Pages

બુધવાર, 6 માર્ચ, 2024

સૂરોની સરવાણી:- લોકગાયિકા દેવિકાબેન રબારી


         આજે ૮ માર્ચ વિશ્વ મહિલા. આ દિવસે એવી મહિલાઓને  યાદ કરવામાં આવે છે કે જેમણે પોતાના દમ પર સફળતાની કેડી કંડારી હોય... આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે એક એવી મહિલાની વાત કરવી છે કે, જેમણે પોતાના દમ પર સૂર અને સંગીતની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે. આપણે વાત કરી રહ્યાં છીએ ગુજરાતી સંગીતનો ચમકતો સિતારો એટલે કે દેવિકાબેન રબારી... 



        બનાસકાંઠાનાં સુઈગામ તાલુકાના લીબાળા ગામે પિતાશ્રી કરશનભાઈ માતૃશ્રી રતનબેનનાં  કુખે જન્મ લેનાર  ( હાલ રહે થરાદ ) દેવિકાબેન રબારી બનાસકાંઠાનાં પ્રથમ મહિલા લોકગાયિકા છે. દેવિકાબેનનો અભ્યાસ કુવાળા અને ત્યારબાદ માદરે વતન લીબાળા પ્રાથમિક શાળામાં થયેલો છે. માત્ર ધોરણ ૭ સુધીનો અભ્યાસ કરેલા દેવિકાબેન આજે પ્રખ્યાત લોક ગાયિકા તરીકે વિખ્યાત છે. 


      દેવિકાબેનનાં જીવન સંધષૅની વાત કરીએ તો ગાયકી પિતાશ્રીનાં સૂર થકી મળેલી છે. દેવિકાબેનનાં પિતાશ્રી જ્યારે ગાયો ચરાવવા જતા ત્યારે વન વગડામાં કે સીમમાં પોતે પોતાના સૂરે ભજન દુહા છંદ લલકારતા.. દેવિકાબેન રબારીના પિતાશ્રી રામદેવજી મહારાજમાં પહેલેથી અતુટ શ્રદ્ધા ધરાવે છે. દેવિકાબેન રબારીએ પણ પોતાના જીવનમાં નાનપણથી જ સંઘર્ષ ખેડ્યો છે. દેવિકાબેને પણ પોતાના નાનપણમાં માલ ઢોર ધેટાં બકરાં અને ખેતીને લગતું કામ કર્યું હતું. પોતાના અભ્યાસ દરમિયાન શાળામાં પ્રાર્થના સમયે લોકગીત અને ભજન ગાતાં હતાં, ત્યારે શાળાના શિક્ષક ખીમજીભાઈ જોષીને દેવિકાબેન રબારીમાં સૂર તત્વ જોવા મળ્યું. 



     શાળાના શિક્ષકશ્રીએ દેવિકાબેનના પરિવારને વાત જણાવી ત્યારે પિતાશ્રીએ ખૂબબ આના કાની પછી એ વાત ને ધ્યાને લઈને સ્વીકારી અને પોતાની દીકરીને મદદરૂપ થવાની સમગ્ર પરિવારે શરુઆત કરી. હવે દેવિકાબેન રબારીના સૂરની શરૂઆત  નાના ઘરની શેરીઓ અને લીબાળા પ્રાથમિક શાળાથી થ‌ઈ ચૂકી હતી... 


     બનાસકાંઠામાં આજથી ૨૦ વર્ષ પહેલાં રબારી સમાજમાં એક જ દીકરી લોકગાયિકા તરીકે દેવિકાબેન રબારી હતાં. દેવિકાબેન એ જ્યારે પોતાના જીવનમાં ગાવાનું શરૂ કર્યું ત્યારે રાધનપુર મુકામે હમીરદાન ગઢવીના પ્રોગ્રામમાં વગર આમંત્રણે પિતાશ્રી સાથે ત્યાં બોર્ડ લાગેલું જોઈને ગયેલા અને આખી રાતની તપસ્યા કયૉ પછી ગાવાનું ન મળતાં પોતે નારાજ પણ થયેલા. દેવિકાબેન રબારીને શરુઆતનું સ્ટેજ આશાપુરા સુઈગામ ખાતે મળેલું. તેમણે મસાલીથી શરૂઆત અને ૫ વર્ષ સુધી સતત પ્રોગ્રામ કર્યો....



