ગરીબોને તો દીવાળી કે મજબૂરી? - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 8 નવેમ્બર, 2023

ગરીબોને તો દીવાળી કે મજબૂરી?

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- આજનું ચિંતન (બોધકથા) 


 આ કિસ્સો વાંચીને એમ લાગે કે આ તહેવારોની રંગત શું આપણી પૂરતી જ સિમિત છે! ગરીબોને તો દીવાળી કે મજબૂરી??


    આજે આસો વદ દસમની વૃદ્ધિ તિથી એટલે કે દિવાળીના તહેવારોની શુભ શરુઆત થઈ ગઈ કહેવાય! પણ આ તહેવાર શું ખરેખર દરેક માટે શુભ નું કંકુ લઈ ને આવે છે?? અને તહેવારોને લીધે દરેક વર્ગમાં જુદી જુદી ઉત્સાહની લાગણી વર્તાય છે. કોઈ ને આંગણે નૂતન તોરણો ઝૂલવા લાગ્યા છે તો કોઈ ને હજી બોનસ વગેરે આવે ત્યારે બધું જ ખરીદવાનું બાકી છે. તો કોઈ કોઈ ને ઘેર તો આ બધું તો ઠીક પણ દીવડો પ્રગટાવવા જેટલું તેલનું પણ નસીબ નથી! અને આ કોઈ બીજા ગ્રહની વાત નથી આપણાં જ સમાજની સચ્ચાઈ છે! જ્યાં માતા પિતા પોતાના બાળકને સમજાવી શકે એમ ન્હોય ત્યારે એમને આ તહેવારો આફત જેવા લાગે. હિન્દુ સનાતની સંસ્કૃતિ માં તહેવારો ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એનું કારણ સમાજનો દરેક વર્ગ સાથે મળીને તહેવાર ઉજવે તો એકતા ની ભાવના વધે પણ સમયનું ચક્ર ફરતું ગયું અને મુલ્યો બદલાઈ ગયાં. ધીરેધીરે માનવી સ્વ કેન્દ્રિત વિચાર સરણી ધરાવતો થયો અને એને કારણે અમુક વર્ગ તિરસ્કૃત થતો ગયો. જે ચાદ માં રહેલ કાળા ડાઘ જેમ દૂરથી પણ દેખાય છે. તો આજે બુધવાર છે અને બોધકથા નો વારો હોવાથી એક અતિ ગરીબ અને મજબૂર સ્ત્રી કે જે એક માતા પણ છે, એને પોતાના બાળકની ખુશી માટે કેવો સોદો મંજૂર રાખવો પડ્યો એ વાંચીને એમ થાય કે, ગરીબોને તો દિવાળી એ તહેવાર છે કે મજબૂરી??? 


   શાંતા તેલનો શીશો લઈ અને સાંજના વાળુ માટે શાક કરવાનું વિચારતી હતી, અને જોયું તો એમાં સાવ તળીયે તેલ હતું. એટલી જ વારમાં રામુ દોડતો દોડતો ઝૂંપડીમાં આવ્યો અને બોલ્યો, મા બધે જ દિવાળીના દીવડાઓ પ્રગટે છે, આપણે પણ એક દીવો કરવો છે!! શાંતા પોતાના નાનકડા દીકરાને કેમ સમજાવે કે, ગરીબ ને વળી દિવાળી શું ને હોળી શું!! એને તો નસીબ જ ફૂટેલા હોય જે મળે તે ખાઈ ને જીવન ગુજારો કરવાનો હોય!


       વાત જાણે એમ હતી કે શાંતા એક વિધવા હતી, અને રામુ તેનો એકનો એક દીકરો હતો. એનો ધણી એટલે શિવાજી જીવતો હોત તો જીવન કંઈક જુદું જ હોત એમ તો આટલાં ખરાબ દિવસ ન હોત !! શિવાજી એક કાપડની મિલમાં કામ કરતો હતો અને શાંતા સાથે તેના લગ્ન થયા પ્રમાણમાં ખાતેપિતે સુખી એવું ઘર હતું, અને સાસુ-સસરા પણ સારા હતાં. એટલે શાંતા ને કોઈ તકલીફ ન હતી. પરંતુ લગ્નનાં પાંચ વર્ષ બાદ માંડ સારા દિવસો રહ્યાં, અને એક દિવસ મિલમાં કોઈ એક્સિડન્ટમાં શિવાજી ને શોટ લાગતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું મેઇલ માંથી અમુક રૂપિયા મળ્યા વિમાના પણ અમુક મળ્યા. પરંતુ આવનાર બાળક અને તેની મા બંને અપ શુકન્યાનીયાળ છે એવી સમાજમાં વાતો થવા લાગી અને સાસુ-સસરાએ શાંતા ને ઘરમાંથી કાઢી મૂકી, શાંતા દેખાવે પ્રમાણમાં સુંદર કહી શકાય એવી હતી, એટલે આ સમાજમાં એકલી સ્ત્રીને રહેવું બહુ કઠિન હતું. સમાજના ભૂખ્યા વરુ જેવા લોકોની નજરમાંથી એ કેમ બચી શકે, અને એવી એકાદ બે  ઘટના ઘટી પણ ખરી એને પોતાની ઈજ્જત બચાવવી મુશ્કેલ લાગતું હતું. ત્યાં તેને રમેશે કહ્યું આ સંસારમાં તું આ રીતે સુરક્ષિત રહી શકે એમ નથી હું જે ઝૂંપડપટ્ટી માં રહું છું, ત્યાં તું આવી જા કોઈ તારું નામ નહીં લે, કારણ રમેશ આ શહેરનો ડોન કહેવાતો હતો, અને તેની વસ્તી તરફ કોઈ બુરી નજર નાખે એનું મોત પાક્કું.


