Pages

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

યાદ

 

જ્યારે વરસાદનાં ટીપાં,
આ અતૃપ્ત ધરાને તરબોળે છે,
જ્યારે વાદળોની ગર્જના,
વર્ષાનાં આગમનનો સંદેશો પાઠવે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે પ્રકૃતિ સોળે કળાએ,
ખીલીને સૌંદર્ય પાથરે છે,
જ્યારે મેઘને ભેદતો ઇન્દ્રધનુષ,
પ્રકૃતિને સપ્તરંગી મુકુટથી શણગારે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે મોર તેની મનમોહક કળાથી,
મારું મન મોહી લે છે,
જ્યારે કોયલનો મધુર સ્વર,
મારા કાને પડે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે પ્રભાતે પંખીઓનો,
કલરવ મને સંભળાય છે,
જ્યારે કાગડો મારા ઝરૂખે બોલે છે,
અને કોઈ આવતું હોય એમ ભાસે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે દરિયાના ઉછળતા મોજાં,
મારા પગે અથડાય છે,
જ્યારે આ અપાર સિંધુની વિશાળતા,
ભલભલાનાં અભિમાનને તોડે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે આ શીતળતા આપતો,
ઠંડો પવન મને સ્પર્શે છે,
જ્યારે ફૂલોની મોહક સુવાસ,
મારા મનને પ્રફુલ્લિત કરે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે ઉનાળાની કાળજાળ ગરમી,
આ વસુંધરાને તપાવે છે,
જ્યારે શિયાળાની શીતળતા,
ઠંડીથી બધાને ધ્રુજાવે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે એક બાળકનું નિર્દોષ હાસ્ય,
એક પળમાં મારાં દુઃખો ભુલાવે છે,
જ્યારે વડીલોના આશીર્વાદ,
મને આત્મબળ પૂરું પાડે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે સાધુ સંતોનું તપોબળ,
મને પ્રભાવિત કરે છે,
જ્યારે ગુરૂજનોનું જ્ઞાન,
મારી જિજ્ઞાસાઓને સંતોષે છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે એક ગરીબની ઝૂંપડીમાં,
તારા નામનો દીવો હું જોઉં છું,
જ્યારે હારેલા વ્યક્તિની આંખોમાં,
એક આશાનું કિરણ હું જોઉં છું,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે કળિયુગમાં પણ હું,
તારી લહેરાતી ધજા જોઉં છું,
જ્યારે દુર્જનોનાં બજારમાં,
મને કોઈ સજ્જન મળી જાય છે,
ત્યારે તું મને યાદ આવે છે...

જ્યારે આજે પણ હું સમાજમાં,
સત્ય અને અહિંસાને જીવિત જોઉં છું,
જ્યારે તેજ,ત્યાગ અને કરુણારૂપી તને,
લોકોના હૃદયમાં ધબકતો જોઉં છું,
ત્યારે તું મને યાદ આવે છે...

ઘણું અઘરું છે મારા માટે,
એ ક્ષણ શોધવી જેમાં તું યાદ ના આવે
જીવનના પળે પળમાં આ પાર્થને,
પાર્થસારથી યાદ આવે છે...

                              - પાર્થ પ્રજાપતિ

                        ( વિચારોનું વિશ્લેષણ )



4 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.