આ વિશ્વમાં બે પ્રકારના યોગીઓ રહે છે. એક કે જેઓ ભગવતપ્રાપ્તી અર્થે સંસાર છોડીને સન્યાસ ધારણ કરીને નિરંતર ભગવાનનાં ધ્યાનમાં રચ્યા પચ્યા રહે છે અને બીજા કહેવાય છે કર્મયોગી કે જેઓ રાજા જનકની જેમ સંસારમાં જ રહીને, બધી સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્તવ્યનિષ્ઠાથી નિભાવે છે છતાં પણ સાંસારિક દોષોથી સંપૂર્ણ અલિપ્ત રહી, કાદવમાં ખીલેલા કમળની જેમ આસપાસનાં વાતાવરણમાં પોતાનાં સત્કર્મોની સુવાસ ફેલાવે છે અને પોતાની સાથે સાથે અન્ય લોકોનો પણ ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ગીતામાં કર્મયોગનો મહિમા ખૂબ જ ગાયો છે અને તેમને આવા કર્મયોગી લોકો કેટલા પ્રિય હોય છે એ પણ વર્ણવ્યું છે. પૃથ્વી પર ઘણાંય કર્મયોગી લોકો થયાં છે અને આજે પણ આપણા સમાજમાં આવા ઘણા કર્મયોગી લોકો છે કે જેઓ પોતાના સત્કર્મોની સુવાસ આજે સમાજમાં ફેલાવી રહ્યાં છે અને જનસેવા એ જ પ્રભુસેવાને પોતાનો જીવન મંત્ર માને છે.
ઇન્દુબેન પ્રજાપતિએ પોતાનું શિક્ષણ પોતાનાં મોસાળ થુરાવાસ
રીંટોળા ગામે નાનાશ્રીના ઘરે રહીને લીધું હતું. તેમણે ધોરણ ૧૦માં અંગ્રેજી વિષય
સાથે પાસ થનારા પ્રજાપતિ સમાજનાં પ્રથમ દિકરી તરીકેનું બહુમાન મેળવ્યું હતું. ઉચ્ચ
શિક્ષણમાં તેમણે લાઈબ્રેરીયનનો કોર્સ કર્યો. સમય જતાં એસ. કે. પ્રજાપતિ
સાથે લગ્નગ્રંથિથી જોડાયાં અને ગાંધીનગર સ્થાયી થયાં. ત્યારબાદ ગાંધીનગરમાં ‘ ગુજરાત માધ્યમિક
શિક્ષણ બોર્ડમાં ‘ ફરજ બજાવી. વર્ષ ૧૯૮૮
માં માતાનો સ્વર્ગવાસ થતાં પોતાના સેવાનિવૃત્ત પિતાની સેવા માટે વતન પરત આવ્યાં. હવે
તેમના ખભા પર પતિનું અને પિતાનું એમ બે ઘરની જવાબદારી આવી ગઈ. ત્રણ પુત્રો અને એક પુત્રીની
માતા હોવા છતાં પણ ઇન્દુબેને અનેક સંઘર્ષોનો સામનો કરીને પણ આ બંને જવાબદારીઓ બખૂબી
નિભાવી. આ બધાની વચ્ચે પણ તેમના હૃદયમાં પોતાના વતન માટે કઈંક કરવું જ છે એવી
ઝંખના તો હતી જ એટલે અનેક મુશ્કેલીઓની વચ્ચે પણ તેમણે વર્ષ ૧૯૯૬ માં બહેરા
મૂંગા અને દિવ્યાંગ બાળકો માટે નિવાસી શાળાની શરૂઆત કરી. પોતાની બચતમાંથી તથા
પિતા દ્વારા પોતાના પેન્શનમાંથી કરવામાં આવેલી મદદ વડે તેમણે આ શાળા વર્ષો સુધી
સફળતાપૂર્વક ચલાવી. બાળક દિવ્યાંગ જન્મે એટલે લોકોને લાગે કે હવે આ બાળકનું જીવન
નકામું થઈ ગયું. તે પોતાના જીવનમાં કઈં જ કરી નહિ શકે. આ પ્રકારના બહેરા મૂંગા
બાળકોની વેદના જોઈને શરૂ કરેલી શાળાએ અનેક બાળકોને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવ્યાં
અને તેમને પોતાના દિવ્યાંગપણાના ક્ષોભમાંથી મુક્તિ અપાવી.
