દીપ પ્રાગટ્ય - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2022

દીપ પ્રાગટ્ય

  


        અંધકારમાંથી અજવાસ તરફ લઈ જતો તહેવાર એટલે દિવાળી. અમાસની ઘોર અંધારી રાત્રે આવતો આ તહેવાર એ દર્શાવે છે કે જીવનમાં ગમે તેટલો અંધકાર કેમ ન વ્યાપો હોય, પણ એ અંધકારને દૂર કરવા માટે શ્રદ્ધાનો એક દીવો પૂરતો છે. દીવો એ જ્ઞાનનું પ્રતિક છે. અજ્ઞાનના અંધકારને નાથવા માટે જ્ઞાનનો એક દીવો હંમેશા ઝળહળતો રાખવો જોઈએ. અંતરમાં એક દીવો પ્રદીપ્ત રાખો જે તમને સાચો માર્ગ દર્શાવે અને ખોટા રસ્તે ચઢતાં અટકાવી જાય.         

           હિન્દુ સનાતન ધર્મમાં દીપકનું અનેરું મહત્ત્વ છે. દીપક એ પરબ્રહ્મનું પ્રતિક છે. એનું મહત્ત્વ આંકવામાં ભૂલ ન કરવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે,

शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा ।

शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते ॥

दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दन: ।

दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तुते ॥

અર્થાત્ :-  હે દીવાની જ્યોત, તું શુભ તથા કલ્યાણકારી છે તેમજ આરોગ્ય અને ધન સંપત્તિ આપે છે. કોઈને પણ શત્રુ સમજવાની બુદ્ધિનો નાશ કરે છે. માટે હું તને નમન કરું છું.

              દીવાની જ્યોત પરબ્રહ્મ છે. દીપ જ્યોતિ જગતના દુઃખો હરનાર દેવ સમાયેલાં છે. દીવો મારા પાપ દૂર કરો. હે દીપ જ્યોતિ, તમને મારા વારંવાર નમસ્કાર છે.

               ઘરે પણ રોજ દીપ પ્રગટાવતાં સમયે આ મંત્રોનો ઉચ્ચાર કરવો જોઈએ. દીવા વગર દિવાળી અધૂરી છે. તમે ગમે તેટલી મીણબત્તીઓ સળગાવો કે લાઈટિંગ કરો પણ જ્યાં સુધી દીવો ના પ્રગટાવો ત્યાં સુધી દિવાળી જેવું ના લાગે. દિવાળીની ખરીદી માટે એમેઝોન જેવી ઑનલાઇન શોપિંગ એપ પર ઘણી ઑફર જોવા મળશે. એ ઓફરથી લલચાઈને આપણે દિવાળીની ખરીદી ઑનલાઇન કરવા માંડી છે. આમ કરવાથી તમારા ઘરમાં તો દિવાળી થશે, પણ તમારા ગામ કે શહેરમાં, તમારી આજુબાજુ વર્ષોથી આવેલી દુકાનો અને બીજા અનેક વ્યાપારીઓની દિવાળી તમે ક્યાંથી ખરીદી કરો છો એના પર નભે છે. રોજ નાની નાની વાતમાં આપણે એમની દુકાને દોડી જઈએ છીએ અને જ્યારે દિવાળી આવે તો ખરીદી કરવા માટે મોબાઈલમાં ઑનલાઇન શોપિંગની ઑફર શોધીએ છીએ. આ વખતે દિવાળીની ખરીદી આપણા ગામ કે શહેરમાં આવેલી દુકાનોમાંથી કરીએ અને એમના ઘરમાં પણ દિવાળીની રોશની પહોંચાડીએ, તો જ ખરા અર્થમાં દિવાળી કરી કહેવાય. 

            દિવાળીમાં દીવા પણ માટીનાં જ હોવા જોઈએ. પ્લાસ્ટિકના દીપકમાં દીવો કરવો એ આપણી સંસ્કૃતિ નથી. આ તો આપણી સંસ્કૃતિની ઘોર અવગણના છે. દીવો માટીનો જ હોવો જોઈએ. આ વખતે દીવાની ખરીદી પણ કુંભારને ત્યાંથી કરીને એના ઘરમાં પણ દિવાળીનો પ્રકાશ પહોંચતો કરીએ. 'તારા ઘરે પણ દિવાળી ને મારા ઘરે પણ દિવાળી, ત્યારે થાય આપણી દિવાળી' આવી ભાવના વિકસાવીએ અને દિવાળીનો તહેવાર ઉજવીએ. દિવાળીના તહેવારની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

                                                  લેખક :- પાર્થ પ્રજાપતિ

                                                  ( વિચારોનું વિશ્લેષણ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...