ચૂંટણી:- લોકશાહીનું મહાપર્વ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 26 નવેમ્બર, 2022

ચૂંટણી:- લોકશાહીનું મહાપર્વ

  


        ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અહીં ચૂંટણી એક તહેવારની જેમ ઉજવાય છે. ચૂંટણીનો શંખનાદ ફૂંકાય કે તરત રસ્તાઓ પર નેતાઓ અને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળે છે. ગામના ચોકે ને શેરીઓના નાકે, ખાસ કરીને ચાની ટપરીઓ પર રાજનીતિની વિશેષ ચર્ચા જોવા મળે છે. કોઈ નેતાને કેમ વોટ આપવો કે ન આપવો એ વિશેની રસપ્રદ ડીબેટ્સ જોવા અને સાંભળવા મળે છે. બધાનાં અલગ અલગ મંતવ્યો હોવા એ લોકશાહીની ખાસિયત છે. કોઈને મોંઘવારી, બેરોજગારી, ગરીબી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ સ્પર્શે છે, તો કોઈ ધર્મ, જાતિવાદ, વ્યક્તિપૂજા, પરંપરાગત વિચારશૈલી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપે છે. અહીં દરેક વ્યક્તિના મતની કિંમત દેશ કે રાજ્યનાં ભવિષ્યનું ઘડતર કરવામાં પાયાનું કામ કરે છે.


      કોઈ ઘરમાં પાંચ વ્યક્તિઓ હોય તો એ દરેક કોઈ એક મુદ્દા પર એકસરખા વિચારો નથી ધરાવતાં. દરેકના વિચારો અને મુદ્દાને સમજવાની ક્ષમતા જુદી જુદી હોય છે. અહીં દરેક વ્યક્તિ ઘરની સુખાકારી ઈચ્છે છે, પરંતુ દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે તેના દરેક મુદ્દા પર સહમત થાય એ જરૂરી નથી. લોકશાહીનું પણ આવું જ છે. જો ઘરનાં પાંચ વ્યક્તિઓ એકબીજાથી સહમત ન થતા હોય તો 130 કરોડથી પણ વધુ વસ્તી ધરાવતો આ દેશ કોઈ એક જ વિચારસરણી સાથે કઈ રીતે સહમત થાય...? અહીં દરેક વ્યક્તિ પોતાની અલગ વિચારસરણી ધરાવે છે. તેની પાસે વ્યક્તિગત અને વૈચારિક સ્વતંત્રતા છે. જરૂરી નથી કે એ એના પાડોશી કે મિત્રની વાત સાથે સહમત થાય જ. એને કોઈ બીજા પક્ષની વિચારસરણી ગમતી હોય તો એ એને મત આપે. દરેકને પોતાની વાત રજૂ કરવાનો હક છે. દરેકને પોતાની રીતે મત આપવાનો અબાધિત અધિકાર છે. તમારા પસંદના નેતાને તમારો મિત્ર કે ભાઈ પણ પસંદ કરે એવો આગ્રહ રાખવો એ નરી મૂર્ખામીથી વિશેષ કાંઈ નથી. આ પ્રકારની વિચારશૈલીને કારણે વર્ષો જૂના સંબંધો પળવારમાં નાશ પામતાં હોય છે. આવી વિચારશૈલી સરમુખત્યારશાહી દેશોમાં હોય છે, જ્યાં બધાં લોકો એક જ વ્યક્તિની વાતને સમર્થન આપવા માટે બંધાયેલાં હોય છે, ભલે પછી એમને ગમે કે ના ગમે પણ વાત માનવી જ પડે.


       મહાન ગ્રીક ચિંતક પ્લેટો એ કહ્યું હતું કે, "રાજકારણમાં ભાગ નહીં લેવો એનો દંડ હોય છે કે, તમારે નાપસંદ લોકોનું શાસન સહન કરવું પડે છે." કેટલાંક લોકો પોતાને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખીને પોતાની જાતને બીજા કરતાં વિશેષ અને હોશિયાર દેખાડવાનો દંભ કરતાં હોય છે. આવા લોકોને પોતાના ધારાસભ્ય કોણ છે એની ખબર પણ નથી હોતી અને કાંઈ પણ અજુગતું થાય તો સરકારને ફરિયાદ કરવા ઉપડી જાય છે. ફરિયાદ કરવી જોઈએ એમાં ના નહિ, પરંતુ જ્યારે તમને સરકાર નક્કી કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો ત્યારે તો તમે નાકનું ટીચકું ચડાવી દેતાં હતાં અને હવે ફરિયાદ કરવા નીકળ્યાં છો, એ કંઈ રીતે વાજબી કહેવાય? કેટલાંક ગામોમાં લોકોએ પોતાનાં કામ ન થવાથી ચૂંટણી બહિષ્કારનાં બેનરો લગાડ્યાં છે. ચૂંટણીનો બહિષ્કાર કરવાથી શો ફરક પડવાનો? તમે મતદાન ન કરો તો તમને નાપસંદ નેતા ફરીથી આવી જશે. પછી શું કરશો? ચૂંટણી જ એક એવો અવસર છે કે જ્યારે એક સામાન્ય વ્યક્તિનાં હાથમાં સરકાર બદલવાની અને તેને ઝૂકાવવાની તાકાત આવી જાય છે. એટલે તો પાંચ વર્ષથી દેખાં ના દેતાં નેતાઓ ગરીબની ઝૂંપડી ને ગામની શેરીએ મતની ભીખ માગતાં જોવા મળે છે.


