસે હતું. ગોકુળમાં પશુપાલન નો એટલે કે ગાય ઉછેર નો મુખ્ય વ્યવસાય એ સમયે હતો અને દરેક ગ્વાલા પોતાની ગાયનું દૂધ દહીં ને માખણ મથુરા વેચવા માટે જતા હતા. ખાસ કરીને ગોપીઓ માથે મટુકીમાં દહીં દૂધ ભરી અને મથુરા કેડે થી પસાર થતી અને એ કૃષ્ણ કામણગારો એની મટકી ફોડી અને દૂધ ઢોળી નાખતો. ગોકુળની બધી જ ગોપીઓનો તે દુલારો એટલે કે પ્રિય હતો. દરેકનો તેની સાથેનો એક અનન્ય સંબંધ હતો જે સંસારથી કરે એટલે કે પરમ પ્રેમના નાતે ગોપીઓ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી હતી. બાળ અવતાર લીલાઓ સ્વરૂપે કૃષ્ણ ગોકુળમાં ખૂબ જ લીલાઓ કરી કંસને જ્યારે એવી જાણ થઈ કે ગોકુળમાં નંદ બાબાને ઘેર એક ચમત્કારિક બાળક જન્મ્યું છે, અને તે ખૂબ જ શક્તિશાળી છે. આથી તેને મારવા માટે કંસે પૂતના શકરાસુર વ્યોમાસુર તૃણાવર્ત વગેરે રાક્ષસોને મોકલ્યાં .પરંતુ તે બધાને મોતને ઘાટ ઉતારી અને શ્રીકૃષ્ણ અને તેની પર વિજય પ્રાપ્ત કર્યો તો જમના જળમાં આવીને વસી ગયેલા એ કાળીનાગને પણ તેણે નાથ્યો. નરસિંહ મહેતાનું પ્રસિદ્ધ પદ જળ કમળ છાંડી જાને બાળા તે આ પ્રસંગનું અદભુત વર્ણન કરનારુ છે.તે પછી રાધા સાથેની પરમ પ્રેમની લીલા પણ ગોકુલ વૃંદાવન અને બરસાનાને જોડતી અસંખ્ય લીલાઓ પણ કરી. મથુરામાં દ્વંદ યુદ્ધમાં અખાડામાં ભયંકર મોટા મલ્લ ને હરાવી અને રાજા કંસને પણ તેણે માર્યા. પોતાના માતા-પિતાને કારાવાસમાંથી છોડાવ્યા અને રાજા ઉગ્રસેનને પણ પોતાનું રાજ્ય સુપ્રત કર્યુ.


શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ "ચાણુર" કામનું પ્રતીક છે અને "મુષ્ટિક" એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ "કુવલયાપીડ" હાથી એ અભિમાનનું પ્રતીક છે.


 પછી સાંદિપની ઋષિના આશ્રમમાં બલરામ સાથે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. અહીં તેમને ઘણા મિત્રો બન્યાં ,જેમા સુદામા સાથે તેમની મુલાકાત થઈ. અહીં પણ ઘણી બધી લીલાઓ આવે છે અને ઋષિ પાસેથી ઘણી વિદ્યાઓ પણ પ્રાપ્ત કરે છે. ઋષિના પુત્રને દરિયા તળેથી પાછો લાવી જીવતો કરવાની લીલા પણ આ ગાળા દરમિયાન જ બને છે.


   મહાભારત એ ભગવાન વેદવ્યાસ રચિત એક મહાકાવ્ય છે, અને તે શ્રી ગણેશજીના હાથે લખાયેલું છે. મહાભારત ને શ્રીકૃષ્ણ અવતારમાં મુખ્ય ભાગ માનવામાં આવે છે. શાંતનુ રાજા ગંગાથી આઠ પુત્રોને પ્રાપ્ત કરે છે, અને ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવે છે,જ્યારે આઠમા પુત્રનું પણ આ રીતે વિસર્જન કરતી હતી, ત્યારે રાજા શાંતનુ તેને રોકે છે, અને એ પુત્રનો દેવ વ્રત તરીકે ઉછેર કરે છે, જેને આપણે પિતામહ ભીષ્મ ના નામે ઓળખીએ છીએ, પછી રાજા સત્યવતી નામની એક માછીમાર રાજાની પુત્રી સાથે લગ્ન કરે છે, અને માછીમાર રાજા પોતાની પુત્રી થી થતા સંતાનને જ રાજગાદી મળશે, એવું વચન લઇ લે છે, અને આ જ વાર્તા આગળ ચાલતા એમાંથી મહાભારત નો જન્મ થાય છે. એટલે કે ધૂતરાષ્ટ્રને પાંડુ બે સગા ભાઇઓ હોય છે, પરંતુ ધૃતરાષ્ટ્ર અંધ હોય છે, અને તેની પત્ની તેની અંધતા થી પ્રેરાઈને પોતે પણ આંખે પાટા બાંધી દે છે. અને તેમને સો પુત્રો થયા, જે પાછળથી કૌરવોને નામે પ્રસિદ્ધ થયા. આ એક સૌથી મોટી ભૂલ હતી, કે પતિ દેખતો ન હોય તો સ્ત્રીએ એટલે કે તેની જીવન સાથી એ પોતે જોઈને તેનું જીવન દર્શન કરાવવું જોઈએ. પણ પોતે પણ તેની સાથે મોહમાયા વશ કે આદર્શ પત્ની બનવા અંધ બની, અને પોતાના પુત્રોની મમતા ને કારણે આગળ જતાં ઘણું સહન કરવું પડ્યું. પાંડુ રાજાને બે પત્ની હતી, કુંતી અને માદ્રી અને તેના અનુક્રમે પાંચ પુત્રો હતા યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ.

