Pages

મંગળવાર, 19 માર્ચ, 2024

વિશ્વ ચકલી દિન વિશેષ:- અબોલ જીવોની સેવાનો મહાયજ્ઞ ચલાવતી મહિલા ઇન્દુબેન પ્રજાપતિ



      વિશ્વમાં 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે ગુજરાતના અરવલ્લીની ગિરિમાળામાં કવિશ્રી ઉમાશંકર જોષીની જન્મભૂમિ એવા બામણા - પુનાસણ ગામમાં શ્રીમતી ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા એક સેવાભાવી સંસ્થા સ્થાપવામાં આવી છે. માનવસેવા એ જ પ્રભુસેવા 'ને પોતાનો જીવનમંત્ર ગણી માનવસેવાના ઉચ્ચ શિખરો સર કરતી આ સંસ્થા એટલે ' શ્રવણ સુખધામ પંચવટી '. ઇન્દુબેન પ્રજાપતિએ આ સંસ્થા થકી અબોલ પશુપક્ષીઓની સેવા કરવા માટે એક મહાઅભિયાન ' વિહંગનો વિસામો ' શરૂ કર્યું છે. 


     

      આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને પાણી અને અનાજ પૂરું પાડીને તેમની ભૂખ સંતોષવામાં આવે છે. આસપાસના શ્વાન અને કપિરાજ માટે રોટલો અને લાડુની વ્યવસ્થા કરવામાં આવે છે. પશુપક્ષીઓ માટે ઉનાળામાં પાણી, ચોમાસામાં ચણ, શિયાળામાં હૂંફાળો માળો વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને શ્રાવણ સુખધામ ' પંચવટી ' સંસ્થા માટીના કુંડા, માટીના માળા અને ચણનું વિતરણ કરીને પશુપક્ષીઓની સેવા અને પ્રકૃતિના જતન માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.



     ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા વર્ષના 365 દિવસ પક્ષીઓના માટીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. તેમની સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વિહંગનો વિસામો મહાઅભિયાન’માં ગુજરાતના નામાંકિત કલાકારો, લેખકો, કવિઓ, રમતવીરો, મોટિવેશનલ સ્પીકરો અને ડોક્ટરો જોડાયા છે. વિહંગનો વિસામો ચલાવી રહેલાં ઈન્દુબેન પ્રજાપતિએ જણાવ્યું કે, અબોલ જીવને આહાર, આશરો અને પાણી આપવું એ માનવધર્મ છે. કોઈને મદદરૂપ થઈએ કે ન થઈએ પણ અબોલ જીવોની સેવા અવશ્ય કરવી જોઈએ. લુપ્ત થઈ રહેલી પક્ષીઓની પ્રજાતિને બચાવવા માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓને માહિતી આપીને માટીના માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે. ઇન્દુબેન પ્રજાપતિ દ્વારા સ્થાપેલી સંસ્થા શ્રવણ સુખધામ પંચવટી દ્વારા અત્યારસુધીમાં લાખોની સંખ્યામાં માટીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. 



      શ્રવણ સુખધામ પંચવટી દ્વારા વિતરણ કરવામાં આવેલા આ માટીના માળા વાતાનુકૂલ હોય છે, જે પક્ષીઓને ગરમીમાં શીતળતા અને ઠંડીમાં હૂંફ આપે છે, તથા ચોમાસામાં વરસાદી પાણીથી પક્ષીઓનું રક્ષણ કરતાં હોય છે. ઇન્દુબેન પ્રજાપતિના વિહંગનો વિસામો મહાઅભિયાનમાં સહભાગી થઈને માટીના માળા અને પાણીના કુંડાને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે, જેમાં અનેક સમાજસેવી લોકો સહભાગી થયા છે અને થઈ રહ્યાં છે. આજે વિહંગનો વિસામો એ માત્ર પક્ષીઓ બચાવવાનું અભિયાન ન થઈને જન જન સુધી જીવદયા પ્રેમનો સંદેશો પહોંચાડનારું મહા અભિયાન બની ગયું છે.


     પાર્થ પ્રજાપતિ 

( વિચારોનું વિશ્લેષણ) 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.