નોંધ:- લેખના લેખક હિરેન પ્રજાપતિ ( રખેવાળ ) છે...
સદીઓથી સ્ત્રીઓ પર અત્યાચાર થતાં આવ્યા છે. તેમના પગમાં રીતિરિવાજો અને પરંપરાની બેડીઓ પહેરાવીને તેમને મુક્ત ગગનમાં વિહરવા દેવામાં નથી આવતી. છતાં પણ કેટલીક સ્ત્રીઓ હોય છે જે રૂઢિચુસ્ત માન્યતાઓની બેડીઓ તોડીને પોતાના સપના સાકાર કરે છે અને જીવનમાં સફળતા મેળવે છે. આજે આપણે એક એવા સ્ત્રીરત્નની વાત કરવાના છીએ જેના પગમાં બેડી સમાજે નહિ, પરંતુ કુદરતે પહેરાવી હતી. કુદરતે તેમના બંને પગ નિર્જીવ બનાવી દીધા હોવા છતાં પણ તેમણે સંઘર્ષનો માર્ગ ન છોડ્યો અને જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળ થયાં.
ગુજરાત રાજ્યમાં આવેલું ઈડર એટલે રાજવી સ્ટેટ અને ઈડર ( સ્ટેટ) તાલુકાનું નાનકડું ગામડું એટલે ચોટાસણ. ચોટાસણ ગામમાં એક બેન્ક કારકુન તરીકે ફરજ બજાવતા પિતાને ત્યાં તારીખ ૧૬ ડીસેમ્બર, ૧૯૮૦ના રોજ એક દીકરીનો જન્મ થયો. જન્મ થયો એટલે પરિવારમાં એક આનંદની લાગણી અને ઉલ્લાસ છવાઈ ગયો. જન્મનાર દીકરીએ ત્રીજા નંબરનું સંતાન હતું. જેનું નામ વિધિના વિધાન સાથે રાખ્યું તરલીકા. તરલીકા ધીરે ધીરે પા પા પગલી પાડતી ગઈ અને મોટી થતી ગઈ. તરલીકા ૩ વષૅની ઉંમરે પહોચી ત્યારે હસતી ખેલતી ઢીંગલી જેવી દિકરી હતી. ૩ વષૅની ઉંમરે આ દિકરીને ઘોડાનું પૂતળું (સ્ટેચ્યુ) ખૂબજ પસંદ હતું, જેની સાથે તે સતત રમ્યાં કરતી હતી. ૩ વર્ષની ઉંમરે પહોચેલી દિકરીના શરીરમાં તાવનું ટેમ્પરેચર અચાનક વધી ગયું પરંતુ ૩ વષૅના બાળકને શું ખબર હોય! પોતાના માતૃશ્રી જ્યારે તરલીકાનું માથું ઓળાવતા હતાં ત્યારે તરલીકા કમરના ભાગમાંથી આમતેમ ડોલવા લાગી માતૃશ્રીને ચિંતા થતાં વાળને ઝડપ ભેર બાંધી દીકરીને લઈ ઈડર ભણી વાટ પકડી. ઈડરના એક દવાખાને પહોંચ્યા અને ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી. સારવાર દરમિયાન એક ઇન્જેક્સન તરલીકાનાં શરીર પર આપવામાં આવ્યું અને તરલીકાની તબિયત વધુ લથડવા માંડી અને કમરથી નીચેના ભાગમાં પોલીયોની અસર પડી. એ દિવસ તરલીકાનાં જીવનનો ગોઝારો દિવસ સાબિત થયો. પિતાશ્રીએ ઘણાં બધાં સજૅન ડોક્ટરોની સલાહ સૂચન લઈ સારવાર અને સજૅરીઓ ચાલુ રાખી હતી.