  

        ધુતરાષ્ટ્રના એટલે કે સો કૌરવ અને પાંડુ રાજા ના પાંચ પુત્રો એટલે કે પાંડવ, આ પિતરાઇ ભાઇઓના રાજ્ય સત્તા ને કારણે અંદર અંદર માં વિખવાદ ની અને કુરુક્ષેત્રના યુદ્ધ ની વાત એટલે મહાભારત. શ્રી કૃષ્ણ પાંડવ ના પક્ષે રહી અને અર્જુનના સારથિ બન્યા હતા. તેમણે આ યુદ્ધના થાય તેની માટે અનેક પ્રયત્નો કર્યા. યુદ્ધના મેદાનમાં જ્યારે કૌરવના અધિપતિ એવા દુર્યોધનને પૂછવામાં આવ્યું કે સામે કોણ છે, ત્યારે તેણે ઉત્તર આપ્યો હતો કે દુશ્મન અને આ જ પ્રશ્ન જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું હતું કે સામે મારા ભાઈઓ છે. બસ માત્ર આટલી જ વિચારસરણીના ભેદ ને કારણે મહાભારતની રચના થઈ. અર્જુન જ્યારે યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને રણમેદાનમાં જે સંદેશો આપે છે, તેને આપણે ભગવદગીતા તરીકે ઓળખીએ છીએ. હિંદુ સનાતન ધારાનો એ પાછળથી મુખ્ય ગ્રંથ બન્યો. જેમાં ભગવાન પોતાના મુખે ખૂબ જ સારો ઉપદેશ આપે છે, અને પોતે શેમા શેમા વાસ કરે છે, તે પણ સ્પષ્ટ તેના લખ્યું છે. દ્રૌપદી દ્રુપદ દેશના રાજાની પુત્રી જે સ્વયંવરમાં અર્જુને વરી હતી. તે દ્રૌપદીનું દુર્યોધનને અંધનો પુત્ર અંધ એવા એક કટુ વાક્ય ના પ્રયોગથી, પણ કહેવાય છે આ કુરુક્ષેત્રના યુદ્ધ સુધી વાત પહોંચી. હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ આ બંને રાજ્યોની રચના અને પ્રજાની રહેણી કરણી સંસ્કૃતિ બધું જ મહાભારતમાં આવે છે. મહાભારતનું એક બીજું પ્રિય પાત્ર એટલે કર્ણ તેના વગર મહાભારતની કથા અધૂરી છે. માતા કુંતીને કુમારી અવસ્થામાં જ સૂર્ય દ્વારા પુત્ર પ્રાપ્ત થાય છે, અને તે કર્ણ, કર્ણ ખૂબ જ પ્રતિભાવાન વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધરાવનાર નો ઉછેર રાધા નામની એક સ્ત્રીના હાથે થયો.


       યાદવ વંશના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો ઉત્તરાર્ધમાં દ્વારકામાં વિતાવે છે. રુક્ષ્મણી સહિત આઠ પટરાણીઓ સાથે તે દ્વારકામાં વસે છે, અને દ્વારકા એ એ સમયે સોનાની બતાવાઈ છે. યાદવોના અંદરોઅંદરના કુસંપ અને વ્યાભિચાર ભર્યું જીવન એ તેના નાશનું કારણ બન્યું. 129 વર્ષનું આયુષ્ય તેમનું રહ્યું પણ‌ !ટૂંકમાં કહીએ તો ધર્મના સંસ્થાપક, એવા શ્રી કૃષ્ણ પોતાની જિંદગીમાં એટલે કે પરિવારમાં ધર્મનું સંસ્થાપન કરવા અસમર્થ રહ્યાં. એવી તેમની લાગણીને, કારણે તેઓએ ઉત્તરાર્ધના થોડાક વર્ષો હતાશામાં ગાળ્યા. સોમનાથ પાસે આવેલા ભાલકા તીર્થ ખાતે તેમનું દેહાંત દર્શાવાયું છે. એક વ્યાધ એટલે કે શિકારીનુ તીર પગમાં વાગવાથી તેમનું મૃત્યુ થયું. એટલે આમ જુઓ તો અવતાર ચરિત્રનો અંત આવ્યો, એવું કહી શકાય કારણકે ઈશ્વરને જન્મ મૃત્યુ હોતા નથી.



