Pages

ગુરુવાર, 2 નવેમ્બર, 2023

ચાલો પ્રાર્થના કરીએ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચાલો પ્રાર્થના કરીએ

મિત્રો- શુભ સવાર


હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે! એ પ્રાર્થના થકી આપણાં મન પર પહેલાં વિજય કરવો જરૂરી છે.


હે ઈશ્વર.

      આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ગુરુવાર એટલે પ્રાર્થના! દિવાળી નો તહેવાર આવી રહ્યો છે અને સૌ એકબીજાને નીચા દેખાડ્યા વગર લાગણીથી હળીમળીને તહેવાર ઉજવીએ. સકલ બ્રહ્માંડમાં જેમ એક પાંદડું પણ એની ઈચ્છા વગર હલતું નથી, એવું એક વાક્ય ભગવાન યોગેશ્વર કૃષ્ણ ભગવત ગીતાનાં માધ્યમથી જગતમાં વિચરતા સચરાચર જીવને સંબોધીને કહ્યું છે, એ જ રીતે આ સકલ સૃષ્ટિમા એકપણ સર્જન એવું નથી કે જેનું મુલ્ય નથી કે નકામું છે! પછી તે ઘાસનું તણખલું હોય, કે દિવ્યાંગ હોય, કે ગરીબ હોય, કે અન્ય રીતે ઉતરતું હોય બધું જ એની પ્રસાદી છે, અને એ ક્યારેક ને ક્યારેક તો ઉપર ઉઠે જ છે,! હા આપણા મનમાં મનોબળ હોવું જરૂરી છે, હું તો ત્યાં સુધી કહું છું, કે મનોબળ પણ એ જ બનાવે છે. તો એવાં ભાવ સાથે પ્રાર્થના થકી આપણે બ્રહ્માંડની એક વિરાટ શક્તિ સાથે એકાકાર થઈએ છીએ, અને માનવ આત્મા એક નિરંતર પ્રેમ વરસાવતા પ્રેમી અને અચળ આત્મા સાથે જોડાય છે. પ્રાર્થના અગાઉ કહ્યું તેમ શારિરીક ને માનસિક બળ વધારનાર છે, અને જીવન ને હકારાત્મક અભિગમ શીખવે છે.આપણે જાણીએ છીએ કે પ્રાર્થના એ કોઈ માંગણી કે માત્ર રજુઆતનું માધ્યમ નથી. પરંતુ પ્રાર્થના એ એક આધ્યાત્મિક ખોરાક છે,અને તેનાથી બળ બુદ્ધિ ને જ્ઞાન વધે છે, હ્રદયમાં સંવેદના વધે છે, અને જીવન સંતોષને શાંતી તરફ ગતિ કરે છે. ઈશ્વર પાસે આ બધું માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, અને જો તમે શોધવાનું ચાલું રાખો,તો એ તમને જડશે.આપણે તેને મળવાની ઈચ્છા કરીએ, અને તેનું દ્વાર ખખડાવવાનું ચાલું રાખીએ, તો એક દિવસ એ દરવાજો તમારા માટે અવશય ઉઘડી જશે,આવા ભરોસો સાથે જો પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થનાથી સત્ય પ્રેમ અને કરુણા પ્રાપ્ત થાય છે. આમ પણ જ્યારે નિશાળમાં ભણતાં ત્યારે બહુ સ્વાભાવિક રીતે જ આપણું બાળપણ હોય, એટલે કોઈ જવાબદારી હોય નહીં, એટલે આપણે કોઈ ભૌતિક સુખની કે અન્ય કોઈ સુખ સમૃદ્ધિની માંગ કરી ન હોય, પણ બળ બુદ્ધિ ને ચતુરાઈ માગ્યું હોય, વિદ્યાના વરદાન આપો એવું ઈચ્છ્યું હોય, તેમજ તેજસ્વીતાની ચાહ કરી હોય, અને તેનું પ્રમાણ છે કે પ્રાર્થના લખનાર આ બધા કવિઓની નિખાલસતા તેમની ઉંમરના જે પણ મુકામ પર આ રચના થઈ હોય, એટલે કે ઘણા કવિ તો ઉંમરના ઉતરાર્ધમાં કવિતા લખી હશે, તો પણ ઈશ્વર પાસે આ સિવાય કોઈ માંગ નહીં!! આજે આપણે પણ એક એવી જ પ્રાર્થના વિશે વાત કરીશું.


        🌹 હમકો મન કી શકિત દેના 🌹


હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે

દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં


ભેદભાવ અપને દિલસે સાફ કર સકે

દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે


જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં

દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં


મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર

સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર


ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં

દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં.


   શ્રી રામકૃષ્ણ મિશનમાં નિયમિત તરીકે ગવાતી આ પ્રાર્થના આમ તો ગુડ્ડી પિક્ચરમાં પીક્ચરાઈઝસ કરવામાં આવી હતી, અને અભિનેત્રી જ્યાં બચ્ચન એટલે કે એ વખતે એ જયા ભાદુરી એ એમાં અભિનય કરેલો. શાળામાં જ્યારે પણ આ પ્રાર્થના કરવામાં આવતી ત્યારે આ સીન નજર સામેથી પસાર થતો, પ્રાર્થનાના શબ્દોને પ્રાર્થના,એ બધું એવે સમયે બહુ સમજાતું નહીં, પણ આ દ્રશ્ય બહુ ગમતું, ને જીવ પણ મોનીટર હોવાથી વચ્ચે આંખ ખોલી જોઈ લેતો. આમ તો આ રચના પણ અજ્ઞાત છે, પરંતુ એક જગ્યાએ સ્વામી જગદાત્માનંદ રચીત આધ્યાત્મ યોગ નામના પુસ્તક છે, અને તેમાં આ રચના છે, એટલે એ નામે આ રચના છે એવું લખાયેલું દેખાયું,પણ આ વાત બહુ સ્પષ્ટ રીતે લખી નથી.કવિ પોતે સંન્યાસી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે.

