આવો દર્શન કરીએ - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 21 ઑક્ટોબર, 2023

આવો દર્શન કરીએ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ.

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- આવો દર્શન કરીએ


સપ્તમીએ પ્રગટ થયેલા મા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા અને ચોટીલાની ચંડી ચામુંડા


 સુખનાં દિવસો ઝટ વિતે એમ આસો નવરાત્રીનો સાતમો દિવસ આવી ગયો મંદિરોમાં અને ઘરે ઘરે વિશ્વંભરી તથા જય આધ્યશક્તિના ગુંજ વધુ ને વધુ સંભળાવા લાગ્યાં છે. લોકમાનસમાં મા આદ્ય શક્તિની ભક્તિ ભરપૂર દેખાઈ રહી છે, ચોમેર આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું છે. ગરબામાં દીપ પ્રગટાવવો એ એક સ્થૂળ વાત છે, પરંતુ ઘટ એટલે કે શરીરમાં પણ આત્મદીપના અજવાળા કરવાનાં છે, નિર્મળ ભક્તિ-ભાવનાનું ઈંધણ પૂરી તેને પ્રકાશિત રાખવાનો છે. નવરાત્રીની સપ્તમીએ નવદુર્ગાના માતા કાલરાત્રિ સ્વરૂપની પૂજા આરાધનાનો દિવસ છે. આપણે ત્યાં નવરાત્રીમાં દેવી દર્શન નો પણ ખૂબ મહિમા ગવાયો છે અને સાધક ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા તીર્થમાં આવેલ મંદિરોના દર્શને પણ જાય છે, અને તેથી જ હિન્દુ સનાતન ધર્મમાં પૌરાણિક મંદિરોનું એક આગવું સ્થાન છે, અને એને આપણે તીર્થ કહેતા હોઈએ છીએ, જપ સાથે જે મુસાફરી થાય‌ એને જાત્રા એવું પણ કહેવામાં આવે છે. 


         સાતમા દિવસે શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ સ્વરૂપ કાળનો નાશ કરનાર છે, એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે એની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર કપાળની વચ્ચે સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકનું ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે. આ માતા દેખાવમાં ભયંકર અને અસુર કુળનો સંહાર કરનારી છે. છુટ્ટા વાળ, કાળો વાન, ગળામાં વીજળી જેવી ચમકતી માળા, અને હાથમાં ખપ્પર ધારણ કરનારી આ માતા દેખાવમાં જેટલી ભયંકર છે તેટલી જ મંગલકારી પણ છે.આપણે આજે આવા જ બે માતાનાં મંદિર વિશે આવો દર્શન કરીએ માં વાત કરીશું. પાવાગઢની મહાકાળી, અને ચોટીલાની ચામુંડા માતાજીની.


      પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તેમજ આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે, આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની મહત્વની શક્તિપીઠોમાં થાય છે, અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.


    વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકા માતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ, તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીએ ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ ને ભયંકર સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો, કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતઇ રાજા જયસિંહને મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું, અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.


   ચામુંડા , હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે. ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.


   સદીઓ પહેલાં શુંમ્ભ ને નિશુંભ ધરતી પર અત્યાચાર ફેલાવ્યો હતો, અને દેવતાઓ વામણા સાબિત થતાં જતાં હતાં, તેને કોઈ જીતી શકતો ન હતો અને દિવસે ને દિવસે અત્યાચાર વધતો હતો.આથી દેવતાઓ આદ્યશક્તિની આરાધના કરે છે, અને માતાજી તેને વરદાન આપે છે. કૌશિકી માતા સ્વરૂપે પોતે જન્મ લેશે, અને દેવતા તથા માનવોની રક્ષા કરી, આ સમસ્યાનો હલ કરશે. કૌશિકી મા સાથે લગ્ન કરવા શુમ્ભ ને નિશુંભ ઉતાવળાં થાય છે. પરંતુ માતા એવી શરત રાખે છે કે જે કોઈ તેને યુદ્ધમાં હરાવશે તેની સાથે તે લગ્ન કરશે,અને આ સાંભળી ને બંને ગુસ્સે થઈ ચંડ મુંડ કૌશિકીને તેને વાળ ખેંચી લાવવા કહે છે.માતા કૌશિકી તેનો વધ કરવા આક્રમક રુપ ધારણ કરે છે, એથી તે ચામુંડા અથવા ચંડી ચામુંડા એવું નામથી ઓળખાય છે.


      માતા કાલરાત્રિ હોય કે સિદ્ધિ દાત્રી, મા તો મા છે, અને જે સદા કોઈ ને કોઈ રીતે પોતાના બાળકનું કે સંતાનનું ભલું જ કરે છે.આસો નવરાત્રીની આવી જ એક રાત્રી એ એટલે કે ૧૯૬૮ની એ સપ્તમીની રાત્રી એ બાર વાગ્યે એક નાગર કન્યાનો જન્મ થયો‌ હતો, તેને આજે આપ સૌ સદગુરુ કૃપાથી આજનાં ચિંતનની લેખિકા તરીકે ઓળખો છો, અને એનું કારણ પણ કદાચ મા આદ્ય શક્તિની અહેતું આરાધના જ છે. માતાને કોઈ જ મોટી મોટી સાધનાની જરૂર નથી, નથી પૂજા પદ્ધતિની જરૂર, કે લાંબા લાંબા કર્મકાંડો કરવાની જરૂર નથી, યજ્ઞ હોમ હવન બધું જ જીવ પોતે પોતાની પવિત્રતા માટે જ કરે છે, માતા તો પોતે પવિત્ર જ છે. દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ માતાને બાળકનો ગણાયો છે, અને કોઇપણ સંજોગો હોય માતા પોતાના બાળકનાં હિતનું વિચારે છે. માતા પોતાના બાળકને પરેશાન જોઈ નથી શકતી. આપણાં જીવનમાં વધુ સુખ શાંતિ આવે એટલે ક્યારેક મા પોતાનું સ્વરૂપ ઉગ્ર કરે તો પણ એ આપણાં ભલા માટે જ છે એમ સમજી એને ભજતાં રહેવામાં જ જીવનનો સાર છે. હાલ સમગ્ર વિશ્વ અશાંત છે અને આ શક્તિ પૂજાના દિવસોમાં આપણે સૌ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરીએ, મા જરુર આપણી પ્રાર્થના સાંભળશે.


       લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...