શાળામાં ભણાવતાં શિક્ષકોની નોંધ તો દરેક જગ્યાએ લેવાતી હોય છે, કારણ કે તેઓ બાળકોમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. પરંતુ એક વ્યક્તિ ગામમાં એવો પણ હોય છે જે આખા ગામમાં ફરી ફરીને જ્ઞાનની વહેચણી કરતો હોય છે. ગામ હોય કે શહેર, સવાર પડતાંની સાથે જ સવારની ચા સાથે સાથે આ ભાઈની પણ રાહ જોવાતી હોય છે. કોણ છે એ ભાઈ કે જેમની રાહ આખું ગામ આટલી આતુરતાથી જોતું હોય છે? એ વ્યક્તિની રાહ જોવાય છે જે સવાર સવારમાં માત્ર ગામ, શહેર કે રાજ્યના જ નહિ, પરંતુ આખા વિશ્વના સમાચાર લઈને આવે છે. હા! એ ભાઈ છે સમાચારપત્ર નાખવાવાળાં એટલે કે છાપાવાળાં ભાઈ. સવાર સવારમાં આખા વિશ્વની નવાજૂની જાણવા મળે તો ચા કંઈક વધારે જ મીઠી લાગવા માંડે... ક્યારેક ખૂબજ સારા સમાચાર હોય તો ક્યારેક માઠાં સમાચાર હોય. પરંતુ કંઈ પણ થાય, આ ભાઈ પોતાનું કાર્ય એક પણ દિવસ રજા પાડ્યાં વગર નિયમિતપણે પૂર્ણનિષ્ઠા અને પ્રમાણિકતાથી કરતાં હોય છે. તમે કોઈ દિવસ છાપું લેવાનું ભૂલી ના જાઓ તેથી એ ઘરે આવીને આપી જાય છે. હા, જો સમાચારપત્ર છાપવાવાળું કારખાનું રજા પાડે તો આ ભાઈના કામમાં રજા પડે, પણ એમાં આ ભાઈનો શો વાંક?
સવાર સવારમાં આપણને રજાઈમાંથી નીકળવાનું મન ના થતું હોય ત્યારે તો આ ભાઈ કામે લાગી ગયા હોય છે. સૂર્યદેવના ઊગતાં પહેલાં જ એમની સવાર પડી જતી હોય છે... સૂર્યદેવ મોડાં ઊગે કે વહેલાં, આ ભાઈને કોઈ જ ફરક ના પડે. આ ભાઈને માત્ર તેમના કામથી જ ફરક પડે. કામ થવું જોઈએ બસ. શિયાળાની કકળતી ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ, આ ભાઈને કોઈ જ રોકી શકતું નથી. એ તો એમની સાયકલ લઈને નીકળી પડે છે સવાર સવારમાં સાયકલની ઘંટડી વગાડતાં વગાડતાં અને ગીતો ગણગણતાં...
કોઈને થાય કે એમ તો કયું મોટું જ્ઞાન વહેંચે છે...તો ભાઈ, તમારા બાળકોને તો શાળામાં જ્ઞાન મળી જ જાય છે પણ તમને ઘરે બેઠાં બેઠાં સવાર સવારમાં આખાં વિશ્વની ખબર મળી જાય...એમાં પણ સમાચારપત્રમાં આવતાં વિશેષ અંકમાં તો સાહિત્યનો ખજાનો હોય છે. કેટકેટલાંય પ્રસિદ્ધ કવિઓ અને લેખકોના અમૂલ્ય લેખ, તેમના સાંપ્રત પ્રવાહો વિશેના વિચારો, બોધપાઠ આપતી વાર્તાઓ, કવિતાઓ, વિશ્વની અજાયબીઓ વિશેની જાણકારી, નવી કોઈ સરકારી યોજનાની માહિતી, મહિલાઓને પસંદ પડે એવા નવા કોઈ સેલની માહિતી અને આવી બધી તો અઢળક માહિતીઓનો ખજાનો. આ બધો ખજાનો માત્ર ચાર કે પાંચ રૂપિયા જેટલી નજીવી કિંમતે ઘરે બેઠાં મળે એ કોઈ નાનીસૂની વાત થોડી કહેવાય..? આજકાલ તો લાઈબ્રેરીઓ સૂની પડી ગઈ છે. પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને લાઈબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવાનો કોઈ પાસે સમય જ નથી. એવામાં રોજ ઘરે સવારે સમાચારપત્ર આવતું