Pages

શનિવાર, 28 ઑક્ટોબર, 2023

શરદપૂર્ણિમાનું સાચું મહાત્મ્ય જાણી એને ઉજવીએ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક-પ્રાસંગિક


ચાંદો ઊગ્યો ચોકમાં સખી... શરદપૂર્ણિમાનું સાચું મહાત્મ્ય જાણી એને ઉજવીએ


 આજે આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂર્ણિમાનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં જેમ સૂર્યનું મહત્વ છે, એ જ રીતે ચંદ્રનું પણ ખૂબ મહત્વ છે, અને આપણે ત્યાં વિવિધ પૂનમો વિવિધ રીતે તેના મહાત્મ્ય સાથે ઉજવવામાં આવે છે, કારતક સુદ પૂનમને દેવ દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે, પોષ મહિનાની પૂનમ પોષી પૂનમ તરીકે જાણીતી છે,એ દિવસે ગીરનારની અંબાનો પ્રાકટ્ય દિવસ છે. ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી ના તહેવાર તરીકે ઉજવાય છે. ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એ જ રીતે વડ સાવિત્રી, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન વગેરે તહેવારો પણ પૂનમ અંતર્ગત ઉજવવામાં આવે છે. પરંતુ શરદ પૂનમની રાતને વિશેષ મહત્વ આપવામાં આવે છે, અને ખાસ કરીને આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી ના મહારાસના આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા ને દર્શન થયા હતા અને ત્યારથી રાસ રમવામાં આવે છે. 


   આ ઉપરાંત આ ઋતુ પ્રાકૃતિક રીતે પણ ખૂબજ ઉત્તમ માનવામાં આવે છે. શરદપૂર્ણિમાના તહેવારે લોકો શીતળ ચાંદની માણે તો ઘણા બધા રોગનું નિવારણ પણ થાય છે. શરદની શીતળ ચાંદનીમાં રાખેલા દૂધપાક કે ખીર ખાવાથી પિત્તનું શમન થાય છે, અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. આમ તો બધા જ પૂનમના દિવસે ચંદ્રમા પોતાના અજવાળા પૃથ્વી પર પાથરે છે, સૂર્ય અને ચંદ્રમા તફાવત એ છે કે સૂર્ય એકધારો હોય છે, જ્યારે ચંદ્ર તેની કળામાં વધઘટ કરીને પ્રકાશતો જોવા મળે છે, અને તેથી પૂનમનું વિશેષ મહત્વ હોય છે. કારણ કે પુનમને દિવસે સોળ કળાએ ખીલેલો ચંદ્ર જોવા મળે છે.