એક તરફ તરલીકાની સારવાર ચાલુ અને એક તરફ તેની ઉંમરમાં પણ વધારો થતો હતો... એટલે કે વધતી જતી ઉંમર સાથે તરલીકાને ચોટાસણની પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ ગામની પ્રાથમિક શાળામાં પૂણૅ કર્યું. ત્યારબાદ તેણે ગામથી થોડે દૂર બાજુના ગામ ચોરીવાડમાં માધ્યમિક શિક્ષણ લીધું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ સી. કે. ગર્લ્સ હાઈસ્કૂલ, ઈડર ખાતે કર્યો અને ધોરણ ૧૨, ઈ. સ. ૧૯૯૭માં પાસ કર્યું....
આ અભ્યાસ દરમિયાન તરલીકાને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો કેમ કે કમરથી નીચેના ભાગમાં પોલીયો નામની બિમારી ઘર કરી ગઈ હતી, પરંતુ મનમાં એક પાકો નિર્ધાર કરેલો કે ગમે તે પરિસ્થિતિમાં પણ અભ્યાસ કરવો છે અને ઉચ્ચ અભ્યાસ કરવો છે. તરલીકાએ ધોરણ ૧૨ પાસ કયૉ બાદ ઈડર ગર્લ્સ કોલેજમાં એડમિશન મેળવી લીધું અને સન-૨૦૦૪ માં ટી.વાય.બી.એ. પૂણૅ કર્યું.
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેમ કમરથી નીચેના ભાગે બંને પગ ગુમાવી દેનાર તરલીકાએ માસ્ટર ઓફ આર્ટસ (એમ.એ), આટૅસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતેથી સન-૨૦૦૬ માં પૂર્ણ કર્યું. ત્યાર બાદ અભ્યાસમાં લાગેલી લગની અને કંઈક કરવું છે તેવા અડીખમ નિધૉર સાથે બી.એડ માટે અંદ્રોખા મુકામે એડમિશન મેળવ્યું અને ૨૦૦૮ માં બી.એડ. પૂણૅ કર્યું. બી.એડ એટલે એક શિક્ષક બનવાનો અભ્યાસ અને એના માટે કોલેજમાં અભ્યાસ સાથે અન્ય શાળાઓમાં વિધાર્થીઓને ભણાવા માટે (પાઠ) આપવા જવાનું થાય છે, જેમાં તરલીકાને અન્ય શાળાઓમાં જ્યાં કોલેજ મોકલે ત્યાં જવાનું થતું. ત્યાં જ્યાં બાળકો બેન્ચ પર હોય અને તરલીકા નીચે બેસીને ભણાવતી એતો ઠીક પણ જ્યારે રોજના બે-બે પાઠ લેવાનાં થતાં અને શાળાના શૌચાલય દુર બનાવેલા હોય પગ વગર હાથથી ચાલતી તરલીકાએ પોતાની શારીરિક તકલીફને કારણે પોતાની કુદરતી શૌચક્રિયાઓ પણ આખો દિવસ રોકી રાખેલી છે. આ પરિસ્થિતિનો સંઘર્ષ વેઠી કોલેજની પરીક્ષામાં રેગ્યુલર હાજરી આપી બી.એડમાં સારા ગુણ સાથે પાસ થયા હતાં. ત્યારબાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતેથી એમ. ફીલ. સન-૨૦૦૯ માં પાસ કર્યું. આ હતી તરલીકાનાં અભ્યાસ જીવન-સંઘર્ષ સાથેની ગાથા...
ભગવાને આપણને બે હાથપગ અને સુંદર મજાનું મજબૂત શરીરનો બાંધો આપેલો છે, છતાં પણ અભ્યાસમાં ક્યાંકને ક્યાંક આજના યુવાન યુવતીઓ (વિધાથીર્ઓ) પરિપૂર્ણ ઊતરતા નથી એની જગ્યાએ તરલીકા પ્રજાપતિએ એમ. ફીલ. સુધીના અભ્યાસમાં પરિપૂર્ણતા કેળવી લીધી છે અને અભ્યાસ ક્ષેત્રે પોતાનું લક્ષ હાંસલ કર્યું છે...