     દેવિકાબેન રબારીએ આજ સુધી ૩૦૦થી ૩૫૦ જેટલા આલ્બમ કર્યો છે. દેવિકાબેન શરુઆતના સમયમાં જ્યારે પોતાના સૂરની શરૂઆત કરી ત્યારે ૧૨૫ થી ૩૦૦ રુપિયા મળતા હતા અને એમાં એ ખુશ થતાં હતાં. દેવિકાબેન રબારી પોતાના પ્રોગ્રામ આપવા જતાં ત્યારે પોતાના માદરે વતન થી ૩ કીલોમીટર ચાલી રોડ પર જતા અને ત્યારબાદ  વાહન મારફતે પ્રોગ્રામના સ્થળે પહોંચતા દૂધનાં ટેમ્પો સકડા અને ખટારા જીપો રીક્ષાની સફર કરનાર આજે દેવિકાબેન રબારી પોતાની ઈનોવા કારનું ડ્રાઇવિંગ જાતે કરે છે....


      લોકગાયિકા દેવિકાબેન રબારીનો સીધો નાતો ૧૯૭૧નાં ભારત પાકિસ્તાનના યુદ્ધ  સમયે ભારત સૈન્યના જવાનોને રસ્તો બતાવનાર રણબંકા રણછોડ પગી દાદા સાથે રહેલો છે. ભારતને જીતાડનાર રણછોડ પગી દાદાની ભૂમિકા પણ ભુલી શકાય તેમ નથી, તેઓ પણ લીબાળા ગામના વતની હતા. દેવિકાબેન રબારીનો પ્રથમ આલ્બમ આર સી. ફિલ્મ થરાદ ખાતેથી પ્રસિદ્ધ થયેલો છે. એક સમયે મોટું સ્ટેજ જોઈને ગભરાતા દેવિકાબેન રબારી આજે પોતાના સૂરે મસમોટા મંચો ગજવી પોતાના સૂરે લાખો જનમેદની ને ડોલાવે છે. 


      દેવિકાબેન રબારી એ પોતાના જીવનમાં સૂરની શરૂઆત ભજન સંતવાણી થકી કરેલી છે. 'વિમાન ઊભું દરિયા કિનારે.....શોખીલા ભમર' લોકગીતએ દેવિકાબેનને આગવી ઓળખ અપાવી છે. સંસ્કૃતિ સભરના લુપ્ત થતાં જૂનવાણી લોકગીતોને જીવંત રાખવાનું કામ દેવિકાબેન રબારી કરેલું છે. પોતાના જીવનમાં સંઘર્ષ ભર્યો સફર ખેડનાર અને ઓછો અભ્યાસ કરનાર દેવિકાબેન રબારી સમગ્ર માલધારી સમાજ અને અઢારે આલમને  દિકરીઓને વધુ અભ્યાસ કરાવવા માટે અપીલ કરે છે.  દેવિકાબેન રબારી પોતાના જીવનનો સંઘર્ષભયૉ ભૂતકાળ અને ચાર વાઢવાનુ આજે પણ ભુલ્યા નથી. 

 

    શૂન્યમાંથી સર્જન કરનાર દેવિકાબેન રબારી આજે બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાંમાં લોકગાયિકા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ 'કાંઠાની કોયલ' તરીકે ધરાવે છે. સાથે સાથે માલધારી સમાજમાં જન્મેલા હોવાથી અબોલ જીવો અને ગાયમાતાની સેવામાં હર હંમેશ તત્પર રહેતા હોય છે. 


    લોકગાયિકાની ભવ્ય સફળતા પ્રાપ્ત કયૉ બાદ દેવિકાબેન રબારીના ઈન્ટરવ્યુ ડી.ડી.ભારતી વિજય જોટવા અને વિશેષ વિથ દિનેશ ગાયકોની ગોત જેવી ચેનલોએ કરેલા છે. આજે દેવિકાબેન રબારી પોતાની યુ ટ્યુબ ચેનલ પણ ધરાવે છે. જ્યારે સોશિયલ મીડિયાનો સમય નહોતો અને ફક્ત રેડિયો અને ટેલિવિઝન હતું ત્યારે લોકગાયિકા દેવિકાબેન રબારી લોકગીત અને સંતવાણી ભજનમાં બનાસકાંઠાનું ગૌરવ અને રત્ન ગણાતા હતા અને આજે ગાયકી ક્ષેત્રે સુવર્ણ રત્ન છે. ૨૦ વષૅનો સંધષૅ આખરે દેવિકાબેન રબારી   લોકગાયિકીની ઓળખ છે એ પણ  કાંઠની કોયલ....


લેખક.... હિરેન પ્રજાપતિ રખેવાળ.... સાબરકાંઠા અરવલ્લીની ગિરીકંદરાઓમાંથી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.