  શરદપૂર્ણિમાની રાત્રે રાસ રમવાનું પણ એક વિશેષ કારણ આપણે ઉપર જોયું તેમ નરસૈયા એ જ્યારે ગોપનાથનાં ગોપીનાથ મહાદેવમાં ભગવાન આશુતોષ ધ્યાન ધર્યું, અને ખૂબ આકરી ત્રણ દિવસની તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન પ્રસન્ન થયા, અને તેમણે નરસૈંયાને શ્રીકૃષ્ણ રચિત મહારાસના દર્શન કરાવ્યાં. મહારાસની આપણે ત્યાં એક પરિકલ્પના છે, કે વૃંદાવનમાં ગોપીઓ ને કાન રાધા સાથે જ રાસ રમે છે, એવી એક સૌથી મોટી ફરિયાદ હતી, અને ભગવાન કૃષ્ણ એક એક કાન્હને એક એક ગોપી એવો મહારાસ રમ્યા હતાં, એટલે કે દરેક ગોપી સાથે એક એક કાન્હ સ્વરૂપ રાસ રમતું હતું. આ દર્શન જોવા માટે દેવતાઓ પણ વિહ્વળ બનતાં. ભગવાન શંકર પણ ગોપી વેશ ધારણ કરી અને આ મહારાસ જોવા ગયા હતાં, કારણકે સ્ત્રી સિવાય કોઈ પણ પ્રવેશી શકે નહીં,અને કહેવાય છે કે નરસિંહ મહેતા આ મહારાસ જોવામાં એવા તલ્લીન થઇ ગયા કે, તેના હાથમાં પકડેલી મસાલાથી તેમનો હાથ પણ સળગી ગયો, છતાં એ તલ્લીનતા નો ભંગ ન થયો. એ દિવસથી નરસિંહના જીવનમાં રાધાકૃષ્ણના એ અમર પ્રેમની પરમ ભક્તિનું બીજ અંકુરિત થયું અને નરસિંહની ચેતના વૃંદાવનમાં જ વસી ગઈ, અને શ્યામ સંગ એણે વ્રજવનિતા બની ખૂબ પ્રણય રાગ આલાપ્યો. ભક્ત અને ભગવાન વચ્ચેના અમર તથા પરમ પ્રેમનો સંબંધ અહીં જોવા મળે છે. આજે આપણે કવિતા અને છંદના બંધારણ જાણતા થયાં, પરંતુ નરસિંહની એકોએક રચના મોટેભાગે છંદમાં જોવા મળે છે, અને તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવે છે. પ્રેમ હોય ત્યાં અછાંદસ એટલે લય વગરનું કંઈ હોય જ નહિ, બધું જ વ્યવસ્થિત અને છંદ એટલે કે સુમેળ ભર્યું હોય. નાગર નરસિહ એ ખૂબ બધા પદ ગુજરાતી સાહિત્યને આપ્યા છે, અને ગુજરાતી સાહિત્યનું ગૌરવ વધારનારા આ પદ વાંચનારના મનમાં પણ અમુક પ્રકારની હલચલ ઊભી કરે છે. જેમ કે, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે!!, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે!, પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, હરિના જન તો મુક્તિ ન માગે માગે જનમોજનમ અવતાર રે, જે ગમે જગત ગુરૂદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, સુખ-દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં રઘુનાથનાં જડિયાં, અને વાંચકને વૈશ્નવ બનાવતી વૈશ્નવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, આવી તો કેટલીયે રચના કે જે આપણને અંતરતમ જગાડવા માટે પર્યાપ્ત છે. આ ઉપરાંત નરસિંહ મહેતાએ શૃંગારના પદ લખી અને લોકને ચકિત કરી દીધું છે, એટલે કે ભક્તિની પરાકાષ્ઠાએ જીવ ઈશ્વરની પ્રિયતમા પણ બની શકે, અને તેની પર પોતાનો સંપૂર્ણ અધિકાર પણ જમાવી શકે, તેને પ્રશ્નાર્થ પણ કરી શકે, તેને ફરિયાદ પણ કરી શકે, અને હક પણ જતાવી શકે. આ જીવ એ પણ માનસ નાગર કથા વખતે નરસિંહ ને વાંચ્યા, જાણ્યા ને માણ્યા ત્યારથી નરસૈયાની નજરથી જ કૃષ્ણ ને જોયો છે, આલેખ્યો છે, અને થોડોઘણો આત્મસાત પણ કર્યો છે,એ બધી નરસિહની કૃપાનું પરિણામ છે.


  કહેવાય છે કે મહારાસના દર્શન કર્યા પછી નાગર નરસૈયા એ નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, આ રાસની રચના કરી, અને પોતાના મનોભાવનું આબેહૂબ વર્ણન કર્યું. નથડી એટલે કે તેનું ચિત્ત મહારાસના દર્શન પછી ખોવાઈ ગયું, એવી ભૂમિકા પર આ રાસની રચના થઈ છે. તો મહારાસ સાથે એક બીજી દંતકથા પણ જોડાયેલી છે. રાધા સંગે મહારાસ રમ્યા પછી ભગવાન કૃષ્ણ રાધાજી ને પૂછે છે કે, મહારાસમાં મજા આવી? એટલે રાધાજી હા પાડે છે, અને કહે છે કે મને તમારા ખભે બેસાડો, હુ સમગ્ર સૃષ્ટિને અહીંથી જોવા માંગું છું. ભગવાને કોઈપણ આનાકાની કર્યા વગર રાધાજીને ખભે બેસાડ્યા, એટલે સહજ રીતેજ રાધાને અહંકાર આવ્યો કે મારી વગર કૃષ્ણ તત્વ અધૂરું છે. ભગવાન આ વાત જાણી જાય છે, અને ફરતાં ફરતાં એક ઝાડ નીચેથી પસાર થાય છે, ત્યાં રાધાને ડાળી પકડવાનું કહે છે, અને રાધાજી ડાળી પકડે છે, એટલે પોતે ત્યાંથી ચાલ્યા જાય છે. આમ ભક્તમાં જ્યારે જ્યારે અભિમાન આવે ત્યારે, ભગવાન તેને લટકતા છોડી અને ચાલ્યા જાય છે, એવી પણ એક વાત આની સાથે જોડાયેલી છે.