તરલીકાના પરિવારની વાત કરીએ તો પરિવાર પહેલાંથી જ સંપૂર્ણ ઘાર્મિકતા વાળો અને ભક્તિના માર્ગેએ વળેલો પરિવાર છે જેમાં તેમના માતાપિતા ઉપરાંત એક મોટાં બહેન અને બે ભાઈઓ છે. ભાઈઓ પણ સુસંસ્કારી અને સંસારી છે. ભાઈઓ બાળકોનાં શિક્ષણ અર્થે હાલ અલગ અલગ રહે છે. તરલીકાની વાત કરીએ તો તરલીકા પરિવારમાં ત્રીજા નંબરના છે. એમનાં પછીનો એક ભાઈ ભાવેશ હાલ પોતાના ધંધા માટે ઈડર શહેરમાં સ્થાયી થયેલા છે. તરલીકાના પિતાશ્રી એક રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી હતાં, જેમણે કારકુનથી લઈ બેન્કમાં મેનેજર સુધીની પોતાની ફરજ સમયે સેવાઓ આપેલી છે. હાલ તેઓ નિવૃત જીવન વિતાવે છે. માતૃશ્રીનો અભ્યાસ ધો-૪ સુધીનો છે એટલે એ ઘર પરિવાર સંભાળી પ્રભુ નામનું રટણ કરે છે.
ત્રણ વર્ષની ઉંમરે તરલીકા બિમાર પડી અને તાવમાંથી પોલીયો ( લકવો) ની બીમારીનો ભોગ બની ત્યારથી આજ સુધીમાં એના શરીરે ઘણાં સર્જરી ઓપરેશન વેઠ્યા છે. જેમાં ત્રણ મેજર ઓપરેશન હતા. બે પગના અને એક પથરીનું ઓપરેશન થયેલું છે. સજૅરીની વાત કરીએ તો તરલીકાનાં શરીરનું કોઈ અંગ એવું નહીં હોય કે જેણે ઇન્જેક્શન કે સર્જરીના સાધનોનો સામનો ન કર્યો હોય. તરલીકા ૩(ત્રણ) વર્ષની ઉંમરે તાવની બિમારીમાં સપડાઈ અને ત્યારબાદ પોલીયો (લકવો)ની બિમારીનો શિકાર બની ત્યારથી આજ સુધી પોતે અત્યારે છેલ્લા ૩૫ વર્ષથી બેઠાં બેઠાં હાથનાં સહારે જ ચાલે છે. તરલીકાનું એક ઓપરેશન વિશાખાપટ્ટનમ ખાતે કરવાનું હતું, એ પહેલાં વિશાખાપટ્ટનમના ડોક્ટરની ટીમ મહેસાણા ખાતે આવેલી હતી અને પછી તરલીકાની તારીખ અને ઓપરેશન વિશાખાપટ્ટનમ ખાતે કરવાનું નક્કી થયેલું હતું. પોતાના પગ પર ઊભી થઈને ચાલવાના સુંદર સપના તરલીકાએ જોઈ ઓપરેશન માટે વિશાખાપટ્ટનમ જવા મનને મક્કમ બનાવી પોતાના પરિવાર સાથે રેલવે મુસાફરી કરી વિશાખાપટ્ટનમ પહોંચી ગઈ હતી. વિશાખાપટ્ટનમ ખાતે ઓપરેશન થયું અને તરલીકાના બંને પગ પ્લાસ્ટર ઓફ પેરિસના પાટાઓથી બાંધી દેવામાં આવ્યા હતા. હવે તરલીકાની જે મુસીબત હતી એમાં વધારો થયો છતાં પરિવારના સહારે પોતાના માદરે વતન પરત ફરી એક મહિના સુધી એજ સ્થિતિમાં ખૂબ કષ્ટ સાથે ચાલવાની આશા સાથે દિવસો પસાર કર્યા. તે પુનઃ એક મહિના બાદ વિશાખાપટ્ટનમ તરફ પાટો ખોલાવા રવાના થઈ. આ મુસાફરી દરમિયાન તરલીકાને જે રેલમાર્ગ તકલીફ પડી હતી એતો પોતે તરલીકા જ સહનશીલતા સાથે સહન કરી શકે જેને શબ્દોમાં વણૅવી શકાય તેમ નથી. ડોક્ટર પાસે પહોંચી પાટો ખોલતા તરલીકાનો એક પગ ટૂંકો થઈ ગયેલો હતો, તેમ છતાં ડોક્ટરની સલાહ સૂચન મુજબ ૧ વર્ષ સુધી ઘોડી લઈને ચાલવાની આશાઓ સાથે ચાલી અને ખૂબ તકલીફ વેઠી પણ સહનશીલતા ઘટતાં ઘોડી ફેંકી દીધી અને હાથથી ચાલવાનું શરૂ કર્યું. મનને મજબૂત કરી પરિવારને છેલ્લા શબ્દોમાં કહ્યું કે મારા માટે કરેલાં તમારા તમામ પ્રયત્નોને મારા દંડવત પ્રણામ હવે મને મારા મુક્ત મન સાથે છોડી દો, મારું ભાગ્ય મારા સાથે છે જેનાથી હું ખુશ છું....
