દિલ્હીનો નિર્ભયા રેપ કેસ તો બધાને યાદ જ હશે. 16 ડિસેમ્બર, 2012ની એ ગોઝારી ઘટનાએ આખા દેશને અંદરથી ઝંઝોળી મૂક્યો હતો. આખો દેશ નિર્ભયા પર બળાત્કાર ગુજારનાર હેવાનોને મોતની સજા આપવા માટે માંગ કરી રહ્યો હતો, ત્યારે એક મહિલા કોર્ટ રૂમની અંદર નિર્ભયાને ન્યાય અપાવવા માટે પોતાની પૂરી તાકાત લગાડી રહી હતી. નિર્ભયા કેસ હોય કે હાથરસ રેપ કેસ, સ્ત્રી સન્માન અને ગૌરવની રક્ષા માટે આજે પણ એક મહિલા સિસ્ટમ સાથે બાથ ભીડી રહી છે. તે નિડર મહિલા એટલે સીમા કુશવાહ...
સીમા કુશવાહને લોકો સીમા સમૃદ્ધિ કુશવાહ તરીકે અને નિર્ભયાના વકીલ તરીકે ઓળખે છે. પણ નારી સન્માન માટે લડતી આ મહિલાના સંઘર્ષની વાતો ભાગ્યે જ કોઈ જાણતું હશે. ઉત્તરપ્રદેશના ઇટાવાના ઉગરપુરમાં જન્મેલી સીમા કુશવાહ પોતે એક રૂઢિચુસ્ત વાતાવરણમાં જન્મી હતી. તે જે ગામમાં જન્મી હતી, ત્યાં છોકરીઓને ભણવાની પરવાનગી ન હતી. છોકરીઓ બહાર જશે તો શું થશે? તેમની સુરક્ષાનું શું? ઘરની આબરૂનું શું? વગેરે વિચારોની સાંકળો છોકરીઓના પગમાં બાંધી દેવાતી હતી, અને છોકરીઓ ક્યારેય ઘરનો ઓટલો પાર કરીને આગળ વધી શકતી ન હતી. પરંતુ સીમાના પિતા થોડાં અલગ હતા. તેમને પોતાની દીકરીની સુરક્ષાની ચિંતા તો હતી જ, પણ સાથે સાથે તેના ભવિષ્યની ચિંતા પણ હતી. કહેવાય છે કે, અભણ નર પશુ બરાબર. એટલે સીમાના પિતા તેને અક્ષરજ્ઞાન અપાવવા તૈયાર થયા હતા.
સીમાને ભણવામાં એટલો રસ પડ્યો કે, તેણે વધુ ભણવા માટે ઘર માથે લીધું. તેમના ગામમાં જેટલી પણ છોકરીઓ ભણતી હતી, તેમનું છેલ્લું ધોરણ આઠમું હતું. તે સમયે કોઈ પણ છોકરી આઠમાં ધોરણથી વધુ ભણતી નહીં, કારણ કે નવમાં ધોરણમાં ભણવું હોય તો, બાજુનાં ગામે આવેલી શાળાએ જવું પડે તેમ હતું, અને તે શાળા સીમાનાં ગામથી અઢી કિલોમીટર જેટલી દૂર હતી. શરૂઆતમાં તો સીમાને આગળ ભણવા માટે ના પાડી દેવામાં આવી, પરંતુ તે એકની બે ન થઈ. એક તરફ તેની સુરક્ષા હતી, અને બીજી તરફ સ્વતંત્રતા. સીમાને થયું કે સુરક્ષાના ભોગે સ્વતંત્રતાની બલિ ક્યાં સુધી? છેવટે તેણે ગમે તેમ કરીને પોતાના પિતાને મનાવી લીધાં.