  શરદપૂનમથી વર્ષાઋતુની વિદાય થાય છે, અને હેમંતના પગરણ મંડાય છે, એટલે કે શિયાળાની શરૂઆત થાય છે. પૂનમનો ચાંદ એ માનવીય મનને પ્રભાવિત કરનાર છે. કારણકે મન ચંદ્રની કળાઓ સાથે જોડાયેલું હોય છે, અને તેથી જ તેમાં ખુશી અને ઉદાસી એટલે કે ચડતી કળા અને ઉતરતી કળા જેવા ભાવ સતત જોવા મળે છે. સાગર પણ ચંદ્રમાનું પૂર્ણ તેજસ્વી સ્વરૂપ જોઈને ગાન્ડોતૂર થાય છે, અને તેથી પૂનમે આપણે ત્યાં ભરતી અને અમાસે ઓટ હોય છે. આ ઉપરાંત આપણે ત્યાં જેના ચરિત્ર પૂર્ણ હોય તેના નામ પાછળ ચંદ્ર લગાડવાની પણ એક પ્રથા છે. કૃષ્ણ ચંદ્ર રામચંદ્ર વગેરે નામ આપણે તેનું ચરિત્ર પૂર્ણ છે, એવું બતાવવા માટે કરતા હોઈએ છીએ. ભગવાન શંકરે પણ પોતાના ભાલમાં ચંદ્રને સ્થાન આપ્યું છે, એટલે કોઈ ખાસ ઉપલબ્ધિ માટે આપણે ત્યાં ચંદ્રને સ્વીકારવામાં આવ્યો છે. વનસ્પતિ અને અન્ય જનજીવન પણ ચંદ્રના પ્રકાશથી પ્રભાવિત છે, અને કેટલી પ્રકારની વનસ્પતિઓ પૂનમની ચાંદનીમાં અમૃત મેળવે છે, અને આ વનસ્પતિનો ઓષધી તરીકે ઉપયોગ કરવાથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. પક્ષી અને પ્રાણીની અમુક પ્રજાતિઓ માટે પૂનમનો દિવસ પ્રજનન કાળ તરીકે પણ પ્રચલિત છે. ટૂંકમાં કામ ભાવની વૃદ્ધિ કરનાર આ પુનમને દિવસે મન કાબૂમાં રહે, એ માટે જ મહારાસ એટલે કે આત્મા-પરમાત્મા અને પ્રકૃતિ ત્રણે ના મિલનનો સંયોગ એટલે કે શરદ પૂર્ણિમાની રાતનો મહારાસ છે, જ્યાં જીવ પ્રકૃતિ સાથે પરમ તત્વમાં તલ્લીન થઇ જાય છે, એટલે કે સ્વયંની જે પ્રકૃતિ હોય તે ભૂલીને કૃષ્ણ તત્વમાં સમાય જાય છે,એ મહારાસ હશે જ એવો કે જ્યાં સૌ કોઈ ભાન ભૂલી જાય, એટલે જ તો નરસૈયો પણ ભાન ભૂલી જાય છે, અને હાથ સળગી જાય છે.માત્ર સ્થૂળ રીતે એ ઘટનાને ન જોતાં, સૂક્ષ્મ રીતે જોઈએ તો નરસિંહ મહેતાએ દેહ ને સળગાવ્યા પછીની મૃત્યુ પછીની મુક્તિની અવસ્થાનો જીવતા આનંદ લીધો, એવું પણ આપણે કહી શકીએ. આપણે તો ગમે ત્યાંથી ત્યાં જ પહોંચવાનું છે, એટલે કે જીવન મુક્ત અવસ્થા સુધી ગતિ કરવાની છે. મારુ મારુ કરવાથી ક્યારેય આ કક્ષા સુધી પહોંચી શકાય નહિ, માટે પ્રથમ તો મારો અહમ એટલે કે હું પણું, પછી મારા મારા એમ પોતાના સંબંધો, વસ્તુઓ આગ્રહો, અને મમતાને નામે જે મેલ ભર્યો છે, અને ગોપી ઓનાં વસ્ત્રો પડતા પણ દેખાડ્યા છે, એટલે કે સ્ત્રી લીંગ ,પુ લીંગની આપણી માનસિકતા એ બધું જ છૂટે તો જ, આ મહારાસ એટલે કે જીવન મુક્તિ ના રાસમાં પ્રવેશ મળે. આપણામાં આ પ્રકારની જાગૃતિ વહેલામાં વહેલી તકે આવે, અને સમયની હવે પછીની એક પણ ક્ષણ બગડે નહીં, તો આ શરદનો આ મહારાસ આપણે પણ માણી શકીએ. 


       લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.