Pages

શુક્રવાર, 12 જાન્યુઆરી, 2024

અબોલ જીવોના સેવક : ઇન્દુબેન પ્રજાપતિ


    ઉત્તરાયણ એટલે આનંદ અને ઉલ્લાસનો તહેવાર. ઉત્તરાયણ આવે એટલે સૌ કોઈ ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા માણતાં જોવા મળે છે. જેમને પતંગ ચગાવતાં ન આવડતું હોય એ લોકો પણ રંગબેરંગી પતંગોને આકાશમાં ઉડતી જોવાનું અને કોઈની પતંગ કપાતાં ચીચીયારીઓ પાડવાનું ચૂકતાં નથી. ઉત્તરાયણના આ પર્વ પર જ્યારે બધાની નજર આકાશમાં લહેરાતી પતંગો ઉપર હોય છે, ત્યારે એક સેવાના ભેખધારી મહિલાની નજર આકાશમાં ઊડતાં પારેવાં પર હોય છે. એ મહિલાની નજર પતંગના દોરાથી પોતાનો જીવ બચાવીને પોતાના બચ્ચાંઓ માટે અન્ન દાણો શોધવા નીકળેલા પક્ષીઓ પર હોય છે. એ મહિલા એટલે સ્ત્રી સશક્તિકરણનું જીવતું જાગતું ઉદાહરણ શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ.... 


     ઉત્તરાયણ પર જ્યારે સૌ કોઈ અવનવી પતંગોની મજા માણી રહ્યાં હોય, બધાની નજર ફક્ત પતંગ પર હોય, ત્યારે એ પતંગના દોરાથી કપાઈને તરફડતા પંખીઓની દરકાર કોણ કરે? એક તો વર્ષમાં એક દિવસ આ પતંગોનો આનંદ લૂંટવાનો હોય ત્યારે આ પક્ષીઓની ચિંતા કરવાનો સમય જ કોની પાસે હોય? આવા સમયે પણ ઇન્દુબેન પ્રજાપતિ જેવા કેટલાક સેવાના ભેખધારી લોકો હોય છે, જે તહેવારની મજા બાજુમાં મૂકીને અબોલ જીવોની સેવા કરવા નીકળી પડે છે. 


    કવિશ્રી ઉમાશંકર જોશીના બામણા ગામની નજીક આવેલાં ગામ પુનાસણમાં જન્મેલાં ઇન્દુબેન પ્રજાપતિએ પોતાના દમ પર એક સંસ્થા ઊભી કરી છે. 'માનવસેવા એ જ પ્રભુસેવા'ને પોતાનો જીવનમંત્ર ગણી માનવસેવાના ઉચ્ચ શિખરો સર કરતી આ સંસ્થા એટલે 'શ્રવણ સુખધામ પંચવટી'. ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા સ્થાપિત આ સંસ્થા અનેક માનવીય અને સામાજિક કાર્યો થકી સમાજમાં માનવતાને ધબકતી રાખવાનું કાર્ય કરી રહી છે. અનેક સામાજિક કાર્યો થકી આ સંસ્થા આજે જરૂરિયાતમંદ લોકોનો સહારો બની છે તથા અનેક તહેવારોની ઉજવણી થકી આ સંસ્થા દેશની સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનું કાર્ય કરી રહી છે.


     ઇન્દુબેન પ્રજાપતિની આ સંસ્થાએ અરવલ્લીની ગિરિમાળાઓમાં સેવાની ધૂણી ધખાવી છે. આ સંસ્થા દ્વારા ભૂખ્યને અન્ન અને તરસ્યાને જળ આપવામાં આવે છે. વનમાં ભટકતાં કપિરાજો માટે લાડુ તથા શ્વાનો માટે રોટલીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારની ગરીબ દીકરીઓને માસિક ધર્મ માટે નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. પોતાના આ સેવાકાર્યને કારણે તેઓ સમગ્ર પંથકમાં 'પેડવુમન' તરીકે પણ ઓળખાય છે. 


      ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ નિમિત્તે 'વિહંગનો વિસામો' અભિયાનને વહેતું મૂકવામાં આવે છે. ઉત્તરાયણ પર પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની માવજત કરવામાં આવે છે તથા જેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું હોય તેવા મૃત પશુપક્ષીઓની સહ સન્માન અંતિમવિધિ કરવામાં આવે છે. ઉનાળામાં ધોમધખતા તાપથી બચવા આપણે એર કન્ડીશન રૂમમાં છુપાઈ જઈએ છીએ, પરંતુ આ પક્ષીઓ ક્યાં જાય? આ પક્ષીઓ માટે ઇન્દુબેન પ્રજાપતિની સંસ્થા દ્વારા પાણી માટેનાં કુંડા અને માટીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આવા માટીનાં પક્ષીઘર વાતાનુકૂલ હોય છે, જે શિયાળામાં હૂંફ અને ઉનાળામાં ઠંડક પ્રદાન કરે છે. આવા પ્રેમથી બનાવેલાં માટીના માળામાં પોતાનું ઘર વસાવીને આ અબોલ પક્ષીઓ માનવીને મૂક આશીર્વાદ આપતા હોય એવું લાગે છે.


લેખક :- પાર્થ પ્રજાપતિ 

( વિચારોનું વિશ્લેષણ)  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.