સીમાને ભણવાનું એટલું ઝનૂન હતું કે તે પગપાળા જ શાળાએ પહોંચી જતી. તેની શાળા અઢી કિલોમીટર દૂર હતી અને તે સમયે તેમનાં ગામમાં પરિવહનની સુવિધા ન હતી. એટલે તે સવારે વહેલી છ વાગે ઉઠીને નાસ્તો કર્યા વગર શાળાએ જવા માટે નીકળી જતી હતી. સીમા ગામની પ્રથમ દીકરી હતી, કે જે નવમાં ધોરણમાં ભણવા જતી હતી. જ્યારે સીમા પગપાળા શાળાએ જતી હતી, ત્યારે રસ્તામાં કેટલાક લુખ્ખા તત્વો તેની છેડતી કરતાં હતા. રોજ સીમાને એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું. તેના માટે શાળાએ જવાનો રસ્તો વધુ ને વધુ કપરો બનતો જતો હતો. છોકરાઓની હેરાનગતિ એટલી વધી ગઈ હતી, કે તે ઘણી વાર શાળાએથી ઘરે આવીને રડ્યાં જ કરતી હતી. એક તરફ પેલા લુખ્ખા છોકરાઓનો ડર હતો, તો બીજી તરફ ભણીગણીને કઈંક કરી બતાવવાનું સપનું હતું. આખરે તેના ડર પર તેનાં સપનાએ જીત મેળવી. સીમાને થયું કે, હવે બહું થયું. હવે હું સહન નહીં જ કરું. આ લોકોને હું મારી પ્રગતિમાં નડતર નહીં જ બનવા દઉં.
બીજા દિવસે સીમા ફરીથી એ જ રસ્તે પસાર થઈ.એમાંથી એક છોકરાએ જેવી સીમાની છેડતી કરી કે, સીમાએ આજે જાણે દુર્ગાનું રૂપ ધારણ કર્યું હોય એમ તેના પર તૂટી પડી. તેને એટલો માર્યો કે આજુબાજુના લોકો એ છોકરાને છોડાવવા માટે આવી ગયા. સીમાની હિંમત જોઈને ફરીથી ક્યારેય કોઈ છોકરાએ તેની તરફ આંખ ઊંચી કરીને નથી જોયું. આ એક ઘટનાએ સીમામાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો. ખરેખર તો લોકો તમને ત્યાં સુધી જ ડરાવશે, જ્યાં સુધી તમે ડરશો. જેવા તમે ડરવાનું છોડી દેશો, ત્યારે ડરવાનો સમય એમનો શરૂ થશે. જ્યાં સુધી તમારામાં ડર છે, ત્યાં સુધી જ તમારી પ્રગતિમાં અડચણો છે. જેવા તમે ડરને તિલાંજલિ આપશો, કે તરત જ આગળનો માર્ગ સાફ થઈ જશે.
સીમાની તકલીફો જોઈને પિતાએ તેને શાળાએ જવા માટે એક સેકન્ડ હેન્ડ સાઇકલ લાવી આપી, જેની ચેન વારેઘડિયે ઉતરી જતી હતી. સીમા સમયાંતરે સાઇકલની ચેન ચડાવે અને જેમ-તેમ કરીને શાળાએ પહોંચી જતી. જેમ તેમ કરીને તેણે 12માં ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, પણ મુસીબતો હજુ સીમાની રાહ જોઈને બેઠી હતી. આગળ ભણવું હતું, પણ ઘરની આર્થિક સ્થિતિ અને પિતાની નાદુરસ્ત તબિયત જોઈને ઘરેથી પૈસા માંગવાની હિંમત થતી ન હતી. છતાં આંખોમાં કઈંક કરી બતાવવાનું સપનું હતું, જે સીમાને સૂવા ન હતું દેતું. છેવટે સીમાએ તેની ફોઈએ આપેલા ચાંદીના છડાં અને સોનાની બુટ્ટીઓ વેચીને સ્નાતકમાં પ્રવેશ લીધો. સીમાનું કહેવું છે કે, એક સ્ત્રીનું સાચું ઘરેણું સોના-ચાંદી નહીં, પણ તેની શિક્ષા, જાગૃકતા અને સંસ્કાર છે. પ્લેટો, એરિસ્ટોટલ, રાણી લક્ષ્મીબાઈ, સાવિત્રીબાઈ વગેરે સીમાના પ્રેરણાસ્રોત હતા. તેમના પુસ્તકો વાંચીને સીમામાં નવો આત્મવિશ્વાસ પેદા થતો હતો.
