આજની ગઝલ - પ્રશ્ન મારો
પ્રશ્ન મારો છે,વિચારીને કહો,
કોઇ આરો છે? વિચારીને કહો.
જન્મથી આવ્યો સુધરતો માનવી,
પણ સુધારો છે? વિચારીને કહો.
આ જગતમાં જો ન ઇશ્વર હોય તો,
તો એ બારો છે? વિચારીને કહો.
આમ તો છે એકધારો,પણ સમય,
એકધારો છે? વિચારીને કહો.
ચાલતો ના કોઇનો મત,એમ શું,
મત તમારો છે? વિચારીને કહો.
છોડવો ગમતો નથી સંસાર તો,
તો એ ખારો છે? વિચારીને કહો.
ભાર લાગે છે બહુ માથા ઉપર,
કોઇ ભારો છે? વિચારીને કહો.
હર પળે આવે છે વારો, પળ પછી,
કોનો વારો છે? વિચારીને કહો.
"વ્યાસ વાણી"
આથી હું ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"
ખાતરી આપું છું કે આ ગઝલ મારી પોતાની મૌલિક રચના છે. અને જો એ કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલા ભરવા તમે અધિકારી છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.