મહેમાનનું સ્વાગત કરતાં ઇન્દુબેન
સેનેટરી પેડનું વિતરણ કરતાં ભાવેશ પ્રજાપતિ
આજે પણ અંતરિયાળ વિસ્તાર શિક્ષણથી અલિપ્ત રહ્યો છે. તેથી જ
તેમનામાં જાગૃતિનો અભાવ હોય છે અને તેઓ મુખ્યધારાથી અડગા રહી જાય છે. શિક્ષણના
અભાવના કારણે યુવાધન દારૂ, જુગાર અને ચોરીના રવાડે ચડી જાય છે. આ પ્રકારના અંતરિયાળ વિસ્તારમાં
શિક્ષણનો વ્યાપ વધે અને ગામડાનું બાળક પણ શહેરના બાળકની સાથે હરીફાઈમાં ઉતરી શકે
તે માટે આ સંસ્થાએ શાળાઓ ઉપરાંત સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાની સૌપ્રથમ ઈ-
લાઇબ્રેરી શરૂ કરી. ગુજરાતી સાહિત્ય જેમના વગર અધૂરું છે તેવા મૂર્ધન્ય
સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીના નામે શરૂ કરેલી આ ઈ- લાઇબ્રેરી આજે અંતરિયાળ
વિસ્તારના વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે જ્ઞાનનો અખૂટ સ્રોત સાબિત થઈ છે. સાબરકાંઠા
જિલ્લા વિકાસ અધિકારી IAS શ્રી હર્ષ વ્યાસ અને
ગુજરાતના જાણીતા પ્રેરણાત્મક વક્તા ( મોટીવેશનલ સ્પીકર ) શ્રી સંજય રાવલના વરદ
હસ્તે તથા સંસ્થાના કો- ઓર્ડીનેટર ભાવેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ આ ઈ-
લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે પણ આ સંસ્થાના તથા પુનાસણ ગામની આસપાસ
વસતાંં ગ્રામજનો, યુવાનો અને વડીલો આ ઈ- લાઇબ્રેરીનો લાભ લઇ
રહ્યાં છે. ગ્રામીણ વિસ્તારના બાળકોને વિશ્વ કક્ષાનું જ્ઞાન ઇન્ટરનેટ, પ્રોજેકટર અને લેપટોપના માધ્યમથી મળી રહે તથા તેઓ કમ્પ્યુટર ક્ષેત્રે તજજ્ઞ
બની રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે પણ આ સંસ્થા કાર્યરત છે. ઈ- લાઇબ્રેરી તેનું
જ એક ઉદાહરણ છે. શાળા કોલેજોમાં યુવાનોમાં જાગૃતિ કેળવાય તે માટે સંસ્થા દ્વારા
અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે તથા યુવાનો માટે પ્રેરણાત્મક સેમીનારનું પણ
આયોજન કરવામાં આવે છે.
ઈ- લાઈબ્રેરીનું લોકાર્પણ કરતાં શ્રી સંજય રાવલ, જીલ્લા વિકાસ અધિકારી IAS શ્રી હર્ષ વ્યાસ અને સંસ્થાના પ્રમુખશ્રી એસ. કે. પ્રજાપતિ
સંસ્થાના પ્રમુખપદની જવાબદારી હાલ ઇન્દુબેનના પતિશ્રી એસ. કે. પ્રજાપતિ બજાવી રહ્યા છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે પણ અહીં ઇન્દુબેનની સફળતા પાછળ તેમના પતિશ્રી એસ. કે. પ્રજાપતિનો હાથ છે કે જેમણે ઇન્દુબેનના માથે આવનાર દરેક દુઃખ પોતે જીલ્યાં છે. ગ્રામજનોમાં ધાર્મિક સહિષ્ણુતા, ભાઈચારો અને સહકારની ભાવના જળવાઈ રહે તે માટે ઇન્દુબેન દ્વારા સ્થાપિત આ સંસ્થા દ્વારા સમાજના દરેક વર્ગને સાથે લઈને ધાર્મિક ઉત્સવો જેવા કે પતંગોત્સવ, શરદપુનમ, જન્માષ્ટમી, દશેરાપર્વ પર ચાકપૂજન વગેરે અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. સંસ્થાની અંદર ઉજવાતાંં આ દરેક પ્રસંગોનું વિડીયો શુટિંગ અને ફોટોગ્રાફી કરીને તેને સોશિયલ મિડીયાના માધ્યમથી સતત જીવંત રાખી દેશના ખુણે ખુણે પહોંચાડવાનું કામ ઇન્દુબેનના સૌથી નાના સુપુત્ર હંસરાજ પ્રજાપતિ કરે છે અને તેમણે વિશ્વ સ્તરે સંસ્થાને ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો છે. હાલ તેઓ સંસ્થાનું પરચેઝીંગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. ઇન્દુબેનના સૌથી મોટા સુપુત્ર હિરેનભાઈ પ્રજાપતિ પણ સંસ્થાના અન્ય કામોમાં ખુબ જ મદદરૂપ થાય છે. ગ્રામજનોને સ્થાનિક ડિજિટલ સેવાઓનો લાભ મળી રહે તે માટે કોમન સર્વિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેના થકી સેવા સેતુ, સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રીશ્રીના વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામડાના છેવાડાના માનવીને મળી રહે તે માટે આ સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. સંસ્થાના પ્રમુખશ્રીના કાર્યોને બિરદાવતાં, દેવરાજધામના મહંતશ્રી ધનગીરી બાપુ અને લઘુ મહંતશ્રી મહેશગીરી બાપુના વરદ હસ્તે સંસ્થાના પટાંગણમાં ‘ કુંભાર રત્ન ‘ એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે જે ગુજરાત રાજ્યના સમસ્ત પ્રજાપતિ સમાજમાં પ્રથમ ઘટના છે. ટૂંક સમયમાં કુંભાર રત્ન એવોર્ડથી અન્ય મહાનુભાવોને નવાજવાનું સંસ્થાના પ્રમુખશ્રી વિચારી રહ્યા છે જે તેમણે એક ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
કુંભાર રત્ન એવોર્ડ
સ્વ. લીલાધર પંચાલ દ્વારા રચિત કવિતા
મહેમાનોનું સ્વાગત કરતાં શ્રી
એસ. કે. પ્રજાપતિ
સંસ્થાનું બાંધકામ જુના જમાનાની રૂઢી મુજબ કરવામાં આવ્યું છે જેમાં જુના જમાનાની
લુપ્ત થતી જતી વસ્તુઓને સાચવીને સંગ્રહ કરવામાં આવ્યો છે. સંસ્થામાં એસી કોન્ફરન્સ
હોલ અને થીયેટર બનાવેલાં છે. અહીં સરકારશ્રીના વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે
છે. સંસ્થામાં લોન ગાર્ડન અને રજવાડી સ્ટેજનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જેનો
ઉપયોગ વિવિધ પ્રસંગે ભાડે આપી મેળવેલી રકમથી સંસ્થાનો વિકાસ કરવામાં આવે છે.
સંસ્થાની મુલાકાતે આવનાર પરીવારના બાળકો તથા આસપાસના ગામનાં બાળકો માટે અહીં સુંદર
બગીચાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનો નાના ભુલકાઓ હોંશે હોંશે ઉપયોગ કરે છે. અહીં રમત ગમતના સાધનો અને વિવિધ કસરતો
માટેના સાધનો પણ ઉપલબ્ધ છે. સંસ્થાની આજુબાજુ જોવાલાયક સ્થળો પણ ખુબ જ છે તેથી
મુલાકાતીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રકૃતિપ્રેમીઓએ
અને હરવાં ફરવાનાં શોખીન લોકોએ એક વાર અચૂક આ સંસ્થાની મુલાકાત લેવી જોઈએ. આ સંસ્થા
એક ચેરીટેબલ ટ્રસ્ટ હોઈ,
સંપુર્ણ
સંચાલન દાનથી મળેલ રકમથી થાય છે. ઇન્કમ ટેક્ષની કલમ ‘ ૮૦ જી ‘ પ્રમાણે અહીં આપવામાં
આવતું દાન સંપુર્ણ કરમુક્ત ( ટેક્ષ ફ્રી ) છે. તેથી સમાજસેવાની ભાવના
રાખતાં મહાનુભાવોએ આ સેવાભાવી સંસ્થાના વિકાસમાં અચૂક ફાળો આપવો જોઈએ.
સંસ્થામાં આવેલું ઉદ્યાન
અરવલ્લીના જાણીતા લેખકશ્રી ઈશ્વર પ્રજાપતિએ પણ આ
સંસ્થાના સેવાભાવી કાર્યો ઉજાગર કરતો એક લેખ લખીને પોતાના બ્લોગ તથા પોતાના પુસ્તક
‘ વ્યક્તિ વિશેષ ‘ માં સ્થાન આપી, આ સંસ્થાના ઉત્સાહમાં વધારો કર્યો છે.
અરવલ્લીના અરણ્યમાં કમળની પેઠે ખીલેલી આ સંસ્થા પોતાના સત્કર્મોની સુવાસ ચારેકોર
ફેલાવીને સમાજના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. શ્રીમતી ઇન્દુબેનના સેવાબીજમાંથી
પાંગરેલી સંસ્થા આજે વટવૃક્ષ બનીને ઉભરી છે અને આસપાસના લોકોને પોતાની શીતળ
છાયામાં સમાવી રહી છે. પરોપકારની જ્યોત જેવી આ સંસ્થાની એક વાર મુલાકાત અચૂક લેવી જોઈએ.
સંસ્થામાં આવેલા કોમન સર્વિસ સેન્ટર દ્વારા ઉપલબ્ધ સેવાઓ
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.