     અબ્રાહમ લિંકન કહેતા હતા કે, "બેલેટ એ બુલેટથી વધુ મજબૂત છે." જે બુલેટ ના કરી શકે તે બેલેટ કરી શકે છે માટે મત તો આપવો જ જોઈએ. મત આપવા માટે નાગરિકો પુખ્ત (મેચ્યોર) હોય એ અનિવાર્ય છે. એનામાં સમજ હોવી જરૂરી છે કે તે તેના નેતામાં શું જોઈને મત આપે છે. કારણ કે તેનો મત દેશ કે રાજ્યના ભવિષ્યનો પાયો ઘડે છે. જો કોઈ ભ્રષ્ટ નેતાના હાથમાં સત્તા આવી જાય તો દેશ દસ વર્ષ પાછો ઠેલાઈ જાય. ભ્રષ્ટ નેતા બધું જ તના-ફના કરી નાખે અને દેશ કે રાજ્યનું પતન નોતરે છે. માટે જ મત આપનાર નાગરિક મેચ્યોર હોય એ પણ જરૂરી છે. કારણ કે, "મેચ્યોર રાજનીતિજ્ઞ એ લોકશાહીની કરોડરજ્જુ સમાન હોય છે- અબ્રાહમ લિંકન."


     જ્યારે દેશનું બંધારણ ઘડાઈ રહ્યું હતું ત્યારે ડૉ બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે, "આપણા દેશમાં વ્યક્તિ પૂજા એક મહામારી છે. આપણાં નેતાઓની પ્રશંસા કરવી ખરાબ નથી, પરંતુ તેમના હાથમાં સત્તા આપીને આંખો બંધ કરી દેવી તે લોકશાહી માટે યોગ્ય નથી." આપણો પ્રિય નેતા કોઈ સારું કામ કરે તો એની પ્રશંસા અવશ્ય કરવી જોઈએ, પણ જ્યારે તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો એ ભૂલને છાવરવાને બદલે તેનું ધ્યાન દોરવું જોઈએ. નેતા કોઈ ભૂલ કરે તો તેનો વિરોધ પણ થવો જ જોઈએ. આમાં લાગણીનાં બંધનમાં ન બંધાવું જોઈએ. લોકશાહીમાં લોકોએ થોડું ઘણું સ્વાર્થી બનવું જરૂરી છે એટલે કોઈ પણ ભાવનાત્મક દબાણ ને વશ ન થઈને, સમજી-વિચારીને યોગ્ય વ્યક્તિને મત આપવો એ દરેક પુખ્ત નાગરિકની ફરજ છે. 


      મહાત્મા ગાંધી કહેતાં હતા કે, "હું લોકશાહીને કંઈક એવું સમજુ છું કે નબળા લોકોને પણ સશક્તો જેટલી જ તાકાત આપતી શાસન વ્યવસ્થા." તલવારની ધાર ગમે તેટલી ધારદાર કેમ ન હોય, પણ જો એનો હાથો નબળો હશે તો દુશ્મનના એક જ પ્રહારથી તે તૂટી જશે. આવી તલવાર લઈને યુદ્ધ ના કરાય. આખી તલવાર મજબૂત હોય તો દુશ્મનના ગમે તેવા વાર સામે પણ તે ટકી શકે. આજે દેશના ફક્ત એક ટકા અમીરોના હાથમાં દેશની સિત્તેર ટકા સંપત્તિ છે. અમીર વધારે અમીર અને ગરીબ વધારે ને વધારે ગરીબ થતો જાય છે. દેશનો સશક્ત વર્ગ ઘણો સશક્ત છે, માટે જ્યારે દેશનો ગરીબ, શોષિત અને નબળો વર્ગ પણ સશક્ત બનશે ત્યારે દેશ ખરાં અર્થમાં સુપરપાવર બનશે. આ વાત દેશના નાગરિકોની સાથે સાથે નેતાઓએ પણ સમજવા જેવી છે.

                                                       લેખક:- પાર્થ પ્રજાપતિ

                                                        (વિચારોનું વિશ્લેષણ)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...