   આમ શાંતા આ ઝૂંપડપટ્ટી નો હિસ્સો બની અહીં જ રામુ નો જન્મ થયો, અને મંદિર ના ઓટલે બેસી એ ભીખ માંગતી હતી,રમેશ ગુંડો હતો, અને એને શાંતા પસંદ હતી પણ એ તેની મરજી વગર હાથ પણ અડકાડશે નહીં એવું એણે વચન આપ્યું હતું. પરંતુ સ્વમાની શાંતા ને પોતાના ચરિત્ર ના ભોગે કોઈ વાત મંજૂર નહોતી,કારણ કે રમેશ શાદીસુદા હતો અને શાંતા રખાત બનવા માંગતી નહોતી, તેમજ રમેશ છૂટાછેડા આપે એ પણ તેને મંજૂર નહોતું,કારણ વગર કારણે તેને દંડ શું કામ મળે!

એ રમેશ ની રહેમ પર જીવવા પણ માંગતી ન હતી એટલે એની પાસે થી રુપિયા પણ લેતી નહતી.


    આજે દિવાળીની રાત હતી અને બધે જ રોશની, તથા દીવડા ઝગમગ થતા હતાં. નાનકડા એવા રામુ ને પણ એમ હતું કે તેની ઝૂંપડીની બહાર પણ દિવા પ્રગટે, તો કેટલું સુંદર લાગે, અને તેણે તેની મા શાન્તા ને કહ્યું કે મા આપણે પણ દીવો પ્રગટાવો છે? શાંતા જાણતી હતી કે એ શક્ય બને તેમ નથી, એટલે તેની વાત ટાળતા કહ્યું કે, આપણી પાસે તો કોડિયા પણ નથી!! અને રામુ દોડતો શેરીને નાકે બેઠેલાં મનજી પાસે પહોંચી ગયો, મનજી એક કુંભાર હતો, અને બજાર તરફ જતી ગલીના નાકે બેસીને કોડિયા વેચતો હતો. રામુએ મનજી ને કહ્યું કે મારે ઘરે દિવાળીનો દીવડો પ્રગટાવો છે, એક કોડિયું આપોને કાકા!! અને મનજીએ તરત જ એક કોડિયું આપી દીધું હતું. શાંતા એ  ટાળવા માટે કહ્યું હતું કે કોડિયું નથી,પણ રામુ તો તરત જ દોડીને આવ્યો, અને કહ્યું કે મા લે હવે કોડીયું લઈ આવ્યો છું, હવે આપણે પણ દીવડો કરવો છે ને? શાંતા વિચારતી હતી કે ભગવાન કોણ જાણે કેટલી પરીક્ષા લેશે! અને શાંતા એ દિવસે તેલ વગરનું શાક કરી ને પણ દીકરા નું મન રાખવા દીવડો‌ કર્યો. રાત્રે સૂતી વખતે શાંતા વિચારતી હતી, કે આમ ક્યાં સુધી ચાલશે? છેવટે દીકરાનાં ભવિષ્ય માટે પણ મારે કંઈક સમાધાન કરવું પડશે! ભલેને પછી નામ આગળ એક લેબલ લાગે તેના નામ આગળ રમેશની રખાત..... આમ જ એક સ્ત્રીની મજબૂરી કે મમતા તેને ચૂક કરાવે, પણ સમાજને એ ક્યાં દેખાય છે !!! બિચારી શાંતા...


   મિત્રો આવાં તો કેટલાંય ઝૂંપડા હશે જેમાં એક દીવડો પ્રગટાવવા ન જાણે કેટલાય સમાધાન કરવા પડતાં હશે અને ક્યાંક ક્યાંક તો રૂપાળી ન હોય તો ભીખ, ચોરી, લૂંટ, છેતરપિંડી અને ન જાણે કેટલુંય! પણ આખરે આ બધાં માટે કોણ જવાબદાર છે?? શું માત્ર પ્રારબ્ધને દોષ દેવો પર્યાપ્ત છે?? તમે પણ વિચારો! એકાએક ફુલઝર નો તિખારો હ્રદયમાં ચંપાઈ ગયો હોય એવું લાગ્યું ને ?? અને સાચું કહું ઘડીક તો બધાને લાગ્યું જ હશે પણ આ સંવેદના કાયમ નથી રહેતી માટે સમય જ બદલાય છે સમાજ બદલાતો નથી એટલે કે સર્વાંગી વિકાસ થતો નથી અને અમીરી ગરીબીની રેખાનો ગ્રાફ વધતો જ જાય છે.


    લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...