વાત અમદાવાદની છે, વાત છે સાબરમતીના કિનારાની... 500 પરિવારોની એક વર્ષો જૂની વસાહતની... પેઢીઓથી એ લોકો ત્યાં રહે. એમના બાળકોને તો એમ જ કે આ વસાહત અમદાવાદની મધ્યે વસેલું આપણું એક નાનકડું ગામડું છે. બધાંએ ભેગા મળીને ત્યાં એક મંદિર બાંધ્યું. રોજ પૂજા કરે, આરતી કરે, થાળ ધરાવે ને મોજથી બધાં તહેવારોની મજા માણે. પણ એક દિવસ એક કંપની આવે છે અને ત્યાં બોર્ડ મારે છે કે, “આ જમીન અમારી છે. તાત્કાલિક ખાલી કરો.”
એક જ પળમાં મોજથી જીવતા એ 500 પરિવારના પગના તળિયેથી જમીન સરકી ગઈ અને માથે આભ ફાટી પડ્યું. માત્ર એક જ નોટિસનો કાગળ અને 500 પરિવારો ના ઘરના, ના ઘાટના થઈ ગયા.
આજે ત્યાં કશું જ નથી, ના કોઈ ઘર છે, ના કોઈ શેરી છે. ના કોઈ દાદાનો ઓટલો છે કે ના વડલા નીચે રમતા બાળકો છે. ત્યાં છે તો ફક્ત મેદાન અને તોડી પડાયેલાં મકાનોનો કાટમાળ.
હા, પણ એક વાત માનવી પડે કે મંદિર હજુ એમનું એમ અડીખમ છે. લોકોના માથેથી છત છીનવાઈ ગઈ પણ મંદિરની ધજા આજે પણ ફરકે છે.
સવાલ એ થાય કે ભગવાને તેમને કેમ ના બચાવ્યાં? જ્યારે નોટિસનો કાગળ એ લોકોના હાથમાં આવ્યો હશે, ત્યારે એમને પણ અનેક માનતાઓ રાખી હશે ને!
ઇશ્વર પરની અતૂટ શ્રદ્ધા છતાં પણ તેના ભક્તો કેમ હેરાન થાય છે? કેમ કોઈ ઇશ્વર આવતો નથી અને મનુષ્યનો ઉદ્ધાર કરતો નથી?
આનો જવાબ ભગવાન પોતે આપે છે –
उद्धरेदात्मनाऽत्मानं नात्मानमवसादयेत्।
શ્રીમદ્ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમાં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, “મનુષ્યએ પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે”
ત્રેતા યુગમાં ભગવાન પરશુરામ અને ભગવાન શ્રીરામે પોતાનું યુદ્ધ જાતે લડ્યું. ત્યારબાદ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, “હવે તમે તમારું યુદ્ધ જાતે લડો.” પાંડવો સાથે ગમે તેટલો સારો સંબંધ અને ગમે તેટલી મિત્રતા હોવા છતાં તેમણે કહ્યું કે, “આ તમારું યુદ્ધ છે, તમારે જાતે જ લડવું પડશે. તમે એકવાર યુદ્ધ મેદાનમાં ઉતરો તો ખરા, રસ્તો આપોઆપ મળી જશે. જ્યાં જરૂર પડશે ત્યાં હું અવશ્ય માર્ગદર્શન કરીશ, પણ યુદ્ધ તો તમારે જાતે જ લડવું પડશે...”
છેલ્લે કળીયુગમાં ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે, “आत्मा दीपो भवः।“ અર્થાત – તમે પોતે જ તમારો પ્રકાશ બનો.
અત્યારસુધી ભગવાને જે કહેવાનું હતું તે કહી દીધું. હવે તમારે જ કરવાનું છે. ના સમજ પડે તો ગીતા વાંચી લે જો. એનાથી વિશેષ માર્ગદર્શન હવે આપવાનું નથી રહેતું.
તમે તકલીફમાં છો, તો રસ્તો પણ તમારે જ શોધવો પડશે અને તેમાંથી તમારે જ બહાર નીકળવું પડશે. અહીં ભગવાનનું કામ એટલું જ કે, જ્યારે તમે તમારી સમસ્યાઓથી લડી રહ્યા હશો, ત્યારે એ તમારું માર્ગદર્શન કરશે અને પરિસ્થિતિઓને તમારા અનુકૂળ બનાવશે અને ગમે તે રીતે મદદ મોકલશે – પણ શરત એટલી કે તમે સાચા હોવા જોઈએ અને તમારામાં અધર્મનો લેશમાત્ર પણ અંશ ન હોવો જોઈએ.
- પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.