લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 18 એપ્રિલ, 2021

લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ

 


                લોકશાહી શબ્દ સાંભળતાં જ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનું એક પ્રસિદ્ધ વાક્ય યાદ આવે કે, લોકશાહી એટલે " લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. " લોકશાહી વિશે ઘણાં પુસ્તકો લખાયાં છે અને ઘણું કહેવાયું છે એટલે આજના મારા આ લેખનો આશય વાંચક મિત્રોને લોકશાહી વિશે સમજાવવાનો જરાય નથી. છતાં પણ લોકશાહી વિશે ટૂંકમાં કહું તો, લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો દ્વારા શાસન ચાલતું હોય છે. હવે દરેક વ્યક્તિ પોતાનો કામ-ધંધો છોડીને નેતાગીરી તો ન કરી શકે, એટલે જે તે મતવિસ્તારના લોકો પોતાનો એક પ્રતિનિધિ ચૂંટીને રાજ્યની વિધાનસભા કે દેશની સંસદમાં મોકલે છે. જ્યાં તે પ્રતિનિધિ પોતાના મતવિસ્તારની જનતાના પ્રશ્નો વિશે સરકારનું ધ્યાન દોરે છે. જો તે પ્રતિનિધિ સત્તાપક્ષમાં હોય તો રાજ્યની વિધાનસભા કે દેશની સંસદમાં કોઈ પણ વિધેયક પસાર કરતી વખતે સરકારને ટેકો આપે છે. જો તે પ્રતિનિધિ વિરોધ પક્ષમાં હોય તો યોગ્ય તર્ક-વિતર્ક રજૂ કરી જે તે વિધેયકમાં રહેલી ખામીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરે છે. જો સરકાર તે ભલામણ માન્ય ન રાખે તો જે તે વિધેયકનો વિરોધ કરે છે. હવે તમે વિચારો કે તમારા ચૂંટેલાં ધારાસભ્યે કે મંત્રીએ તમારા પ્રશ્નોની કેટલી ચિંતા કરી? જો જવાબ  હકારાત્મક  હોય, તો તમે યોગ્ય વ્યક્તિને પોતાના નેતા તરીકે પસંદ કર્યો છે.


                મજબૂત લોકશાહી માટે મજબૂત વિપક્ષનું હોવું અનિવાર્ય છે. જેનો દેશમાં આજની તારીખે સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. એક નિષ્ફળ વિપક્ષ નિષ્ફળ લોકશાહી માટે જવાબદાર છે. લોકશાહીમાં સત્તાપક્ષ વહીવટ સંભાળે છે અને વિપક્ષ જનતાનો અવાજ બને છે. આ પરથી કહી શકાય કે સરકારે હંમેશા વિપક્ષની વાત સાંભળવી જોઈએ અને જો યોગ્ય લાગે તો તેનો અમલ પણ કરવો જોઈએ.

લોકશાહીમાં લોકભાગીદારીનું મહત્ત્વ

                જો સત્તાપક્ષ અને વિપક્ષ બંને લોકશાહીરૂપી ગાડીનાં બે પૈડાં હોય તો લોકો તેના ડ્રાઇવર છે. કોઈ પણ દેશની લોકશાહી લોકભાગીદારી વગર સફળ નથી થઈ શક્તી. જો તમે એક લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતાં દેશમાં જન્મ્યાં હોવ, તો પોતાની જાતને ક્યારેય તુચ્છ ન સમજો. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો જ શાસનનું મુખ્ય કેન્દ્ર હોય છે. લોકશાહીમાં જનતા જ સર્વોપરી હોય છે અને સરકાર તથા તેના અધિકારીઓ જનતાના સેવક હોય છે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી ઘણી વાર જાહેરમાં પોતાને પ્રધાનસેવક તરીકે કહેતાં જોવા મળે છે. પરંતુ શું આજે એક સામાન્ય માણસ પોતાને લોકશાહીનું મુખ્ય અંગ સમજી શકે છે? તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાવ, ત્યાં અરજીઓ લઈને ઊભેલાં સામાન્ય માણસોને પૂછો કે તમે પોતાને માલિક અને ઑફિસમાં બેઠેલાં પેલાં સરકારી અધિકારીને તમારો સેવક સમજો છો? દરેક કચેરી બહાર ઊભેલો સામાન્ય વ્યક્તિ પોતાની જાતને સેવક તરીકે અને અધિકારીને માલિકની જેમ જુએ છે. આ જ આજની કડવી વાસ્તવિકતા છે.