   શ્રી કૃષ્ણ એટલે શ્રીકૃષ્ણ એની કોઈ જ સાથે સરખામણી થાય નહીં. બીજા બધા તો શક્ય જ નથી પરંતુ અવતાર તરીકેની વાત કરીએ તો, એની આગળના આવતાર તરીકે આવેલા પ્રભુ શ્રીરામ સાથે પણ તેની સરખામણી થાય નહીં, અને એટલે જ આપણે ત્યાં કૃષ્ણમ વંદે જગતગુરુ એવી એક ઉકિત પણ છે. આજકાલ સોશિયલ મીડિયા પર આપણા ભગવાનને નીચા અને ઉણા ઉતરતા વિડીયો મેસેજો બહુ જ ફરે છે એટલે થોડા સાવધાન રહેવું. પ્રભુ શ્રીરામને આપણે ત્યાં મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે, અને દ્વાપરના શ્રીકૃષ્ણને પૂર્ણા આવતાર! દેખીતી રીતે બંનેની લીલાઓને એક સામાન્ય માનવીની નજરથી જોવામાં આવે તો, આપણને એમ લાગે કે ભગવાન શ્રીકૃષ્ણએ એવું ઘણું ઘણું કર્યું છે, જે ભગવાન રામે નહોતું કર્યું! આ કાળની અવધીને કારણે આ ભેદ છે. ત્રેતા યુગમાં લોકોની માનસિકતા જુદી હતી, અને ત્યારે અવતાર તરીકે જન્મેલા ઈશ્વરને પણ એ જ માનસિકતા પ્રમાણે લીલા કરવી ઘટે!: જ્યારે દ્વાપરમાં સમય બદલાઈ ગયો હતો અને એ સમયે જે ઉચિત હતું, એ અવતાર પુરુષ દ્વારા લીલા રૂપે થયું. ભગવાન શ્રી રામ સત્યને અનુસર્યા કારણકે એ સમય વ્યક્તિગત સત્યના અનુસરણનો હતો જ્યારે શ્રીકૃષ્ણ પરમ સત્યને અનુસર્યા કારણકે એ સમય ધર્મની સ્થાપના કરવા માટે ચોક્કસ સમૂહનું હિત જોવાનું હતું. શ્રી કૃષ્ણ ચરિત્ર સામે આંગળી ચીંધનારા ઘણા છે, પરંતુ તેનો ગોકુળની ગોપીઓ સાથેનો સંબંધ અને આઠ પટરાણી હોવા છતાં સોળ હજાર રાણીઓ ધરાવતા હતાં, એ વિશેનો વિવાદ સૌ કોઈ ઉખેડે, અને એના ચરિત્રને નિમ્ન બતાવે! પરંતુ એ સમયે જેમ ગુલામોની મંડી ભરાતી, બસ બિલકુલ એ જ રીતે સ્ત્રીઓની મંડી પણ ભરાતી. આપણે સૌ જાણીએ છીએ કે દ્રૌપદી ને પણ દાવમાં મુકવામાં આવી હતી. જે બિલકુલ યોગ્ય નહોતું, પણ એ સમય એવો હતો, અને ત્યારે આવુ બધુ સહજ હશે! કારણકે પિતામહ ભીષ્મથી શરુ કરીને કોઈ વડીલએ વિરોધ નોંધાવ્યો નથી. રાજા રાજ્ય જીતે ત્યારે રાજ્યની તમામ સ્ત્રીઓ પર એનો પ્રથમ હક્ક રહેતો અને એટલે જ જોહરની પ્રથા હતી,સતી થઈ જવાની પ્રથા હતી! અને ત્યારે આટલી મોટી સંખ્યામાં રાજાએ બંદી બનાવેલી સ્ત્રી સાથે વ્યાભિચાર ન થાય માત્ર એ જ હેતુથી શ્રીકૃષ્ણ એ એને પોતાનું નામ આપ્યું! આ સ્ત્રી દાક્ષિણ્ય છે કોઈ વ્યાભિચારની રમત નથી. પણ આમ શ્રીકૃષ્ણના ચરિત્ર ને આપણે જાણી ન શકીએ! કદાચ જાણકારી મળે! પણ એને સમર્પિત કોઈ ભક્તનાં હ્રદયથી એને જોવામાં આવે તો અને તો જ એ ચરિત્ર આપણને સમજાય! એ સમય કરતાં આપણે આજે ક્યાંય આગળ નીકળી ગયા છીએ! અને શું નથી એમ કહી શકાય! પણ પ્રેમ ઘટતો જાય છે અને એટલે જીવનનો થાક લાગે છે. બસ એની જેમ પરમ પ્રેમથી સૌને સ્વીકારીએ તો કદાચ આપણાં જીવનમાં એ રસ ઘોળાય જે ગોપીએ ચાખ્યો હતો. આ જન્માષ્ટમીએ, પ્રેમ કર પ્રેમ કર મોરના એ પીચ્છધર ! એ રીતે શ્રીકૃષ્ણ ને મૂલવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન.


        લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.