Pages

શનિવાર, 28 ઑક્ટોબર, 2023

લેશન - વ્યાસ વાણી

આજની ગઝલ - લેશન

કવિનું નામ : વ્યાસ વાણી



રોજ દફતરમાં નવું ઠલવાય લેશન,

રોજનું કયાં રોજ પૂરું થાય લેશન.


કોણ જાણે કેટલું કરવાનું થાશે!

ટેરવામાં આખરે ગંઠાય લેશન.


સાત પુસ્તક એટલું સમજે નહીં કે,

એક મસ્તક,આટલું સમજાય લેશન?


પેન પેન્સિલ નોટબૂક તો ઠીક છે પણ, 

બાળપણ સાથે રમતને ખાય લેશન. 


થાય કે બાળક મટી ને sir બનું તો,

મારા માથે તો નહીં અંકાય લેશન. 


રાખવાની કાળજી બસ એટલી કે,

આપણાથી આપણું વંચાય લેશન.


સૌ કરે, કરતા રહે, કરવું પડે પણ,

ખૂબ ઓછાનું જગે પંકાય લેશન.


હું નથી કર્તાની સમજણથી કરું તો,

એક પળમાં કેડો છોડી જાય લેશન.


"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" ખાતરી આપું છું કે આ રચના મારું પોતાનું મૌલિક સર્જન છે.એ જો કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલાનો તમારો અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.