સમાજ કે સંસારમાં ખોટી ખોટી બીજાની વાહ વાહી કરવી નહીં કે સસત સ્પર્ધા માં જીવવું નહીં, ને અન્ય સાથે સ્પર્ધા કરવા કરતાં ખુદ સાથે હંમેશા સ્પર્ધા કરી ને પોતાની જાત પર સંયમ થી જીત હાંસલ કરો, અથવા આત્મ વિશ્વાસમાં વધારો કરો, જેથી જીવનમાં ક્યાંય હાર મળે તો નિરાશા ન આવે. સ્વયં ને સિદ્ધ કરવા જેટલું અઘરું બીજું કંઈ નથી, પરંતુ અહીં અહમ્ ની વાત નથી, થતી એ યાદ રાખવું. નાના-મોટા કે જાતિ પાતિના કે કાળા-ગોરા ના કોઈપણ જાતના ભેદભાવ મારા દિલમાંથી સાફ કરી શકું અને મિત્રોથી ક્યાંય પણ કોઈ જાતની ભૂલ થાય તો અમે તેને માફ કરી શકું તેવી બુદ્ધિ આપજો.જીવનમાં સત્યથી દૂર રહીએ, અને સત્યને સાથ આપી શકીએ, અથવા તો સત્યનો જીવનમાં શ્વાસ રહે,બીજા લોકો ગમે તે કહે પણ સત્યનો પંથ મારો છૂટે નહીં, અનીતિ અને દુરાચાર કે ભ્રષ્ટાચારના રાહ પર ક્યારેય પણ મારા પગલા પડે નહીં, એ વાતનું ધ્યાન રાખજો.અમારી ઉપર જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે, ત્યારે ઈશ્વર તું એટલું કર્મ કરજે, કે અમને અમારા કર્મોના ફળ છે, તે વાત હંમેશા યાદ રહે, અને છતાં ધર્મના માર્ગ પરથી અમારા ડગલા હટે નહીં તેનું ધ્યાન રાખજો.જીવનમાં કોઈપણ દોરાહા ઉપર હોઉં તો મારી જાત પરનો વિશ્વાસ ક્યારેય છૂટે નહીં, અને હંમેશા આત્મવિશ્વાસના બળે, અનીતિ કે અસત્ય સામે ડર્યા વગર જીવનમાં અઘરામાં અઘરા નિર્ણયો લઇ, અને જીવન પથ પર આગળ ડગલાં ભરું.કવિ જાણે છે કે સંસાર રૂપી ભવ સાગર તરવા માટે આત્મ વિશ્વાસ રૂપી શક્તિની જરૂર પડશે, એટલે તે ઈશ્વર પાસે એ જ માંગે છે.ઈશ્વરમાં શ્રદ્ધા અને પોતાનામાં વિશ્વાસ હોય તો જ સારું જીવન જીવી શકાય છે, બાકી તો પછી અન્ય જીવ ની જેમ જન્મીને મૃત્યુ સુધી અહીં તહીં ભટકવાનું જ હોય. જન્મ-મૃત્યુ એ દરેકે દરેક જીવનું સનાતન સત્ય છે, અને લગભગ બધાને એટલું જ્ઞાન તો છે જ, છતાં કોઈ પોતાના રૂપથી મોહિત છે, કોઈ પોતાની વિદ્યાથી, કોઈ પોતાના ધનથી, કોઈ પોતાના જ્ઞાતિથી, અને આ અતિશયના મોહ મમતા એ એક એવુ બંધન છે જેનાથી જીવનમાં અહમ રૂપી દુર્ગુણનો પ્રવેશ થાય છે, અને જીવન પતન તરફ જાય છે.જીવનને સફળ બનાવવો હોય કે પ્રકાશિત કરવું હોય કે પછી અન્ય માટે પણ પ્રેરણા રૂપ જીવન જીવવું હોય તો મીણબતી કે દીવાની જેમ ક્ષણ ક્ષણ બળવું કે જલવું પડે, તો માર્ગ પ્રકાશિત થાય, સંસારમાં નિયમ છે કે સુવર્ણ જેવું કોઈ દેખાય એટલે કે તેની સારાઈ કે ભલાઈનો જરાક પરિચય થાય, એટલે તેને સતત આગમાં તપવું પડે તો જ તે સુવર્ણ સિદ્ધ થાય, સૂર્ય પણ સતત તપે છે ત્યારે અજવાળા પથરાય છે.આમ તો ગઈ કાલથી દીવાળીના તહેવારની શરુઆત થશે,દરેક ઘરમાં દીવડા પ્રગટાવવામાં આવશે, અને ઘર શેરી, મહોલ્લા, બધું જ ઝગમગ ઝગમગ થશે,બસ બધાનાં જીવન આમજ પ્રસન્નતાથી ઝગમગ કે પ્રકાશિત થાય, અને દરેકને રોજ આવી જ ખુશાલી પ્રાપ્ત થાય, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવી પ્રાર્થના સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.



        લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.