તરલીકાએ ઉચ્ચ અભ્યાસ કેળવેલો છે એટલે તેને પુસ્તકો વાંચવાનો લગાવ અભ્યાસ સમયથી જ રહેલો છે. સાથે સાથે માતાપિતાનું ધાર્મિક અને ભક્તિ સાથેનું જીવન એટલે આધ્યાત્મિક પુસ્તકો વાંચતા જોયેલા અને પછી એ પુસ્તકો વાંચવા તરલીકા પણ પોતે પ્રેરાયેલા એટલે પુસ્તકો વાંચીવાંચીને લખવાની જીજ્ઞાસા જાગી અને લખવાની શરૂઆત કરી. ધીમે ધીમે લખતાં લખતાં લેખની ઉપર તરલીકાની પક્કડ આવી અને વધુ લેખની માટે ઈશ્વરે પ્રેરણા આપી. નાનીનાની રચનાઓ કરતાં કરતાં પોતે સાબરકાંઠાનાં ઈડરના એક 'તત્ત્વમસિ ' તરીકેનાં ઉપનામ સાથે લેખિકા બન્યાં. તરલીકા (તત્ત્વમસિ)ની લેખનીની વાત કરીએ તો પોતે પ્રેમ વિશે સૌથી વધુ લેખનકાર્ય કર્યું છે. આજના યુવાન- યુવતીઓ માટે પ્રેમ શું છે? પ્રેમ શું કહેવાય? પ્રેમ કોને કરાય? જેવા વિષયો પર ખૂબ નાની મોટી રચનાઓ કરી ચૂક્યાં છે. વાણી અને પાણી પર પોતે લેખન કાર્ય કર્યું છે. તરલીકા (તત્ત્વમસિ) જ્યારે એમ. ફીલ. પાટણમાં કર્યું ત્યારે પોતાનું થીસિસ પોતાના વાંચનના અનુભવે જાતે તૈયાર કર્યું હતું, જેને તેઓ લેખિકા તરીકેના જીવનનો લેખનકાર્ય માટેનો અનેરો અવસર માને છે.
