શિયાળાની સવારનો તડકો શાળાના એક વર્ગખંડની બારીમાંથી ડોકિયાં કરી રહ્યો હતો. વિદ્યાર્થીઓ સાહેબના આવવાની રાહ જોઈને બેઠા હતા. પાછલી બેન્ચવાળાં કેટલાંક બાળકો પોતાની મસ્તીમાં મસ્ત હતાં અને કેટલાંક રોજની જેમ અંદરોઅંદર ઝઘડતાં હતાં. એટલામાં વર્ગ શિક્ષક મોહનભાઈ માસ્તર વર્ગમાં પ્રવેશ્યાં. સાહેબના પ્રવેશતાં જ આખો વર્ગ એકદમ શાંત થઈ ગયો. બધાંએ ઊભા થઈને સાહેબનું અભિવાદન કર્યું. મોહનભાઈ માસ્તર વિજ્ઞાન શિક્ષક હતાં પણ શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોને વ્યવહારિક જ્ઞાન પણ પીરસતાં હતા. એમના મુખેથી સદાય જ્ઞાનની રસધારા વહેતી રહેતી અને બાળકો એમાં તરબોળ થતાં રહેતાં. એમની ભણાવવાની રીત ખૂબ અનોખી હતી. તેઓ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં વધુ વિશ્વાસ રાખતા. એટલે જ તેઓ શાળાના સૌથી પ્રિય શિક્ષક હતા. તેમનો તાસ હંમેશા કુતૂહલથી ભરેલો રહેતો.
આજે મોહનભાઈ માસ્તર પોતાની સાથે એક ડબ્બો લઈને આવ્યા હતા. બાળકો અચરજથી જોઈ રહ્યાં હતાં. મોહનભાઈ બોલ્યાં,'જુઓ બાળકો, આજે આપણે જાદુ શીખીશું'. 'વાહ! જાદુ!' બધાં બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યાં. પછી તો સાહેબે બાળકોની આતુરતાને પામી ચૂક્યા હોય એમ તે ડબ્બો બાળકો સામે ધર્યો. બાળકોએ જોયું કે ડબ્બામાં તો નર્યું અંધારું જ હતું. સાહેબે પૂછ્યું, 'બોલો બાળકો, ડબ્બામાં શું દેખાય છે?' 'સાહેબ કંઈ હોય તો દેખાય ને?' મસ્તીખોર રઘલો બોલ્યો. પછી સાહેબે પોતાનાં એક ખિસ્સામાંથી નાનકડો પ્રિઝમ કાઢ્યો. આ પ્રિઝમ એટલે બાળકોને મન તો એક કાચનો ટુકડો જ કહેવાય. સાહેબે એને ડબ્બામાં મૂક્યો અને ડબ્બાની બાજુમાં એક નાનકડું કાણું પાડ્યું. પછી ડબ્બાની ઉપર રહેલી જગ્યામાંથી દરેક બાળકને જોવાનું કહ્યું. બધાં બાળકો એ અનુપમ દૃશ્ય જોઈને આશ્ચર્યચકીત થઈ ગયા. 'વાહ! સાહેબ, તમે તો ડબ્બામાં મેઘધનુષ લઈ આવ્યા!' સાહેબ બોલ્યાં,' હું કોણ છું મેઘધનુષ લાવવાવાળો? આતો કુદરતનું વિજ્ઞાન માત્ર છે.' પછી સાહેબે વિધિસર બાળકોને એનું રહસ્ય સમજાવ્યું.
'તો મારા વ્હાલા વિદ્યાર્થીઓ, આ પ્રયોગ દ્વારા આપણે સમજ્યાં કે પ્રકાશનું કિરણ જ્યારે પાતળાં માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય ત્યારે પ્રકાશનું એના ઘટક રંગોમાં વિભાજન થઈ જાય છે. આમ પ્રકાશ એ મેઘધનુષના જુદા જુદા સાત રંગોનો બનેલો છે. એ જ રીતે આ જ સાત રંગો જ્યારે એક જગ્યાએ ભેગા થઈ જાય ત્યારે એ પ્રકાશનું મૂળ રૂપ ધારણ કરે છે. ' એક ટેણીયો બોલ્યો, ' અરે વાહ! સાહેબ, તમે તો મેઘધનુષ જેવી અઘરી ઘટના એકદમ સહેલાઈથી સમજાવી દીધી. હવે તો આ પ્રકરણ વાંચવાની પણ જરૂર નથી. મસ્ત યાદ રહી ગયું.'
સાહેબ થોડાં મલક મલક હસ્યાં અને કહ્યું, ' આ તો થઈ ભણવાની વાત, પણ આપણને આ ઘટનાથી શી શીખ મળે એ કોઈને ખબર પડી?' ' હવે આમાં શી શીખ મળે સાહેબ? આ પ્રયોગ જીવનમાં થોડો કામ લાગે? ખાલી ખબર પડી કે મેઘધનુષ શાને રચાય બસ.' ' એવું નથી બાળકો, વિજ્ઞાન જ નહિ, કુદરતમાં ઘટતી દરેક ઘટના આપણને એક શીખ આપી જાય છે. જુઓ, આપણા દેશમાં કરોડો લોકો રહે છે. આપણે બધાં અલગ-અલગ જાતિ, ધર્મ, પંથ, સંપ્રદાયને માનતા લોકો હળીમળીને રહીએ છીએ. બધાનાં રીતરિવાજો અને માન્યતાઓ અલગ છે. બધાની ધરમધજા અલગ છે. બિલકુલ આ મેઘધનુષના સાત રંગોની જેમ. પણ જ્યારે આ સાત રંગો એકબીજામાં ભળી જાય છે તો પ્રકાશનું રૂપ ધારણ કરે છે. એ પ્રકાશ જે આપણને સાચી દિશા આપે છે, એ પ્રકાશ જે જગને જગાડે છે, એ પ્રકાશ જે અંધકારને દૂર કરીને ઉજાસ પાથરે છે. બધા રંગોનાં ભળવાથી બનતા પ્રકાશનો રંગ સફેદ હોય છે અને સફેદ રંગ એ શાંતિનો પ્રતીક છે. એટલે કે જ્યાં બધાં સંપીને રહેતાં હોય ત્યાં શાંતિ અને સમૃદ્ધિ છલકાતી હોય છે.' સાહેબની આવી અમૂલ્ય શીખને બધાં બાળકોએ જીવનમાં ઉતારીને ક્યારેય નકામા લડાઈ-ઝઘડામાં ન પડવાનો પ્રણ લીધો.
લેખક: - પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)
વાહ
જવાબ આપોકાઢી નાખોખૂબ ખૂબ આભાર આપનો
કાઢી નાખો