આ બધાની વચ્ચે સીમાના જીવનમાં એક દુઃખદ ઘટના ઘટી. વર્ષ 2002માં તેના પિતાનું અવસાન થયું. સીમા માટે આ ઘટના ખૂબ આઘાતજનક હતી. જે પિતાએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેનો હાથ ન હતો છોડ્યો, તે પિતાની છત્રછાયા હવે તેના માથા પર ન હતી. પરંતુ આ ઘટનાએ તેને કમજોર બનાવવાની જગ્યાએ વધારે મજબૂત બનાવી. કારણ કે, હવે તેના પર પોતાનાં ઘરની જવાબદારી પણ હતી. એટલે તેણે વધુ ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો.
સ્નાતક કર્યા પછી સીમાને વકીલાત કરવામાં રસ પડ્યો. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે મહાપુરુષોના પુસ્તકો વાંચીને તેનામાં પણ વકીલ બનીવાની પ્રેરણા જાગી. પરંતુ ફરીથી એજ મુસીબત તેના આગળ આવી ઊભી રહી. વકીલાત કરવી હતી, પણ પૈસા ન હતા. આખરે એક મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈને તેણે એલ.એલ.બીમાં પ્રવેશ મેળવ્યો. તંગ આર્થિક પરિસ્થિતિ વચ્ચે સીમાએ 2006માં વકીલાતનો અભ્યાસ પૂણ કર્યો.
16 ડિસેમ્બર, 2012ની એ કાળરાત્રીએ નિર્ભયા પર જ્યારે હેવાનિયતની પરાકાષ્ઠા વીતિ ત્યારે સીમા યુપીએસસીની તૈયારી કરી રહી હતી. જ્યારે તેણે આ કેસ વિશે સાંભળ્યું, ત્યારે તે પોતે અંદરથી હચમચી ગઈ હતી. તેણે નિર્ભયાને ન્યાય અપાવવાનું નક્કી કર્યું. તેણે નિર્ભયાના આરોપીઓને ફાંસી અપાવવાની માંગ માટે થઈ રહેલાં દેખાવો અને આંદોલનોમાં પણ ભાગ લીધો. સૂત્રોચ્ચાર કર્યા અને પોલીસની લાઠીઓ પણ ખાધી. તેણે વકીલાત કરી હતી, એટલે તેને કાયદાની ધીમી પ્રક્રિયા વિશે પહેલાંથી જ ખ્યાલ હતો. નિર્ભયા જેવી અનેક સ્ત્રીઓને ન્યાય અપાવવા માટે તેણે નિર્ભયાના વકીલ બનવાનું નક્કી કર્યું. આ કેસ માટે તેણે પોતાના આઇ.એ.એસ બનવાના સપનાને પણ પડતું મૂક્યું. તે હવે વકીલ બનીને હજારો સ્ત્રીઓને ન્યાય અપાવવાના જંગમાં ઉતરવા માંગતી હતી. આખરે સાત વર્ષ લાંબી કાનૂની લડત બાદ સીમા નિર્ભયા કેસના હેવાનોને ફાંસી અપાવીને નિર્ભયાને ન્યાય અપાવવામાં સફળ રહી.
નિર્ભયાનો કેસ સીમાના જીવનનો પ્રથમ કેસ હતો. આ કેસની સફળતાથી તેને ભારે આત્મસંતોષ થયો અને આશાનો નવો દીપ પ્રગટ્યો. હવે તેને પોતાના જીવનનો ઉદ્દેશ સ્પષ્ટ દેખાતો હતો. તેણે પોતાનું સમગ્ર જીવન ગરીબો, શોષિતો અને અન્યાયથી પીડિતોની સેવા માટે સમર્પિત કરી દીધું. તે આજે પણ સ્ત્રી સન્માન અને ગૌરવ માટે લડી રહી છે અને લડતી રહેશે. સીમા કુશવાહની સંઘર્ષગાથા દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે. તેણે વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાના સપનાનો દીવો ઝળહળતો રાખ્યો અને તેના તેજથી લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો...
લેખક :- પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.