તરલીકા તત્ત્વમસિના જીવનમાં પોતાના પરિવારમાંથી પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે, તેમાં પોતાનાં માતા-પિતા અને ભાઈ બહેન તરલીકાને જીવનમાં કોઈ મોજશોખ બાકી ના રહી જાય તેવાં હેતુથી સંપૂર્ણ સાથ સહકાર અને સપોર્ટ કરેલો છે. તરલીકાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના સમયને પ્રસાર કરવા માટે ગામના બાળકોને ટ્યુશન આપ્યું છે. તેમણે બાળકોને ફક્ત પુસ્તકોનું જ્ઞાન નહીં, પણ ઘાર્મિક જ્ઞાન અને સંસ્કારોનું સિંચન આપેલું છે. આજે એમનાં હાથે અભ્યાસ કરેલા ધણા વિદ્યાર્થીઓ સારી સારી જગ્યાએ નોકરી મેળવીને પોતાના પગ પર ઊભા છે. જ્યારે જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાના માદરે વતન આવે છે ત્યારે લેખિકા તત્ત્વમસિની મુલાકાતે અવશ્ય આવે છે અને ' બહેન ' નાં હુલામણા નામથી તરલીકાને સંબોધે છે. આ છે શિક્ષણની એક આગવી ખૂબી સાથેનો પ્રેમ. તરલીકા (તત્ત્વમસિ) ચાલી શકતાં નથી એવો અફસોસ એમના જીવનમાં ક્યારેય પણ પોતે નથી કયૉ કે નથી પરિવારમાંથી બંને ભાઈઓ એટલે કે ભાઈ ભાવેશ (નાનો) અને મોટાભાઈ નામે પ્રકાશએ ક્યારેય થવા દીધો. બંને ભાઈઓ તત્ત્વમસિને ઊંચકી ઊંચકીને ફયૉ છે અને આજે પણ તેમને ખૂબ સારી રીતે સાચવે છે.
તરલીકા પ્રજાપતિ આજે પોતાના માતાપિતા સાથે રહીને પોતાનો સમય પસાર કરવા માટે એક બુક સ્ટોર ચલાવે છે. પોતાનું સંપૂર્ણ કામ જાતે કરે છે. સાથે સાથે ન ચાલી શકતાં હોવાં છતાં પોતાનાં માતૃશ્રીને કામમાં રસોઈથી લઈને નાના-મોટા ઘરકામમાં મદદરૂપ થાય છે. પોતાના સ્ટોર પર રોજનું લેખનકાર્ય ૩૬૫ દિવસ અવિરત ચાલુ હોય છે. સાથે સાથે વાંચવાનો ક્ર્મ પણ તેમનો હોય છે. તરલીકા (તત્ત્વમસિ)ના લખેલા ઘણા લેખ તેમના સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રસિદ્ધ થયેલા છે. તે ઉપરાંત એમની લેખની હમણાં હમણાંથી દૈનિક પેપરોમાં પ્રસિદ્ધ થવા લાગી છે. તત્ત્વમસિના લેખનકાર્યની વાત કરીએ તો એમને આપવામાં આવેલા કોઈપણ એક શબ્દ ઉપર પોતે પોતાના વિચારો અને વાંચન થકી ખૂબ સુંદર લેખની લખે છે. લેખનકાર્યની દરેક હરીફાઈ (સ્પધૉ)માં તત્ત્વમસિ સૌથી મોખરે હોય છે અને ઘણી બધી ઈ-લેખન સ્પધૉમાં પોતે ભાગ લે છે.
તરલીકા (તત્ત્વમસિ)ના શોખની વાત કરીએ તો તેઓ વિકલાંગ હોવા છતાં પહેરવેશમાં ખૂબ તૈયાર રહેતા હોય છે. રોજ નવા નવા કપડાં અને રોજ નવી હેર સ્ટાઈલ સાથે પોતે હસમુખા ચહેરા સાથે જીવન જીવે છે. તદુપરાંત વાંચવું લખવું એ એમનો મુખ્ય શોખ છે. સાથે સાથે મોતી ભરતમાંથી અવનવી આઈટમો પણ પોતે બનાવે છે. સ્ત્રી શણગાર બનાવવામાં પોતે ખૂબ પ્રખ્યાત છે. જ્યારે પણ તેમને મળો ત્યારે તેમનો હસતો ચહેરો મળનારના ચહેરા પર પણ અનેરું સ્મિત રેલાવી દે છે. પ્રકૃતિ સાથેનો તેમનો અપાર નાતો છે. પોતે વિકલાંગ હોવા છતાં બાગ બગીચો અને પયૉવરણ ઉછેર તેમનો મુખ્ય શોખ રહેલો છે. જ્યારે જ્યારે તરલીકા (તત્ત્વમસિ)ને મળવાનું થાય કે એમને અજાણ્યો માનવી જોવે તો ખબર પણ ના પડે કે તેઓ બંન્ને પગે વિકલાંગ છે. તત્ત્વમસિએ પોતાનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી તરલીકામાંથી તત્ત્વમસિ લેખિકાનું બિરુદ મેળવ્યું છે. જ્યારે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કે દૈનિક સામયિકોના માધ્યમથી એમની લેખની પ્રસિદ્ધ થાયતો વાંચવાનું બીલકુલ ભૂલતા નહીં, કારણકે લેખની માનવીના જીવનને સ્પર્શતી હોય છે. લેખની અંદર માનવજીવન જીવવાનો એક સુંદર સંદેશ તરલીકા (તત્ત્વમસિ) થકી આપેલો હોય છે.
