Pages

સોમવાર, 6 નવેમ્બર, 2023

સુગ્રીવ એટલે કે વાનર પણ પોતાનો જન્મ સુધારી શક્યો!

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


સુગ્રીવ એટલે કે વાનર પણ પોતાનો જન્મ સુધારી શક્યો! રામનું નામ અને રામનું કામ એ બંને જીવનને ધન્ય બનાવી શકે તેમ છે,


હે ઈશ્વર.

         આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સનાતન સંસ્કૃતિમા એટલી બધી સારી સારી વાતો કરી છે પણ એકવાત અતઇ ઉત્તમ છે કે એમાં ભારતીય સંસ્કૃતિમા યોગ ને ખૂબ જ મહત્વ આપ્યું છે, અને એ સારું પણ છે, પરંતુ સમય નાં ચક્રાકારે ગતિ કરતા કરતા આજે હવે સમાજ ભોગ પર વધારે ભાર મુકયો થયો છે, ત્યારે યોગી થવા કરતાં ઉપયોગી થવું એ વધુ સારું,તો આ દિવાળીએ માત્ર આપણા વિષય વિલાસ નું ધ્યાન રાખવા કરતાં ઉપયોગી થવાનો સંકલ્પ કરીએ.રામાયણ કાળમાં વાનરરાજ સુગ્રીવ વિશે પણ વિષય વિલાસી એવો શબ્દ તુલસીદાસજી પ્રયોજ્યો છે, અને એનાં જીવન ચરિત્ર પરથી પણ બોધ તારવી શકાય છે, તો આજે આપણે એનાં વિશે ચિંતનમાં વાત કરીશું.


    સુગ્રીવનો પરિચય સીધો સાદો છે, વાનરરાજ સુગ્રીવ, અને બીજો પરિચય છે, મહાબલી વાલીનો અનુજ. તેના જન્મ માટે એક દંતકથા છે રક્ષરાજ નામના એક વાનર એ બ્રહ્મ દેવનું તપ કર્યું, અને બ્રહ્માજીએ પ્રસન્ન થઈ તેને સુમેરુ પર્વત પર રહેવાનું કહ્યું. એ રોજ બ્રહ્માજીને ફૂલ અર્પણ કરતાં, અને ત્યાં જીવન પસાર કરતા હતાં. એક દિવસ તે ત્યાં આવેલા એક તળાવમાં નહવા પડે છે, અને એક સુંદર યુવતી થઈને બહાર આવે છે. સૂર્યદેવ અને ઈન્દ્રદેવ બંનેની નજર તેની પર પડે છે, બંને એ યુવતીથી મોહિત થઇ જાય છે, અને તેમનું મણી એટલે કે તેજ એ યુવતીના માથા અને ગળા પર પડે છે. માથા પર પડે છે તે વાલી નામે ઓળખાયો, અને ગળા એટલે કે ગ્રીવા પર પડ્યો તે સુગ્રીવ નામે ઓળખાયો. વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ છે, અને એને વિશેની જગ પ્રસિદ્ધ વાર્તાથી પણ સૌ કોઈ વાકેફ હશે. માયા નામની એક સ્ત્રી ને બે પુત્રો હતાં, દુંદુભિ અને માયાવી. વાલી ખૂબ જ શક્તિશાળી હતો કહેવાય છે, કે સો હાથી જેટલું બળ તેનામાં હતું. તેણે રાક્ષસરાજ રાવણ ને પણ બગલમાં દબાવી પૃથ્વી પર ફેરવ્યો હતો, અને જે કોઈ તેને યુદ્ધ માટે લલકારે તેની સાથે તે યુદ્ધ કરતો હતો. માયા નામની સ્ત્રીએ પણ પોતાના પુત્ર દુંદુભિ સાથે યુદ્ધ કરવા માટે તેને ઉશ્કેર્યો હતો, અને એમાં દુંદુભિ નું મોત થયું. તેના ભાઈ માયાવી સાથે વાલીનું યુદ્ધ થયું, અને તે પાછા ન આવ્યો, એટલે પોતાને કિષ્કિંધાનો રાજા ઘોષીત કરે છે. થોડા સમયમાં વાલી પાછા આવે છે, અને તે સુગ્રીવને પોતાનો દ્રોહી સમજે છે, અને મારી નાખવા માટે તૈયાર થાય છે. સુગ્રીવ ત્યાથી ભાગે છે, અને ઋષ્યમુક પર્વત પર આવીને સંતાઈ જાય છે. કારણકે દુંદુભિ સાથેના યુદ્ધમાં રક્તના થોડા ટીપા ઋષ્યમુક પર્વત પર પડ્યાં હતાં, અને ત્યાં તપ કરી રહેલા માતંગ ઋષિ એ વાલી ને શાપ આપ્યો હતો, એટલે ઋષ્યમુક પર્વત પર તે જઈ શકે તેમ નહોતો.