                The Economic Intelligence Unit દર વર્ષે વિશ્વના દેશો પર વિસ્તૃત અભ્યાસ કરીને  લોકશાહી સૂચકાંક બહાર પાડે છે. તેના લોકશાહી સૂચકાંક ૨૦૨૦ના અહેવાલ  પ્રમાણે વિશ્વના ૧૬૭ દેશોમાંથી ભારતનો રેન્ક ૫૩મો અને નોર્વે પહેલાં નંબરે છે. ભારત કરતાં નોર્વેની લોકશાહી આટલી વધુ સશક્ત કઈ રીતે? તે પ્રશ્નનો જવાબ આપતો એક કિસ્સો હાલમાં જ નોર્વેમાં બન્યો. નોર્વેની સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દસથી વધુ લોકોને એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ નાખી દીધો હતો. તે જ અરસામાં નોર્વેના વડાપ્રધાને પોતાના જન્મદિવસની પાર્ટીમાં પોતાના મિત્રોને આમંત્રણ આપ્યું. પાર્ટીમાં માત્ર તેર જ લોકો હતા. નિયમ કરતાં માત્ર ત્રણ જ વધારે. છતાં પણ ત્યાંની પોલીસે નોર્વેના વડાપ્રધાનને ૧.૭૫ લાખ રૂપિયા ( ૨૦,૦૦૦ નોર્વેજીયન ક્રોન )નો દંડ ફટકાર્યો. સવાલ પૂછતાં, ત્યાંની પોલીસે જણાવ્યું કે, વડાપ્રધાન એ દેશની આદર્શ વ્યક્તિ છે. જો તેઓ પોતે નિયમનું પાલન નહિ કરે તો સામાન્ય જનતા પાસે શું આશા રખાય! આ છે નોર્વે અને આ છે ત્યાંની લોકશાહી. એટલે જ નોર્વે લોકશાહી સૂચકાંકમાં આપણા કરતાં આટલું આગળ છે. આપણે ત્યાં કાયદા કે નિયમના ભંગ બદલ કોઈ સામાન્ય ધારાસભ્યનું પણ ચલણ કપાયું છે? અને જો કોઈ હિંમતવાન અધિકારી ચલણ કાપી પણ લે તો તેના પછી કેવો હોબાળો થાય છે એ બધી બાબતોથી આપણે ક્યાં અજાણ નથી!

                એક મૂર્તિકાર ખૂબ સરસ મૂર્તિઓ બનાવતો હતો. મૂર્તિ બનાવ્યાં બાદ તે પોતાના એક મિત્રને તે મૂર્તિ વિશે પૂછતો કે તેને મૂર્તિમાં કોઈ ખામી જેવું દેખાય છે કે નહિ, અથવા કોઈ સુધારો કરવા જેવો હોય તો બતાવે. પરંતુ મિત્ર પોતાના મિત્રને ખામી બતાવતાં ડરતો હતો કે તેના મિત્રને ક્યાંક ખોટું ન લાગી જાય. એટલે તે તેને એમ જ કહેતો કે તે ખૂબ સરસ મૂર્તિ બનાવી છે. જ્યારે તેણે પોતાના બીજા મિત્રને મૂર્તિ બાબતે પૂછ્યું, તો તેના બીજા મિત્રએ નિખાલસતાથી મૂર્તિમાં કરવા જેવા સુધારા વિશે જણાવી દીધું અને તેની ખામી વિશે પણ અવગત કરી દીધો. તેના મિત્રને શરૂઆતમાં દુઃખ થયું કે તેનાથી સારી મૂર્તિ ન બની શકી, પરંતુ જ્યારે તેણે તેના મિત્ર દ્વારા સૂચવવામાં આવેલાં સુધારા કર્યા તો મૂર્તિ પહેલાં કરતાં પણ વધારે સુંદર બની ગઈ અને તેને પહેલાં  જે મૂર્તિની કિંમત હતી તેના કરતાં દસ ગણી વધુ કિંમત મળી. અહીં કહેવાનું તાત્પર્ય એ જ છે કે લોકશાહીમાં સરકાર એ મૂર્તિકાર છે જે દેશમાં સુશાસન લાવવા પ્રયત્નશીલ છે; જ્યારે જનતા એ મૂર્તિકારના બીજા મિત્રની જેમ સરકારને યોગ્ય સૂચન કરીને સુશાસનમાં સહભાગી થવાનું છે. જનતાની ભાગીદારી વગર લોકશાહીની સફળતા શક્ય નથી. દરેક વાતમાં હા માં હા જ મેળવે એ નહિ, પરંતુ દરેક વાતને સમજીને યોગ્ય પ્રતિભાવ આપે એ જ સાચો મિત્ર. જનતાએ સરકારના આવા મિત્ર બનીને પોતાની ચૂંટેલી સરકારને સહયોગ કરવો જોઈએ અને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે યોગ્ય સૂચન કરવું જોઈએ. આમ કરવાથી તમે સરકારનું અને દેશનું બંનેનું ભલું કરી રહ્યા છો એમ જ સમજો.