એક બિમારીનો શિકાર બન્યા બાદ બંને પગ ગુમાવી દેનાર જો વિકલાંગ દીકરી પોતાના આદર્શ વિચારો થકી ઉચ્ચ અભ્યાસ કેળવી એક ઉચ્ચ લેખિકાનો જીવતો જાગતું ઉદાહરણ બની જતું હોય તો
આજનો માનવી ઈશ્વરે આપેલા તંદુરસ્ત શરીર સાથે હું શું કરું? નસીબ સાથ નથી આપતું? ઘણા પ્રયત્નો કર્યા છતાં સફળ ના થયો? આ બધાજ પ્રશ્નો સાથે હતાશા અને નિરાશાથી જીવન જીવે છે, ત્યારે તરલીકા (તત્ત્વમસિ) પોતે વિકલાંગ હોવા છતાં જીંદગી ઝિંદાબાદના શબ્દ સાથે કહે છે કે ઈશ્વરે મને ખૂબ સુંદર ચહેરો અને શરીરની અમૂલ્ય ભેટ આપી છે. હું ક્યારેય કોઈને દોષ નથી આપતી ઈશ્વરે આપેલી જીંદગી રોજે રોજ હસતાં ચહેરા સાથે જીવી લઉં છું. કાલે શું થાય? એની ખબર નથી માટે રોજે રોજનો દરેક દિવસ મારા જીવનનો એક અમૂલ્ય દિવસ છે . હું ઈશ્વર થી ખુશ છું અને બીજા મારા જેવા વિકલાંગ વ્યક્તિઓને ખુશ રહેવા પ્રેરણા પૂરી પાડું છું કે દરેક દિવસ આપણો છે?
તરલીકા (તત્ત્વમસિ) સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે પોતાના સજૅન વિચારોથી થયેલી લેખનીનું એક સુંદર મજાનું પુસ્તક પણ પોતે આવનારા સમયમાં પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છે. તરલીકા પ્રજાપતિ એ કહ્યું કે રોજ એક રાત પછી નવો દિવસ હોય છે અને એને અપનાવવો એજ સૌથી મોટું સજૅન કહેવાય છે...સાબરકાંઠાના જાત અનુભવનું નવું જ લેખન સજૅન કરનાર એટલે લેખિકા તરલીકા (તત્ત્વમસિ)ને શ્રેષ્ઠ લેખિકાનું બિરૂદ આપીએ તો પણ ઓછું પડે તેમ છે.
લેખક-: હિરેન પ્રજાપતિ.... રખેવાળ
અરવલ્લીની ગિરિકંદરાઓમાંથી
મારું સપનું એક દિવ્યાંગ ક્રિકેટર બનવાનું છે
જવાબ આપોકાઢી નાખોસફળતા મેળવવા માટે મજબૂત પગ ન હોય તો ચાલશે પણ મજબૂત મનોબળ અચૂક હોવું જોઈએ...
કાઢી નાખોખૂબ જ મજબૂત મનોબળ સાથેની અદભુત જીવન યાત્રા ..
જવાબ આપોકાઢી નાખો