હોય તો ઘરના બાળકો, વૃદ્ધ દાદાદાદી વગેરેનો વાંચન પ્રત્યેનો રસ જળવાઈ રહેતો હોય છે. અરે ભાઈ ! આ વાંચન પ્રત્યેનો રસ જ હોય છે જે આગળ જતા તમારા બાળકનું વ્યક્તિત્વ ઘડે છે. દૈનિક વાંચનના કારણે બાળકોની વિચારશક્તિ અને કલ્પનાશક્તિમાં વધારો થાય છે.. શાળાના પુસ્તકોમાંથી બહાર નીકળીને બાળક બાળપણમાં જ દેશ અને દુનિયાની ખબરો વિશે જાણકાર બનતું જાય. બાળકની બુદ્ધિશક્તિનો વિકાસ થાય. આટલું બધું કુશાગ્રબુદ્ધિવાળું તમારું બાળક જ્યારે બીજા સામાન્ય બાળકોથી અલગ પડે અને કોઈ સામાન્ય જ્ઞાનની સ્પર્ધામાં વિજય મેળવે તો તમારી છાતી ગદ્ગદ્ થાય કે નહિ? મારી વાત કરું તો હું આજે એક લેખક બન્યો તેની પાછળ આ દૈનિક સમાચારપત્રોનો અમૂલ્ય ફાળો છે. મારા જ્ઞાનનો પ્રારંભિક સ્રોત તો આ સમાચારપત્રો જ છે. શાળાના પુસ્તકોમાં રહેલું જ્ઞાન મર્યાદિત હોય છે અને મર્યાદિત જ્ઞાન વડે સફળતા ના મળે. સફળતા મેળવવી હોય તો જ્ઞાન માટેની ભૂખ હોવી જોઈએ.
( અમારા ગામ સાઠંબામાં જ્ઞાનનો ખજાનો વહેંચતાં સચિનભાઈ
શાહ )
જેમના ઘરે ઘરડાં દાદાદાદી હશે એમને તો ખબર જ હશે કે વૃદ્ધ દાદાદાદીને પોતાનો સમય પસાર કરવામાં અને જીવન કંટાળાજનક ના લાગે તે માટે આ સમાચારપત્રો કેટલો મોટો ભાગ ભજવે છે! હવે વિચારો કે આ બધું તમને કોઈ ટીવી પર આવતી સમાચારની ચેનલ પર મળે? હાલમાં જ થયેલા એક સર્વે પ્રમાણે ટીવી મીડીયા કે ઈલેક્ટ્રોનિક મીડીયા કરતાં પ્રિન્ટ મીડિયા ( સમાચાર પત્રો ) સૌથી વધુ વિશ્વસનીય છે. એક ગુજરાતી કહેવત છે કે, ' જે ઘરે સારાં પુસ્તકો ના હોય તે ઘરે દીકરી ન આપવી. ' આ કહેવત કાંઈ એમ જ કહેવામાં નથી આવી. આ કહેવત પાછળ એક નક્કર કારણ છે. જે ઘરે સારાં પુસ્તકો ના હોય તે ઘરમાં લોકો વાંચન પ્રત્યે નીરસ જ હશે એ તો નક્કી છે. આવા લોકોને ખૂબજ સરળતાથી મૂર્ખ બનાવી શકાય છે, જેમ કે આજે વ્હોટ્સ એપ અને ફેસબુક પર આવનારી ફેક પોસ્ટ દ્વારા બનાવવામાં આવે છે. જેમની પાસે પૂરતું જ્ઞાન હોય કે થોડો પણ વાંચન પ્રત્યે રસ હોય એ લોકોને સરળતાથી મૂર્ખ ના બનાવી શકાય, કારણ કે એ વ્યક્તિ જાણકાર હોય છે. સારાં પુસ્તકો વાંચવાનો સમય ભળે ના હોય પણ દરેક વ્યક્તિનાં ઘરે જો દૈનિક સમાચારપત્રો આવતાં હોય તો જ્યારે પણ સમય મળે ત્યારે એમાં રહેલાં અદ્ભુત જ્ઞાનમાં ડૂબકી મારી શકાય... આખા ગામની આવી સેવા પેલાં છાપાવાળાં ભાઈ કરે છે. તો બોલો એમનું કામ કેટલું મહાન કહેવાય?
પાર્થ
પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
ખૂબ સરસ નિરીક્ષણ👍
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આપનો
કાઢી નાખોલેખ ગમ્યો સચિન શાહ એટલે સાઠમબા માટે ઊગતું પ્રભાત પ્રામાણિક અથાક પરિશ્રમી પ્રેરણાદાયી વ્યક્તિત્વ.
જવાબ આપોકાઢી નાખોખુબ ખુબ આભાર આપનો
કાઢી નાખો