         આપણો દેશ ખૂબ લાગણીશીલ દેશ છે. આપણા દેશના લોકો પોતાના નેતાઓને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ સાચો પ્રેમ તો ત્યારે જ કહેવાશે જ્યારે તમે તમારા નેતાને યોગ્ય સલાહ-સૂચન આપી સુશાસન સ્થાપવામાં મદદરૂપ થશો. જે ઘરમાં લોકો એકબીજાનું ભલું ઇચ્છતાં હોય ત્યાં રોક-ટોક અને ટીકા-ટીપ્પણી તો થવાની જ છે. પરંતુ જ્યાં પ્રેમ નથી અને કોઈને તમારા કોઈ પણ કામથી કોઈ જ ફરક નથી પડતો ત્યાં કોઈ રોક-ટોક નહિ હોય. તમે ભલે ઊંડા ધરામાં પડો તો પણ કોઈને કાંઈ ફરક નહિ પડે. આજના ટેક્નોલોજીના યુગમાં આપણે આપણા કોઈ પણ નેતાને યોગ્ય સલાહ-સૂચન મોકલી શકીએ છીએ. આજે સરકાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સીધા સંપર્કમાં છે. કોઈ પણ જાગૃત નાગરીક, ક્યાંય પણ ખોટું થતું જોશે તો સરકારશ્રીનું ધ્યાન દોરતાં એક પળનો પણ વિચાર નહિ કરે.


                છેલ્લે અબ્રાહમ લિંકનનું એક પ્રસિદ્ધ વાક્ય યાદ આવે છે કે, લોકશાહીનો સ્વાદ ટીકા કરવાની સ્વતંત્રતામાં રહેલો છે. જ્યાં ટીકા કરવાની સ્વતંત્રતા ન હોય ત્યાં લોકશાહી વધુ સમય સુધી જીવંત રહી શકે નહિ. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ ટીકા કરે તો પહેલાં તેના ટીકા કરવાનું કારણ જાણો. કાંઈ પણ સમજ્યાં કે વિચાર્યા વગર કોઈના પર તૂટી પડવું એ લોકશાહી માટે ખૂબ હાનિકારક છે. આપણા દેશમાં રામરાજ્યની પરિકલ્પના વર્ષોથી થતી આવી છે. જે પણ લોકો રામાયણ વિશે જાણતાં હશે, તેમને ખબર જ હશે કે રામરાજ્યમાં એક સધારણ વ્યક્તિના મતનું પણ એટલું મૂલ્ય હતું કે પ્રભુ શ્રીરામે તે વ્યક્તિના મતનું માન રાખીને પોતાની પત્નીનો ત્યાગ કરી દીધો હતો. કોઈ પણ દેશ તેના નાગરિકોથી બને છે અને દરેક નાગરિકના મત ( અભિપ્રાય )નું મૂલ્ય અમૂલ્ય હોય છે. એને ક્યારેય પણ અવગણવું જોઈએ નહિ. બદલામાં દરેક નાગરિકની પણ ફરજ છે કે તે પોતાની ફરજો નિભાવે અને સરકારશ્રીના આદેશોનું અને નિયમોનું પાલન કરીને સુશાસન સ્થાપવામાં સહાયક થાય...  

   પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...