    સીતાના અપહરણ થયા પછી ભગવાન રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં ભટકતા હતાં, ત્યારે તેઓ ઋષ્યમુક પર્વત પાસેથી પસાર થાય છે, અને શબરીના બતાવ્યા મુજબ આ વાનર ઓ તેમને સીતાની શોધ માટે મદદરૂપ થાય એમ હતાં. હનુમાન તેમને સુગ્રીવ સાથે મેળવે છે, અને રાજા રામને વચન આપે છે કે તે તેની પત્નીને શોધવામાં તેની સહાય કરશે. પરંતુ પહેલા પોતાના ભાઈ વાલી તેનું રાજ્ય પચાવી લીધું છે, અને તેની પત્ની રુમા ને તેણે રાખી લીધી છે. ભગવાન રામની પત્ની એટલે કે સીતા ને પણ રાવણ અપહરણ કરી ગયો હતો, અને એ જ રીતે વાલી પણ સુગ્રીવની પત્નીને પડાવી લીધી હતી, એટલે રામ અને સુગ્રીવ સમ દુખિયા હતાં, અને બંને વચ્ચે એટલે જ મિત્રતા પણ થઈ હતી. તેણે સુગ્રીવને કહ્યું હતું કે હે સુગ્રીવ દરેક ભાઈ ભારત જેવા હોતા નથી, અને દરેક પુત્ર મારી જેમ પિતૃભક્ત પણ હોતા નથી. આગળ આપણે સૌ જાણીએ છીએ તેમ કિષ્કિંધા નું રાજ્ય પાછું અપાવવા ભગવાન શ્રી રામ વાલી સાથે સુગ્રીવને યુદ્ધ કરાવે છે, અને છળથી તે મરાય છે.


   સુગ્રીવ રામની કૃપાથી,કિષ્કિંધાનો રાજા બન્યો,પછી રામનો ઉપકાર ભૂલી ગયો,એને યાદ નથી આવતું કે રામે મારું કામ કર્યું પણ મારે રામનું કામ કરવાનું બાકી છે,સીતાજીની ભાળ કાઢવાની બાકી છે. રામજીને દુઃખ થયું છે,એ જાણીને લક્ષ્મણે ધનુષ્ય-બાણ ઉપડ્યા ને કિષ્કિંધા તરફ જવા તૈયાર થયા.‌ પ્રભુ શ્રીરામ,લક્ષ્મણના મુખ પરનો ક્રોધ જોઈ સમજી ગયા કે-લક્ષ્મણ જરૂર કંઈક આડું-અવળું કરી બેસશે, એટલે તેમણે લક્ષ્મણને કહ્યું કે-સુગ્રીવને આપણે મિત્ર માન્યો છે,એટલે તેને મારતો નહિ. કિષ્કિંધા ના દ્વાર પર લક્ષ્મણજી સુગ્રીવને યુદ્ધ માટે લલકાર્યા છે, અને કહે છે કે હે સુગ્રીવ તું તારું વચન ભૂલી ગયો છે, અને હવે હું તને માફ નહીં કરું. સુગ્રીવ લક્ષ્મણની શક્તિથી વાકેફ હતો, અને તેણે હનુમાનજીને કહ્યું કે લક્ષ્મણ ને શાંત કરો.

હનુમાનજીએ તેમની મધુર વાણીથી, લક્ષ્મણજીને શાંત કર્યા, અને એમને મહેલમાં લઇ આવ્યાં. સુગ્રીવ તેમના પગમાં પડ્યો.શ્રીરામના શબ્દોને યાદ કરીને લક્ષ્મણે તેનો અપરાધ માફ કર્યો.અને બધા રામજીની પાસે આવ્યા.સુગ્રીવે રામજીના ચરણમાં માથું નમાવી,પોતાનો અપરાધ કબૂલ કરતાં કહ્યું કે અતિસુખ અને ભોગ-વિલાસ જોઈને દેવો ને ઋષિ-મુનિઓનાં મન પણ ચંચળ થાય છે,તો હું તો ચંચળ મનનો વાનર છું.આપની માયા અતિપ્રબળ છે,ને માનવીને ભૂલ-ભૂલામણીમાં નાંખી દે છે. આગળની કથા આપણે જાણીએ છીએ કે પછી એણે પોતાના જીવનનો ઉપયોગ માત્ર રામ કામ એટલે કે સીતાની શોધ માટે કર્યો.


    તો આ છે સુગ્રીવનું ચરિત્ર, આશ્ચર્ય થાય છે નહીં!! કે વાનર પણ પોતાનો જન્મ સુધારી શક્યો! રામનું નામ અને રામ નું કામ આ બંને જ આપણા જીવનને ધન્ય બનાવી શકે તેમ છે, જીવન ફેરો સફળ બનાવી શકે તેમ છે, અને માટે જ અન્ય કોઈ ભોગમાં લલચાયા વગર રામ કામ, એટલે કે જીવન છે ત્યાં સુધી કોઈ ને ઉપયોગી થવાતું હોય તો થઈ જવું, રામ નામ સ્મરણ એટલે કે હરિસ્મરણ જેવો ઉત્તમ કોઈ યોગ નથી, તો એ રીતે યોગ ને પણ નિભાવી લઈએ. દિવાળી જેવો‌ સામાજિક તહેવાર આવે છે અને માનવ તરીકે જન્મ મળ્યો છે તો એને ધન્ય બનાવી એ.હરિ નામ સ્મરણ અને પરોપકારી કર્મથી જન્મોજન્મ હરિ ચરણમાં સ્થાન પ્રાપ્ત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી ફાલ્ગુની વસાવડા. (ભાવનગર) 



બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.